મંત્ર (૯૦) ૐ શ્રી નિયામકાય નમઃ

Submitted by swaminarayanworld on Wed, 02/03/2016 - 9:28pm

મંત્ર (૯૦) ૐ શ્રી નિયામકાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, ‘‘હે પ્રભુ ! તમે જીવ પ્રાણીમાત્રના નિયામક છો. બધાંને નિયમમાં રાખો છો, સૂર્ય, ચંદ્ર, ઇંદ્ર, ફણીન્દ્ર, વરુણદેવ, પ્રકૃતિપુરુષ, પ્રધાનપુરુષ, કાળ, માયા, કીન્નરો, ગંધર્વો, તેત્રીસ કરોડ દેવતાઓ અને અનત બ્રહ્માંડોને તમે નિયમમાં રાખનારા છો.’’

આપણે કાંઇ કાર્ય કરવું હોય યજ્ઞ કે લગ્ન કે ગમે તે વ્યવહારિક કાર્ય. ત્યારે માણસો નિમવા પડે. જુદાં જુદાં કામ સોંપવાં પડે. જે અગ્રેસર હોય તે નિમે છે. તેમ પરમાત્માને અનેક બ્રહ્માંડનાં કારખાનાં ચલાવવાં છે, તેથી સૌને જુદાં જુદાં કામ સોંપ્યાં છે અને તે બધા ભગવાનનાં કાર્યમાં મદદ કરે છે. વિષ્ણુને પાલન કરવાનું, શિવને સંહાર કરવાનું, બ્રહ્માને જીવ પ્રાણી માત્રના ઘાટ ઘડવાનું કામ સોપ્યું. ઘાટ કેવા ઘડે, કોઇ એક સરખા ચહેરાવાળા નહિ, બધાના ચહેરામાં ફરક ! એક ચહેરાવાળા બે માણસ તમને કયાંય જોવા નહિ મળે.

ઇંદ્ર ને કહ્યું, તમે વરસાદ વરસાવવાનું કામ કરજો. સૂર્યને કહ્યું, તમે સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશ કરવાનું કામ કરજો. ચંદ્રને શીતળતા આપવી તેમાં નિમ્યા. વરૂણને જળમાં નિમ્યા. ધર્મરાજાને ખાતા તપાસવામાં નિમ્યા. ચિત્રગપ્તુ ને પાપ પુણ્યનો હિસાબ રાખવામાં નિમ્યા. કાળને જીવ લઇને ધર્મરાજા પાસે ખડો કરવામાં નિમ્યા. અગ્નિને પ્રકાશિત કરવામાં નિમ્યા. વિધાતાને બધાના લેખ લખવામાં નિમ્યા. યમરાજાને પાપ કરે તેની સજા દેવામાં નિમ્યા. કામદેવને પ્રજા વધારવામાં નિમ્યા. ઋતુઓને જુદાં જુદાં ફળ બનાવવામાં નિમ્યા. કુબેરજીને પોતાના ખજાનચી બનાવ્યો. ધર્મરાજાને ન્યાયાધિશનું કામ સોપ્યું. ન્યાય અન્યાયનો ચૂકાદો કરવો. વાયુદેવને પવન આપવામાં નિમણુક કરી. આ રીતે બધા દવેતાઓને જુદાં જુદાં કામ કરવામાં ભગવાને નિમ્યા છે.

આમ ભગવાને જ્યાં જ્યાં જેને નિમ્યા છે તેઓ પોતે પોતાની ફરજ બજાવે છે. ભગવાનનાં કાર્યમાં મદદ કરે છે. જે પ્રમાણે ભગવાને નીતિ નિયમ અને બંધારણો બાંધ્યાં છે તેમાં રહીને કાર્ય કરે છે. જરા પણ ફરજ ચૂકતા નથી. ભગવાનના વચનને આધારે સર્વે કાર્ય કરે છે. આ રીતે ભગવાન સર્વેના નિયામક છે.

બ્રહ્માને રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ ।

વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જુજવો વાસ ।।

ઇંદ્રને રાખ્યા અમરાવતી, શેષને રાખ્યા પાતાળ ।

જ્યાં જ્યાં કરી હરિએ આજ્ઞા, ત્યાં રહ્યા સુખે સદાકાળ ।।

બદરિકાશ્રમમાં રાખ્યા ઋષિઓ, નિરન્નમુક્તને રાખ્યા શ્વેતદ્વિપ ।

ગોપગોપીને રાખ્યાં ગોલોકમાં, અક્ષરધામમાં રાખ્યા અક્ષર મુક્ત ।।

આ બધાયના નિયામક પરમાત્મા પણ પરમાત્માના નિયામક કોઇ નહિ. જેનાં જેવાં નિયમ છે, તેમાં તેને રહેવું, એવો આ મંત્રનો અભિપ્રાય છે. પોતે પોતાના ધર્મ પ્રમાણે રહી ફરજ બજાવવી, તમામ દેવતાઓ ભગવાનના બાંધેલા નિયમ પ્રમાણે રહે છે, પણ માણસ એવો મૂર્ખ પ્રાણી છે કે ભગવાનના બાંધેલા નીતિ નિયમોમાંથી બહાર નીકળી જાય છે, ફાવે તેમ વર્તે છે, તેથી દુઃખી થઈને નરકમાં પડે છે.

-: તમારી ચાલ સુધારો :-

નવાઇની વાત તો એ છે, કે તમામ દેવો ભગવાનની આજ્ઞા મુજબ કાર્ય કરે છે, નીતિ નિયમોનું પાલન કરે છે પણ માણસ એટલો બધો અવળો છે કે, માલિકનું માનતો નથી.

એક દરબાર હતો. તેને ઘેર એમના ગુરુ આવ્યા. બે ત્રણ દિવસ તેને ત્યાં રોકાણા, ઘણો ઘણો ઉપદેશ આપ્યો પણ કાંઇ અસર કરે નહિ. પછી ઘોડા ગાડીમાં બેસાડીને ગુરુને બીજે ગામ મૂકવા જાય છે, તેવામાં ઘોડો તોફાને ચડ્યો.

આડો અવળો, જ્યાં ત્યાં, જેમ તેમ ઘોડો દોડે, ઘોડાને હાંકનારને કોચમેન કહેવાય. કોચમેન કાબૂમાં રાખવા મથે, સરખો ચલાવવા ઘણી મહેનત કરે પણ ઘોડો કોઇ રીતે કાબૂમાં આવ્યો નહિ, ત્યારે દરબારે ગુરુજીને કહ્યું, ગુરુદેવ ! આ ઘોડાને સારો દેખાવડો જાણીને મેં ચાર હજાર રૂપિયા ખર્ચીને વેંચાતો લીધો છે. આને સારી રીતે ખવડાવું છું, પીવડાવું છું અને ઘણા કોચમેન રાખીને એની ચાલ સુધારવા મથું છું પણ આ ઘોડો એની ચાલ સુધારતો નથી. મારા પૈસા પાણીમાં ગયા. એનું મને દુઃખ થાય છે.

આ સાંભળી ગુરુજીએ કહ્યું, ‘‘દરબાર ! તમારા ઘોડાની ચાલ ખરાબ છે તેને જોઇને તમને કેટલું દુઃખ થાય છે ? કારણકે તમે ઘોડાના ધણી છો તેથી દુઃખ થાય, તેમ તમારી ચાલ ખરાબ હોય તો ભગવાનને દુઃખ થાય કે નહિ ? તમારા કહ્યા પ્રમાણે ઘોડો નથી ચાલતો તો તમને દુઃખ થાય છે, તો તમે ભગવાનના કહ્યા પ્રમાણે ન ચાલો તો ભગવાનને દુઃખ થાય કે નહિ. ? ‘‘દરબારે કહ્યું દુઃખ થાય તો ખરું.’’

ગુરુજીએ કહ્યું, મેં તમને નિયમ આપ્યો હતો કે, તમે હવે દારૂ ન પીશો જુગાર ન રમજો અને ચોરી ન કરજો છતાં તમે તે કરવાનું ચાલુ કરી દીધું. ઘોડાની અવળાઇનો પાર નથી, તેમ તમારી અવળાઇનો પણ પાર નથી, તમે જેમ ઘોડાને સારું સારું ખવરાવો છો, તેમ ભગવાને આપણે માટે સારું સારું બનાવ્યું છે, તેને મૂકીને અપવિત્ર પદાર્થ શા માટે ખાવ છો ?

તમે જેમ ઘોડાને સુધારવા કોચમેન રાખો છો, તેમ પ્રભુએ તમારા જેવાની ચાલ સુધારવા શાસ્ત્રો અને સંતરૂપી કોચમેન રાખ્યા છે, છતાં તમારી ચાલ ન સુધરી તમે તમારી ચાલ સુઘારો. પછી ઘોડાની ચાલ સુધારવાની કોશીશ કરજો. ‘‘આવું સાંભળી દરબારે ખરાબ કર્મો બધાં તજી દીધાં અને નિત્ય સત્સંગ કરવાનો નિયમ લઇ લીધો. શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે સર્વેના નિયામક છો.’’