ગોપીનાથ આવો મારે ઓરડે (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:16pm

રાગ - ઘોળ

પદ - ૧

ગોપીનાથ આવો મારે ઓરડે;

તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર. નાથ૦ ટેક.

મેં  તો શેરી વળાવીને સજજ કરી;

શેરડીએ રે વેર્યાં ફુલ અપાર. નાથ૦ ૧

મેં  તો મોતીડે ચોક પુરાવીયો;

પ્રેમે બાધ્યાં રે તરીયાં  તોરણ દ્વાર. નાથ૦ ૨

મેં  તો જુગતેથી તમને  જમાડવા;

ભાવે ભોજન રે કીધાં વિવિધ પ્રકાર. નાથ૦ ૩

મેં તો પલંગ બિછાવ્યો પ્રિતશું;

વેગે સજીયા રે સોળે શણગાર. નાથ૦ ૪

હું  તો ચાતક સરખી થઈ રહી;

તમ કારણે રે પ્યારા પ્રાણ આધાર. નાથ૦ ૫

મારે તમ સંગ પૂરણ  પ્રીતડી;

તેણે વિખ સમ રે થયો સર્વે સંસાર. નાથ૦ ૬

મુક્તાનંદના શ્યામ સુજાણ છો;

હવે શું કહું રે ઘણું વારંવાર. નાથ૦ ૭

 

પદ - ૨

ગોપીનાથ રહો મારા મહોલમાં;

સુખ દાયક રે પ્યારા શ્રી ઘનશ્યામ. નાથ૦ ટેક.

મેંતો  તન ધન  તમ અર્થે કર્યું;

મારી પુરો રે હૈડા કેરી હામ. નાથ૦ ૧

મેંતો શંકા  તજી રે સંસારની;

તમ સાથે રે કીધી પૂરણ  પ્રીત. નાથ૦ ૨

હું  તો હાથ જોડી હાજર રહું;

તમને સેવું રે રસિયા રસ રીત. નાથ૦ ૩

એક નિમિષ ન મેલું વેગળા;

કરી રાખું રે મારા હૈયાના હાર. નાથ૦ ૪

મારે તમથી કોઈ વહાલું નથી;

પુરૂષોત્તમ રે પ્યારા પ્રાણ આધાર. નાથ૦ ૫

કયારે મરજી લેશ લોપું નહિ;

જે જે જોઈએ રે તે  તે રાખીશ  તૈયાર. નાથ૦ ૬

મુક્તાનંદના શ્યામ છબીલડા;

તમ સાથે રે વાધ્યો પ્રેમ અપાર. નાથ૦ ૭

 

પદ - ૩

પ્યારા મુજને લાગી  તારી મોહની;

રસિયા વર રે તારૂં જોઈને રૂપ. મુજ૦ ટેક.

તારાં નેણ ચપળ ચિત્તને હરે;

મીઠી મુખની રે સુણી વાણી અનુપ. મુજ૦ ૧

વાંકી પાઘમાં  તોરા ઝુકી રહ્યા;

જોતાં હૈડે રે ફુલડાં કેરા હાર. મુજ૦ ૨

અંગોઅંગમાં આભ્રરણ ફુલનાં;

તેને નીરખી રે વાધ્યો વિરહ અપાર. મુજ૦ ૩

તારા મુખ પંકજને માવજી;

જોતાં નેણાં રે મારા  તૃપ્ત ન થાય. મુજ૦ ૪

તમને અણ દીઠે થાઉં આંધળી;

જોતાં રસિયા રે હૈડે હરખ ન માય. મુજ૦ ૫

હું  તો પ્રેમદીવાની થઈ રહી;

તેણે ભુલી રે જુઠો જગ વ્યવહાર. મુજ૦ ૬

મુક્તાનંદના  પ્રીતમ નહી  તજું;

કરી રાખીશ રે મારા હૈડાના હાર. મુજ૦ ૭

 

પદ - ૪

મારાં નેણાં ઠરે છે જોઈને;

મનમોહન રે તારું રૂપ રસાળ નેણાં૦ ટેક.

માથે મોર મુગટ સોહામણો;

કાને કુંડળ રે મોતીની માળ. નેણાં૦ ૧

રૂડું મંદ હાસ્ય મનને હરે;

વાકી ભ્રકુટિ રે શોભે ભાલ વિશાળ. નેણાં૦ ૨

તારાં લોચનની છબી લાલજી;

જોતાં રસિયા રે વશ થઈ તત્કાળ. નેણાં૦ ૩

કોટિ પતિતને પાર ઉતારવા;

દ્રગ ગોચર રે રસિયા  તારું રૂપ. નેણાં૦ ૪

મને પ્રગટ મળ્યા  તમે માવજી,

સુખદાયક રે કોટિ ભુવનના ભૂપ. નેણાં૦ ૫

મારું મન  તમસાથે માનીયું;

મુને લાગ્યો રે રસિયા  તારો રંગ. નેણાં૦ ૬

મુક્તાનંદના નવલ સ્નેહીડા;

મારા ઊરમાં રે ન સમાય ઊમંગ. નેણાં૦ ૭

Facebook Comments