૨૭ કામધેનુ અને ઇન્દ્રે શ્રીકૃષ્ણ ભગવાનનો અભિષેક કર્યો.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:31am

અધ્યાય ૨૭

કામધેનુ અને ઇન્દ્રે શ્રીકૃષ્ણ ભગવાનનો અભિષેક કર્યો.

શુકદેવજી કહે છે- ભગવાને ગોવર્ધન પર્વતનું ધારણ કરતાં ઇંદ્ર ભયને લીધે સ્વર્ગમાંથી ભગવાનની પાસે આવ્યો, અને ભગવાને વરસાદથી વ્રજની રક્ષા કરતાં કામધેનુ હર્ષને લીધે ગોલોકમાંથી ભગવાનની પાસે આવી. ૧  અપરાધથી લજા પામેલા ઇંદ્રે એકાંતમાં મળીને પોતાના તેજસ્વી મુગટથી ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો. ૨ અપાર તેજવાળા શ્રીકૃષ્ણનો પ્રભાવ નજરે જોવાથી અને સાંભળવાથી જેને ત્રૈલોક્યના સ્વામી પણાનું અભિમાન ટળી ગયુ હતું એવા ઇંદ્રે હાથ જોડીને સ્તુતિ કરી. ૩

ઇંદ્ર સ્તુતિ કરે છે- હે કૃષ્ણ ! તમારું ધામ સત્વ, રજ, અને તમ આ ત્રણ માયાના ગુણોથી પરાભવ પામેલું નથી. માટે વિશુદ્ધ સત્વમય કહેલું છે. એટલા જ માટે રાગ દ્વેષાદિ દોષોથી રહિત છે, અને એ ધામ તમારી ઉપાસનારૂપી તપથી પામવા યોગ્ય છે. અને વળી તમારો જે આ માયામય સંસાર તથા સંસારનું મૂળકારણ કર્માનુબન્ધ જે તમારા ધામમાં નથી. તો પછી શરીરગ્રહણના સંબન્ધે પ્રાપ્ત થતા અને ફરીવાર શરીરસંબન્ધને આપનારા, તથા અજ્ઞાનપણાને સૂચવનારા લોભાદિક દોષો તમારા સ્વરૂપમાં હોય જ ક્યાંથી ? ન જ હોય. તોપણ તમે ધર્મના રક્ષણને માટે અને ખળપુરુષોના નિગ્રહને માટે દંડનું ધારણ કરો છો. ૪-૫ જગતના પિતા, ગુરુ, ઇશ્વર અને પ્રબળકાળરૂપ આપ જગતના ઇશ્વરપણાનું અભિમાન ધરાવનારા અમારા જેવાના માનનો ભંગ કરી, હિત કરવાને માટે દંડનું ગ્રહણ કરી, પોતાની ઇચ્છા પ્રમાણે ધરેલા અવતારોથી લીલા કરો છો. ૬ જગતના ઇશ્વરપણાનું અભિમાન ધરાવનારા મારા જેવા મૂર્ખ લોકો ભયના સમયમાં પણ નિર્ભય એવા આપને જોઇ, તરત જ તે અભિમાનને છોડી દેતાં ગર્વ રહિત થઇને ઉત્તમ માર્ગ પકડે છે, માટે આપની જે લીલા છે તે જ ખળ પુરુષોને દંડરૂપ છે. ૭  હે પ્રભુ ! એટલા જ માટે હું ઐશ્વર્યના મદથી ઘેરાએલો તમારો અપરાધી, તમારા પ્રભાવને નહીં જાણનાર અને મૂઢ બુદ્ધિવાળો છું, તેથી મારા ઉપર આપે ક્ષમા કરવી જોઇએ, અને માગું છું કે ફરીવાર મારી આવી દુષ્ટબુદ્ધિ ન થાય. ૮  હે દેવ ! હે મહારાજ ! પોતે ભારરૂપ રાજાઓ અને વધારે ભારને ઉત્પન્ન કરનારા સેનાપતિઓના નાશને માટે અને તમારા ચરણની સેવા કરનારાઓના કલ્યાણને માટે આ પૃથ્વીમાં તમારો અવતાર થયો છે. ૯  સર્વના અંતર્યામી, પરિચ્છેદ રહિત, સર્વના નિવાસરૂપ અને યાદવોના પતિ આપ શ્રીકૃષ્ણ ભગવાનને હું પ્રણામ કરું છું. ૧૦  ભક્તોની ઇચ્છા પ્રમાણે અવતાર ધરનાર, વિશુદ્ધ અને સંકોચ વિકાસથી રહિત જ્ઞાન ગુણથી યુક્ત છે ર્મૂતિ જેમની, સર્વના કારણરૂપ અને સર્વ પદાર્થોના આત્મા આવા આપને હું નમન કરું છું. ૧૧  હે ભગવાન ! યજ્ઞનો ભંગ થતાં તીવ્ર અભિમાન અને ક્રોધને લીધે વરસાદ અને વાયુથી વ્રજનો નાશ કરવાને માટે આ કૃત્ય મેં કર્યું હતું. ૧૨  હે ઇશ્વર ! તમે મારા ઉદ્યમને વ્યર્થ કરી ગર્વનો નાશ કર્યો એ મારા ઉપર અનુગ્રહ કર્યો છે, હવે હું ઇશ્વર, ગુરુ અને પરમાત્મા આપના શરણે આવેલો છું. ૧૩

શુકદેવજી કહે છે- આ પ્રમાણે ઇંદ્રે સ્તુતિ કરી એટલે શ્રીકૃષ્ણ ભગવાને હસીને મેઘના સરખી ગંભીર વાણીથી તેને આ પ્રમાણે કહેવા લાગ્યા. ૧૪

ભગવાન કહે છે- હે ઇંદ્ર ! તું ઇન્દ્ર પદવીના વૈભવોથી બહુ જ ઉન્મત્ત થઇ ગયો હતો, તેથી તને નિરંતર મારું સ્મરણ રહે એ માટે મેં અનુગ્રહ કરીને તારા યજ્ઞનો ભંગ કર્યો છે. ૧૫  દંડ ધારણ કરનારો એવો જે હું, તે મને ઐશ્વર્ય અને લક્ષ્મીના મદથી આંધળો થયેલો પુરુષ દેખતો નથી, માટે હું જેના ઉપર અનુગ્રહ કરવા ધારું છું તેને સંપત્તિઓથી ભ્રષ્ટ કરું છું. ૧૬  હે ઇંદ્ર ! જાઓ, તમારું સારું  થશે. હવે સાવધાન અને ગર્વ રહિત થઇને તમારા પોતપોતાના અધિકારમાં રહીને મારી આજ્ઞા પ્રમાણે ચાલજો. ૧૭

શુકદેવજી કહે છે- પછી પોતાના સંતાન સહિત ઉદાર મનવાળી કામધેનુએ ગોવાળના રૂપને ધારણ કરનારા શ્રીકૃષ્ણને પ્રણામ કરી તથા હે કૃષ્ણ ! હે કૃષ્ણ ! એમ સંબોધન આપીને આ પ્રમાણે કહ્યું. ૧૮

કામધેનું કહે છે હે કૃષ્ણ ! હે મોટાયોગી ! હે જગતના આત્મા ! હે જગતને ઉત્પન્ન કરનારા ! હે અચ્યુત ! ઇંદ્રે તો અમને મારી નાખ્યાં હતાં, પણ જગતના નાથ આપે અમારી રક્ષા કરી. ૧૯  અમારા ઇષ્ટદેવ તમે છો, માટે હે જગતના પતિ ! ગાયો, બ્રાહ્મણો અને સાધુલોકોના કલ્યાણને માટે આજથી તમે જ ઇંદ્ર થાઓ. ૨૦  બ્રહ્માની પ્રેરણાથી અમે તમને જ ઇન્દ્ર પદવીનો અભિષેક કરીશું, હવે ઇંદ્રનું અમારે કાંઇ કામ નથી, હે જગતના આત્મા ! તમે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતર્યા છો. ૨૧

શુકદેવજી કહે છે- આ પ્રમાણે ભગવાનની આજ્ઞા લઇ કામધેનુએ પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો, અને દેવતાઓ તથા ઋષિઓ સહિત ઇંદ્રે પણ દેવમાતાઓની પ્રેરણાથી   ઐરાવત હાથીની સૂંઢવતે લાવેલા આકાશ ગંગાના જળથી ભગવાનનો અભિષેક કર્યો અને ગોવિંદ એવું નામ રાખ્યું. ૨૨-૨૩  તે સમયે ત્યાં આવેલા ગાંધર્વ, વિદ્યાધર, સિદ્ધ, ચારણો, તુંબરુ અને નારદાદિક મુનિઓ સાંભળનારા જનોના પાપને દૂર કરનારી ભગવાનની ર્કીતિનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓએ આનંદથી નૃત્ય કર્યું. ૨૪  મુખ્ય દેવતાઓએ તેમની સ્તુતિ કરી અને અદભૂત પુષ્પની વૃષ્ટિઓથી વધાવ્યા, ત્રણેલોક પરમ સુખ પામ્યા, ગાયોએ પૃથ્વીને દૂધથી ભીની કરી નાખી. ૨૫ નદીઓમાં દૂધ આદિ રસો ચાલવા લાગ્યા, વૃક્ષોમાંથી મધની ધારાઓ ઝરવા લાગી, અન્ન ખેડ્યા વગર પાકી ગયાં અને પર્વતોમાં છુપાઇ રહેલા મણિ સ્વયં બહાર આવવા લાગ્યા. ૨૬  હે રાજા ! જે પ્રાણીઓ સ્વભાવથી જ ક્રૂર હતા તેઓએ પણ ભગવાનનો અભિષેક થતાં વૈર મૂકી દીધાં. ૨૭ આ પ્રમાણે ગાયો અને ગોકુળના પતિ ભગવાનનો અભિષેક કરી, તેમની આજ્ઞા લઇ દેવાદિકની સાથે ઇંદ્ર સ્વર્ગમાં ગયો. ૨૮

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સત્યાવીશમો અધ્યાય સંપૂર્ણ.