મંત્ર (૭૧) ૐ શ્રી શ્રિતસંસૃતિમોચનાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, તમે શરણે આવેલાને જન્મ મરણરૂપી સંસૃતિથી છોડાવનારા છો. ભગવાનને અવતાર લેવાનો મુખ્ય હેતુ શું છે ? આ સંસારનાંતમામ જીવ પ્રાણી-માત્ર ત્રિવિધ તાપમાં તપી ગયા છે, ડૂબકાં ખાય છે તેના ઉદ્ધાર માટે અને પોતાના પ્રેમી ભકતોના મનોરથ પૂરા કરવા પ્રભુ પધારે છે. એજ અવતાર લેવાનું પ્રયોજન છે.
ચૂલા ઉપર તપેલાંમાં ખીચડી ચડતી હોય ત્યારે પાણીમાં અનાજના દાણા જેમ ખદબદ્યા કરે, તેમ સંસારમાં રહેલા માયાના જીવો કામ, ક્રોધ, લોભ, મોહ, માયા વગેરે દોષોથી ખદબદ્યા કરે છે, સંસૃતિમાં અટવાયા કરે છે. ત્રિવિધ તાપથી પ્રભુ છોડાવવા આવ્યા છે, ભવસાગરમાં અથડાતા જીવને તારવા આવ્યા છે.
નરનારી અગણિત અથડાતાં, ભવસાગરમાં ડૂબકાં ખાતાં, બળવત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે. વારે વારે જાઉં વહાલાજી૦
ભગવાનને શરણે જે જીવ આવે તેને પ્રભુ સંસૃતિથી મુક્ત કરે છે. શ્રીહરિને શરણે કોણ આવે ? જે સંસારથી ઉદાસ થઇ જાય તે, જેને પંચવિષયનાં સુખ તુચ્છ થઇ જાય, તે શ્રીહરિને શરણે આવે. જેને ભોગ વહાલા લાગે એને ભગવાન વહાલા ન લાગે. આ જગતની અંદર માણસો વિષયો અને વાસનાની પાછળ જિંદગી ખલાસ કરી નાખે છે. ઇશ્વર સંસાર સાગરના તારક છે.
જે સતત સંસારમાં જ રચ્યા પચ્યા હોય, કુટુંબ પાછળ રચ્યા પચ્યા હોય, પૈસા માટે મૂઠી વાળીને દોડતાં જ હોય, આવી માયામાં ખૂંચેલાની વાત નથી, માયાથી બચાવવાવાળાની વાત છે. મા કુંતાજીએ શું કહ્યું ? હે ભગવાન ! મને ગમે તેટલું દુઃખ પડશે તો પણ હું કોઇને શરણે નહિ જાઉં, તમારે જ શરણે આવીશ. કવે ળ ભગવદાશ્રય જે થાય છે, જે સંસારથી થાકી જાય છે તેને ભગવાન જન્મ મરણરૂપી સંસૃતિથી છોડાવે છે.
ઘંટીના બે પડ હોય, ઉપરનું પડ ફરે તેમાં અનાજના દાણા નાખે ને ઘંટી ફેરવે, તેમાં બધા દાણા પીસાઇ જાય પણ જેટલા દાણા ખીલાની આજુ બાજુ ગોઠવાઇ જાય તે પીસાય નહિ, આ જગતની અંદર કાળમાયાનું ચક્ર સતત ફર્યા જ કરે છે, તેમાં જેટલા જીવાત્માઓ પ્રભુના ચરણરૂપી ખીલાની આજુબાજુ ગોઠવાઇ જશે, તેને જન્મ મરણરૂપી ચક્કરમાં ફરવાનું રહેતું નથી, ભગવાનના ચરણરૂપી ખીલાને પકડી રાખો.
પરમાત્માના શરણ વિના કોઇ દેવ પણ સંસૃતિથી તરી શકતા નથી, તો સામાન્ય જીવની ક્યાં વાત કરવી ! ભગવાનને આ પૃથ્વી ઉપર પધારવાનું એજ પ્રયોજન છે કે, ભવસાગરમાં ડૂબકાં ખાતા મનુષ્યોને તારવા. રામચંદ્ર ભગવાને વનમાં પ્રયાણ કર્યું, મંદાકિની નદી પાર કરવી છે. ખેવટે કહ્યું, પ્રભુ ! મારી નાવમાં બેસો, ત્યારે રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણે નાવમાં બેઠાં, વહાણ ચાલું થયું, પહેલે પાર પહોંચ્યું પણ ઊભું ન રાખ્યું, પાછું વાળી લીધું, એમ ત્રણ ચાર વાર નાવ હાંકી કીનારો આવે અને ખેવટ પાછી વાડી લે, કિનારે ઊભી રાખે નહીં, ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, ખેવટ અમને પેલે કાંઠે ઉતારતો કેમ નથી ? અને પાણીમાં આંટા કેમ મારે છે ? ઉતારી દેને ! કેટલી વાર આમ આંટા ખવરાવીશ ? કિનારો આવે છે છતાં અમને ઉતરવા શું કામ નથી દેતો ?
ત્યારે ખેવટે સરસ જવાબ આપ્યો, માફ કરજો મહારાજ ! તુમકો ચાર ચકર લગાયે, તબ તુમ થક ગયે, ઔર હમ ચોરાસી લાખ ચકર મારકે આ રહે, ફીરભી નહિ થકે. પ્રભુ ! સંસારના ચકરથી થાકી ગયેલો છું. આટલું કહ્યું ત્યાં ભગવાને એ ખેવટને સંસાર સાગરથી તારી દીધો.
જે સંસારથી થાકી જાય, જન્મ મરણરૂપી દુઃખથી ત્રાસી જાય, તેને પ્રભુ ચોક્કસ તારે છે. પાત્ર કુપાત્ર કાંઇ જોતા નથી. મને ભજે તે મારો. ગીધરાજ જટાયુએ બીજું કાંઇ નહોતું કર્યું પણ સીતાજીનો પક્ષ રાખ્યો તો ભગવાને તેને સંસૃતિથી છોડાવી દીધો. ગીધપક્ષીને મુક્તિ આપી દીધી.
જેતલપુરના જીવણ ભકતે બીજું કાંઇ નહોતું કર્યું પણ ભાવથી મઠનો રોટલો જમાડ્યો, તો ભગવાન સ્વામિનારાયણે તેને મુક્તિ આપી દીધી. મુસલમાન બીબીએ કેવળ દાંતણ આપ્યું, તો તેને ભગવાને તારી દીધી. ભગવાન ભવસાગરના તારક છે, તારવા આવ્યા છે પણ . . .
-: આપણને તરવાની મજબૂરી હોવી જોઇએ :-
સમજવા જેવી કથા છે. જે પાણી ડૂબાડે છે તે જ પાણી તારે છે. જે અગ્નિ દઝાડે છે તેજ અગ્નિ ઠંડી ઉડાડે છે. એનો ઉપયોગ કરતા આવડવો જોઇએ. માયાની ચિકાસ બહુ ચીકણી છે. પણ વચ્ચે જો ભગવાનના સ્નેહની ચીકાસ આવી જાય, તો આપણને માયાની ચિકાસ નડે નહીં.
સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં અનાસક્તિનો બોધ વારંવાર આપણને આપ્યો છે. હજારો વાર કથાઓ કરીએ છીએ, અને સંતોના મુખથી કથા સાંભળીએ છીએ. પણ જો સંસારની આસક્તિ ન જાય તો કથાનું શું ? પચાસ, સાઠ વર્ષની ઉંમર થાય ને ત્યારે આપણો સમય, આપણી શક્તિ, આપણી સંપત્તિ, આપણી બુધ્ધિ સત્સંગની સેવામાં વાપરવી જોઇએ, નહિ કે પેટ ખાતર જ.
જિંદગીના છેલ્લા શ્વાસસુધી બળદની માફક ગાડું ખેંચ્યા કરવું, તે તો મૂર્ખની બુધ્ધિ છે. એંસી નેવું વરસના થાય તો પણ મમતા મૂકે નહિ. એક બાપા એંસી વરસના છે, વાડીમાં બેઠા છે. સંતો વાડીએ સ્નાન કરવા ગયા. તેની પાસે બાપા આવ્યા. સંતો બોલ્યા, બાપા ! જય સ્વામિનારાયણ. બાપા કહે, જય સ્વામિનારાયણ. કેમ બાપા ! સુખી છોને ? સ્વામી શું સુખી ? અમારું મન જાણે. કેમ બાપા આવું બોલો છો ? સ્વામી હું બહુ દુઃખી છું, દીકરો બહુ ઉધ્ધત છે. એકનો એક છે, રમાડ્યો, ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો, ગરાસ આપ્યો, મિલ્કત આપી બધું કર્યું, પણ હવે મને જરાય બોલાવતો નથી. સ્વામી તમે કીર્તન ગાઓ છોને !
કોઇ કોઇનું નથી રે કોઇ કોઇનું નથી રે; અલ્યા નહાકના મરો બધા મથી મથી રે. કોઇ૦
જનની જનેતાએ જન્મ જ દીધો, પાડી પોશીને તને મોટેરો કીધો; પરણ્યા પછી માતા સામું જોતો નથી રે. કોઇ૦
બાપા કહે સાવ સાચી વાત છે. સ્વામી પહેલાં મારો દીકરો મને બોલાવતો, પણ હવે પરણ્યા પછી બોલાવવાનું તો ઠીક પણ, હાથ ઉગામે છે, ને ક્યારેક મારી પણ લે છે. તેની વહુ છે તે મને પટકારા કરે છે, ન બોલવાનું બોલે છે. સંસારમાં જરાય સુખ નથી સ્વામી ! આટલું બોલતાં બાપા રડી પડ્યા.
આ બધી વાત દીકરાએ સાંભળી, તે સ્વામી પાસે આવી પગે લાગ્યો. ‘‘સ્વામી મારા બાપા ખોટી ફરિયાદ તમારી પાસે કરે છે. સ્વામી એમ તો હું દીકરો છું, સત્સંગી છું, કંઠી પહેરી છે, હું બધું સમજું છું, મેં કોઇ દિવસ મારા બાપા સામે હાથ ઉપાડ્યો નથી, બાપા ટક ટક કરે તેથી ખીજાઇ ગયો હોઇશ.’’
સ્વામી કહે ‘‘અરે ગાંડા ! બાપ એતો બાપ છે, તારે સહન કરવું જોઇએ, એતો ઘરડા છે, સમજવું જોઇએને ! લે પાણી, આજથી નિયમ લે. તારા બાપાને વધઘટ બોલવું નહિ. ‘‘ભલે સ્વામી, તમે જેમ કહેશો તેમ કરીશ પણ મારા બાપાને પણ નિયમ આપો, કે મહેરબાની કરીને ઘરમાં ઓછા રહે અને મંદિરે માળા ફેરવે, સમયસર જમવા આવે, હું કપડાં આપીશ, દેવ દર્શન કરવા પૈસા આપીશ, બાપાને સમજાવો કે, ઘરમાં વધઘટ બોલે નહિ.’’
સંતોએ બાપાને કહ્યું, બાપા ! જમવા ટાણું થાય ત્યારે ઘરે જમવા જવું, બાકી મંદિરમાં બેસીને ભજન કિર્તન કરવાં, ને કથા સાંભળવી, જે મળે તે જમી લેવું. આવું સાંભળી બાપા મંડ્યા માથું ખંજોડવા, મંદિરે સમય ગાળવો એ કેમ થશે, કેમકે, આખી જિંદગી વાડીમાંજ કાઢી છે. મંદિરે રહેવાની ટેવ હોય તો થાય ને ? બાપાને સંતની વાત મનાણી નહિ, મંદિરે જાય ખરા પાંચ મિનિટમાં પાછા વળી જાય. વિચાર કરો આવી રીતે સંસારમાં આસક્તિ પૂર્વક જીવન હોયતો સંસાર સાગર કેમ તરાય ! આપણા ધર્મગ્રંથો કહે છે, દીકરો લાયક થાય ત્યારે માતા પિતાએ પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઇને ભજન ભક્તિ કરવી. જીવન તો એટલું જ જીવેલું કહેવાય જે પુરુષોત્તમ નારાયણના સાનિધ્યમાં જીવાયું હોય, સત્યના રાહે જેટલું જીવન જીવાયું. એજ જીવન જીવ્યા કહેવાય.
૭૦-૮૦- વરસની જિંદગીમાં ક્યારેક માણસ અમુક સમય જ જીવેલો હોય છે, બાકીનું જીવન ભ્રાંતિમાંજ પસાર થઇ ગયું હોય છે. વૃદ્ધાવસ્થામાં જેમ બને તેમ મંદિરે વધારે રહો, ને ઘરમાં ઓછા રહો. આમે પણ વૃદ્ધ માવતર દીકરાને અને કુટબું ીઓને ઓછાં ગમતા હોય છે. મંદિરો એટલા માટે જ ગામની વચ્ચોવચ્ચ બનાવ્યાં છે, ત્યાં જઇને શાંતિથી હરિ સ્મરણ કરવું. તો તે સહેજે સહેજે સંસાર સાગર તરી જાય છે. પ્રભુ સંસાર સાગરથી તારનારા છે.