૨૪ શ્રીકૃષ્ણ ભગવાને કરાવેલો ગોવર્ધન મહોત્સવ.

Submitted by swaminarayanworld on Mon, 16/11/2015 - 5:24pm

અધ્યાય ૨૪

શ્રીકૃષ્ણ ભગવાને કરાવેલો ગોવર્ધન મહોત્સવ.

શુકદેવજી કહે છે- પછી બલરામની સાથે વ્રજમાં રહેતા ભગવાને એક દિવસ ગોવાળોને ઇંદ્રનો યજ્ઞ કરવાનો ઉદ્યમ કરતા જોયા. ૧  સર્વના આત્મા અને સર્વજ્ઞ ભગવાન પોતે જાણતા હતા તોપણ તેમણે નંદાદિક વૃદ્ધ ગોવાળોને નમ્રતાથી પૂછ્યું કે- હે પિતા ! આ તમો શું કરો છો ? તે મને કહો. આ કોઇ યજ્ઞને માટે ધામધૂમ હોય તો તેનું શું ફળ છે ? તેના દેવતા કોણ છે ? અને કયા સાધનથી તે યજ્ઞ થાય છે ? હે પિતા ! હું સાંભળવાને ઇચ્છુ છું, તો મને આ વાત કહો. તમને કોઇ મોટો મનોરથ દેખાય છે ? (નંદરાય કાંઇ બોલ્યા નહિ તોપણ ભગવાન કહે છે)સર્વ પદાર્થમાં આત્મદૃષ્ટિ રાખનાર સાધુ પુરુષોને કાંઇ પણ ગુપ્ત રાખવા યોગ્ય હોતું નથી. ૨-૪  સાધુઓને મિત્ર, ઉદાસીન કે શત્રુ હોતો નથી. તેથી તેને પોતાનો કે પારકો એવી દૃષ્ટિ હોય જ નહીં. કદાચ ભેદ દૃષ્ટિ હોય તોપણ ઉદાસીનતાને શત્રુની પેઠે છોડી દેવી જોઇએ, પરંતુ જે મિત્ર હોય તેતો પોતા તુલ્ય જ છે, તેથી તેને વિચારમાં સાથે લેવો જ જોઇએ. ૫  માણસો સમજીને અને સમજયા વગર પણ કર્મ કરે છે. તેઓમાં સમજીને કર્મ કરનારને જેવી સિદ્ધિ થાય છે તેવી ગાડરિયા પ્રવાહની પેઠે સમજયા વિના કરનારને થતી નથી. ૬  પ્રથમ તો તમે આ જે ક્રિયા કરવાનું ધારો છો તે શાસ્ત્ર રીતિ પ્રમાણે છે કે લોકની રીત પ્રમાણે છે ? આ વાત જે મેં પૂછી તેનો ઉત્તર તમો મને આપવાને યોગ્ય છો. ૭

નંદરાય કહે છે- ઇંદ્ર મહારાજ મેઘરૂપ છે, કેમકે મેઘ તેમની પ્રિય ર્મૂતિઓ છે, એ મેઘ પ્રાણીઓને તૃપ્તિ અને જીવન આપનાર જળને વરસાવે છે, માટે તે મેઘોના સ્વામી અને મહાસમર્થ ઇંદ્ર મહારાજનું અમે તથા બીજાં માણસો પણ ઇન્દ્રે વરસાવેલા જળ વડે તૈયાર થયેલા પદાર્થો વડે કરેલા યજ્ઞમાં પૂજન કરીએ છીએ, અને પૂજન કરતાં જે વધે છે તેથી ધર્મ, અર્થ અને કામની સિદ્ધિને માટે પોતાની આજીવિકા કલ્પીએ છીએ, એકલા ખેતી આદિ પુરુષાર્થથી કાંઇ થતું નથી, મેઘ જ પુરુષાર્થનું ફળ આપનાર છે. ૮-૧૦  આ ધર્મ જૂની વૃદ્ધ પરંપરાથી ચાલ્યો આવે છે. તેને કામથી, લોભથી, ભયથી કે દ્વેષથી જે માણસ છોડી દે તેનું કલ્યાણ થાય નહિ. ૧૧  શુકદેવજી કહે છે- આ પ્રમાણે નંદરાયનું અને બીજા ગોવાળોનું વચન સાંભળી, શ્રીકૃષ્ણે માત્ર ઇંદ્રને ક્રોધ ચઢાવી તેનો ગર્વ ઉતારવા સારુ નંદરાયને આ પ્રમાણે કહ્યું. ૧૨

ભગવાન કહે છે- જીવ પોતાના કર્મથી જ જન્મે છે, મરે છે અને સુખ દુઃખ, ભય તથા કલ્યાણને પણ કર્મથી જ પામે છે. માટે દેવતાઓ કર્મના ફળ આપે છે એમ માનવું યોગ્ય નથી. ૧૩  પૂર્વ મીમાંસાની રીતિ પ્રમાણે કર્મજ સીધે સીધું ફળ આપે છે, આવો નિશ્ચય છે, તેમાં વચ્ચે દેવોને લેવાની કોઇ જરૂર નથી. પણ કેટલાકના માનવા પ્રમાણે કોઇ દેવ, જીવોએ કરેલાં કર્મનાં ફળ આપે છે એમ ઘડી ભર સ્વીકારીએ, તોપણ દેવ કર્મોને પરતંત્ર થયા; કેમકે કર્મ કરનારને જેવું કર્મ કર્યું હશે તેવું ફળ તે આપી શક્શે, પણ કર્મ નહિ કરે તેને તે કાંઇ પણ આપી શકવાના નથી. ૧૪  આ ઉપરથી આપોઆપ સિદ્ધ થાય છે કે ફળની સિદ્ધિતો કર્મથી જ છે, માટે દેવ કર્મને પરતંત્ર રહેવાને લીધે બકરીના ગળાના આંચળ જેવા વ્યર્થ છે, એમાં દેવનું કાંઇ કામ નથી. અહીં જે ઇંદ્ર પોતપોતાના કર્મોને અનુસરનારા  પ્રાણીઓનાં પૂર્વજન્મના સંસ્કારે જ કરાવેલાં કર્મને ફેરવી નાખવાને અસમર્થ છે, એવા ઇન્દ્રનું શું કામ છે? ૧૫  લોકો પોતાના પૂર્વ સંસ્કારને આધીન હોવાથી તેને જ અનુસરે છે. અને દેવ, અસુર તથા મનુષ્યો સહિત આ સઘળું જગત્ પૂર્વસંસ્કારમાંજ રહેલું છે, માટે દેવો પણ પૂર્વ સંસ્કારને આધીન છે. કર્મની પ્રવૃત્તિ પણ સંસ્કારાધીન છે, તો તે પ્રવૃત્તિમાં અંતર્યામી ઇશ્વરની પણ કોઇ અપેક્ષા નથી. ૧૬ પૂર્વસંસ્કારે થતું કર્મ જ સર્વેનું કારણ છે માટે કર્મને જ પૂજવું જોઇએ. જીવ કર્મથી જ ઊંચા નીચા દેહ પામીને પાછા કર્મથી જ તેઓને છોડી દે છે. ઇશ્વર છે એ પણ સર્વસ્વ કર્મ જ છે. પ્રથમ શત્રુ હોય અને પાછળથી મિત્ર જોવામાં આવે છે, અને પ્રથમ મિત્ર હોય અને પાછળથી ઉદાસીન જોવામાં આવે છે, એ પણ કર્મથી જ થાય છે. ઇશ્વર સર્વસ્વ કર્મ છે. માટે પૂર્વસંસ્કારને આધીન રહીને કર્મ કરનારાએ પોતાના કર્મનું જ પૂજન કરવું જોઇએ. દેવતાઓને ઉદેશીને દ્રવ્યનો ત્યાગ કરવો. એ જ કર્મ છે. માટે દેવતાઓ વિના કર્મની સિદ્ધિ કેમ થશે ? એમ તમારા મનમાં હોય તોપણ તે દેવતાઓ કર્મના અંગભૂત ઠરે છે, પણ મુખ્ય તો કોઇ રીતે ઠરતા નથી. ઇશ્વરને કર્મનાં ફળ આપનાર સમજવામાં પણ ઉપર પ્રમાણે તેને કર્મમાં અંગપણું આવે છે. વાસ્તવિક વિચાર કરો તો જેથી જેની આજીવિકા અનાયાસે ચાલે તે  જ તેનો દેવતા કહેવાય.૧૭-૧૮  જેમ વ્યભિચારી સ્ત્રી જાર પુરુષને સેવવાથી કલ્યાણને પામે નહીં, તેમ જે માણસ એકે આપેલી આજીવિકા છોડી, બીજાનું સેવન કરે તે માણસ પણ તેને સેવવાથી સુખ પામેજ નહીં. ૧૯  બ્રાહ્મણે વેદાધ્યયનાદિકથી , ક્ષત્રિયે પૃથ્વીની રક્ષાથી, વૈશ્યે વાર્તાથી અને શુદ્રે દ્વિજ લોકોની સેવાથી વર્તવું જોઇએ. ૨૦  ઉપર જે વાર્તા નામની આજીવિકા કહી તેના ખેતી, વેપાર, ગાયોનું રક્ષણ અને વ્યાજ લેવું, આ ચાર પ્રકાર છે. તેઓમાં આપણી આજીવિકા તો ગાયોના રક્ષણથી નિરંતર ચાલે છે. ૨૧  પણ ગાયોની આજીવિકા ઇંદ્રને આધીન છે, એમ સમજવું નહીં, કેમકે સત્વ, રજ અને તમ એ ત્રણગુણ જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને પ્રલયના કારણરૂપ છે. અનેક પ્રકારવાળું જગત રજોગુણથી થયેલ સ્ત્રીપુરુષના સંયોગથી ઉત્પન્ન થાય છે. ૨૨  વાદળાં રજોગુણની પ્રેરણાથી જ સર્વ સ્થળમાં પાણી વરસાવે છે. જો ઇંદ્ર વરસાવતો હોય તો સમુદ્ર શીલા અને ખારી ધરતી આદિમાં તે સમજુના હાથે મફતની વૃષ્ટિ ન થવી જોઇએ. આથી સિદ્ધ થાય છે કે સઘળી પ્રજા મેઘથી જ જીવે છે, તેમાં ઇંદ્રનું કશું કામ નથી. ૨૩  આપણને યોગક્ષેમને  માટે પણ ઇંદ્રાદિક દેવતાઓની અપેક્ષા નથી, કેમકે આપણને દેશ, નગર, ગામડાં કે ઘર કાંઇ પણ નથી. આપણે તો વગડાઉ માણસ છીએ, અને નિરંતર વન તથા પર્વતોમાં જ રહીએે છીએ, માટે આપણું યોગક્ષેમ કરનારા દેવ તો વન અને પર્વતો જ છે. એટલા માટે ગાયો, બ્રાહ્મણો અને પર્વતોનો યજ્ઞ આરંભો. ઇંદ્રના યજ્ઞને માટે જે સામગ્રી ભેળી કરી છે, તે સામગ્રીથી આ યજ્ઞને સિદ્ધ કરો. ૨૪-૨૫  અનેક પ્રકારની રસોઇ કરાવો, લાપશી, માલપુવા, જલેબી, દૂધ, દહીં, દૂધપાક, દાળ આદિ સર્વે પદાર્થોને એકઠા કરો. અને વેદીઆ બ્રાહ્મણો પાસે અગ્નિઓમાં સારી રીતે હોમ કરાવો, અને તે બ્રાહ્મણોને ઘણા પ્રકારનું અન્ન, ગાયો તથા દક્ષિણા આપો. ૨૭  કૂતરાં, ચંડાળ અને પતિત પર્યંત બીજાં પ્રાણીઓને પણ યથાયોગ્ય રીતે અન્ન આપો, ગાયોને ઘાસ, પર્વતોને બલિદાન આપો. ૨૮ ત્યાર પછી શણગારેલી જમીનમાં ચંદનાદિકનાં લેપન કરી તથા સારાં સારાં વસ્ત્ર પહેરી, ગાયો, બ્રાહ્મણો, અગ્નિઓ અને પર્વતને પ્રદક્ષિણા કરો. ૨૯  હે પિતા ! આ પ્રમાણે મારો મત છે, તે જો તમને રુચે તો કરો. ગાયો, બ્રાહ્મણો અને આ પર્વતોનો યજ્ઞ મને ઠીક લાગે છે. ૩૦  (આપ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને પિતા નંદરાયને કહ્યું.)

શુકદેવજી કહે છે- ઇંદ્રના ગર્વને નાશ કરવા ઇચ્છતા કાળરૂપ ભગવાનનું તે વચન સાંભળીને, નંદ આદિ ગોવાળોએ સારું સારું, એમ કહી તેનો સ્વીકાર  કર્યો. ૩૧  જે પ્રમાણે ભગવાને કહ્યું તે પ્રમાણે સર્વે કર્યું, સ્વસ્તિવાચન કરાવી, ઇંદ્રના યજ્ઞના પદાર્થોથી પર્વત અને બ્રાહ્મણોને બલિદાન આપી, ગાયોને ઘાસ ખવરાવી તથા ગાયોના ધણને આગળ કરી, સર્વેલોકોએ ગોવર્ધન પર્વતને પ્રદક્ષિણા કરી. ૩૨ ૩૩  ભગવાનના પરાક્રમોનું ગાયન કરતી ગોપીઓ અને ગોવાળોએ બળદગાડાંઓ ઉપર બેસીને પ્રદક્ષિણા કરી અને બ્રાહ્મણોના આશીર્વાદ લીધા. ૩૪ ગોવાળોને વિશ્વાસ આવે તેમાટે બીજું મોટું રૂપ ધરી ‘હું પર્વત છું’ એમ બોલતા ભગવાન ઘણું બલિદાન જમી ગયા. ૩૫  વ્રજના લોકો સાથે શ્રીકૃષ્ણ ભગવાન પણ અહો ! જુઓ ! આ પર્વતે ર્મૂતિમાન થઇને આપણા પર અનુગ્રહ કર્યો. આ પર્વત પોતાનું અપમાન કરનાર વનવાસીઓને યથેષ્ટરૂપ ધરી મારી નાખે છે, માટે આપણા અને ગાયોના કલ્યાણને અર્થે આને પણ આપણે પ્રણામ કરીએ એમ કહીને તે સર્વે ર્મૂતિમાન શ્રીકૃષ્ણના બીજા સ્વરૂપને ગોવર્ધન માનીને પગે લાગ્યા. ૩૬-૩૭ ભગવાને પ્રેરેલા તે ગોવાળો આ પ્રમાણે પર્વત, ગાયો અને બ્રાહ્મણોના યજ્ઞને યથાર્થ રીતે સંપૂર્ણ કરી શ્રીકૃષ્ણની સાથે વ્રજમાં ગયા. ૩૮

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચોવીશમો અધ્યાય સંપૂર્ણ.