રૂડું છપૈયા શેર સોહામણું, જયાં પ્રગટ્યા પોતે ભગવાન (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:32pm

 

રાગ ધોળ

પદ - ૧

રૂડું છપૈયા શેર સોહામણું, જયાં પ્રગટ્યા પોતે ભગવાન,

કરવા કલ્યાણ, મહિમા તેનો શું કહું. ૧

શહેર મધ્યે મંદિર અતિ ઓપતું, તેમાં રાજે છે પુરાણ કામ;

નામ ઘનશ્યામ. મહિમા. ૨

વળી સરોવર અતિ સોહામણું, જેનું નારાયણસર નામ;

નાહ્યા જેમાં શ્યામ. મહિમા. ૩

બાંધ્યા ઘાટ વાત તેની શી કહું, જાણે રચ્યા વિરંચિયે આપ;

કહે નાવે માપ. મહિમા. ૪

સારાં સોપાન મણીનાં બાંધિયા, બાંધ્યા બુરજા જુજવી જાત;

કનકની ભાત. મહિમા. ૫

માંહી કમળનાં વન ફુલીયાં, મધુકર કરે છે ગુંજાર;

સુણી વાધે પ્યાર. મહિમા. ૬

હુંસે હંસ વસે તેનાં તિરમાં, નાય નિરમા સંત મહંત;

ભજે ભગવંત. મહિમા. ૭

રૂડાં નાવ નવિન ફરે ઘણાં, નાના હુંડીયાની હીલે જોડ;

કરે દોડા દોડ. મહિમા. ૮

તીરે ફુલની વાડી ફુલી રહી, બીજાં વૃક્ષ વેલી ઘણ સાર;

કહે નાવે પાર. મહિમા. ૯

મનોહર સર એવું શોભતું, તેમાં જેટલી ડુબકી ખાય;

યજ્ઞફળ થાય. મહિમા. ૧૦

જેનું શ્રાદ્ધ સરાવે તે તીરમાં, તત્કાળ તેની મુક્તિ થાય;

બ્રહ્મ લોકે જાય. મહિમા. ૧૧

કોઈ પાપી અતિ હોય પ્રાણીયો, જન્મ ધરી કર્યાં હોય પાપ;

અતિશે અમાપ. મહિમા. ૧૨

મૃત્યુ ટાણે પાય જળ તેહનું, તેનાં પાપ સર્વે બળી જાય;

સદ્ય મુક્તિ થાય. મહિમા. ૧૩

તેને તીરે જમાડે ભૂદેવને, ગૌરી ગાયનાં આપે જે દાન;

કરી સન્માન. મહિમા. ૧૪

તેનું પૂન્ય અક્ષય તેને થાય છે, એમ ગાય છે સારદ શેષ;

વળી અજ ઈશ. મહિમા. ૧૫

એવો મહિમા તે છે એહ સરનો, તેતો મુખે કહ્યો નવ જાય;

શેષ નિત્ય ગાય. મહિમા. ૧૬

વળી અડસઠ તિરથ આવીને, કર્યો નારાયણસરે વાસ;

કરી હુલાસ. મહિમા. ૧૭

સ્નાન કરવા દોડી આવે દેવતા, ઘનશ્યામનાં કરી દર્શન;

માને અતિ ધન્ય. મહિમા. ૧૮

એવા તિરથમાં નાહ્યો જે પ્રાણિયો, તેની માત પિતાને છે ધન્ય;

કુળ થયું પાવન. મહિમા. ૧૯

અલ્પ બુદ્ધિ છે મહિમા હું શું કહું, નથી કેવાતું જેમ છે તેમ;

પહોંચે બુદ્ધિ કેમ. મહિમા. ૨૦

જેહ જન પ્રિતે શિખે સાંભળે, વળી ગાશે કરી અતી પ્યાર;

તરસે સંસાર. મહિમા. ૨૧

દાસ બદ્રિનાથ માગે પ્રિતથી, પ્રભુ આગે જોડીને બે હાથ;

રાખજો સંગાથ. મહિમા. ૨૨

Facebook Comments