અધ્યાય ૭૬
યાદવોનું શાલ્વ સાથે યુદ્ધ થતાં પ્રદ્યુમ્નને ઘાયલ કરતો શાલ્વનો બળવાન મંત્રી દ્યુમાન.
શુકદેવજી કહે છે હે રાજા ! હવે શ્રીકૃષ્ણ ભગવાને શાલ્વને મારવાનું બીજું પણ અદ્ભુત કામ કર્યું હતું, તેની કથા સાંભળો.૧ શિશુપાળનો મિત્ર શાલ્વ રાજા રુક્મિણીના વિવાહમાં આવ્યો હતો, ત્યારે યુદ્ધમાં તેને યાદવોએ જીતી લીધો હતો અને જરાસંધ આદિ બીજા રાજાઓને પણ જીતી લીધા હતા.૨ સર્વે રાજાઓના સાંભળતાં એ શાલ્વે પ્રતિજ્ઞા કરી હતી કે ‘‘હું પૃથ્વીને યાદવો વગરની કરીશ. મારો પુરુષાર્થ જુવો’’૩ મૂઢ શાલ્વરાજા આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સદાશિવની આરાધના કરવા લાગ્યો અને આરાધના કરતાં માત્ર ધૂળની એક મૂઠી ફાકીને જ રહતો હતો.૪ સદાશિવ તરત પ્રસન્ન થાય એવા છે, તોપણ ભગવાનના દ્વેષી શાલ્વને વરદાન દેવું વ્યર્થ જાણી એક વર્ષ પૂરું થયા પછી શાલ્વને વર માગવાનું કહ્યું.૫ શાલ્વ રાજાએ દેવ, અસુર, મનુષ્ય, ગંધર્વ, નાગ અને રાક્ષસોથી ભેદી શકાય નહીં એવું, ઇચ્છા પ્રમાણે પહોચે એવું અને યાદવોને ત્રાસ આપનારું વિમાન માગ્યું.૬ “તથાસ્તુ’’ એમ કહીને મહાદેવે આજ્ઞા કરતાં શત્રુઓના પુરને જીતનાર મયદાનવે સૌભ નામનું વિમાન બનાવીને શાલ્વને આપ્યું.૭ ઇચ્છા થાય ત્યાં પહોંચનાર અને બીજાથી પમાય નહી એવું અને અંધકારના સ્થાનકરૂપ વિમાન મેળવીને યાદવોએ કરેલા વૈરને સંભારતો તે શાલ્વરાજા દ્વારકા ઉપર આવ્યો.૮ હે રાજા ! મોટી સેનાથી દ્વારકાને ઘેરી લઇને તેના સર્વે બગીચા અને વાડીઓને ભાંગવા લાગ્યો.૯ ગોપુર, દ્વાર, પ્રાસાદ, મેડીઓ, ભીંતો અને વિહારનાં સ્થાનકોને ભાંગવા લાગ્યો. મોટા સૌભ વિમાનમાંથી શસ્ત્રની વૃષ્ટિ થવા લાગી.૧૦ પથ્થરા, ઝાડ, ઉલ્કાપાત, સર્પ અને ભારે કરાની વૃષ્ટિ થવા લાગી. ભયંકર વંટોળીઓ ઉત્પન્ન થયો અને ધૂળથી દિશાઓ ઢંકાઇ ગઇ.૧૧ ત્રિપુરાસુરે પીડા કરવા માંડતાં જેમ પૃથ્વીને સુખ મળ્યું ન હતું, તેમ શાલ્વે બહુ જ પીડા કરવા માંડતાં ભગવાનની નગરી દ્વારકાને કોઇ રીતે સુખ થયું નહીં.૧૨ મહાવીર અને મોટી કીર્તિવાળા પ્રદ્યુમ્ને પોતાની પ્રજાને પીડાતી જોઇ રથમાં બેસીને ‘‘બીશો નહીં’’ એમ કહ્યું.૧૩ સાત્યકિ, સાંબ, અક્રૂરજી, કૃતવર્મા, ગદ, શુક્ર અને બીજા પણ મોટા ધનુષવાળા મહારથીઓના અધિપતિઓ કવચ પહેરી, રથ, હાથી, ઘોડા અને પાળાઓને સાથે લઇને બહાર નીકળ્યા.૧૪-૧૫ પછી જેમ દૈત્ય અને દેવતાઓની સાથે યુદ્ધ થયું હતું, તેમ શાલ્વની સેનાવાળાઓને યાદવોની સાથે તુમુલ અને રુવાડાં ઊભાં કરે એવું યુદ્ધ થયું.૧૬ જેમ સૂર્ય રાત્રીના અંધારાનો નાશ કરે તેમ પ્રદ્યુમ્ને ક્ષણ માત્રમાં દિવ્ય અસ્ત્રોથી શાલ્વની માયાઓનો નાશ કરી નાખ્યો.૧૭ સુવર્ણની પુંખવાળાં, લોઢાના મુખવાળાં અને નમેલી અણીવાળાં પચ્ચીશ બાણોથી પ્રદ્યુમ્ને શાલ્વના સેનાપતિને વીંધી નાંખ્યો.૧૮ સો બાણ શાલ્વને માર્યાં, એક એક બાણ તેના દરેક યોદ્ધાઓને માર્યું, દશ દશ બાણ સારથીઓને માર્યાં અને ત્રણ ત્રણ બાણ વહાનોને માર્યાં.૧૯ મહાત્મા પ્રદ્યુમ્નનું એ મોટું અદ્ભુત કામ જોઇને સર્વે પોતાની તથા શત્રુની સેનાના યોદ્ધાઓ તેમનાં વખાણ કરવા લાગ્યા.૨૦ શાલ્વનું તે વિમાન કોઇ સમયે એક રૂપ અને કોઇ સમયે બહુરૂપ થઇ જતું હતું અને કોઇક સમયે દેખાતું પણ ન હતું. આવી રીતે મયદાનવે માયાથી બનાવેલું તે વિમાન શત્રુઓના ધારવામાં પણ આવતુ ન હતું.૨૧ ક્યારેક ધરી ઉપર, ક્યારેક આકાશમાં, ક્યારેક પર્વતના શિખર ઉપર અને ક્યારેક જળમાં ફરતું તે સૌભ વિમાન ઉંબાડીઆના ચક્રની પેઠે સ્થિર રહતું ન હતું.૨૨ વિમાન અને યોદ્ધાઓ સહિત શાલ્વ જ્યાં દેખાતો ત્યાં યાદવોના યૂથપતિઓ બાણો નાખતા હતા.૨૩ અગ્નિ અને સૂર્યના સરખા સ્પર્શવાળા અને સર્પની પેઠે ત્રાસ આપનારા યાદવોએ મૂકેલા બાણોથી પોતાનું વિમાન અને યોદ્ધાઓ પીડા પામતા શાલ્વ મુંઝાઇ ગયો.૨૪ આલોક તથા પરલોકમાં સુખ પામવાની ઇચ્છાવાળા વીર યાદવો શાલ્વના સેનાપતિનાં ઘણાં શસ્ત્રોથી બહુ જ પીડાતાં હતા, તોપણ પોતપોતાની રણભૂમિને છોડતા ન હતા.૨૫ પ્રથમ પ્રદ્યુમ્ને પીડેલા શાલ્વના બળવાન મંત્રી દ્યુમાને, પ્રદ્યુમ્ન સામો આવી તેમને મોટી ગદા મારીને ગર્જના કરી.૨૬ શત્રુઓને મારનાર પ્રદ્યુમ્ન કે જેમનું વક્ષઃસ્થળ ગદાથી ફાટી ગયું તેમને, ધર્મ જાણનારો દારુકનો પુત્ર સારથિ, યુદ્ધમાંથી દૂર લઇ ગયો.૨૭ થોડીવારમાં ભાન આવતાં પ્રદ્યુમ્ને સારથિને કહ્યું કે અહો ! હે સારથિ ! તું યુદ્ધમાંથી મને દૂર લઇ ગયો એ ભૂંડું કર્યું.૨૮ જે મને નપુંસક સરખા ચિત્તવાળા સારથિએ દૂષિત કરી દીધો. તે મારા વિના બીજો કોઇ યાદવના કુળમાં જન્મેલો યુદ્ધમાંથી ભાગેલો સાંભળવામાં આવ્યો નથી.૨૯ તે હું યુદ્ધમાંથી ખસી ગયો, તેથી હવે મારા પિતા શ્રીકૃષ્ણ અને બલભદ્ર મળીને તેઓ પૂછશે ત્યારે, મારી યોગ્યતા વિષે સારી રીતે શું બોલી શકીશ ?૩૦ મારા ભાઇઓની સ્ત્રીઓ ‘‘હે વીર ! બીજાઓની સાથે યુદ્ધ કરતાં તમારું કેમ થયું હતું તે કહો’’ એમ હસતાં હસતાં બોલીને અવશ્ય મને નપુંસક ઠરાવશે.૩૧ સારથિ કહે છે હે મોટા આયુષ્યવાળા ! હે પ્રભુ ! મેં ધર્મ સમજીને આ કામ કર્યું છે. રથમાં બેસનારને કષ્ટ પડે ત્યારે સારથિએ તેની રક્ષા કરવી જોઇએ, અને સારથિને કષ્ટ પડે ત્યારે રથમાં બેસનારાએ તેની રક્ષા કરવી જોઇએ.૩૨ તમને શત્રુની ગદાનો પ્રહાર વાગવાથી પીડા પામીને મૂર્છિત થઇ ગયા જાણી, હું યુદ્ધમાંથી દૂર લઇ ગયો હતો.૩૩
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છોતેરમો અધ્યાય સંપૂર્ણ.