મંત્ર (૮૬) ૐ શ્રી નિરહંકૃત્તયે નમઃ
શતાનંદસ્વામી કહે છે, “હે પ્રભુ ! તમે કોઈપણ પ્રકારનો અહંકાર રાખતા નથી, અહંકાર રહિત વર્તનારા છો. ભગવાન પોતાનું ઐશ્વર્ય બધું છુપાવીને સામાન્ય મનુષ્ય જેવા બનીને ભકતોની સાથે રહે છે. જીવને થોડોક અધિકાર સત્તા મળે તો તંતરત અહંકાર આવી જાય. કે હું કેવો મોટો, મારું કર્યું થાય. મારો વટ પડે. આવા અભિમાનમાં ફુલાતો ફરે, જાણે મારા જેવું કોઈ નહિ. આવું બધું માણસને હોય, ભગવાનને આવું કાંઈ હોય નહિ.
આપણી પાસે જે છે તે બધું ભગવાનનું જ આપેલું છે, છતાં પણ અભિમાન કરીએ છીએ. એક રાંક જેવો યુવાન છોકરો હતો. એના લગ્ન કરવા હતા, તેથી પાડોશી પાસેથી દાગીના લઈ આવ્યો, સારાં કિંમતી વસ્ત્રો લઈ આવ્યો. પછી વટથી પરણવા ગયો. મનમાં ઠાલો ઠાલો ફુલાય કે મારી પાસે કેટલા બધા દાગીના છે, હું કેવો શેઠીયા જેવો ! રહેવા દે, રહેવા દે ખોટી મૂર્ખાઈ ન કર... તારી પાસે જે વસ્તુ છે તે તારી નથી, પાડોશીની છે. તેમ આપણે બધા નાહકના ફુલાયા કરીએ છીએ કે હું કેવો મોટો ! પણ એ મોટાઈ તારી નથી ! એ દાગીના તારા નથી, ! એ પાડોશીરૂપ પરમાત્મા પાસે ઉધાર લીધેલા છે, એની મરજી થશે ત્યારે લઈ લેશે.
ખોટું અભિમાન સદ્ગુણોનું ભક્ષણ કરી જાય છે. અહિ સર્વ સુખનો નાશ કરી નાખે છે. લોયામાં સ્વામિનારાયણ ભગવાન સભામાં ધર્મ ઉપદેશ આપે છે તે વખતે ગંગાબાત કરીને એક હરિજન બાઈ સભામાં આવી અને ખૂણામાં બેસીને કથા સાભંળે છે, હરિજન બાઈને જોતને સભામાં બેઠેલાં બાઈઓમાં બોલ બોલ ચાલુ થઈ. આ અસ્પૃશ્ય છે ને કથામાં કેમ બેસવા દીધી છે. !
સભામાં ઝીણો ઝીણો અવાજ થવાથી શ્રીજી મહારાજે પૂછ્યું, ‘‘કેમ સભામાં બોલ બોલ કરો છો ? સભામાં બેઠા બેઠા વાતો કરાય નહિં અને જો સભામાં વાતો કરે તો તેને બીજો જન્મ વાંદરાનો આવે છે, માટે શાંતિથી સાંભળો !’’
સ્વામિનારાયણ ભગવાને કહ્યું, તમારા ઘરમાં ઢોર મરી જાય છે, ત્યારે તેને કોણ ઉપાડી જાય છે ? તમારા ઘરમાં આવે તો વાંધો નહિ, ને કથામાં એક ખૂણામાં ગંગાબાત બેઠી છે તો તમે બધા અભડાઈ જાવ છો ? તમને ખબર છે, આ ગંગાબાઈનો હરિજનને ઘરે શા માટે જન્મ થયો છે ?” ‘‘ના મહારાજ અમને કાંઈ ખબર નથી.’’
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, ‘‘આ ગંગાબાઈ આગલા જન્મમાં બ્રહ્મચારી હતી, ઊંચા કુળે અવતાર હતો, તેથી અહં વધારે રાખતાં. અભિમાન બહુ હતું. જાતિ ભેદથી બધાને ન્યૂન માનતી અને પોતાને મહાન ગણતી, અનેકના તિરસ્કાર કરતી, તે દોષે કરીને આ જન્મ એમનો હરિજનને ઘરે થયો છે. અભિમાન જ માણસને નીચા બનાવે છે.’’
મનુષ્યને પોતાનો ધર્મ અવશ્ય સાચવવો પોતાના નિયમ ધર્મ સાચવવા પણ બીજાનો તિરસ્કાર ક્યારેય કરવો નહિ, પોતાની જાતિનો, પોતાની સત્તાનો, પોતા પાસે ધન હોય તેનો ગર્વ ન રાખવો.
ભગવાન અનતકોટી બહ્માંડના રાજા છે. બધું એનું જ કર્યું થાય છે, છતાં બિલકુલ અહં રાખતા નથી. ગરીબ માણસને કોઈ શેઠને મળવું હોય તો મળાય નહિ, પણ ભગવાન તો ગરીબ નવાઝ છે. રાજાધિરાજ ખરા પણ ગરીબ નવાઝ એવા છે કે, કોઈને દુઃખી દેખીને દ્રવી જાય છે, જગતના જીવ પાસે ચાર પૈસા ભેગા થાય તો તેને તરત ગર્વ આવી જાય છે. પણ ભગવાન તો ખુદ લક્ષ્મીના પતિ છે છતાં નિરહંકૃત્યે છે. બિલકુલ અહં છે જ નહિં.