મંત્ર (૧૦૭) ૐ શ્રી પુણ્યશ્રવણકીર્તનાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમારાં કીર્તનો અને કથા શ્રવણ તે પુન્યકારી છે. પ્રભુના ગુણનું શ્રવણ અને પ્રભુના ગુણનું કીર્તન પુન્યને આપનારું છે. તમારાં લીલા ચરિત્રનું શ્રવણ કરે છે, તેનું અત:કરણ પવિત્ર થાય છે. તમારા નામનું કીર્તન કરે તે ભવસાગર તરી જાય છે. ભગવાન સ્વામિનારાયણે સંગીત કલા ખૂબ પ્રવર્તાવેલી છે, પ્રભુને સંગીત બહુ ગમે છે. સંગીતમાં સંતો કીર્તન ગાય ત્યારે શ્રીજીમહારાજ મસ્તાના થઇને ડોલે છે.
-: ગાય વાજીંત્ર સાથે મંડળી :-
સંતો વાજીંત્ર સાથે કીર્તન ગાય ત્યારે પ્રભુ સંતો સામે ખસતા ખસતા આવે.
પ્રેમાનંદ આગે ગાય ત્યારે, આવે ઓરા ઓરા ખસતા. ક્યારે હરિ દેખું રે હસતા. મારા મંદિરીયામાં વસતા... ક્યારે૦
સંતો કીર્તન ગાય ત્યારે શ્રીજીમહારાજ ખસીને સંતો પાસે જાય. સંગીતના સૂરની સાથે કીર્તનો પ્રભુને બહુ ગમે. પ્રભુ સ્વામિનારાયણે સંગીત શાસ્ત્રને આ સપ્રંદાયમાં જીવત રાખ્યું. ભગવાન હૃદયરૂપી મંદિરમાં કાનદ્વારા પધારે છે. પાવનકારી પરમાત્માનાં લીલા ચરિત્રનું જે શ્રવણ કરે છે, તેનું હૃદયરૂપી મંદિર પવિત્ર થાય છે. ભગવાન એવા પવિત્ર હૃદય મંદિરમાં રહે છે. દેહનો ખોરાક અન્ન છે, આત્માનો ખોરાક કથા અને કીર્તન છે.
કથા સાંભળવાથી હૃદયભુવનમાં જ્ઞાન દીપક પ્રગટ થાય છે. જેમાબુથી વસ્ત્રનો મેલ તથા શરીરનો મેલ જાય છે, તેમ ભગવાનની કથા સાંભળવાથી મન અને ઇંદ્રિયોના મેલ ધોવાઇ જાય છે.
વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે, અમારી બાલ્યાવસ્થા હતી. ત્યારે અમને દેવમંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને તીર્થ કરવા જવું, આ પાંચ નિયમો ગમતા. આવી રીતે કથાનો મહિમા દેખાડવા પોતાનો બાલ્યાવસ્થાનો સ્વભાવ કહ્યો.
કોઇને એમ શંકા થાય કે, કથા વાર્તાની આટલી મહત્તા છે, તો કેટલાક તો દરરોજ કથા વાર્તા સાંભળે છે, તો પણ તેમને કથાની અસર કેમ થતી નથી ? તો એનું એમ છે કે, એ કાનથી સાંભળે છે પણ મનથી સાંભળતા નથી. મનથી સાંભળતા હોય અને જો કથામાં શ્રધ્ધા, મહિમા અને ભાવ ન હોય તો એક કાને સાંભળે છે ને બીજે કાને નીકળી જાય છે. તેથી કાંઇ અસર થતી નથી, ને જીવનમાં અને સ્વભાવમાં કાંઇ ફેર પડતો નથી, નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિને મુખ્ય ગણી છે.
કીર્તન ભક્તિ શ્રીજીમહારાજને બહુ ગમે છે. ભગવાનનાં કીર્તન ગાવાથી માયા દૂર ભાગે છે અને મન ભગવાનમાં રહે છે, જેથી તે જીવ મુક્તિને પામી જાય છે. પુરાણોમાં કહ્યું છે-
સંકીર્ત્ય નારાયણનામ માત્રમ્ । વિમુક્તદુઃખા સુખિનો ભવન્તિ ।। કલૌ કેશવકીર્તનાત્
કલીયુગમાં નામ કીર્તન સિવાય બીજો કોઇ મોક્ષનો ઉપાય નથી. કીર્તનને ઉથલાવો તો નર્તકી થાય. નર્તકી એટલે માયામાં નચાવનારી. કીર્તન ગાવાથી માયામાં નાચતું મન ભગવાનમાં નાચતું થઇ જાય છે. માટે કીર્તન હમેશાં ગાવાં, કીર્તન અને ધૂન્ય કર્યા સિવાય કથાની સમાપ્તિ થાય નહિ. કીર્તન અને ધૂન્ય ન ગાય ને કથાની સમાપ્તિ કરે તો એટલી કથામાં અપૂર્ણતા ગણાય. કીર્તન છે તે કલીયુગમાં તરવાનું જહાજ છે.