રાગ - ગરબી
પદ - ૧
વા’લો વધાવું મારો, વા’લો વધાવું;
આજની ઘડી રળીયામણી રે, મારો વા’લો વધાવું. . ટેક
પ્રાણજીવન મારેમંદિરે પધાર્યા, હાર પેરવું હીરામણીરે. મારો૦
કાનકુંવર અલબેલાને કારણે, જતને રાખ્યાંછે દહીં જામણીરે. મારો૦
ચોખા રાંધીને કાજુ આપીશ સવારમાં, સાકરને દૂધની શીરામણીરે. મા૦
બ્રહ્માનંદના રંગભીના વા’લાની કરું, પ્રીતે સહિત પધરામણીરે. મારો૦
પદ - ૨
કાન રંગીલો છેલો કાન રંગીલો;
આજ મારે ઘેર આવિયારે, છેલો કાન રંગીલો. ટેક.
ટોડલે ટોડલે તોરણ બંધાવિયાં, ફુલડે ચોક પુરાવિયારે. છેલો૦
ગજ મોતીડાંનો થાળ ભરીને મેંતો, સર્વે પેલાં જઈ વધાવિયા રે. છેલો૦
અગર ચંદન કેરીગાર કરી બેની, પ્રીતકરી ઓરડા લીપાવીયા રે. છેલો૦
બ્રહ્માનંદનો વા’લો છેલ ચતુરવર, મંદિરમાં પધરાવિયા રે. છેલો૦
પદ - ૩
શ્યામ સલુણો આવ્યા શ્યામ સલુણો;
ધન્ય ઘડી છે આજનીરે, આવ્યા શ્યામ સલુણો . . ટેક.
વાલો પધાર્યા એવી સાંભળી વધામણી, સુરતભુલી ઘરકાજની રે. આ૦
સામૈયું લઈને ચાલી વાલાને વધાવવા, શંકા ન રાખી લોકલાજની રે-૦
વાજાં નગારાં ઢોલ શરણાઈ વજાડીએ, કરો ધૂન તાલ પખાજની રે. આ૦
બ્રહ્માનંદ કહે આવી વસી મારે અંતરે, મૂરતિ રસિક વ્રજરાજની રે. આ૦
પદ - ૪
વા’લો પધાર્યા તે વા’લો પધાર્યા,
જેની નિત્ય વાટડી હેરતાં રે, તે વા’લો પધાર્યા. ટેક.
કાનકુંવરના સમાચાર કારણે, વટેમાર્ગુને જઈ ઘેરતાં રે. તે૦
દર્શન કારણે દિલગીર થઈ અંતરે, જેનેકાજે આંસુડાં ખેરતાં રે. તે૦
કાગ ઊડાડતાં ને જોશ જોવરાવતાં, માળા જેના નામની ફેરતાં રે. તે૦
બ્રહ્માનંદના વા’લાની વધામણી, સુણી ફુલ શેરીએ વેરતાં રે. તે૦