મંત્ર (૯૮) ૐ શ્રી અખંડિતાર્ષમર્યાદાય નમઃ
શતાનંદ સ્વામી કહે છે હે પ્રભુ ! તમે મર્યાદાને અખંડ રાખી છે, ઋષિમુનિઓના બાંધેલા નિયમોનું અખંડ પાલન કર્યું છે. ઋષિમુનિઓની પરંપરાને સાચવી રાખો છો, તે પ્રમાણે કરો છો. મર્યાદાનો ક્યારેય પણ ભંગ કરતા નથી, ભગવાન પુરુષોત્તમનારાયણ કથાનો આરંભ કરાવે ત્યારે પહેલાં ગણપતિજીની સ્થાપના કરે, અને વિષ્ણુની પણ સ્થાપના કરે. ભગવાન સ્વયં નારાયણને ગણપતિજીની અને હનુમાનજીની સ્થાપનાની શી જરૂર ? પણ પરંપરાની મર્યાદા ટકાવવા માટે પોતે પાલન કરે છે.
ભગવાન સ્વામિનારાયણે આર્ય સંસ્કૃતિનું જતન કર્યું છે. વાતની વાતમાં વ્યાસજીની વાતને પ્રમાણ માનેલી છે. આર્ય સંસ્કૃતિની ભગવાને મર્યાદા સાંચવી છે. ભગવાને માતા પિતાનું શ્રાધ્ધ પોતાના હાથે કરેલું છે, અને આપણને શીખવ્યું છે કે, તમે પણ સંસ્કૃતિની મર્યાદાને સાંચવજો. મર્યાદા તો વૈરાગ્યનું કામ કરે છે, પોતેપોતાની મર્યાદામાં રહેવું, એટલે પોતાના ધર્મ પ્રમાણે વર્તવું, ક્યારેય પણ કુત્સિત શબ્દો બોલવા નહિ.
અસત્ય, ખોટું, કડવું, કોઇને તીરની જેમ છાતીમાં વાગી જાય એવું બોલવું નહિ. ઘણાં માણસો મંદિરમાં આવી કીર્તન બોલે, એ સારી વાત છે, બોલવાં જોઇએ અને ગાડીમાં બેસે ત્યારે ફિલ્મની કેસેટ ચડાવી સાથો સાથ ગાતા પણ હોય, તેને ધર્મે બોલ્યા ન કહેવાય ! ન બોલતાં આવડતું હોય તો મૌન રહેવું પણ બોલીને બાફી નાખવું નહિ.
આર્ય મર્યાદાને ભગવાને સાંચવી છે, મર્યાદા પુરૂષોત્તમ ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. કૃષ્ણે જરાક મર્યાદાને એક બાજું મૂકી છે. એટલે મર્યાદા લોપી એમ નથી. સમજવાનું, ભગવાને ખૂબ લીલા વિસ્તારી છે, રમૂજ કરીને ભકતોને રાજી કર્યા છે. ભગવાન અગ્નિ જેવા છે, અગ્નિને ઊધઇ ચડે નહિ. તેમ પ્રભુને દોષ લાગતો નથી. ભગવાન રામચંદ્રજીની હાજરીમાં સભા જુઓ તો એવી મર્યાદાથી સભા બેઠી હોય. પહેલું આસન ભગવાનનું. પછી ગુરુ મહારાજનું, પછી ન્યાયાધિશ, દીવાન અને પછી મંત્રીનું એની પાછળ દરબારો બેઠા હોય. આગળ દ્વારપાળ ઊભા હોય. સભા એવી મર્યાદાથી શોભે કે જાણે ગુલાબ, ડોલર, હજારી, અને કણીયરનો બગીચો શોભતો હોય ! એવી બગીચા જેવી સુંદર સભા બેઠી હોય.
-: મર્યાદા માણસનું ભૂષણ છે :-
ભગવાન સ્વામિનારાયણની સભા કેવી ? શ્રીજીમહારાજ ગાદી તકિયા પર બેસે, પછી બ્રહ્મચારીઓ બેસે, પછી સંતો બેસે, પછી પોતેપોતાના વિભાગ પ્રમાણે ભક્તજનો બેસે, એક બાજુ મર્યાદાથી બાઇઓ બેઠાં હોય. આવી મર્યાદાને જાળવી રાખી છે. એટલી મર્યાદા જાળવી કે શ્રીજીમહારાજ કાંઇ રમૂજ વાત કરતા હોય ને મુકતાનંદસ્વામી આવે તો ચૂપ થઇ જાય. મુકતાનંદ સ્વામીની શ્રીજીમહારાજ મર્યાદા રાખતા.
સતી સીતાજીએ પણ મર્યાદાનું બરાબર પાલન કર્યું. વન તો ભગવાન માટે હતું, છતાં સીતાજી પણ વનમાં પતિની સાથે ગયાં. વનમાં પ્રભુની ખૂબ સેવા કરી. પતિના દુઃખે દુઃખી, પતિના સુખે સુખી. પોતાના સુખ સારું ક્યારેય પણ પાછો પગ કર્યો નથી, ભગવાનનો અભાવ લીધો નથી. કોઇનો અભાવ ન લેવો એ પણ એક જાતની મર્યાદા છે.
શ્રીકૃષ્ણ ભગવાનની લીલા જુઓ તો બહુ અદ્ભૂત લાગશે, ભગવાન પોતે બાળમિત્રોનું એઠું જૂઠું જમ્યા હોય, ગોપીઓ સાથે એકલા વનમાં ફર્યા હોય, ક્યારેક મિત્રો પ્રભુના વાંસા ઉપર ચડીને મહીની મટુકી ઉતારે. એજ ભગવાન ક્યારેક મુરલી વગાડે અને ક્યારેક રણસંગ્રામમાં શંખ પણ વગાડે, પણ ભગવાનનાં ચરિત્ર તો કલ્યાણકારી જ છે.
ભગવાન સ્વામિનારાયણ સંતોને ખૂબ ભાવથી મિષ્ટાન્ન જમાડે, દૂધપાક જમાડે, પાછા મર્યાદામાં લઇ લે. સંતો ! હવે ખટરસ વર્તમાનનું પાલન કરજો, સંતો ! તમે હવે લીંબુ જેટલું અન્ન જમજો. આમ ખૂબ મિષ્ટાંન જમાડી તૃપ્ત કરે, પાછા મર્યાદામાં લઇ લે, કેવી મર્યાદા પોતે રાખીને સંપ્રદાયમાં પ્રવર્તાવી છે. રંગ ઉત્સવમાં સંતો, બ્રહ્મચારી સાથે રમે, ભગવાન સંતો ઉપર રંગ ઢોળે, સંતો ભગવાન ઉપર રંગ ઢોળે, પણ સંતો બ્રહ્મચારીની સાથે કોઇ સ્ત્રી નહિ, સ્ત્રી સ્ત્રીની સાથે રાસ રમે, પુરુષો પુરુષોની સાથે રમે, ઋષિ પરંપરાને અખંડ રાખી છે. કેટલી હદે મર્યાદા રાખી છે.
-: સત્સંગનો પાયો મર્યાદા :-
ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથમાં કાયમ રૂમાલ રાખતા, જ્યારે હસતા ત્યારે મુખ આડો રૂમાલ દઇને હસતા, છીંક આવે ત્યારે રૂમાલ આડો દેતા એ આપણને શીખવાડવા માટે છે.
છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઇને; છીંક જ ખાય રે, મુખપર આડો દઇને.
રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ; મુખપર આડો રે, રૂમાલ લઇ સુખધામ.
સત્સંગનો પાયો છે મર્યાદા, કેટલાક માણસો એટલા બધા અવિવેકી હોય કોઇની સામે જોઇને છીંક ખાય ને જોરથી બગાસું ખાય. કોઇના સામે બગાસું ખવાય નહિ, કપડું આડું દઇને અથવા હાથ આડો દઇને બગાસુ ખાવું, પણ ખૂલ્લે મોઢે બગાસા ખાવાં નહિ, આ પણ એક મર્યાદા છે. સગો બાપ આજે દીકરાને કાંઇ કહી શકતો નથી. સાવ અવળો ચાલતો હોય છતાં વઢીને સવળી સમજણ આપી શકતો નથી, જો ભલામણ કરે તો સામે ફુંફાડા મારે, ધમકાવીને બેસાડી દે. છાંના માના બેઠા રહો, લવરી લાંબી થઇ ગઇ છે. આવું બોલે... પહેલા પાંચ પચીસ માણસો વચ્ચે બાપ પોતાના દીકરાને વઢતા ત્યારે દીકરો સામું બોલતો નહિ, ઉલટાનું નમન કરી સ્વીકાર કરતો આજે બાપે દીકરાને કાંઇ કહેવું હોય તો વિચાર પહોંચે, સાસુએ વહુને કહેવું હોય તો વિચાર પહોંચે, ગુરુએ કાંઇ શિષ્યને કહેવું હોય તો વિચાર પહોંચે. શું કહેશે ? જો કહેશું ને અવળું પડશે તો મતભેદ થશે. આ મંત્રનો સારાંશ એ છે કે, ઋષિમુનિઓએ જે મર્યાદા બાંધી છે, તે પ્રમાણે બરાબર મર્યાદામાં રહીને પ્રભુનું ભજન કરવું.