૬૫ બળદેવજીએ વ્રજમાં જઇને યમુનાજીને ખેંચ્યાં.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:14pm

અધ્યાય ૬૫

બળદેવજીએ વ્રજમાં જઇને યમુનાજીને ખેંચ્યાં.

શુકદેવજી કહે છે હે રાજા ! સંબંધીઓને મળવાની ઉત્કંઠાથી મહા સમર્થ બળદેવજી રથમાં બેસીને નંદરાયના ગોકુળમાં ગયા.૧ ઘણા કાળની ઉત્કંઠાવાળા ગોવાળો અને ગોપીઓ જેમનું આલિંગન કર્યું છે એવા બળભદ્ર માબાપને પગે લાગ્યા. અને તેઓ આશીર્વાદથી તેમનો સત્કાર કર્યો. હે યાદવ ! જગતના ઇશ્વર તમે અને તમારા નાનાભાઇ ઘણા કાળ સુધી અમારું પાલન કરજો. એમ બોલી બળભદ્રને ખોળામાં બેસાડી તથા આલિંગન કરી તેમને નંદ અને યશોદાએ આંસુથી ભીંજવી દીધા.૨-૩ બળદેવજી વૃદ્ધ ગોવાળોને પગે લાગ્યા અને પોતાની અવસ્થા, મિત્રતા અને સંબંધ પ્રમાણે નાની અવસ્થાના ગોવાળો, તે બળદેવજીને પગે લાગ્યા.૪ પછી આવેલા ગોવાળોએ હાસ્ય અને હાથ ઝાલવા આદિથી બળદેવજીનું સન્માન કરી બેસાડ્યા, પછી વિશ્રાંતિ લઇને સુખપૂર્વક બેઠેલા બળદેવજીને પ્રેમથી ગદ્‌ગદ્‌ વચનોવડે તેમના સંબંધીઓનું કુશળ પૂછ્યું, અને બલરામે પણ કમળપત્ર સરખાં નેત્રવાળા શ્રીકૃષ્ણને પામવા સારુ, જેઓએ સર્વે વિષયો છોડી દીધા હતા એવા તે ગોવાળોને કુશળ પૂછ્યું.૫-૬ ગોવાળોએ પૂછ્યું, હે બલરામ ! આપણા સર્વે સગા સંબંધીઓ કુશળ છે ? સ્ત્રીઓ અને પુત્રોવાળા થયેલા તમો અમને સંભારો છો ?૭ પાપી કંસ મરણ પામ્યો, સંબંધીઓ છૂટ્યા અને તમો શત્રુઓને મારી તથા જીતીને દ્વારકાના ગઢમાં રહ્યા એ સર્વે સારું થયું.૮ રામના દર્શનથી આદર પામેલી ગોપીઓએ હસતાં હસતાં પૂછ્યું કે જેને નગરની સ્ત્રીઓ વહાલી છે એવા શ્રીકૃષ્ણ સુખી છે?૯ બંધુઓને અને માબાપને તે કોઇ સમયે સંભારે છે ? મોટી ભુજાવાળા એ ભગવાન પોતાની મા યશોદાને જોવા સારુ એકવાર પણ અહીં આવશે ? અમે કરેલી સેવાને તે સંભારે છે ?૧૦ હે યાદવ ! હે પ્રભુ ! મા, બાપ, ભાઇઓ, પતિ, પુત્રો, બહેનો અને છોડી શકાય નહીં એવાં બીજાં સંબંધીઓને પણ અમે જેને માટે છોડી દીધાં હતાં, તે ભગવાન અમારો ત્યાગ કરી ગયા અને તરત સ્નેહ તોડી નાખ્યો. અમે ઇચ્છત તો તેને જતાં રોકી લેત, પરંતુ તેમણે કહ્યું કે, હું તમારો ઋણી છું, તમારા ઉપકારનો બદલો કદી પણ ચૂકવી શકું તેમ નથી. ત્યારે એવી કઇ સ્ત્રી હોય, કે જે તેમની મીઠી મીઠી વાતો ઉપર વિશ્વાસ ન મુકે ?૧૧-૧૨ અમને આશ્ચર્ય લાગે છે કે, કૃતઘ્ન અને જેનું ચિત્ત સ્થિર નથી, એવા ભગવાનનાં વચનોને દ્વારકાની ચતુર સ્ત્રીઓ શી રીતે સ્વીકારતી હશે ? પણ અમો ધારીએ છીએ કે વિચિત્ર વાતો કરનારા એ શ્રીકૃષ્ણના સુંદર હાસ્ય પૂર્વક કટાક્ષો પડવાને લીધે વૃદ્ધિ પામેલા કામદેવથી આતુર થઇને સ્વીકારતી હશે.૧૩ (બીજી ગોપીઓ કહે છે.) હે ગોપીઓ ! તેમની વાતો કરવાથી આપણું શું વળશે ? બીજી વાતો કરો. તેમનો સમય આપણા વિના જાય છે, તો આપણો સમય પણ તેમના વિના જાય છે. (પણ ફરક એટલો જ છે કે તેમનો કાળ સુખથી જાય છે અને આપણો દુઃખથી જાય છે.)૧૪ હે રાજા ! આ પ્રમાણે ભગવાનના હાસ્ય, ભાષણ, સુંદર કટાક્ષ, ગતિ, પ્રેમ અને આલિંગનને સંભારતી ગોપીઓ રોઇ પડી.૧૫ અનેક પ્રકારે સમજાવવામાં ચતુર બળદેવજી મનને મીઠા લાગે એવા ભગવાનના સંદેશા આપીને તેઓની સાંતવના કરી.૧૬ બળદેવજી ચૈત્ર અને વૈશાખ એ બે મહિના સુધી ત્યાં જ રહ્યા. શ્રીકૃષ્ણે રાસ કીડા કરી હતી તે સમયમાં જે ગોપીઓ અત્યંત બાળક હતી અને જેઓ જન્મી જ ન હતી તેઓની સાથે રાત્રીઓમાં રમણ કરતા હતા.૧૭ પૂર્ણ ચંદ્રમાનાં કિરણોથી ઉજ્જ્વળ અને કુમુદોની સુગંધીવાળા પવને સેવેલા યમુનાજીના ઉપવનમાં સ્ત્રીઓના ટોળાંઓથી વીંટાઇને વિહાર કરતા હતા.૧૮ તે સમયમાં વરુણદેવે મોકલેલી વારુણી નામની મદિરા દેવી, વૃક્ષના કોતરામાંથી નીચે વહીને પોતાના સુંગધથી તે આખા વનને સુવાસિત કરતી હતી.૧૯ વાયુએ આણેલા તે મદિરાના ગંધને સુંઘી બળભદ્રે ત્યાં જઇને સ્ત્રીઓની સાથે તે મદિરા પીધી.૨૦ મત્ત, મદથી વિકળ નેત્રવાળા અને સ્ત્રીઓ જેમનાં ચરિત્રને ગાતી હતી. એવા બળદેવજી વનમાં ફરવા લાગ્યા.૨૧ વૈજયંતી માળાને ધરનાર, એક કુંડળવાળા, મત્ત અને જેમના મંદહાસ્યવાળા મુખારવિંદ ઉપર પસીનારૂપી હિમ શોભી રહ્યું હતું. એવા તે ઇશ્વર બળભદ્રે જળમાં ક્રીડા કરવાને માટે યમુનાજીને બોલાવ્યાં. મત્ત સમજીને પોતાના વાક્યનો અનાદર કરતાં, નહીં આવેલાં યમુનાજીને કોપ પામેલા બલરામે હળના અગ્રથી ખેંચ્યાં, અને કહ્યું કે હે દુષ્ટ ! મેં બોલાવ્યાં છતાં મારું અપમાન કરીને તું કે જે સ્વચ્છંદ રીતે ચાલનારી છે, તેને હળના અગ્રથી સૈકડો વિભાગમાં વહેંચી નાખીશ.૨૨-૨૪ આ પ્રમાણે તિરસ્કાર થતાં ભયર્ભીંઈ થયેલાં યમુનાજી ધ્રુજીને તેમના ચરણમાં પડીને બોલ્યાં કે ‘‘હે રામ ! હે જગતના પતિ ! હે મહાબાહુ ! જે તમોએ તમારા એક અંશે પૃથ્વીને ધરી રાખી છે તે તમારા પરાક્રમને હું જાણતી નથી.૨૫-૨૬ હે જગદાત્મા ! હે ભક્તવત્સલ ! જે હું તમારા પરમ સ્વરૂપને જાણતી નથી અને શરણાગત છું, તે આવી મને આપ છોડી દેવાને યોગ્ય છો.૨૭ આ પ્રમાણે યમુનાજીએ પ્રાર્થના કરતાં સમર્થ બળભદ્રે તેમને છોડી દીધાં, અને પછી સ્ત્રીઓની સાથે નદીના જળમાં પેઠા.૨૮ પોતાની ઇચ્છા પ્રમાણે વિહાર કરી, બળદેવજી જળમાંથી બહાર નીકળતાં, લક્ષ્મીજીએ તેમને શ્યામ વસ્ત્ર, મૂલ્યવાન આભૂષણ અને સુંદર માળા આપી.૨૯ શ્યામ વસ્ત્ર તથા સોનાની માળા પહેરી સારી રીતે અલંકૃત થયેલા અને જેમણે ચંદનાદિકનું લેપન કર્યું હતું, એવા બલરામ ઇંદ્રના ઐરાવત હાથીની પેઠે શોભવા લાગ્યા.૩૦ હે રાજા ! બળદેવજીએ ખેંચવાને લીધે તે સ્થળમાં યમુનાજી અદ્યાપિ સુધી, અનંત પરાક્રમવાળા તે બળદેવના પરાક્રમને જાણે સૂચવતાં હોય એવાં સરકતાં જોવામાં આવે છે.૩૧ આ પ્રમાણે વ્રજમાં વિહાર કરતા અને ગોપીઓના વિલાસોથી જેમનું ચિત્ત ખેંચાઇ ગયું હતું, એવા બળભદ્રને સર્વે રાત્રીઓ એક રાત્રીની સમાન થયેલી હતી.૩૨

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પાંસઠમો અધ્યાય સંપૂર્ણ.