અધ્યાય ૩૧
ભગવાનના અંતર્ધાનથી નિરાશ થયેલી અને કેવળ ભગવાનનાજ ગુણોનું ગાયન કરતી ગોપીઓ. (ગોપી ગીત)
ગોપીઓ ગાય છે- હે પ્યારા ! તમારા જન્મથી વ્રજનો વધારે ઉત્કર્ષ થયો છે, અને તમારે લીધે જ લક્ષ્મીજી નિરંતર વ્રજને શોભા આપે છે. આ પ્રમાણે સઘળું વ્રજ આનંદ પામ્યા કરે છે, તેમાં તમારી દાસી ગોપીઓ જ કે જેઓ તમારે માટે જ પ્રાણ રાખેલાં છે, તેઓ તમને ચારેકોર શોધવામાં દુઃખી થાય છે માટે દર્શન આપો.૧ હે સંભોગના પતિ ! હે મનોરથ પૂરનાર ! તમારી જે દૃષ્ટિ શરદઋતુના તળાવમાં સારી રીતે ઉત્પન્ન થયેલા પ્રફુલ્લિત કમળના ગર્ભની શોભાને હરી લેનાર છે, તે દૃષ્ટિથી અમો વગર મહેનતાણાંની દાસીઓને તમે મારો છો, તે શું તમે વધ કરતા નથી ? શસ્ત્રથી જે વધ થાય એ જ શું વધ કહેવાય ? માટે દૃષ્ટિથી હરી લીધેલા અમારા પ્રાણને પાછાં આપવા સારું તમે દર્શન આપો.૨ ઝેરી જળથી થયેલ નાશથી, અઘાસુરથી, વરસાદ પવન અને વીંજળીના પડવાથી, અરિષ્ટાસુરથી, વ્યોમાસુરથી અને બીજા પણ સર્વે પ્રકારના ભયથી તમે અમારી વારંવાર રક્ષા કરી છે, તો હમણાં કેમ ઉપેક્ષા કરો છો ? કૃપા કરી ઘણા પ્રકારના મૃત્યુથી રક્ષા કરીને હમણાં દૃષ્ટિથી કામદેવને મોકલી અમને શા માટે મારી નાખો છો ?૩ હે મિત્ર ! તમે કાંઇ યશોદાના પુત્ર નથી, પણ સર્વ પ્રાણીઓની બુદ્ધિના સાક્ષી ઇશ્વર છો. જગતના રક્ષણને માટે બ્રહ્માએ પ્રાર્થના કરવાથી યાદવોના કુળમાં અવતર્યા છો. જગતના પાલનને માટે અવતરેલા આપ ભક્તજનની ઉપેક્ષા કરો એ અત્યંત અયોગ્ય છે.૪ હે યાદવોમાં ઉત્તમ ! હે કાંત ! આપનું હસ્તકમળ સંસારના ભયથી શરણે આવેલાને અભય આપનાર, મનોરથોને પૂરનાર અને લક્ષ્મીજીનો હાથ ઝાલનાર છે, તે અમારા મસ્તક ઉપર ધારણ કરો.૫ હે વ્રજવાસીઓનાં દુઃખને હરનાર ! હે વીર ! હે મંદહાસ્યોથી ભક્તોના ગર્વને હરનાર ! હે મિત્ર ! અમો તમારી દાસીઓ છીએ, તેથી અમોને તમે ભજો; અને પ્રથમ તો અમો સ્ત્રી લોકોને તમારું કમળ સરખું મુખ દેખાડો.૬ તમારું ચરણારવિંદ તમને નમસ્કાર કરનાર પ્રાણીઓના પાપને હરનાર, કૃપાને લીધે પશુઓની પાછળ વનોવન શિલા તૃણ એ આદિકને વિષે ભ્રમણ કરનાર, સૌભાગ્યને લીધે લક્ષ્મીજીના સ્થાનકરૂપ, અને પરાક્રમને લીધે કાલીયનાગની ફણો ઉપર નાચેલું હતું, તે ચરણારવિંદને અમારા સ્તન ઉપર ધરો અને કામજવરને મટાડો.૭ હે કમળ સરખાં નેત્રવાળા ! હે વીર ! સુંદર વચનવાળી અને સમજુઓના મનને ગમે એવી તમારી મધુર વાણીથી મોહ પામતી અમો દાસીઓને અધરામૃત પાઇને જીવાડો.૮
તમારા વિરહથી અમને મોત આવ્યું જ હતું, પરંતુ ભાગ્યશાળી લોકોએ અમને તમારી કથારૂપ અમૃત પાઇને તે મોતને કાઢી મેલ્યું છે. તમારી કથા જ વાસ્તવિક રીતે અમૃત છે, કેમકે તે તાપ પામેલાઓને જીવાડનાર છે. બ્રહ્મવેત્તાઓ પણ એજ અમૃતના વખાણ કરે છે, અને દેવતાઓને પીવાના અમૃતને તો તુચ્છ ગણે છે. કથારૂપી અમૃત કામ અને કર્મને મટાડનાર છે અને દેવતાઓનું અમૃત તો કામ અને કર્મને વધારનાર છે. કથારૂપી અમૃત સાંભળવા માત્રથી જ કલ્યાણ આપે છે, અને દેવતાઓનું અમૃત તો યજ્ઞાદિક કરીએ ત્યારે મળે છે. કથારૂપી અમૃત તો શાંત છે, અને દેવતાઓનું અમૃત તો માદક છે. તમારી કથારૂપી આવા અમૃતનું ભૂલોકમાં જેઓ વિસ્તારથી નિરૂપણ કરે છે, તેને અમો જીવન આપનારા ગણીએ છીએ. આ પ્રમાણે જયારે તમારી કથા પણ અમૃતથી અધિક છે ત્યારે તમારું દર્શન તો સર્વોત્તમ હોય તેમાં શું કહેવું ? માટે માગીએ છીએ કે દર્શન દો.૯ હે પ્રિય ! હે કપટી ! તમારું હસવું, પ્રેમથી જોવું, ધ્યાનમાં સુખ આપનાર વિહાર અને હૃદયમાં લાગી રહેલી એકાંતની વાતો અમારા મનને ક્ષોભ પમાડે છે, માટે જો કે તમારી કથાનું શ્રવણ જ સુખદાયી છે, તોપણ તેમાં અમારું મન શાંતિ પામતું નથી, માટે દર્શન દો.૧૦ હે નાથ ! હે કાંત ! જયારે પશુઓને ચારવા માટે વ્રજથી તમે પધારો છો ત્યારે, કમળ જેવાં તમારાં ચરણ કાંકરીઓ, ઘાસ અને અંકુરોથી કલેશ પામતાં હશે, એમ જાણી અમારું મન અસ્વસ્થ થઇ જાય છે, તો આવી રીતે અમો તમારા ઉપર બહુ જ પ્રેમ રાખીએ છીએ, છતાં તમો અમારી સાથે શા માટે કપટથી રમો છે ?૧૧ હે વીર ! સાયંકાળે શ્યામ કેશથી વીંટાવાને લીધે અને ગાયોની રજ ઊડવાને લીધે ભ્રમરોથી વીંટાએલું અને ગાયોના પગથી ઊડેલી પુષ્કળ રજથી ભરાયેલું તથા એ રજને પરાગ જાણીને ભમરોથી ઘેરાએલું આવું કમળ સરખું મુખ ધારણ કરીને આવતા આપ, તે મુખ વારંવાર દેખાડીને કેવળ અમારા મનમાં કામદેવ ઉત્પન્ન કરો છો, પણ સંગ આપતા નથી માટે તમે કપટી છો.૧૨ હે મનની પીડાને મટાડનાર ! હે પ્રિય ! એટલા માટે હવે કપટ મૂકી દઇને આપનું ચરણારવિંદ કે જે બ્રહ્માએ પૂજેલું છે, પૃથ્વીના શણગારરૂપ, કષ્ટના સમયમાં ધ્યાન કરવાથી જ કષ્ટ મટાડનાર અને સેવાના સમયમાં પણ પરમ સુખરૂપ છે, તેને અમારા કામજવરની શાંતિને માટે અમારા સ્તનો ઉપર ધારણ કરો.૧૩ હે વીર ! તમારું અધરામૃત કે જે સંભોગને વધારનાર છે, શોકનો નાશ કરનાર છે, સ્વરવાળા વેણુએ સારી રીતે ચૂસેલ અને મનુષ્યોને બીજાં સર્વ સુખોની ઇચ્છાને ભૂલાવનાર છે, તે અધરામૃત અમને આપો.૧૪ જયારે તમે દિવસે વનમાં ફરો છો ત્યારે તમને નહિ દેખવાથી અમને અલ્પકાળ પણ યુગ જેવડો થઇ પડે છે, અને સાયંકાળે પાછું વાંકા કેશવાળું તમારું શ્રીમુખ જયારે જોઇએ છીએ ત્યારે, અમારા નેત્રોની પાંપણો આડી આવીને દર્શનમાં પ્રતિબંધ કરે છે. તેને સહન ન કરી શકવાથી તે પાંપણોને બનાવનાર બ્રહ્મા ઉપર અમને દ્વેષ આવે છે. એટલા માટે ક્ષણ માત્ર પણ તમારું દર્શન નહીં મળતાં દુઃખ, અને મળતાં સુખ થાય છે, આવી પરિસ્થિતિ હોવાથી સર્વ સંગનો ત્યાગ કરી, સંન્યાસિનીઓની પેઠે અમો તમારી પાસે આવેલી છીએ, તેમ છતાં તમો અમારો ત્યાગ કરવાનું મન કેમ કરો છો ?૧૫ હે પ્રભુ ! હે કપટી ! અમે સર્વે પતિ, પુત્ર, સંબંધીઓ, ભાઇઓ અને બાંધવોને નહીં ગણકારીને, અમારા આવવાના કારણને જાણનારા આપની પાસે, આપના ગાયનથી મોહ પામીને પોતાની મેળે ચાલી આવેલી સ્ત્રીઓ છીએ, તે સ્ત્રીઓનો રાત્રીના સમયમાં તમારા વિના બીજો કોણ ત્યાગ કરે.૧૬ તમારું હસતું મુખારવિંદ, પ્રેમપૂર્વક જોવું, લક્ષ્મીના સ્થાનકરૂપ મોટું વક્ષઃસ્થળ, એકાંતના સંકેત, તેને જોઇને અમારા મનમાં કામદેવનો ઉદય થયેલો છે, તેથી આપની ઝંખના કરતું અમારું મન વારંવાર મુંઝાય છે.૧૭ હે શ્રીકૃષ્ણ ! આપનું પ્રાકટ્ય વન અને વ્રજમાં રહેનારાઓના દુઃખને મટાડનાર છે, અને જગતમાં અત્યંત મંગળરૂપ છે, માટે અમારાં મન તમારી કામનાથી વ્યાપ્ત છે, તેઓને પોતાના ભક્તજનોના હૃદયના રોગનો નાશ કરનાર જે અત્યંત ગુપ્ત ઔષધ છે, તે થોડુંક પણ આપો. એ ઔષધને તમે જાણો છો.૧૮ (અત્યંત પ્રેમથી વ્યાકુળ થઇ રોતી રોતી બોલે છે) હે પ્રિય ! તમારા જે સુકોમળ ચરણારવિંદને અમે અમારા કઠણ સ્તન ઉપર બીતી બીતી ધરીએ છીએ, તે ચરણારવિંદથી તમે તો વનમાં ફરો છો, તો એ ચરણારવિંદ ઝીણી કાંકરીઓ આદિથી વ્યથા નહીં પામતું હોય ? આવો વિચાર કરીને તો તમોને જ આધીન જેમનું જીવન છે, એવી જે અમો તે અમારી બુદ્ધિ મુંઝાઇ જાય છે, અમારી બુદ્ધિને ચક્કર આવી જાય છે.૧૯
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો એકત્રીશમો અધ્યાય સંપૂર્ણ.