મંત્ર (૬૪) ૐ શ્રી ભક્તવર્મણે નમઃ
શતાનંદસ્વામી કહે છે- પ્રભુ ! તમે ભકતોનું રક્ષણ કરો છો, વર્મણ એટલે કવચ, કવચ એટલે બખતર, બખતર શું કામ કરે ? રણસંગ્રામમાં સામા સામી લડાઇ થતી હોય અને તીર ને ભાલાં સામે આવતાં હોય પણ કવચ પહેર્યું હોય એટલે તેને તીર કે ભાલો વાગે નહિ, તલવારના ઘા પણ વાગે નહિ, એને કહેવાય બખતર. ભગવાન ભક્તની બખતરની જેમ રક્ષા કરે છે અને દૂઃખને દૂર કરે છે.
મેઘપુરના સુંદરજીભાઇ વાણિયા હતા. સોનાનો ધંધો કરે, ચુસ્ત ખરેખરા સત્સંગી. એક વખત માલ લેવા જામનગર ગયા. સોનું અને હીરા માણેક ખરીદીને ગામ તરફ રવાના થયા. આ બાબતની ચોરને ખબર પડી ગઇ, તેથી રસ્તામાં ઊંડી ખાઇ હતી ત્યાં ચોર સંતાણા. સુંદરજીભાઇ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા ઊતાવળે પગે ચાલ્યા આવે છે. ત્યાં તો ઘોડા ઉપર બેસીને ચોર આડા ફરી વળ્યા.
ભગતને ફાળ પડી, ધ્રૂજી ગયા, હવે શું કરવું ? ચોર મને માર્યા વગર મૂકશે નહિ, ચોર ભગતના હાથ ઝાલીને નદીના કોઈરમાં લઇ ગયા. ભયંકર વન, સાંજનો સમય કોણ બચાવે ?
ચોર બોલ્યા બતાવ તારી પાસે શું છે ? જે હોય તે આપી દે ! નહિતર મારી નાખશું, જે હતું તે બધું આપી દીધું. બીજો ચોર કહે જીવતો મૂકશો નહિ, નહિતર પકડાવી પાડશે, એમ કહી તલવાર ઊગામી સુંદરજી ભગત જોરથી રાડ પાડી, હે સ્વામિનારાયણ ! બચાવો... બચાવો... ચોર કહે ચૂપ રહે, કોઇક સાંભળશે તો અમે પકડાઇ જાશું.
-: મારો વ્હાલો આવી ગયા છે :-
સુંદરજીભાઇ રડતાં રડતાં બોલ્યા, ભાઇ ! મને મારો નહિ, તમારી ભલાઇ હું કોઇને નહિ કહું, મને જીવતો જવા દો. મારા કુમળાં છોકરાં રખડી પડશે. ડાકુએ દાંત કચકચાવતાં કહ્યું- તને મારીએ નહિ ને અમે ભલે મરીએ એમ ? અમે જેને પકડીએ તેને ઠેકાણે કર્યા વગર મૂકતા નથી. એમ કહી એવી જોરથી તલવાર સંદુરજીના વાસામાં ઝીંકી, સુંદરજીભાઇ બેવડા વળી ગયા, પણ કાંઇ ઇજા ન થઇ, વળી ફરીથી તલવાર છાતી પર મારી, તો પણ કાંઇ ન થયું. રૂના ઢગલા પર તલવારનો ઘા થાય તેમ ઘા થાય પણ વાગે નહિ. ડાકુ નવાઇ પામી ગયા, આ શું હશે ? એક ઝાટકે માથું ઊડી જાય અને આને તલવારના ઘા કેમ વાગતા નથી ? ચોક્કસ આની પાસે કાંઇક જંત્ર મંત્ર છે. સુંદરજીભાઇ સમજી ગયા કે- મારો વહાલો આવી ગયા છે, નહિતર હું જીવતો ન રહી શકું. એક ઝાટકે છેદાઇ જાઉં. સુંદરજીભાઇને હિંમત આવી ગઇ, ભજનમાં વધારે શ્રધ્ધા બેઠી, જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા લાગ્યા. ડાકુને થયું કોઇક સાંભળશે તો આપણું આવી બનશે, તેથી તરત સુંદરજીની બોચી પકડીને ભીંસ દઇને મારી નાખવા ડોક પકડી ત્યાં પ્રભુ આવી ગયા મદદમાં.
સહજાનંદમાંથી વિકરાડ સિંહ બની ગયા, માંડ્યા ત્રાડ પાડવા, આખું વન ગાજી ઊઠ્યું. ચોરનાં હાંજા ખખડી ગયાં. વોય બાપ રે, મરી ગયા, સિંહે ચોરની ગરદન પકડીને એવો છંછેડ્યો કે તરત જ પ્રાણ નીકળી ગયા. છાતી ચીરી નાખી, ચોર મૃત્યુ પામ્યા, સુંદરજીભાઇ એવા બીગયા કે દોડીને નદીમાં બેસી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરે છે.
ભગવાન વિકરાડ સિંહમાંથી સહજાનંદ બની ગયા. આ દૃશ્ય જોઇને સુંદરજીભાઇ દોડીને પ્રભુના ચરણમાં નમસ્કાર કર્યા, ધ્રૂસકો મૂકીને રડી પડ્યા, આંખનાં આંસુથી પ્રભુનાં ચરણ પલાળી દીધા, હે પ્રભુ ! તમે ખરી વેળાએ મારી રક્ષા કરી.
ભગવાને સુંદરજીભાઇના માથા પર હાથ મૂકી ધીરજ આપતાં કહ્યું ! ‘‘સુંદરજીભાઇ ! જોખમ હોય ત્યારે એકલા કોઇ દિવસ જશો નહિ, પાછી રાત છે, ધંધા માટે જવું હોય તો, બે જણા થઇને જવું, સથવારો સાથે હોય તો હિંમત રહે કે હું એકલો નથી, હવે શાંતિથી ઘેર જાઓ, તમારાં માતા પિતા અને પુત્ર પરિવાર વાટ જુએ છે. આટલું બોલી પ્રભુ અદૃશ્ય થઇ ગયા. ભગવાન આવા ભક્તના બખતર બની જાય છે.’’ અનેક ભકતોનું રક્ષણ કરવા પ્રભુ દોડી આવે છે. અને વર્તમાન કાળમાં પણ રક્ષા કરે છે.
દુસરો કોણ સુખદાઇ, શ્યામ બીન દુસરો કોણ સુખદાઇ
પંચાલી કે ચીર પુરનકું, ધીર તજી આયે ધાઇ... શ્યામ૦
પાંડવકું લાક્ષાગ્રહ જ્યારે, તાસું લીને બચાઇ...શ્યામ૦
દુસરો કોણ સુખદાઇ, શ્યામ બીન દુસરો કોણ સુખદાઇ.
જ્યાં જ્યાં ભીડ પડત ભક્તકું, ત્યાં ત્યાં હોત સહાઇ. શ્યામ૦
દયાનંદકો નાથ દયાળુ, ભજો ભાવ ઉર લાઇ... શ્યામ૦
દુસરો કોણ સુખદાઇ, શ્યામ બીન દુસરો કોણ સુખદાઇ.
જ્યારે જ્યારે ભક્તને ભીડ પડે છે, ત્યારે પ્રભુ તેના બખતર બનીને રક્ષા કરે છે, શરત એટલી કે ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ. દ્રૌપદીજીની સાડી દુઃશાસને ખેંચી ત્યારે ભગવાન કૃષ્ણ જમતા હતા, દ્રૌપદીજીએ ચીસ પાડી, હે કેશવ ! બચાવો બચાવો. પ્રભુના હાથમાં કોળિયો રહી ગયો. રૂક્મણીએ પૂછ્યું. ‘‘મહારાજ ! આપ જમતા કેમ નથી ?’’ પ્રભુ કહે, ‘‘દ્રૌપદીજીની સાડી ખેંચાય છે.’’ રૂક્મણીજીની આંખ લાલ થઇ ગઇ. ‘‘મારી દ્રૌપદીજીની સાડી ખેંચાય છે ? તો આપ દોડતાં કેમ નથી ?’’ પ્રભુ કહે ‘‘દેવી ! હજુ સ્વપ્રયાસ ચાલુ છે, સાડીનો છેડો દાંતથી પકડી રાખ્યો છે. એ પ્રયાસ જ્યારે છૂટી જશે, ત્યારે મારી કૃપાનો ધોધ વરસશે, પછી તાકાઈ નથી કે દુઃશાસન દ્રૌપદીજીને ઉઘાડાં કરી શકે, જેને હું ઢાંકું એને કોણ ઉઘાડું કરી શકે ?’’ પછી દાંતમાંથી સાડી નીકળી ગઇ અને આર્તનાદ કર્યો, ત્યારે ભગવાન બખતર બનીને સાડીનો ધોધ મૂકી દીધો, પાની પણ દેખાવા ન દીધી. સાડી મધ્યે નારી હૈ ? કે નારી મધ્યે સાડી હૈ ? કાંઇ ખબર ન પડી.
મહાભારતમાં કથા છે કે- ભીષ્મપિતાએ જ્યારે અર્જુનને બાણ માર્યાં, ત્યારે ભગવાન દ્વારિકાધીશ આડા ઊભા રહ્યા, ભગવાનને એટલાં બધાં બાણ વાગ્યાં કે ચારણીની જેમ કાંણાં પડી ગયાં, પરંતુ ભગવાને એક પણ બાણ અર્જુનને વાગવા દીધું નહિ, ભક્તના દુઃખોને સ્વયં ઓઢી લેનારા છે.
-: ઘરને પડતા બચાવી લીધું :-
ભગવાન સ્વામિનારાયણ સારંગપુર પધાર્યા તે વર્ષે વરસાદ થયો નહોતો, સર્વ ભક્તજનો આવ્યા મહારાજ પાસે, હે મહારાજ ! કાંઇક દયા કરો વરસાદ વરસાવો, ઢોર ભૂખે મરે છે ને માણસો પણ દુઃખી છે.
મહારાજ કહે તમે બધા મારી પાસે બેસીને ધૂન્ય કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પ્રભુ પોતે પણ તાળી પાળી ધૂન્ય બોલે છે, ત્યાં ઇશાન ખુણામાં એક વાદળી ચડી અને જોતજોતામાં આખું આકાશ છવાઇ ગયું. કડાકા ને ભડાકા થવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, મૂશળધાર વરસાદ ચાલુ થયો, માણસો બધાં ગભરાણાં કે શું થશે ?
જેમ વૃંદાવનમાં મૂશળધાર વરસાદ થયો ત્યારે પ્રભુ કૃષ્ણચંદ્રે એક ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ધારણ કરી સૌની રક્ષા કરી, તેવી રીતે રક્ષા કરે તો સારૂં, નહિતર તણાઇ જવાશે. ખરેખર આ ઇન્દ્રનો કોપ લાગે છે. આજે ઇન્દ્ર ખીજાયો છે, સારંગપુર બોળી દેશે. ત્રણ દિવસ સુધી સતત દિવસ અને રાત વરસાદ ચાલુ રહ્યો. મધરાત્રે પાટીદાર લાખાનું અને દેવાનું ઘર માડ્યું પડવા, ઢોર માંડ્યા બરાડા પાડવા,તે વખતે મકાન તૂટ્યું મોભની આડી નમી, બધા મંડ્યા રડવા, રડતા રડતા ભગવાનને યાદ કરે છે.
ભગત રડે તો ભગવાનને કેમ ઉંઘ આવે ? શ્રીજીમહારાજ દોડીને વજનદાર લાકડાનો મોભ ખભા ઉપર રાખીને ઘરને પડતા બચાવી લીધું. સવાર પડી માણસો અને જનાવરો બહાર નીકળી ગયાં, ને વરસાદ બંધ થઇ ગયો, શ્રીજીમહારાજ છાના માના ઊતારામાં આવીને સૂઇ ગયા.
સવારે શ્રીજીમહારાજ સ્નાન કરે છે, જોયું તો ખભામાં કાપા પડી ગયા છે, ભક્તજનોએ પૂછ્યું, મહારાજ ! આ શું થયું છે ? શ્રીજીમહારાજે બનેલી ઘટના બધી કહી સંભળાવી. ભગવાન ભક્તના આવા બખતર બનીને રક્ષણ કરે છે, દુઃખને દૂર કરે છે.