૪૬ શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી દ્વારા સંદેશો મોકલાવીને નંદયશોદાનો શોક દૂર કર્યો.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:49am

અધ્યાય ૪૬

શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી દ્વારા સંદેશો મોકલાવીને નંદયશોદાનો શોક દૂર કર્યો.

શુકદેવજી કહે છે- યાદવોના ઉત્તમ મંત્રી, બૃહસ્પતિના સાક્ષાત્ શિષ્ય અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા ઉદ્ધવજી ભગવાનના પ્યારા સખા હતા.૧  ભક્તોની પીડા હરનાર ભગવાને એક દિવસે પોતાના પ્યારા અને સાચા ભક્ત ઉદ્ધવજીને તેનો હાથ પોતાના હાથે પકડીને આ પ્રમાણે કહ્યું.૨

ભગવાન કહે છે- હે સૌમ્ય ઉદ્ધવ ! તમે વ્રજમાં જાઆ અને અમારા માબાપને રાજી કરો. ગોપીઓના મનમાં મારા વિયોગની પીડા છે તેને મારો સંદેશો આપીને નિવૃત્ત કરો.૩  એ ગોપીઓનાં મન અને પ્રાણ મારામાંજ છે અને મારે માટે તેઓએ પતિ પુત્રાદિકનો ત્યાગ કર્યો હતો, તો હે ઉદ્ધવ ! જેલોકો મારે માટે આલોક તથા પરલોકના સુખનો ત્યાગ કરે છે તેઓને હું સુખ આપું છું.૪  પ્યારામાં પ્યારો હું હમણાં દૂર રહેતાં મારું સ્મરણ કરતી અને વિરહની ઉત્કંઠાથી પરવશ થયેલી તે ગાપીઓ મુંઝાય છે.૫  મારામાંજ જેનું ચિત્ત છે એવી ગોપીઓ છે ગોકુળમાંથી નીકળવાના સમયમાં મેં તેને પાછું આવવાનું વચન આપ્યું છે. તેથી તે માંડ માંડ જીવે છે. જો તેનું ચિત્ત પોતાના દેહમાં હોય તો વિરહના તાપથી બળી ગયા વિના રહે જ નહીં, પણ મારામાં છે તેથી માંડ માંડ જીવે છે.૬

શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરતાં તેમનો સંદેશો લઇ રથમાં બેસી ઉદ્ધવજી ગોકુળ ગયા.૭  સૂર્ય આથમ્યો તે સમયે વ્રજમાં જતી ગાયોની ખરીની રજથી જેનો રથ ઢંકાઇ ગયો હતો, એવા ઉદ્ધવજી વ્રજમાં પહોંચ્યા.૮  એ સમયે વ્રજમાં ગાયોને માટે લડતા મદોન્મત્ત આખલા નાદ કરી રહ્યા હતા. આઉના ભારવાળી ગાયો પોતાનાં  વાછરડાંઓની પાસે દોડી જતી હતી.૯  ધોળાં વાછરડાં જયાં ને ત્યાં કૂદતાં શોભતાં હતાં, ગાયોને દોહવાને માટે છોડી લાવ, પકડ, એવા ચારેકોર શબ્દો થતા સંભળાતા હતા. અને વેણુ વાગી રહ્યા હતા.૧૦  બલરામ તથા શ્રીકૃષ્ણના શુભ કર્મોનું ગાયન કરતી અને શણગારેલી ગોપીઓ તથા ગોવાળો શોભી રહ્યા હતા.૧૧  અગ્નિ, સૂર્ય, અતિથિ, ગાયો, બ્રાહ્મણો, પિતૃ અને દેવતાઓનાં પૂજન જેમાં થતાં હતાં, એવા ગોવાળોના ઘરોથી અને ધૂપ, દીપ તથા પુષ્પોથી મનનું હરણ થતું હતું.૧૨  ચારે બાજુ વન પ્રફુલ્લિત થઇ રહ્યાં હતાં. પક્ષીઓ અને ભ્રમરો નાદ કરી રહ્યા હતા. હંસ અને બતક પક્ષીઓથી વ્યાપ્ત થયેલાં કમળનાં વન શોભી રહ્યાં હતાં.૧૩  નંદરાયે વ્રજમાં આવેલા એ ભગવાનના પ્રિય અનુચર જે ઉદ્ધવજી તેને મળી આલિંગન કરી ઇશ્વર બુદ્ધિથી તેમનું પૂજન કર્યું.૧૪  દૂધપાક જમાડ્યો, સારી શય્યા ઉપર સુખેથી સુવાડ્યા અને પગ ચાંપવા આદિથી તેમનો પરિશ્રમ દૂર કર્યા પછી નંદરાયે પૂછ્યું કે- હે ભાગ્યશાળી ઉદ્ધવ ! કષ્ટમાંથી છૂટેલા પુત્રાદિકનો સમાગમ પામેલા અને સંબંધીઓથી વીંટાએલા અમારા સખા વસુદેવ કુશળ છે ને?૧૫-૧૬  જે પાપી કંસ સાધુ અને ધર્માત્મા યાદવોનો સર્વદા દ્વેષ કરતો હતો, તે પોતાના અનુચરો સાથે પોતાના પાપથી માર્યો ગયો એ બહુજ સારું થયું.૧૭  શ્રીકૃષ્ણ અમને, એમની માને, સંબંધીઓને, મિત્રોને, ગોવાળોને, ગાયોને, વૃંદાવનને, ગોવર્ધન પર્વતને અને પોતે જ જેના નાથ છે એવા વ્રજને સંભારે છે ?૧૮  સ્વજનોને જોવા સારુ શ્રીકૃષ્ણ એકવાર અહીં આવશે ? જયારે આવશે ત્યારે નાસિકા, મંદહાસ્ય અને નેત્ર જેમનાં સુંદર છે, એવા શ્રીકૃષ્ણને જોઇશું.૧૯  દાવાનળ, પવન સહિત વરસાદ, અરિષ્ટાસુર, અઘાસુર અને એવા જ બીજા ભયંકર ત્રાસોથી મહાત્મા શ્રીકૃષ્ણે અમારી રક્ષા કરી છે.૨૦  કૃષ્ણના પરાક્રમ, લીલાપૂર્વક નેત્રથી જોવું, હાસ્ય અને ભાષણને સંભારતાં અમારી સર્વે ક્રિયાઓ શિથિલ થઇ જાય છે.૨૧  શ્રીકૃષ્ણનાં પગલાંથી શોભી રહેલી નદી, પર્વત, વનના પ્રદેશ અને બીજાં પણ તેમના રમવાનાં સ્થાનકો જોતાં અમારું મન શ્રીકૃષ્ણરૂપ થઇ જાય છે.૨૨  ગર્ગાચાર્યના વચન પ્રમાણે શ્રીકૃષ્ણ અને બળદેવજી દેવતાઓનું મોટું કામ કરવાને માટે પૃથ્વીમાં કોઇ મોટા દેવ આવ્યા છે, તેમ હું માનું છું.૨૩  સિંહ જેમ પશુને મારે તેમ દશહજાર હાથીના બળવાળા કંસને, મલ્લને અને કુવલયાપીડ હાથીને લીલા માત્રમાં મારી નાખ્યા. તથા હાથી જેમ લાકડીને ભાંગી નાખે તેમ ત્રણ તાડ જેટલું લાંબુ અને અત્યંત દૃઢ ધનુષ તેને ભાંગી નાખ્યું, સાત દિવસ સુધી એક હાથે પર્વતને ધરી રાખ્યો અને પ્રલંબાસુર, ધેનુકાસુર, તૃણાવર્ત, બકાસુર અને એવા જ બીજા પણ જગતને જીતી લેનારા દૈત્યોને લીલાથી મારી નાખ્યા, એ જોવાથી પણ શ્રીકૃષ્ણ તથા બલરામ કોઇ મોટા દેવ છે, એમ માની શકાય છે.૨૪-૨૬

શુકદેવજી કહે છે- જેની બુદ્ધિ ભગવાનમાં લાગી રહી હતી એવા બહુજ ઉત્કંઠા વાળા અને પ્રેમથી વિહ્વળ થયેલા નંદરાય આ પ્રમાણે સંભારી સંભારી પછી ચુપ રહ્યા.૨૭ નંદરાયે વર્ણન કરવા માંડેલા પોતાના પુત્રનાં ચરિત્ર સાંભળીને સ્નેહને લીધે જેના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું, એવાં યશોદાજી આંસુ પાડવા લાગ્યાં.૨૮  આવી રીતે શ્રીકૃષ્ણ ભગવાનમાં એ નંદ યશોદાનો પરમ પ્રેમ જોઇ ઉદ્ધવજીએ પ્રીતિથી નંદરાયને આ પ્રમાણે કહ્યું.૨૯

ઉદ્ધવજી કહે છે- હે માન આપનારા ! સર્વના ગુરુ નારાયણમાં તમોએ  આવી રીતની બુદ્ધિ રાખી છે, તેથી તમો બન્ને જણાં આ લોકના સર્વે પ્રાણીઓમાં બહુ જ વખાણવા યોગ્ય છો.૩૦

 શ્રીકૃષ્ણ અને બલરામ આ બન્ને વિશ્વના કારણભૂત પૃથ્વી આદિ તત્ત્વોના પણ કારણરૂપ છે, પ્રકૃતિપુરુષના પણ કારણરૂપ છે, પુરાણ પુરુષ છે, અને વિલક્ષણ એવાં સર્વે ભૂતોને વિષે પ્રવેશ કરીને તેમનું નિયમન કરે છે.૩૧  હે મહાત્મા ! માણસ પ્રાણ જવાના સમયમાં ક્ષણ માત્ર પણ પોતાનું શુદ્ધ મન એ શ્રીકૃષ્ણમાં રાખે, તો તરત કર્મની વાસનાનો ત્યાગ કરી, જ્ઞાની અને શુદ્ધ સત્ત્વમય થઇને પરમ ગતિને પામે છે, તે સર્વના આત્મા કારણરૂપ અને પ્રયોજનથી જેણે મનુષ્ય દેહ ધર્યું છે એવા ભગવાનમાં તમો બન્ને સર્વદા ભાવ રાખો છો, તો પછી હવે તમારે બીજું કયું કૃત્ય અવશેષ રહ્યું છે ?૩૨-૩૩  યાદવોના પતિ શ્રીકૃષ્ણ ભગવાન થોડા કાળમાં વ્રજમાં પધારશે, અને તેનાં માતાપિતા એવાં જે તમો તે તમારું પ્રિય કરશે.૩૪ સર્વ યાદવોથી વિરુદ્ધ ચાલનારા કંસને અખાડાની વચમાં માર્યા પછી શ્રીકૃષ્ણે તમોને મળીને જે કહ્યું છે તે સાચું કરશે.૩૫  હે મોટાં ભાગ્યવાળાં ! ખેદ કરો મા. ભગવાનને તમે પાસે જ દેખશો, કેમકે, કાષ્ઠોમાં અગ્નિની પેઠે તે સર્વ પ્રાણીઓની અંદર રહે છે.૩૬  પોતાના પ્યારા માબાપાદિને મૂકીને અહીં કેમ આવશે, એવી શંકા રાખશો નહીં; કેમકે નિરભિમાન અને સર્વના સમાન એ ભગવાનને કોઇ પ્રિય કે અપ્રિય નથી. કોઇ ઉત્તમ નથી અને કોઇ અધમ પણ નથી.૩૭  એ કૃષ્ણને માતા, પિતા, ભાર્યા, પુત્રાદિક, પોતાનો કે પારકો, દેહ કે જન્મ એ કાંઇ પણ નથી.૩૮  એમને જન્મ પણ નથી તોપણ લોકમાં ક્રીડા કરવાને માટે અને સાધુ લોકોના રક્ષણને માટે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ યોનિઓમાં પ્રકટ થાય છે.૩૯  એ અજન્મા ભગવાન પોતે નિર્ગુણ હોવા છતાં પણ સત્વ, રજ અને તમ એ માયાના ગુણોને ભજે છે અને તે ગુણોની સાથે ક્રીડા કરી રહ્યા છે, છતાં સૃષ્ટિ, સ્થિતિ તથા પ્રલય કરે છે.૪૦  જેમ ફુદડી ફરનાર માણસની ફર્યા કરતી દૃષ્ટિથી જાણે પૃથ્વી જ ફરતી હોય તેમ જણાય છે અને જેમ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા કર્તા હોવા છતાં પણ દેહને વિષે અહંબુદ્ધિને લીધે દેહ જ કર્તા મનાએલો છે. તેમ સૃષ્ટ્યાદિકના કર્તા ઇશ્વર છે છતાં માયા કર્તા હોય તેમ જણાય છે.૪૧  એ શ્રીકૃષ્ણ ભગવાન કેવળ તમારા જ પુત્ર નથી પણ સર્વના પુત્ર છે; અને પુત્ર છે એટલું જ નહિં પણ સર્વના આત્મા, પિતા, માતા અને ઇશ્વર પણ એજ છે.૪૨  જોએલી, સાંભળેલી, ભૂત, ભવિષ્ય, વર્તમાન, સ્થાવર, જંગમ, નાની કે મોટી કાંઇ પણ વસ્તુ ભગવાન વિના પૃથક્  સત્તાવાળી કહી શકાતી જ નથી, સર્વરૂપ એ ભગવાન જ એક સત્ય છે.૪૩

શુકદેવજી કહે છે- હે રાજા ! નંદરાય અને ભગવાનના અનુચર ઉદ્ધવજી આ પ્રમાણે વાતો કરતાં કરતાં તે રાત્રી વીતી ગઇ. ગોપીઓ ઊઠી દીવા કરી ઘરને સ્વચ્છ કર્યા પછી છાશ કરવા લાગી.૪૪  એ ગોપીઓ કંકણવાળા હસ્તથી છાશ કરવાનાં નેતરાંને ખેંચતી હતી. નિતંબ, સ્તન અને હાર હાલતા હતા. કપોલ કુંડળથી શોભી રહ્યા હતા. મોઢાં ઉપર રાતાં કેસર લગાવ્યાં હતાં અને આભૂષણના મણિઓ દીવાથી દીપી રહેતાં બહુ જ શોભતી હતી, આવા ભગવાનનું ગાયન કરતી વ્રજાંગનાઓનો શબ્દ કે જે દહીંના મથનના શબ્દથી મિશ્રિત થયો હતો અને જેથી દિશાઓનું અમંગળ ટળી જતું હતું, એવો શબ્દ છેક આકાશ સુધી પહોંચતો હતો.૪૫-૪૬  સૂર્યનારાયણ ઊગતાં વ્રજના દ્વારમાં સોનાનો રથ જોઇને ગોપીઓ પરસ્પરમાં વાતો કરવા લાગી કે- આ રથ કોનો છે ?૪૭  કંસનો અર્થ સાધનાર અક્રૂર કે જે કમળ સરખા નેત્રવાળા શ્રીકૃષ્ણને મથુરામાં લઇ ગયો છે, તે ફરીવાર આવ્યો છે કે શું ?૪૮  એનો ધણી કંસ કે જે મરી ગયો છે, તેને આપણા માંસના પીંડ દેવા આવ્યો છે કે શું ? આ પ્રમાણે સ્ત્રીઓ વાતો કરતી હતી ત્યાં યમુનાજીમાં પોતાના સ્નાનાદિક નિયમ પૂરા કરીને ઉદ્ધવજી આવ્યા.૪૯

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છેતાલીશમો અધ્યાય સંપૂર્ણ.