મંત્ર (૪૫) ૐ શ્રી સાધુશીલાય નમઃ
શતાનંદસ્વામી કહે છે,"હે પ્રભુ! તમે સાધુમાં શીલવ્રત પ્રવર્તાવનારા છો. શીલવ્રતનું રક્ષણ કરનારા છો." સાધુ કોને કહેવાય ? પોતે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાધે અને બીજાને સધાવે તેને સાધુ કહેવાય.
શ્રીજીમહારાજ વચનામૃતમાં કહે છે કે, ત્રીસ લક્ષણે યુકત હોય તેને પુરો સાધુ કહેવાય. શ્રીજીમહારાજ આ ભૂમિમાં સાધુ રૂપે રહ્યા ને સાધુના ધર્મ પ્રવર્તાવ્યા. શ્રીજી સ્વમુખે કહે છે. શું કરીએ સાધુ થયા, નહિતર કાંઈક તાડન કરીએ. ભગવાન કૃષ્ણરૂપે આ ભૂમિમાં પધાર્યા, દ્વારિકામાં રાજાધિરાજ થયા ત્યારે એમની સાથે અંગરક્ષક હોય, રાજમહેલ હોય, સોનાનાં સહાસન હોય, દરવાણી હોય, દરવાણીની રજા સિવાય અંદર રાજમહેલમાં જવાય નહિ. સાધારણ માણસને અંદર જવા ન દે, તો ગરીબને પ્રવેશ કયાંથી મળે ?
તેથી રાજારૂપે ભગવાનની મુલાકાત થાય નહિ. વાતચીત કરાય નહિ, દર્શન થાય નહિ, છૂટછાટ ન હોય.
શતાનંદસ્વામી કહે છે. આ વખતે ભગવાન રાજારૂપે નથી રહ્યા, પરંતુ સાધુરૂપે રહ્યા છે. ગઢપુરમાં લીલુડા લીંબડા નીચે બેઠા હોય, ગરીબ આવે, રાંક આવે, ભિખારી આવે બધાને મળવાની છૂટ, કોઇ રોકે નહિ, કોઇ આવરણ નહિ, દરવાણી નહિ, બધાને મુલાકાત થાય, દર્શન થાય. સ્વામી નિષ્કુળાનંદજી કહે છે.
રામરૂપે ધરી થયા રાજ રે, કર્યાં મોટાં મોટાં બહુ કાજ રે;
તે તો લખાણા લાખો ઠેકાણે રે, દેવ દાનવ માનવ જાણે રે.
પણ દીન દાસ રહી પાસ રે, પૂજા પૂરી કરી નહિ આશ રે;
શું આપી ને એશગણ થાય રે, રાંકે રાજાને કેમ પૂજાય રે.
રામાવતારે બહુ મોટાં મોટાં કાર્ય કર્યાં, મર્યાદા પ્રવર્તાવી, અસુરોનો નાશ કર્યો અનેકનો ઊધ્ધાર કર્યો પણ રાજાધિરાજ છે તેથી રાંકને મળવું હોય, ભેટ દેવી હોય, ભોજન જમાડવા હોય તો જલદી રાજા પાસે જવાય નહિ. પછી પ્રભુએ કૃષ્ણાવતાર લીધો.
કૃષ્ણાવતારમાં લીલા કરી રે, બહુ તાર્યા એ અવતાર ધરી રે;
પણ એમના એમ ન રહ્યા રે, પછી રાજાધિરાજ થયા રે.
ત્યારે સહુને મળ્યાનું સુખ રે, ન રહ્યું થયું દાસને દુઃખ રે.
કૃષ્ણ અવતારમાં ખૂબ લીલા કરી, ખૂબ ભકતજનોને રાજી કર્યા, ગોપીગોપને ખૂબ સુખ આપ્યાં, પણ પછી તો દ્વારિકાના રાજા થયા. તેથી તેનાં દર્શન, સ્પર્શ, સેવા જલદી નાના સૂના માણસથી થાય નહિ, અંદર જવા ન મળે, સુદામા ગયા તો દરવાણીએ અટકાવ્યા, નાના માણસ મળવા ઇચ્છે તો મળી શકાય નહિ.
-: આચરણ જ એને ઊંચ નીચ બનાવે છે. :-
આજ સ્વામિનારાયણ ભગવાને લીલા લહેર કરી છે. બધાને છૂટ, રાંક આવે, વાઘરી આવે, બકાલી આવે, વેશ્યા આવે, બાળક આવે જુવાન અને વૃધ્ધ આવે, બધા માટે છૂટ. દરબારમાં બેઠા હોય બધાને સેવાનો, દર્શનનો લાભ મળે, કોઇ રોકે નહિ, કેમકે સાધુરૂપે આવ્યા છે અને સાધુના શીલવ્રતને પ્રવર્તાવે છે. શીલવ્રતનો બીજો અર્થ થાય પવિત્ર આચરણ. પ્રભુ પવિત્ર આચરણ વાળા છે અને બધાને પવિત્ર આચરણ રાખવાનું શીખવે છે.
પવિત્ર આચરણ વિનાનો માનવી કોઇપણ કાર્યની સિધ્દ્યિ મેળવી શકતો નથી. આચરણ જ એને ઊંચનીચ બનાવે છે. ગમે તેવી સારી ઇમારત હોય, પણ પાયા વિના લાંબા કાળ સુધી ટકતી નથી. તેમ પવિત્ર આચરણ છે તે સારી લાંબી જીંદગીનો પાયો છે. આ લોકમાં માણસની શોભા, પ્રતિષ્ઠા અને વિદ્વતા સર્વે પવિત્ર આચરણથી જ શોભે છે. આખી જિંદગી સુખમાં પસાર કરવી હોય તો તન, મન, અંતર સ્વચ્છ કરીને ભક્તિ કરવી.
તન મન અંતર સ્વચ્છ કરીને, સાચા સેવક થઇએજી;
દાસ નારાયણ હરિ ભજીને, હરિ સમીપે જઇએજી..... પ્રગટ.
પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારોજી;
અહો ધન્ય આ હરિ ભજવાનો, અવસર આવ્યો સારોજી..પ્રગટ.
આચાર અને શુભ સંસ્કાર એજ માણસનું ખરું ભૂષણ છે. મણિ ગમે તેવો અમૂલ્ય હોય પણ જયારે સુવર્ણમાં રહે ત્યારે તે મણિ શોભે છે, પણ એકલો શોભતો નથી. તેમ માનવી ગમે તેટલો પૈસાવાળો પંડિત હોય, વિદ્વાન કે ચતુર હોય પણ જો ચારિત્ર બરાબર ન હોય તો તેની કોઇ કિંમત નથી. રાવણની સોનાની નગરી હતી, જાતનો બ્રાહ્મણ હતો પણ ચારિત્રની શુધ્ધિ નહિ. આંખમાં વિકાર આવવાથી સતી સીતાજી પર દાનત બગાડી તો બૂરા હાલે મૃત્યુ પામ્યો. આચાર જોઇએ અને સાથો સાથ વિવેક પણ જોઇએ.
-: વિવેક વગરની સેવા :-
એક યજમાનને ઘેર એમના ગુરુજી આવ્યા. વૈશાખ મહિનાનો સખત તાપ. ઘરના આંગણામાં લીંબડો હતો. તેના નીચે પાટ ઊપર ગુરુજીને બેસાડ્યા. ઠંડક રહે તે માટે શિષ્યે ચારે બાજુ પાણી છાંટ્યું. જેથી ઠંડો પવન આવે, પછી શિષ્યો પંખાથી પવન નાખવા લાગ્યા. ગુરુજીને પાણી પાયું. ગુરુજી સુંદર મજાની ભગવાનની વાત સંભળાવે અને જ્ઞાન ઊપદેશ આપે તે કથા શિષ્ય ધ્યાન દઇને સાંભળે.
એમ કરતાં કરતાં યજમાન બીમાર થયા એને થયું હવે મારું શરીર રહેશે નહિ. તેથી તેમના દીકરાને કહ્યું, "અમે જેમ ગુરુજીની સેવા કરીએ છીએ, જયારે ઘેર આવે છે ત્યારે, તેમ તમે પણ સેવા કરજો." થોડા દિવસ પછી યજમાનનું મૃત્યુ થઇ ગયું. પછી એક દિવસ ગુરુજી તેમના ઘેર આવ્યા, બરાબર પોષ મહિનાની કળકળતી ઠંડી તેમાં લીંબડા નીચે ગુરુજીને બેસાડ્યા. ૮૦ વરસની વૃધ્ધ ઉંમરના ગુરુજી, તેથી ઠંડી પણ વધારે લાગે. પછી યજમાનના દીકરાએ ચારે બાજુ પાણી છાંટ્યું અને પંખો લઇને મંડ્યા પવન નાંખવા. ત્યારે ગુરુએ કહ્યું, "પવન નાંખવો બંધ કરો, મને ઠંડી પડે છે. મને ઘરમાં બેસાડો." ત્યારે શિષ્યે કહ્યું "ઘરમાં નહિ જવા મળે." એમ કહી જોર જોરથી પવન નાંખે ગુરુજીએ કહ્યું "તો તો હું બીમાર પડી જઇશ." શિષ્યે કહ્યું "તમારું જેમ થવાનું હોય તેમ થાય પણ અમે તો અમારા પિતાજીની આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારા પિતાજી કરતા તેમ અમને કરવાનું કહી ગયા છે. તેથી તેમ જ કરશું." પછી ગુરુજી આશ્રમમાં ગયા, સખત બીમાર પડી ગયા.
વિવેક વગરની સેવાથી શું ફાયદો ? માટે જીવનમાં વિવેકની પણ જરૂર છે. શ્રીજીમહારાજનું નામ સાધુશીલ છે.