અધ્યાય ૭૭
માયાવી શાલ્વનો તથા તેના વિમાનનો શ્રીકૃષ્ણે નાશ કર્યો.
શુકદેવજી કહે છે જળનું આચમન લઇ ધનુષ ધરીને સજ્જ થયેલા તે પ્રદ્યુમ્ને સારથિને કહ્યું કે ‘‘મને વીર દ્યુમાનની પાસે લઇ જા.’’૧ પોતાના સૈન્યનો નાશ કરતા દ્યુમાનને રોકીને પ્રદ્યુમ્ને હસતાં હસતાં તેને આઠ બાણથી વીંધ્યો.૨ તેમાં ચાર બાણથી ચાર ઘોડા માર્યા, એક બાણથી સારથિને માર્યો, બે બાણથી ધનુષ તથા ધ્વજા કાપી નાખી અને એક બાણથી દ્યુમાનનું માથું કાપી નાખ્યું.૩ ગદ, સાત્યકિ અને સાંબ આદિ યાદવો શાલ્વના સૈન્યને મારવા લાગ્યા. માથાં કપાઇ જતાં સૌભ વિમાનમાં બેઠેલા સર્વે સમુદ્રમાં પડવા લાગ્યા.૪ આવી રીતે યાદવો અને શાલ્વના પક્ષના લોકો એક બીજાને મારતાં તે તુમુલ અને ભયંકર યુદ્ધ સત્યાવીશ રાત્રી સુધી ચાલ્યું.૫ યુધિષ્ઠિર રાજાએ બોલાવવાથી ઇંદ્રપ્રસ્થમાં ગયેલા શ્રીકૃષ્ણ ભગવાન રાજસૂય પૂરો થયા પછી અને શિશુપાળ મરી ગયા પછી વૃદ્ધ કૌરવોની, મુનિઓની અને પુત્રો સહિત કુંતીની આજ્ઞા લઇને અત્યંત ભયંકર શુકનો જોતા જોતા દ્વારકામાં જવા નીકળ્યા.૬-૭ માર્ગમાં વિચાર કરવા લાગ્યા કે ‘‘હું બલભદ્ર સહિત અહીં આવ્યો છું, તો શિશુપાલના પક્ષના રાજાઓ અવશ્ય મારી નગરીને મારતા હશે.’’૮ વિચાર કરતા કરતા દ્વારકા પાસે આવ્યા ત્યાં સૌભ વિમાનને, શાલ્વ રાજાને અને તેથી થતા પોતાના સૈન્યના નાશને જોઇ, દ્વારિકાની રક્ષા કરવા માટે બળભદ્રને મોકલ્યા. પછી ભગવાને દારુકને કહ્યું કે ‘‘હે સારથિ ! મારા રથને શાલ્વની પાસે તરત પહોંચાડી દે. આમાં તારે સભ્રમ કરવો નહીં, કેમકે આ શાલ્વ રાજા માયાવી છે.’’૯-૧૦ આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરતાં દારુકે રથ ઉપર સારી રીતે બેસીને તેને હાંક્યો. પોતાના અને પરાયા સર્વે લોકોએ યુદ્ધમાં ભગવાનની ધ્વજામાં રહેલા ગરુડને આવતાં જોયા. અર્થાત ગરુડધ્વજ રથ ઉપર વિરાજમાન શ્રીકૃષ્ણને રણસંગ્રામમાં પ્રવેશતા જોયા.૧૧ જેના ઘણા ખરા સેનાપતિઓ મરણ પામ્યા હતા, એવા શાલ્વરાજાએ યુદ્ધમાં ભગવાનને આવ્યા જોઇ તેમના સારથિ ઉપર ભયંકર શબ્દવાળી સાંગ નાખી.૧૨ આકાશમાં વીજળીની પેઠે ભારે વેગથી આવતી અને દિશાઓમાં પ્રકાશ કરતી તે સાંગને શ્રીકૃષ્ણે પોતાના બાણોથી અનેક કટકા કરી કાપી નાખી.૧૩ સોળ બાણથી શાલ્વને પણ વીંધી નાખતા, સૂર્ય જેમ પોતાના કિરણોથી આકાશને વીંધે, તેમ આકાશમાં ફરતા સૌભ વિમાનને બાણના સમૂહથી વીંધી નાખ્યું.૧૪ શાલ્વ રાજાએ શ્રીકૃષ્ણનો ડાબો હાથ કે જેમાં શારંગ ધનુષ હતું તેને ભેદી નાખ્યો, તેથી ભગવાનના હાથમાંથી શારંગધનુષ પડી ગયું, એ ભારે આશ્ચર્ય થયું.૧૫ તે સમયમાં જોનારા પ્રાણીઓએ મોટો હાહાકાર કરી મેલ્યો. શાલ્વ રાજાએ મોટી ગર્જના કરીને ભગવાનને કહ્યું કે હે મૂઢ ! અમારા દેખતા અમારા મિત્રની સ્ત્રીને તું હરી ગયો છે; વળી રાજસૂયની સભાની અંદર અમારા મિત્રના પ્રમાદનો લાભ લઇને તેં તેને મારી નાખ્યો છે, એટલા માટે જે તું અપરાજિત પણાનું મિથ્યાભિમાન ધરાવે છે, તે તું મારી આગળ ઊભો રહીશ, તો તને આજ સજાવેલાં બાણોથી ત્યાં મોકલી આપીશ કે જ્યાંથી પાછું અવાતું નથી.’’૧૬-૧૮
શ્રીકૃષ્ણ કહે છે હે મૂર્ખ ! તું વૃથા બકે છે અને પાસે કાળ આવ્યો છે તેને પણ તુ જાણતો નથી. શૂર પુરુષો પોતાનો પુરુષાર્થ દેખાડે પણ ઘણું બોલે નહીં.૧૯
શુકદેવજી કહે છે આ પ્રમાણે કહીને ક્રોધ પામેલા ભગવાને શાલ્વની હાંસડીમાં ભયંકર વેગવાળી ગદા મારી. શાલ્વરાજા કંપવા અને લોહી ઓકવા લાગ્યો.૨૦ ગદા પાછી વળ્યા પછી શાલ્વ અંતર્ધાન થઇ ગયો. પછી થોડી જ વારમાં એક પુરુષ આવી ભગવાનને મસ્તકથી પ્રણામ કરી ‘‘મને દેવકીએ મોકલ્યો છે’’ એમ કહી રોતો રોતો બોલ્યો કે ‘‘હે કૃષ્ણ ! હે મહાબાહુ ! હે પિતા ઉપર પ્રીતિ રાખનાર ! કસાઇ જેમ પશુને લઇ જાય તેમ શાલ્વ રાજા તમારા પિતાને બાંધીને લઇ ગયો છે.૨૧-૨૨ આ અપ્રિય વાત સાંભળી મનુષ્યની પ્રકૃતિને પામેલા દયાળુ ભગવાન મનમાં ઉદાસ થઇને પ્રાકૃત મનુષ્યની પેઠે બોલ્યા કે ‘‘સંભ્રમ ન પામનાર અને દેવ તથા દૈત્યો પણ જેને જીતી શકે નહીં એવા બલભદ્રને જીતી લઇ, નીચ અને તુચ્છ શાલ્વ મારા પિતાને શી રીતે લઇ ગયો હશે ? પણ દૈવ બળવાન છે.’’ ૨૩-૨૪ આ પ્રમાણે ભગવાન બોલતા હતા તેટલી વારમાં નકલી વાસુદેવ લઇને શાલ્વ આવ્યો, અને તેણે ભગવાનને કહ્યું કે ‘‘હે મૂર્ખ ! તને જન્મ આપનાર આ તારો બાપ છે કે જેને માટે તું જીવે છે, તારા દેખતા આને હું મારી નાખીશ. જો તારી શક્તિ હોય તો આની રક્ષા કર.’’૨૫-૨૬ માયાવી શાલ્વ આ પ્રમાણે ભગવાનનો તિરસ્કાર કરી, ખડ્ગથી વસુદેવનું માથું કાપી નાખી, તે માથું લઇને આકાશમાં રહેલા સૌભ વિમાનમાં ગયો.૨૭ ભગવાન સ્વત:સિદ્ધ જ્ઞાનવાળા હોવા છતાં પણ થોડીવાર સ્વજન ઉપર સ્નેહને લીધે, મનુષ્યના સ્વભાવમાં મગ્ન થઇ રહ્યા. પછી મોટા પ્રભાવવાળા શ્રીકૃષ્ણ ચેત્યા કે મયદાનવે શીખવેલી આ આસુરી માયા જ શાલ્વે ચલાવી છે. આમ ચેત્યા એટલે ત્યાં, જાગેલો માણસ જેમ સ્વપ્નના પદાર્થને દેખે નહીં, તેમ ભગવાને દૂતને કે પિતાના દેહને પણ દીઠો નહીં. પછી સૌભમાં બેસી આકાશમાં ફરતા શત્રુને જોઇને તેને મારી નાખવાને સજ્જ થયા.૨૮-૨૯ હે રાજા ! પૂર્વાપરનું અનુસંધાન નહીં રાખનારા કેટલાએક ઋષિઓ આ પ્રમાણે વાત કરે છે પણ તેઓ પોતાના જ વચનને જે વિરોધ આવે છે તેનું સ્મરણ કરતા નથી.૩૦ શોક, મોહ, સ્નેહ અને ભય કે જેઓ અજ્ઞાની માણસોમાં જ સંભવે છે. તેઓ ક્યાં ? અને અખંડિત તથા જેમનાં જ્ઞાન, વિજ્ઞાન અને ઐશ્વર્ય અખંડિત છે એવા શ્રીકૃષ્ણ ક્યાં ? આ કારણથી પણ ભગવાનને મોહ થવો સંભવતો જ નથી.૩૧ જે ભગવાનના ચરણની સેવા કરવાથી વૃદ્ધિ પામેલી આત્મવિદ્યાના પ્રભાવથી સત્પુરુષો અનાદિ કાળની આત્મામાં દેહબુદ્ધિનો નાશ કરી, ભગવાનની સેવાથી આત્મામાં ઉત્પન્ન થયેલા અનંત અપહતપાપ્મત્વાદિ ઐશ્વર્યને પામે છે, તે સર્વોત્કૃષ્ટ અને સત્પુરુષોના શરણરૂપ ભગવાનને મોહ થવો સંભવે જ કેમ ? અર્થાત ભગવાનના સેવકોને જો મોહ થતો ન હોય તો સાક્ષાત ભગવાનને તો મોહ થાય જ ક્યાંથી ?૩૨ માટે આ વાતમાં સત્ય તો એ છે કે અમોઘ પરાક્રમવાળા શ્રીકૃષ્ણે અનેક શસ્ત્રોથી પ્રહાર કરતા શાલ્વને પોતાના સામર્થ્યથી બાણોવતે વીંધી નાખીને તેનાં કવચ, ધનુષ અને માથાના મણિને કાપી નાખીને, તે શત્રુના સૌભ વિમાનને પણ ગદાથી ભાંગી નાખ્યું.૩૩ ભગવાનના હાથથી ફેંકાએલી ગદાથી હજારો કટકા થઇ ગયેલું તે વિમાન જળમાં પડ્યું. વિમાન છોડી દઇ ધરતી પર ઊભેલો શાલ્વ ગદા ઉગામીને તુરત ભગવાનની સામો દોડ્યો.૩૪ દોડ્યા આવતા શાલ્વના ગદા સહિત હાથને ભાલાથી કાપી નાખીને તેના વધને માટે જેમણે પ્રલયકાળના સૂર્ય જેવું ચક્ર ધર્યું હતું એવા ભગવાન સૂર્યવાળા ઉદયાચળની પેઠે શોભવા લાગ્યા.૩૫ ઇંદ્રે જેમ વજ્રથી વૃત્રાસુરનું માથું કાપી નાખ્યું હતું, તેમ ભગવાને ઘણી માયા કરનારા શાલ્વનું કિરીટ અને કુંડળ સહિત માથું તે ચક્રથી કાપી નાખ્યું. તે સમયમાં લોકો હાહાકાર કરવા લાગ્યા.૩૬ હે રાજા ! એ પાપી શાલ્વ મરણ પામતા અને સૌભ વિમાન ગદાથી ભાંગી જતાં આકાશમાં દેવતાઓનાં દુંદુભિ વાગ્યાં. પછી પોતાના મિત્રોનું વેર વાળવા ક્રોધથી દંતવક્ત્ર આવ્યો.૩૭
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સીત્યોતેરમો અધ્યાય સંપૂર્ણ.