૬૪ શ્રીકૃષ્ણ ભગવાને નૃગરાજાને શાપથી મુકાવ્યો.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:13pm

અધ્યાય ૬૪

શ્રીકૃષ્ણ ભગવાને નૃગરાજાને શાપથી મુકાવ્યો.

શુકદેવજી કહે છે હે રાજા ! એક દિવસે સાંબ, પ્રદ્યુમ્ન, ચારુ, ભાનુ અને ગદ આદિ યાદવ કુમારો વાડીમાં રમવા માટે ગયા.૧ ઘણીવાર સુધી રમીને તરસ લાગતાં પાણી શોધતા હતા, ત્યાં એક પાણી વગરના કૂવામાં અદ્ભુત પ્રાણી તેઓના જોવામાં આવ્યું.૨ એ પર્વત જેવડા શરીરને ધરી રહેલા કાચંડાને જોઇ, વિસ્મય પામતા દયાને લીધે તેઓએ તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો.૩ તે કાચંડાને ચામડાના અને સૂતરના દોરડાંથી બાંધીને કાઢવા માંડ્યા, તોપણ નહીં કાઢી શકતાં તેઓએ આશ્ચર્ય યુક્ત થઇને ભગવાનની પાસે વાત કરી.૪ જગતના રક્ષક અને કમળ સરખાં નેત્રવાળા ભગવાને ત્યાં આવી કાચંડાને જોઇ લીલામાત્રમાં ડાબા હાથથી કાઢી લીધો.૫ ભગવાનના હસ્તનો સ્પર્શ થતાંની સાથે તરત કાચંડાનું રૂપ છોડી દીધું. અને તપાવેલા સુવર્ણ સરખા સુંદર વર્ણવાળો તથા અદ્ભુત અલંકાર, વસ્ત્ર અને માળાવાળો દેવ થઇ ભગવાનની આગળ ઊભો રહ્યો.૬ ભગવાન પોતે તેના કારણને જાણતા હતા તોપણ તેમણે પ્રખ્યાત કરવા સારુ તે દેવને પૂછ્યું કે હે ભાગ્યશાળી ! ઉત્તમ રૂપવાળો તું કોણ છે ? હું ધારું છું કે તું કોઇ ઉત્તમ દેવ છે.૭ હે સૌમ્ય ! આ દશાને યોગ્ય નહીં એવાતેં કયા કર્મ વડે આ દશાને પ્રાપ્ત કરી હતી ? જો તને અમારી પાસે વાત કરવાને યોગ્ય લાગે તો જાણવાની ઇચ્છાવાળા અમોને તું તારી વાત કહે.૮

શુકદેવજી કહે છે અનંત મૂર્તિવાળા ભગવાને આ પ્રમાણે પૂછતાં, સૂર્ય સરખા તેજવાળા મુકુટથી ભગવાનને પ્રણામ કરીને બોલ્યો.૯

નૃગરાજા કહે છે હે પ્રભુ ! ઇક્ષ્વાકુનો દીકરો હું નૃગ નામનો રાજા છું. દાનેશ્વરીઓના નામમાં મારું નામ પણ તમારા કાન ઉપર આવ્યું હશે.૧૦ સર્વ પ્રાણીઓની બુદ્ધિના સાક્ષી અને કાળથી જેના જ્ઞાનનો લોપ થતો નથી એવા આપથી શું અજાણ્યું હોય ? તોપણ હે ઇશ્વર ! આપની આજ્ઞાથી કહું છું.૧૧ જેટલા પૃથ્વીમાં રજકણ છે, આકાશમાં જેટલા તારા છે, અને વરસાદનાં જેટલાં બુંદ છે. તેટલી ગાયો મેં દાનમાં આપી હતી.૧૨ દૂધાળી, યુવાન, શીલરૂપ તથા ગુણોથી સંપન્ન, કપિલ વર્ણવાળી, સોનાનાં શીંગડાવાળી, ન્યાયમાર્ગથી મેળવેલી રૂપાની ખરીઓવાળી, વાછરડાં સહિત અને વસ્ત્ર તથા માળાઓથી શણગારેલી ગાયો મેં આપી હતી.૧૩ સારી રીતે શણગારેલા, સારા ગુણ તથા સ્વભાવવાળા, નિષ્કપટ આચરણવાળા, તપથી પ્રખ્યાત, વેદ ભણનારા, યુવાન અને જેઓનાં કુટુંબ દરિદ્રતાને લીધે પીડાતાં હતાં, એવા સુપાત્ર ઉત્તમ બ્રાહ્મણોને મેં ગાયોનું દાન કર્યું હતું.૧૪ ગાયો, પૃથ્વી, સુવર્ણ, ઘોડા, હાથી, દાસી સહિત કન્યાઓ, તિલ, રૂપું, શય્યાઓ, વસ્ત્રો, રત્નો અને સરસમાન સહિત રથોનાં પણ મેં દાન કર્યાં હતાં, તેમજ યજ્ઞો અને જળાશય કરવા આદિ કામો પણ મેં કર્યાં હતાં.૧૫ કોઇ ઉત્તમ બ્રાહ્મણના ઘરની ગાય ભૂલી પડતાં મારી ગાયોના ધણમાં ભળી ગઇ હતી, તે ગાય મેં અજાણતાં બીજા બ્રાહ્મણને આપી દીધી.૧૬ તે ગાયને લઇ બ્રાહ્મણ જતો હતો ત્યાં તેને તેનો પ્રથમનો સ્વામી જોઇને બોલ્યો કે ‘‘આ ગાય મારી છે.’’ પ્રતિગ્રહ કરનાર બોલ્યો કે ‘‘આ ગાય મારી છે અને મને નૃગરાજાએ આપી છે.’’૧૭ વિવાદ કરતા અને સ્વાર્થ સાધવા માગતા એ બન્ને બ્રાહ્મણોએ મને આ પ્રમાણે કહ્યું તેમાં પહેલા બ્રાહ્મણે કહ્યું કે “તે મને આ ગાય આપી છે. અને બીજો બોલ્યો કે તે મારી ગાય હરી લીધી છે.’’ આ વાત સાંભળી હું વ્યાકુળ થઇ ગયો.૧૮ ધર્મ સંકટ આવી પડતાં મેં બન્ને બ્રાહ્મણોને સમજાવવા માંડ્યું કે ‘‘આ ગાયને જે મૂકી દેશે તેને હું બીજી એક લાખ ગાયો આપીશ.૧૯ કિંકર એવો જે હું કાંઇ પણ જાણતો નથી, માટે મારા ઉપર તમે અનુગ્રહ કરો. અને અપવિત્ર નરકમાં પડવાના કષ્ટમાંથી મને કાઢો.૨૦ તેનો પહેલો ધણી ‘‘હે રાજા ! હું દાન લેતો નથી’’ માટે આ ગાયના બદલામાં હું આપની બીજી ગાયો લઇશ નહિ. એમ કહીને ચાલ્યો ગયો. અને પ્રતિગ્રહ કરનાર પણ ‘‘એક લાખ ને માથે દશહજાર આપો તોપણ આ ગાય વિના બીજી લેવાને હું ઇચ્છતા  નથી’’ એમ દુરાગ્રહથી બોલીને જતો રહ્યો.૨૧ હે દેવના દેવ ! હે જગતના પતિ ! આ સમયમાં યમદૂતો મને યમપુરીમાં લઇ ગયા. ત્યાં યમે મને પૂછ્યું કે હે રાજા ! તું પ્રથમ પાપ ભોગવીશ કે પુણ્ય ભોગવીશ ? તારા દાનનો, ધર્મનો અને તેથી મળવાના ઉત્તમ લોકોનો પણ હું અંત દેખતો નથી.૨૨-૨૩ હે દેવ ! હું પ્રથમ પાપ ભોગવવા ઇચ્છુ છું, યમરાજાએ કહ્યું કે ત્યારે નીચ યોનીમાં પડ. તેટલી વારમાં હે પ્રભુ ! ત્યાંથી ભ્રષ્ટ થઇને મેં મારા દેહને કાચંડારૂપ જોયો.૨૪ હે શ્રીકૃષ્ણ ! જે હું બ્રાહ્મણોને માનનાર, ઉદાર, તમારો દાસ અને તમારા દર્શનને ઇચ્છનાર હતો. તે મને એ વાતનું સ્મરણ અદ્યાપિ સુધી ટળ્યું નથી.૨૫ હે પ્રભુ ! જે આપ યોગેશ્વરોએ પણ ઉપનિષદ્‌રૂપ ચક્ષુથી નિર્મળ હૃદયમાં જ ચિંતવવા યોગ્ય અને ઇંદ્રિયો જેમને સાક્ષાત પહોંચી શકતી નથી એવા પરમાત્મા છો. તે આજ મારાં નેત્રને પ્રત્યક્ષ કેમ થયા ?૨૬ જેને સંસારનો અંત આવવાનો હોય તેને આપનાં દર્શન થાય, પણ હું કાચંડાના અવતાર સંબંધી ઘણાં કષ્ટોથી આંધળી બુદ્ધિવાળો છું, તેને આપનાં દર્શન થયાં એ આશ્ચર્યરૂપ છે. હે પુરુષોત્તમ ! હે નારાયણ ! હે પવિત્ર કીર્તિવાળા ! મને દેવલોકમાં જવાની આજ્ઞા આપો. અને હું જ્યાં રહું ત્યાં મારું ચિત્ત તમારાં ચરણમાં જ રહે.૨૭-૨૮ સર્વને ઉત્પન્ન કરનાર, પરબ્રહ્મ, અનંત શક્તિવાળા, સર્વ પ્રાણીઓના આશ્રયરૂપ, કર્મોનાં ફળ આપનારા અને પરમાનંદરૂપ આપને હું પ્રણામ કરું છું.૨૯

શુકદેવજી કહે છે આ પ્રમાણે કહી, પ્રદક્ષિણા કરી પોતાના માથાથી ભગવાનના ચરણનો સ્પર્શ કરી તે નૃગરાજા, લોકોના દેખતા આજ્ઞા લઇને ઉત્તમ વિમાનમાં બેસી ગયા.૩૦ પછી બ્રાહ્મણોને માનનાર અને ધર્માત્મા શ્રીકૃષ્ણ ભગવાને રાજાઓને શિખામણ દેવા સારુ પોતાના પુત્ર આદિને આ પ્રમાણે કહ્યું.૩૧

શ્રીકૃષ્ણ ભગવાન કહે છે હે પુત્રો ! બ્રાહ્મણનું ધન થોડું પણ ખવાયું હોય તો તે અગ્નિ જેવા તેજસ્વીને પણ પચવું કઠીન છે, ત્યારે સમર્થપણાનું મિથ્યા અભિમાન ધરાવનારા રાજાઓને તો કેમ જ પચે ?૩૨ હું હળાહળને વિષ સમજતો નથી, કારણ કે તેનો ઉપાય થઇ શકે છે. પરંતુ જેનો ઉપાય જ નથી, એવા બ્રાહ્મણના દ્રવ્યને વિષ માનું છું.૩૩ ઝેર કેવળ ખાનારાને જ મારે છે અને અગ્નિ સંસર્ગથી જ બાળી નાખનાર છે તોપણ જળથી શાંત થાય છે, પણ બ્રાહ્મણના ધનરૂપી અરણીમાંથી ઉત્પન્ન થયેલો પાપરૂપ અગ્નિ તો તેના કુળનો મૂળ સહિત નાશ કરે છે.૩૪ બ્રાહ્મણોની સંમતિ લીધા વિના બ્રાહ્મણનું ધન ખવાયું હોય તો તે ત્રણ પેઢીને નરકમાં નાખે છે, અને હઠથી અથવા રાજાદિકના આશ્રયના બળથી ખવાયું હોય તો દશ પહેલી અને દશ પછીની પેઢીઓને પણ નરકમાં નાખે છે.૩૫ રાજલક્ષ્મીથી અંધ થયેલા જે રાજાઓ બ્રાહ્મણના ધનની ઇચ્છા કરે છે તેઓ નરકની જ ઇચ્છા કરે છે અને મૂર્ખપણાથી પોતાના નાશને દેખતા નથી.૩૬ ઉદાર અને કુટુંબવાળા બ્રાહ્મણો પોતાની આજીવિકાનું હરણ થતાં ર્રોંઈા હોય તો આંસુના એક બુંદથી જેટલા રજકણ ભીંજાય તેટલાં વર્ષ સુધી રાજાઓ અને રાજાના આશ્રિતો કુંભીપાક નરકમાં રંધાય છે કે જેઓએ નિરંકુશ થઇને બ્રાહ્મણના ધનનું હરણ કર્યું હોય.૩૭-૩૮ પોતે આપેલી અથવા બીજા કોઇએ આપેલી બ્રાહ્મણની આજીવિકાનું જે હરણ કરે તે માણસ સાઠહજાર વર્ષ સુધી વિષ્ટામાં કીડો થાય છે.૩૯ આથી હુ તો એજ ઇચ્છું છું, કે બ્રાહ્મણોનું ધન કદી ભૂલથી પણ મારા ખજાનામાં ન આવો. કેમ કે બ્રાહ્મણના ધનની લાલચ રાખનારા રાજાઓ અલ્પ આયુષ્યવાળા, પરાજય પામેલા અને રાજ્ય થકી ભ્રષ્ટ થાય છે. અને દેહ ત્યાગ કર્યા પછી સર્વજનોને ઉદ્વેગ પમાડનાર સર્પના જન્મને પામે છે.૪૦ હે મારા સંબંધીઓ ! બ્રાહ્મણે અપરાધ કર્યો હોય તોપણ તેનો દ્રોહ કરશો નહીં, બ્રાહ્મણ મારતો હોય અથવા ગાળો દેતો હોય તોપણ તમો તેને નિરંતર પ્રણામ કરજો.૪૧ હું જેમ સાવધાન રહીને પ્રત્યેક સમયમાં બ્રાહ્મણોને પ્રણામ કરું છું, તેમ તમો પણ પ્રણામ કરજો. આથી જે ઉલટો ચાલશે તેને હું શિક્ષા કરીશ.૪૨ નહિ જાણતા એવા પણ આ નૃગરાજાને બ્રાહ્મણની ગાયે જેમ નીચ અવતારમાં નાખ્યો. એજ પ્રમાણે બીજા હરણના કરનારને પણ હરાએલું બ્રાહ્મણનું ધન નીચ અવતારમાં નાખે છે.૪૩

શુકદેવજી કહે છે હે રાજા ! સર્વલોકોને પવિત્ર કરનાર મુકુંદ ભગવાન આવી રીતે દ્વારકાવાસીઓને સંભળાવી પોતાના ઘરમાં પધાર્યા.૪૪

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચોસઠમો અધ્યાય સંપૂર્ણ.