અધ્યાય ૭૦
ભગવાનનું આહ્નિક અને દૂતનો સંદેશો.
શુકદેવજી કહે છે હે રાજા ! રાત્રીઓમાં શ્રીકૃષ્ણે કંઠમાં આલિંગન કરેલી સ્ત્રીઓ પ્રાત:કાળ થવા આવે ત્યારે કુકડાં બોલતાં, તેઓના શબ્દો સાંભળી ભગવાન ઉઠી જશે એમ જાણી, વિરહથી આતુરતાને લીધે કુકડાંઓને તે ગાળો દેતી હતી.૧ પારિજાતના વનના સુગંધી વાયુને લીધે ભ્રમરાઓ ગાયન કર્યા કરતાં જેઓની નિદ્રા જતી હતી એવાં પક્ષીઓ, બંદીજનોની પેઠેજાણે શ્રીકૃષ્ણને જગાડતાં હોય તેમ શબ્દ કરતાં હતાં.૨ એ પ્રભાતનો સમય જોકે અત્યંત સુંદર હતો તો પણ પોતાના પતિની બાથમાં રહેલી શ્રીકૃષ્ણની સર્વે સ્ત્રીઓને પતિનું આલિંગન છૂટી જવાથી તે પ્રાત:સમય જરા પણ સારો લાગતો ન હતો.૩ ભગવાન બ્રાહ્મમુહૂર્તમાં ઉઠી, જળવડે કોગળા કરી, ઇંદ્રિયોને સ્વચ્છ કર્યા પછી માયાથી પર, એક સ્વયંપ્રકાશ, ઉપાધી રહિત, અવિનાશી, સ્વસ્વરૂપને વિષે રહેવાથી અવિદ્યાને નિરંતર દૂર રાખનાર તથા આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશના કારણરૂપ પોતાની શક્તિઓથી જણાએલું છે અસ્તિત્વ જેમનું, અને આનંદાત્મક એવા સ્વસ્વરૂપનું ધ્યાન કરતા હતા.૪-૫ પછી નિર્મળ જળમાં સ્નાન કરી, બે વસ્ત્ર પહેરીને વિધિ પ્રમાણે સંધ્યોપાસન આદિ ક્રિયાઓ કરતા હતા. પોતે યજુર્વેદની કર્ણશાખાવાળા હોવાથી, સૂર્યોદયથી પહેલાં જ અગ્નિમાં હોમ કરીને મૌન વ્રતથી ગાયત્રીનો જપ કરતા હતા. અને પછી સર્વથી ઉત્તમ અને ધીર શ્રીકૃષ્ણ ભગવાન ઉગતા સૂર્યનું ઉપસ્થાન કરી, પોતાના અંશરૂપ દેવ, ઋષિ અને પિતૃઓનું તર્પણ કરી તથા બ્રાહ્મણ અને વૃદ્ધલોકોની પૂજા કરી, દરરોજ દરેક ઘરમાં સુવર્ણથી મઢેલા શીંગળાંવાળી, રૂપાની ખરીઓવાળી, ભલી, મોતીની માળાવાળી, દુધાળ, પહેલવેતરી, વાછરડાંવાળી અને સારાં વસ્ત્રવાળી તેરહજાર અને ચોરાશી ગાયો શણગારેલા બ્રાહ્મણોને આપતા હતા. અને તેઓની સાથે રેશમી વસ્ત્ર, મૃગચર્મ અને તિલનાં દાન પણ કરતા હતા.૬-૯ પોતાની વિભૂતિરૂપ સર્વ ગાય, બ્રાહ્મણ, દેવતા, વૃદ્ધ, ગુરુ અને સર્વપ્રાણીઓને પ્રણામ કરી, મંગળ પદાર્થોનો સ્પર્શ કરતા હતા.૧૦ જો કે ભગવાનના શરીરનું સ્વાભાવિક સૌંદર્ય જ મનુષ્યલોકના આભૂષણરૂપ છે, તો પણ તેઓ પોતાના શરીરને વસ્ત્ર, ભૂષણ, દિવ્યમાળા અને દિવ્ય ચંદનોથી શણગારતા હતા.૧૧ ઘીમાં મોઢું જોઇ તથા અરીસો જોઇ, ગાય, બળદ, બ્રાહ્મણ તથા દેવતાઓનાં દર્શન કરી, નગરમાં તથા અંત:પુરમાં રહેનારા સર્વવર્ણોને જોઈતા પદાર્થો અપાવી કરી મંત્રીઓને તે તે પદાર્થોથી રાજી કરી માન આપતા હતા.૧૨ પ્રથમ બ્રાહ્મણોને અને પછી મિત્ર, કારભારીઓ તથા સ્ત્રીઓને માળા, તાંબૂલ અને ચંદનના ભાગ આપ્યા પછી તે વસ્તુઓને પોતે ઉપયોગમાં લેતા હતા.૧૩ એટલીવારમાં સારથિ, સુગ્રીવ આદિ ઘોડાઓથી જોડેલા પરમ અદ્ભુત રથને લાવી પ્રણામ કરી આગળ ઊભો રહતો.૧૪ પોતાના હાથથી સારથિનો હાથ પકડી, સાત્યકિ તથા ઉદ્ધવજી સહિત ભગવાન, સૂર્ય જેમ ઉદયાચળ ઉપર ચઢે તેમ રથ ઉપર ચર્ઢંઈા હતા.૧૫ અંત:પુરમાંથી વિદાય થવાના સમયમાં અંત:પુરની સ્ત્રીઓ લાજ સહિત પ્રેમ ભરેલી દૃષ્ટિથી જોઇ રહતી હતી અને તેમનાં દર્શનને માંડમાંડ છોડી શર્ક્ંઈી હતી. સર્વના મનનું હરણ કરતા અને હસતા ભગવાન અંત:પુરમાંથી બહાર નીકળી, સર્વે યાદવોથી વીંટાઇને સુધર્મા નામની સભામાં પધારતા હતા, કે જે સભામાં પ્રવેશેલાઓને ભૂખ તરસ આદિ છ ઊર્મિઓ બાધ કરતી ન હતી.૧૬-૧૭ તે સભામાં ઉત્તમ આસન પર બિરાજેલા, પોતાની કાંતિથી દિશાઓમાં પ્રકાશ કરતા અને મનુષ્યોમાં સિંહ સરખા ઉત્તમ યાદવોથી વીંટાએલા શ્રીકૃષ્ણ ભગવાન, આકાશમાં તારાઓના સમૂહોથી જેમ ચંદ્રમા શોભે તેમ શોભતા હતા.૧૮ હે રાજા ! એ સભામાં હાસ્ય કરાવનારા વિદુષકો અનેક પ્રકારના હાસ્યરસોથી ભગવાનને પ્રસન્ન કરતા હતા અને નટલોકોના આચાર્યો તથા નાચનારી સ્ત્રીઓ પણ પોતપોતાના સમુદાયની સાથે આવી, નૃત્યાદિકથી ભગવાનને પ્રસન્ન કરતી હતી.૧૯ સૂત, માગધ અને બંદિજનો મૃદંગ, વીણા, મુરજ, વેણુ, તાલ અને શંખના શબ્દોથી નાર્ચંઈા, ગાંતા અને સ્તુતિ કરતા હતા.૨૦ એ સભામાં બેઠેલા કેટલાક વાદમાં ચતુર બ્રાહ્મણો વેદમંત્રોનું વ્યાખ્યાન કરતા હતા અને પવિત્ર કીર્તિવાળા પ્રાચીન રાજાઓની કથા કહેતા હતા.૨૧ આ પ્રમાણે દરરોજ ભગવાન કરતા હતા. ત્યાં એક દિવસે કોઇ સમયે નહીં દેખેલો એક પુરુષ ત્યાં આવ્યો. ભગવાનને પૂછાવીને દ્વારપાળ લોકોએ તેને અંદર જવા દીધો.૨૨ એ દૂતે પરમેશ્વર શ્રીકૃષ્ણને પ્રણામ કરી, હાથ જોડીને તેમની પાસે રાજાઓને જરાસંધે રોકી મૂકવાથી થયેલા દુઃખનું નિવેદન કર્યું.૨૩ જે રાજાઓ જરાસંધના દિગ્વિજય કરવાના સમયમાં જરાસંધને નમ્યા ન હતા, તે વીશહજાર રાજાઓને બળાત્કારથી ગિરિવ્રજ નામના કિલ્લામાં કેદ કર્યા હતા, તે રાજાઓવતી દૂતે શ્રીકૃષ્ણ ભગવાનને આ પ્રમાણે કહ્યું.૨૪ રાજાઓ કહેવરાવે છે હે કૃષ્ણ ! હે શરણાગતોના ભયને ભાંગનાર ! જે અમો ભેદબુદ્ધિવાળા છીએ, તે અમો સંસારથી ભય પામીને તમારા શરણાગત થયા છીએ.૨૫ નિષિદ્ધ અને સકામ કર્મમાં બહુ જ લાગેલો લોક હજી આપે કહેલા અને પોતાના પવિત્ર ધર્મરૂપ આપના પૂજનમાં પ્રમાદ ધરાવતો હોય તેટલામાં જ બળવાન એવા જે આપ, તે લોકોની જીવવાની આશાને કાપી નાખો છો, તે કાળરૂપ આપને પ્રણામ કરીએ છીએ.૨૬ હે ઇશ્વર ! જગતના સ્વામી આપ સજ્જનોના રક્ષણને માટે અને ખળ લોકોને શિક્ષા કરવાને માટે બળદેવજીની સાથે અવતર્યા છો, તો પછી રક્ષણ કરનારો હું રહેલો હોવા છતાં કેટલાક જનો શા કારણથી દુઃખ પામે છે ? આના ઉત્તરમાં રાજાઓ કહે છે કે- જરાસંધાદિ કેટલાક લોકો પ્રજાપાલનરૂપ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, અને અમારા જેવા કેટલાક લોકો પૂર્વે કરેલાં પાપનાં ફળો ભોગવે છે, આ સિવાય બીજું કોઇ દુઃખનું કારણ અમે જાણતા નથી.૨૭ હે ઇશ્વર ! રાજ્ય સંબંધી સુખ કર્માધીન હોવાથી પરતંત્ર છે, અને સ્વપ્નના સુખની સમાન અતિ તુચ્છ છે. અને આ શરીર પણ નિરંતર ભય પામેલું અને મુડદા જેવું છે, તોપણ આ શરીરથી અમે કેવળ સ્ત્રી પુત્રાદિકની ચિંતાને ઉપાડીએ છીએ, અને નિષ્કામ લોકોને આપની પાસેથી મેળવવા યોગ્ય સ્વત:સિદ્ધ સુખ તેને છોડી દઇને, આપની માયાથી અત્યંત કંગાળ બનીને અહીં કલેશ ભોગવ્યા કરીએ છીએ.૨૮ એટલા માટે પ્રણામ કરનારાઓના શોકને હરનારાં ચરણારવિંદવાળા આપ, અમો બંધાએલા લોકોને જરાસંધ નામના કર્મબંધનમાંથી છોડાવો. એકલો છતાં દશહજાર હાથીનું બળ ધરાવનાર એ જરાસંધે, સિંહ જેમ ઘેટાંઓને રોકી રાખે, તેમ પોતાના ઘરમાં અમોને રાજાએ રોકી રાખ્યા છે.૨૯ હે ચક્રધારી ! હે અજિત ! આપની સાથે અઢારવાર થયેલા સંગ્રામમાં આપ એ જરાસંધને સત્તરવાર તો હરાવ્યો હતો, પણ અઢારમીવારના સંગ્રામમાં આપ અનંત પરાક્રમવાળા છતાં મનુષ્યદેહની લીલા કરવા લાગતાં એકવાર આપને જીતી લઇને તે જરાસંધ ભારે ગર્વ ધરાવે છે અને અમે કે જેઓ આપની પ્રજા છીએ તેઓને પીડે છે. માટે આ વિષયમાં જે યોગ્ય લાગે તે કરો.૩૦
દૂત કહે છે જરાસંધે રોકેલા, આપના દર્શનને ઇચ્છતા અને આપના ચરણે શરણ થયેલા રાજાઓએ આ પ્રમાણે આપને પ્રાર્થના કરી છે, માટે એ દીન લોકોનું કલ્યાણ કરો.૩૧ શુકદેવજી કહે છે રાજાઓનો દૂત આ પ્રમાણે બોર્લંઈો હતો, ત્યાં મોટી કાંતિવાળા અને પીંગળી જટાને ધરનારા નારદજી સૂર્યની પેઠે પ્રગટ થયા.૩૨ નારદજીને જોઇ શ્રીકૃષ્ણ ભગવાન, સભાસદો અને અનુચરો સહિત આનંદથી ઊભા થઇને તેમને મસ્તકવડે પગે લાગ્યા.૩૩ આસનનો સ્વીકાર કરી બેઠેલા નારદજીનો વિધિપૂર્વક શ્રદ્ધાથી સત્કાર કરી, ભગવાને મધુર વચનથી નારદને આ પ્રમાણે કહ્યું.૩૪
ભગવાન કહે છે, હમણાં ત્રણેલોક સારી રીતે નિર્ભય છે ? કોઇ તરફથી ભય તો નથી ને ? આપ સર્વે લોકોમાં ફરોછો તેથી અમોને લોકોનું વૃત્તાંત જાણવાનો મોટો લાભ થાય છે.૩૫ ઇશ્વરે સર્જેલા ત્રણે લોકોમાં આપથી અજાણ્યું કાંઇ નથી, માટે હમણાં પાંડવો શું કરવા ધારે છે ? એ આપને પૂછું છું.૩૬
નારદજી કહે છે હે પ્રભુ ! હે વ્યાપક ! જે આપ બ્રહ્માને પણ મોહ ઉપજાવનાર અને પોતાની શક્તિઓથી પ્રાણીઓમાં અંતર્યામીરૂપે રહેલા છો. છતાં પણ કાષ્ઠમાં રહેલા અગ્નિની પેઠે ગુપ્ત પ્રકાશવાળા છો તે તમારી માયા મેં ઘણીવાર જોયેલી છે, માટે આ આપે કરેલા પ્રશ્નાદિક મને આશ્ચર્ય પમાડનારા થતા નથી.૩૭ પોતાના સંકલ્પથી આ જગતને સ્રજનારા, અને અંતરાત્માપણે પાલન કરનારા એવા આપના અભિપ્રાયને કયો પુરુષ જાણી શકે ? કોઇપણ ન જાણી શકે. અને કદાચ કોઇ જાણી શકે છે, એ પણ તમારી મૂર્તિમાં પોતાનો આત્મા જોડી દઇને એ દ્વારા મહાપ્રયાસે જાણી શકે છે. માટે કયો પુરુષ સારી રીતે જાણી શકે ? કોઇ પણ ન જાણી શકે, માટે જે આપ સ્વરૂપથી અચિંત્ય જ છો તે આપને પ્રણામ કરું છું.૩૮ જન્મ મરણ પામ્યા કરતા અને અનર્થ આપનારા શરીરથી છૂટકારો થવાનો ઉપાય નહીં જાણતા જીવને માટે તેના અજ્ઞાનરૂપી અંધારાને દૂર કરનાર પોતાના યશરૂપી દીવાને જે આપે લીલા અવતારો દ્વારા પ્રજ્વર્લિંઈ કર્યો છે તે આપને હું શરણે આવ્યો છું.૩૯ હે મહારાજ ! આમ છે તોપણ મનુષ્ય લોકનું અનુકરણ કરનારા આપને, આપના ભક્ત અને ફોઇના દીકરા યુધિષ્ઠિર રાજાએ જે કરવા ધારેલું છે, તે કહી સંભળાવું છું.૪૦ હે દેવ ! યુધિષ્ઠિર રાજા ચક્રવર્તીપણું મેળવવાની ઇચ્છાથી રાજસૂય નામનો મોટો યજ્ઞ કરીને આપનું પૂજન કરવા ધારે છે, તો એ કામમાં આપે સંમતિ આપવી, એટલું જ નહીં પણ ત્યાં અવશ્ય આવવું, કેમકે એ મોટા યજ્ઞમાં દેવતા આદિ અને મોટી કીર્તિવાળા રાજાઓ પણ આપનાં દર્શન કરવાની ઉત્કંઠાથી ભેળા થશે.૪૧-૪૨ હે પ્રભુ ! જે આપ પરબ્રહ્મ છો તે આપના શ્રવણથી, કીર્તનથી અને ધ્યાનથી ચંડાળો પણ પવિત્ર થાય છે. ત્યારે આપનાં દર્શન અને સ્પર્શ કરનારા લોકો પવિત્ર થાય તેમાં શું કહેવું ?૪૩ હે સર્વલોકોને મંગળરૂપ ! સ્વર્ગને વિષે, રસાતળને વિષે, અને પૃથ્વીને વિષે પ્રસિદ્ધ થઇને વ્યાપેલો નિર્મળ એવો તમારો યશ દિશાઓને શણગારરૂપ થઇને વિશ્વને પવિત્ર કરે છે. તેવી જ રીતે સ્વર્ગમાં મંદાકિની એવા નામથી, પાતાળમાં ભોગવતી એવા નામથી તથા પૃથ્વીમાં ગંગા એવા નામથી પ્રખ્યાતિ પામેલું જે આપનું ચરણારવિંદ ધોયાનું જળ જગતને પવિત્ર કરે છે, તે આપના ત્યાં પધારવાથી સર્વે મંગળ અને પવિત્ર થશે.૪૪
શુકદેવજી કહે છે આ પ્રમાણે નારદજી બોલ્યા પછી પોતાના પક્ષના યાદવો જરાસંધને જીતવાની ઇચ્છાથી યુદ્ધિષ્ઠિરના યજ્ઞમાં જવાની વાત જ્યારે માન્યા નહિ ત્યારે હસતા શ્રીકૃષ્ણ ભગવાને મધુર વાણીથી પોતાના ભૃત્ય ઉદ્ધવજીને આ પ્રમાણે કહ્યું.૪૫
ભગવાન કહે છે તમે અમારા સંબંધી અને વળી વિચારથી સિદ્ધ કરવાની વસ્તુઓના પરિણામ જાણનાર હોવાને લીધે અમારી ઉત્તમ આંખરૂપ છો, માટે આ વિષયમાં શું કરવું યોગ્ય છે, તે કહો; અને જે કહેશો તે અમો સ્વીકારીને એ પ્રમાણે કરીશું.૪૬
શુકદેવજી કહે છે આ પ્રમાણે ભગવાને સર્વજ્ઞ છતાં પણ નહિ સમજનારની પેઠે પૂછતાં તેમની આજ્ઞાને માથે ચડાવી ઉદ્ધવજી બોલ્યા.૪૭
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સિત્તેરમો અધ્યાય સંપૂર્ણ.