દોહા –
એમ આજ અવિનાશીયે, કર્યું સોંઘું કલ્યાણ ।
જે જડે નહિ મોટા જોગીને, તે વણ શ્રમે કર્યું વાણ ।।૧।।
દેહ દમ્યા વિના દાસને, આપ્યું ધામ અવિનાશ ।
તોયે મન માન્યું નહિ, થયું નહિ હૈયું હુલ્લાસ ।।૨।।
પછી ઉત્સવ આદર્યા, વરસોવરસ વડતાલ ।
દેઇ દરશન દાસને, કરવા કોટિક નિહાલ ।।૩।।
રામનવમી પ્રબોધની, ઉત્સવના દિન એહ ।
અણ તેડ્યે સહુ આવજો, કહ્યું શ્રી મુખે કરી સનેહ ।।૪।।
ચોપાઇ-
અમે પણ આવશું જરૂર રે, થાશે દરશ ને દુઃખ દૂર રે ।
સંત સહિત નિરખશો નેણે રે, અતિ સુખી થાશો સૌ તેણે રે ।।૫।।
એમ કહ્યું આપે અવિનાશ રે, સુણિ રાજી થયા સહુ દાસ રે ।
પછી ઉત્સવ ઉપર એહ રે, થયા સાબદા સૌ મળી તેહ રે ।।૬।।
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ રે, ચાલ્યા ઉત્સવપર તતક્ષણ રે ।
સુણ્યો સમૈયો શ્રવણે જેણે રે, કરી તરત તૈયારી તેણે રે ।।૭।।
આવ્યા વાયદે વરતાલ ગામ રે, ત્યાગી ગૃહી પુરુષ ને વામ રે ।
પછી વા’લમ પણ વરતાલરે, આવ્યા કરવા સહુને નિહાલ રે ।।૮।।
આવ્યા હતા જે જન અપાર રે, દરશન કરવાને નર નાર રે ।
તે સહુને દરશન દિધાં રે, જને નેણે નિરખી સુખ લિધાં રે ।।૯।।
બેઠા મોટે મેડે મહારાજ રે, સૌને દરસન દેવાને કાજ રે ।
ઉભા થઇને આપે દયાળ રે, લિયે સહુ જનની સંભાળ રે ।।૧૦।।
પે’રી સુંદર વસ્ત્ર સોનેરી રે, જોયા જેવી શોભા જામા કેરી રે ।
પે’રી પાયે જામો જરીનો રે, નૌતમ નાડિનો રંગ નવીનો રે ।।૧૧।।
કસિ કમર સોનેરી સાલે રે, બાંધ્યો સોનેરી રેંટો વાલે રે ।
ધર્યાં છોગાં તેમાં ફુલનાં રે, લટકે તોરા મોંઘા મૂલના રે ।।૧૨।।
કંઠે કનક કુસુમના હાર રે, ઓપે પરવાળાં તે અપાર રે ।
બાજુ કાજુ કુંડળ કાને રે, શોભે સારાં ઘરેણાં સોનાને રે ।।૧૩।।
વેઢ વીંટિ કર કડાં શોભે રે, જોઈ જન તણાં મન લોભે રે ।
હૈયે હાર ને હીરા સાંકળી રે, મોતી માળા શોભે વળી વળી રે ।।૧૪।।
એવાં વસ્ત્ર ઘરેણાંને પેહેરિ રે, જુવે સહુ જનને વા’લો હેરિ રે ।
જન જોઇ એવી મૂરતિ રે, હૈયે હેત વાધેછે જો અતિ રે ।।૧૫।।
નિર્ખિ હર્ખિ અંતર ઉતારે રે, જેવા જોયા તેવા ઉર ધારે રે ।
જેણે જેણે જોયા જગદીશ રે, નિર્ખિ જેણે નમાવિયાં શીષરે ।।૧૬।।
તે તો અક્ષરના અધિકારી રે, થયાં બહુ સહુ નર નારી રે ।
એવી મૂર્તિ ઉર જેને રહિ રે, તેને સર્વે કમાણિ જો થઇ રે ।।૧૭।।
ભાગે આવ્યો તેને બ્રહ્મમો’લ રે, જિયાં અતિ સુખ છે અતોલ રે ।
એહ સુખને આપવા કાજ રે, આપે આવિયા છે જો મહારાજ રે ।।૧૮।।
માટે કરેછે મોટા જો મેળા રે, બહુ જન કરવાને ભેળા રે ।
માટે જેણે જોયા એ સમૈયા રે, તે તો બ્રહ્મમો’લવાસી થયા રે ।।૧૯।।
ઘણી રીતે હેતે ઘનશ્યામ રે, લઇ જાવા છે પોતાને ધામ રે ।
જીવ અર્થે આવ્યા છે આપે રે, તાર્યા જીવ આપ પ્રતાપે રે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્વિંશઃ પ્રકારઃ ।।૨૪।।