(૦૧) ઊપોદઘાતપ્રકરણમ્

Submitted by swaminarayanworld on Mon, 18/01/2016 - 9:33pm

ઊપોદઘાતપ્રકરણમ્ (૧)

 

શરીરધારી પ્રાણીને પોતાને પ્રાણ સાથે સંલગ્ન એવા ધર્મ, અધર્મ અને તે બન્નેના જાતિ, આયુષ્ય તેમજ ભોગ રૂપ જે ત્રણ વિપાક (ફળ) તથા અવિદ્યા, અસ્મિતા (દેહમાં અહંભાવ), રાગ, દ્વેષ અને અભિનિવેશ (અભિમાન) ઈત્યાદિ પાંચ કલેશ (સંતાપ) રૂપ આ દસ પદાર્થો, જેના આધારે આ જગતમાં શાસન કરે છે, પરંતુ તે દસથી જે સ્વયં સ્વતંત્ર છે અને જે ઈશ, વળી જે ઓંકારશબ્દ વાચ્ય છે અવા વિષ્ણુ ભગવાનને હું નમસ્કાર કરૂં છું. (૧)

યાજ્ઞવલ્કય ઋષિએ કહેલું અને વિશ્વરૂપ (યાજ્ઞવલ્કય શિષ્ય)ની વારંવાર અનેક કઠિન (વિકટ) ઊકિતઓથી વિસ્તારને પામેલું આ ધર્મશાસ્ત્રનું અતિકોમલ અને પ્રમાણસિદ્ધ અક્ષરો (મિતાક્ષરો ટીકા) દ્વારા બાળકોને, (ધર્મશાસ્ત્રના રહસ્યને નહિ જાણનારા) યથાર્થ બોધ (જ્ઞાન) થાય ત માટે વિસ્તારપૂર્વક વર્ણન કરું છું. (૨)

યોગીઓમાં શ્રેષ્ઠ, યાજ્ઞવલ્કયઋષિની પૂજા કરી સોમશ્રવાદિક ઋષિઓએ કહ્યું કે વર્ણધર્મ, આશ્રમધર્મ અને બીજા જે અનુલોમજ-પ્રતિલોમજ સંકર જાતિના સંપૂર્ણ ધર્મ છે તે આપ અમોને કહો. ૧

મિથિલા નિવાસી યોગીશ્વર યાજ્ઞવલ્કયઋષિ ક્ષણમાત્ર ધ્યાન કરી મુનિઓ પ્રત્યે બોલ્યા કે હે મુનિઓ, જે દેશમાં કાળા (કાળીયાર) મૃગ સ્વચ્છંદ રીતે ફરે છે તે દેશમાં ધર્મ જાણવા. ૨

પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર અને શિક્ષા, વ્યાકરણદિક અંગો એ સહિત ચારવેદ આ ચૌદ વિદ્યાઓના અને ધર્મના સ્થાન (કારણ) છે. ૩

મનુ, અત્રિ, વિષ્ણુ, હારીત, યાજ્ઞવલ્કય, ઊશનસ્, અડ્ડિરા, યમ, આપસ્તમ્બ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાતપ અને વસિષ્ઠ આ ઋષિઓ ધર્મશાસ્ત્રોના પ્રણેતા છે. ૪-૫

જે દ્રવ્ય ઊત્તમ દેશ અને ઊત્તમ કાળમાં શાસ્ત્રોકતવિધિ અને શ્રદ્ધાથી સત્પાત્રમાં આપવામાં આવે તે જ સંપૂર્ણ ધર્મનું લક્ષણ છે. ૬

વેદ, ધર્મશાસ્ત્ર, શિષ્ટ પુરૂષોનું આચરણ, પોતાના આત્માને પ્રિય અને ઊત્તમ સંકલ્પોથી ઊત્પન્ન થયેલ ઈચ્છા વગેરેને ઋષિઓએ ધર્મમાં પ્રમાણભૂત કહ્યા છે. ૭

યજ્ઞ કરવા, સદાચરણ, ઈન્દ્રિયોનું દમન, અહિંસા, દાન, વેદાધ્યાયન અને પુણ્ય કર્મોનો એજ પરમ ધર્મ છે કે માયિક પંચવિષયોથી ચિત્તવૃત્તિનો નિરોધ કરી આત્માનું યથાર્થ જ્ઞાન થાય. ૮

વેદ અને ધર્મશાસ્ત્રને યથાર્થ જાણનારા ચાર પુરૂષોની અથવા ત્રિવિધ વિદ્યાઓના જ્ઞાતા ત્રણ પુરૂષોની સભા થાય છે. અને તે જે કહે તે ધર્મ હોય છે. તેમજ બ્રહ્મજ્ઞાનીઓમાં ઊત્તમ વેદ ધર્મશાસ્ત્રનો એક પણ જ્ઞાતા પુરૂષ જે કહે તેને પણ ધર્મ કહેવાય છે. ૯

ઈતી ઊપોદઘાત પ્રકરણમ્