૪૮ શ્રીકૃષ્ણ ભગવાન કુબ્જાની સાથે વિહાર કર્યો અને અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:51am

અધ્યાય ૪૮

શ્રીકૃષ્ણ ભગવાન કુબ્જાની સાથે વિહાર કર્યો અને અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા.

શુકદેવજી કહે છે- પછી સર્વના આત્મા અને સર્વને જાણનારા ભગવાન કામનાથી તપી ગયેલી કુબ્જાને પોતે આપેલું વચન સંભારી તેને રાજી કરવા સારુ તેને ઘેર ગયા.૧ એ કુબ્જાના ઘરમાં મૂલ્યવાન સામાન ભરપર હતો. કામદેવને પ્રદીપ્ત કરનારાં રતિ સંબંધી ચિત્રો આલેખેલાં હતાં. મોતીની માળાઓ, પતાકા, ચંદરવા, શયનાદિક, સુગંધી ધૂપ, દીપ, ફૂલની માળાઓ અને ચંદનાદિક સુગંધથી શોભી રહ્યું હતું.૨  કૃષ્ણ પોતાને ઘેર આવતા જોઇ, કુબ્જા મોટા સંભ્રમથી તરત આસન પરથી ઊઠી, સખીઓની સાથે યથાયોગ્ય રીતે ભગવાનને મળી. ઉત્તમ આસનાદિ આપી તેમનું સન્માન કર્યું.૩  કુબ્જાએ સારી રીતે માન આપેલા ઉદ્ધવજી આસનનો સ્પર્શ કરીને ધરતી ઉપર બેસી ગયા. પછી લોકના આચરણને અનુસરેલા ભગવાન તરત જ મૂલ્યવાન તે કુબ્જાના શયનમાં પધાર્યા.૪  સ્નાન, લેપન, વસ્ત્ર, ભૂષણ, માળા, સુગંધ, તાંબુલ અને અમૃત સરખાં પીવાના માદક પદાર્થોથી પોતાના શરીરને કરેલો છે અલંકૃત જેમણે, એવી કુબ્જા લાજભરેલી લીલાથી હસતી, વિલાસ કરતી અને જોતી જોતી ભગવાનની પાસે ગઇ.૫  ભગવાન નવા સમાગમની લાજથી સંકોચને પામતી તે કુબ્જાને બોલાવી કે જે કુબજાનું ચંદન આપવા ઉપરાંત કાંઇ પુણ્ય ન હતું, આવી કુબ્જાનો કંકણથી શોભતો હાથ પકડીને શયનમાં સુવાડીને તેની સાથે રમવા લાગ્યા.૬  ભગવાનના ચરણને જાણે સૂંઘતી હોય તેમ તે ચરણને પોતાના સ્તન ઉપર, છાતી ઉપર અને આંખો ઉપર મૂકી મૂકીને કામની પીડાને શાંત કરતી, તે કુબ્જાએ પ્યારા અને આનંદમય ભગવાનને સ્તનના ભીડામાં લઇ બાથથી આલિંગન કરીને પોતાના કામજવરને ટાળ્યો.૭  મોક્ષના નાથ અને બીજાને દુર્લભ પ્રભુને કેવળ ચંદન આપવારૂપ પુણ્યથી જ પામીને જેને ગોપીઓના જેવી એક નિષ્ઠા હતી નહીં આવી કુબ્જાએ માગ્યું કેહે પ્યારા ! હે કમળ સરખા નેત્રવાળા ! અહીં જ ઘણા દિવસ રહી મારી સાથે રમણ કરો. તમારા સંગને હું છોડી શકતી નથી.૮-૯  પછી માન આપનારા અને કુબ્જાએ પૂજેલા ભગવાન તે કુબ્જાને આભૂષણાદિક તથા વરદાન આપી ઉદ્ધવજીની સાથે પોતાને ઘેર પધાર્યા.૧૦ ઇશ્વરના ઇશ્વર અને ઘણા પ્રયત્નથી પ્રસન્ન થાય એવા ભગવાનને પ્રસન્ન કરી વિષયના તુચ્છ સુખને માગે તેની અલ્પ બુદ્ધિ સમજવી.૧૧  પછી શ્રીકૃષ્ણ અક્રૂરજીને રાજી કરવા સારુ અને તેમની પાસે કાંઇ કામ કરાવવા સારુ બલરામ અને ઉદ્ધવજીની સાથે અક્રૂરજીને ઘેર પધાર્યા.૧૨ અક્રૂરજી પુરુષોત્તમને દૂરથી જ જોઇ સામા ઊઠ્યા, પછી આનંદથી આલિંગન તથા અભિનંદન આપી શ્રીકૃષ્ણ તથા બલભદ્રને પગે લાગ્યા, અને તેઓ પણ અક્રૂરજીને  પગે લાગ્યા. હે રાજા ! પછી અક્રૂરજીએ કૃષ્ણને આસનપર બેસાડી, વિધિ સહિત પૂજા કરી, તેમના ચરણ ધોવાના જળને પોતાને માથે ચઢાવ્યું, દિવ્ય વસ્ત્રો અને સુગંધી માળા તથા આભૂષણોથી પૂજન કરી, મસ્તકથી પ્રણામ કરી, ખોળામાં ચરણારવિંદ લઇને ચાંપતા અને પ્રેમથી નમેલા અક્રૂરજી આપ્રમાણે કહેવા લાગ્યા.૧૩-૧૬

અક્રૂરજી કહે છે- તમે પાપી કંસને તેના પરિવાર સહિત માર્યો અને તમારા આ કુળને અપાર કષ્ટમાંથી બચાવ્યું તથા વધાર્યું એ ઘણું સારું કર્યું.૧૭  તમો બન્નેપ્રકૃતિ પુરુષના શરીરી છો, અને તેથી જ જગતના ઉપાદાન અને નિમિત્ત કારણ છો, (અર્થાત્ કાર્ય અને કારણ તમામ વસ્તુ તમોને આધીન છે.) કાંઇ કારણ અને કાર્ય તમારા વિના છે જ નહિં.૧૮  હે પરમેશ્વર ! પ્રકૃતિ, પુરુષ, કાળ એ આદિ પોતાની શક્તિઓથી પોતે જ સર્જેલા આ વિશ્વની અંદર અંતરાત્માપણે (નિયંતાપણે) પ્રવેશ કરીને રહેલા, આપ શ્રુતિ પ્રમાણથી પ્રત્યક્ષ રીતે દેવમનુષ્યાદિકરૂપે બહુ પ્રકારે જણાઓ છો, અર્થાત્ શ્રુતિઓ પ્રત્યક્ષરૂપે જણાતાં દેવ મનુષ્યાદિક પદાર્થોરૂપે આપનું જ પ્રતિપાદન કરે છે. કારણ કે દેવ મનુષ્યાદિક પદાર્થો આપનું શરીર છે. અને આપ શરીરી આત્મા છો. અને જે જે શરીર વાચક શબ્દો હોય એ અભેદપણાથી શરીરી એવા આત્માના વાચક બને છે. તેથી જ તે તે પદાર્થોરૂપે શ્રુતિઓ આપને જ કહે છે.૧૯  જેમ કારણરૂપે રહેલાં પૃથ્વી આદિક ભૂતો એક એક તત્ત્વરૂપે રહેલાં છે, છતાં કાર્યરૂપે પરિણામ પામીને અનેક પદાર્થોરૂપે જણાય છે. તેમ સર્વના શરીરી સ્વતંત્ર એવા એક જ આપ સર્વના કારણ હોવાથી, સર્વના શરીરી હોવાથી શરીરભૂત સર્વે પદાર્થોમાં બહુ પ્રકારે જણાઓ છો.૨૦ પોતાની શક્તિરૂપ રજોગુણ, તમોગુણ અને સત્વગુણથી તમે જગતને સ્રજો છો, પ્રલય કરો છો અને રક્ષણ કરો છો. છતાં તે ગુણોથી અને કર્મોથી બંધાતા નથી. કારણ કે જ્ઞાનસ્વરૂપ આપમાં ક્યારેય પણ બંધન કરનારી અવિદ્યા હોતી જ નથી.૨૧  હે પ્રભુ ! આપ વાસ્તવિક સ્વરૂપે કરીને તો દેહાદિક ઉપાધિથી રહિત છો, તેથી જ્ઞાનસ્વરૂપ એવા જે તમો તે તમારી અંદર સાક્ષાત્ સંસાર નથી. તમે તો સર્વના શરીરી છો, તેથી શરીરની અંદર રહેલા જે ધર્મો હોય એ શરીરીની અંદર પ્રસક્ત થતા નથી. માટે જ તમો બંધ અને મોક્ષથી રહિત છો, છતાં તમારે વિષે જે બંધ અને મોક્ષ દેખાય છે, એ કેવળ અમારું અજ્ઞાન જ છે.૨૨ જગતના કલ્યાણને માટે આપે કહેલો પ્રાચીન વેદમાર્ગ જયારે દુષ્ટ પાખંડ માર્ગોથી તૂટવા લાગે ત્યારે આપ સત્વગુણથી અવતાર ધરો છો.૨૩  હે પ્રભુ ! તે આપ દૈત્યોના અંશોરૂપ રાજાઓની સેંકડો અક્ષોહિણીઓને મારી, પૃથ્વીનો ભાર ઉતારવા સારુ અને લોકમાં ર્કીતિ વધારવા સારુ, હમણાં બળદેવજીની સાથે વસુદેવના ઘરમાં અવતર્યા છો.૨૪  હે ઇશ્વર ! આજ અમારાં ઘર તપોવન કરતાં પણ વધારે પવિત્ર થયાં છે, કેમકે સર્વે દેવ, પિતૃ, ભૂત અને રાજાઓ જેના સ્વરૂપમાં છે એવા અને જેના ચરણ ધોવાનું જળ (ગંગાજી) ત્રિલોકીને પવિત્ર કરે છે, એવા જગદીશ્વર આપ આ ઘરમાં પધાર્યા છો.૨૫  હે પ્રભુ ! આપ ભક્તોપર પ્રેમ રાખનાર, સત્યવક્તા, સર્વના સ્નેહી અને કૃતજ્ઞ છો, તેથી કયો સમજુ માણસ બીજાને શરણે જાય ? કારણ કે આપ જ ભક્તિ કરનારા લોકોને સર્વે, અભિલાષાઓ અને પોતાના સ્વરૂપને આપો છો.૨૬  હે વિષ્ણુ ! દેવતા અને યોગેશ્વરો પણ જેના સ્વરૂપને ઘણા પ્રયત્નથી પામે છે, એવા આપે અહીં આજ અમને દર્શન દીધું એ બહુ જ સારુ કર્યું, પુત્ર, સ્ત્રી, ધન, સગાં, ઘર અને દેહાદિકમાં મોહ થવારૂપ બેડી જે તમારી માયારૂપ છે તેને તરત કાપો.૨૭

શુકદેવજી કહે છે આ પ્રમાણે ભક્ત અક્રૂરજી દ્વારા પૂજન અને સ્તુતિ કરાયેલા શ્રીકૃષ્ણ ભગવાન જાણે વાણીથી મોહ પમાડતા હોય, તેમ હસીને અક્રૂરજીને આ પ્રમાણે કહેવા લાગ્યા.૨૮ ભગવાન કહે છે તમે અમારા ગુરુ, કાકા અને સર્વદા વખાણવા જેવા બંધુ છો અને અમે તો તમારા દયાપાત્ર પુત્રો છીએ, માટે તમારે અમારી રક્ષા કરવી જોઇએ અને પોષણ કરવું જોઇએ.૨૯  કલ્યાણની ઇચ્છા રાખનાર મનુષ્યોએ તમારા જેવા ભાગ્યશાળી ઉત્તમ સાધુઓનું સેવન કરવું જોઇએ. દેવતાઓ પોતાનું કાર્ય સાધવામાં તત્પર હોય છે અને સાધુપુરુષો તો બીજાઓની ઉપર અનુગ્રહ કરવામાં જ તત્પર હોય છે, માટે વાસ્તવિક રીતે સાધુ પુરુષો જ દેવ હોવાથી તેનું જ સેવન કરવું જોઇએ.૩૦ તીર્થો માત્ર પાણી જ છે અને દેવતાઓ માટી તથા શિલારૂપ જ છે એવું નથી; કેમકે તેમાં ચમત્કાર રહ્યો છે, પરંતુ તેઓ ઘણા કાળની   સેવાથી પવિત્ર કરે છે અને સાધુપુરુષો તો દર્શન માત્રથી જ પવિત્ર કરે છે.૩૧  તમે અમારા સંબંધીઓમાં શ્રેષ્ઠ છો, માટે પાંડવોનું વૃત્તાંત જાણવા સારુ અને તેનું કલ્યાણ કરવાની  ઇચ્છાથી હસ્તિનાપુર જાઓ.૩૨  પાંડુ રાજા મૃત્યુ પામતાં પિતા વગરના બહુ જ દુઃખિયા પાંડવોને તેની મા કુંતીની સાથે ધૃતરાષ્ટ્ર રાજાએ હસ્તિનાપુરમાં તેડાવ્યા છે અને તેઓ અત્યારે ત્યાં રહે છે, એવું અમે સાંભળ્યું છે.૩૩ પરંતુ પોતાના દુષ્ટ પુત્રોને આધીન રહેનાર અને કંગાલ મનનો આંધળો ધૃતરાષ્ટ્ર રાજા પોતાના ભાઇના પુત્ર પાંડવોની સાથે સમદૃષ્ટિથી વર્તતો નથી.૩૪  માટે તમે હસ્તિનાપુર જાઓ અને હમણાં તેની સારી અને નરસી જે વર્તણૂક હોય તેનો નિશ્ચય કરો. આપણે બધી વાતનો નિશ્ચય કરી જેવી રીતે સંબંધીઓનું કલ્યાણ થશે તેવી યોજના કરીશું.૩૫

શુકદેવજી કહે છે સર્વના ઇશ્વર ભગવાન આવી રીતે અક્રૂરજીને આજ્ઞા કરી પછી રામ અને ઉદ્ધવજીની સાથે ઘેર પધાર્યા.૩૬

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અડતાલીશમો અધ્યાય સંપૂર્ણ.