દોહા
એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ ।
એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ ।।૧।।
ધામધણિયે એમ ધારિયું, જન ઉદ્ધારવા છે અપાર ।
પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઉપકાર ।।૨।।
આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ ।
એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ ।।૩।।
ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઇ નાર ।
પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર ।।૪।।
ચોપાઇ
આચારજ કર્યા છે જે અમેરે, તેની રીત સુણી લિયો તમેરે ।
નથી અન્ય આચારજ જેવારે, જાય શ્રદ્ધા કરતાં સેવારે ।।૫।।
લાવો લાવો એમ વળી કરેરે, ધન લેવા ધરણિએ ફરેરે ।
લિયે ધન ને તાકે ત્રિયનેરે, તે કેમ કરે જીવનાં પ્રિયનેરે ।।૬।।
માટે એવા આચારજ આ નહિરે, એપણ વાત સમઝવી સહિરે ।
આ તો ત્રિયા ધનના તાકુ નથીરે, તેની વાત કહિયે છીએ કથીરે ।।૭।।
અમે બાંધી દિધી છે જે રીતરે, તેમાં રે’છે કરી અતિ પ્રીતરે ।
શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવારે, ધન ધાન્યાદિ આવશે દેવારે ।।૮।।
તે તો સંતોષ સહિત લેશેરે, પણ કોઇને દુઃખ ન દેશેરે ।
એમ વરતશે એહ આપરે, પણ નહિ કરે કોઇને સંતાપરે ।।૯।।
નિજ સંબંધિ વિના બાઇયો સંગેરે, કેદિ ન બોલે ન અડે અંગેરે ।
કોઇ ઉપર રોષ ન રાખેરે, વળી કોઇને કલંક નહિ નાખેરે ।।૧૦।।
કેની જમાની પણ નહિ કરેરે, જુઠી સાખ્ય પણ નહિ ભરેરે ।
પડશે આપત તો માગી ખાશેરે, કરજ કેનું ન કાઢવા જાશેરે ।।૧૧।।
નહિ રાખે કોઇની થાપણરે, નહિ વેચે ધર્માદાના કણરે ।
સહુ ઉપર રાખશે દયારે, રે’શે એ ગુણે જે ગુણ કહ્યારે ।।૧૨।।
કળ છળ કપટ દગાઇરે, તે તો રાખશે નહિ ઉર માંઇરે ।
ઈરષા અદેખાઇ ને અમર્ષરે, રાખી નહિ ખુવે પોતાનો જશરે ।।૧૩।।
નહિ રાખે કોઇપર રોષરે, એમ વર્તશે સદા અદોષરે ।
એવા શુભ ગુણ જે અપારરે, આપ્યો એવાને અમે અધિકારરે ।।૧૪।।
સહુના ગુરુ કરી સોંપી ગાદીરે, રીત રાખશે એ રાયજાદીરે ।
ધર્મવંશી ધર્મ થાપશેરે, સારો ઉપદેશ સૌને આપશેરે ।।૧૫।।
એ તો કર્યું છે કલ્યાણ સારુંરે, એમાં બહુ ગમતું છે અમારુંરે ।
કાંજે કરવું છે બહુનું કારજરે, નથી રાખવો ફેર એક રજરે ।।૧૬।।
એહ આચારજથી અપારરે, બહુ જીવનો થાશે ઉદ્ધારરે ।
એમાં નહિ પડે કાંઇ ફેરરે, શીદ કે’વરાવો વેર વેરરે ।।૧૭।।
એમ જન પર હેત કરીરે, આપ ઇચ્છાએ આવ્યા છે હરિરે ।
ગમે ત્યાંથી તારશે પ્રાણીરે, તેની ગતિ લેશે કોણ જાણિરે ।।૧૮।।
ધાર્યું ધર્મસુતે ધામ દેવારે, સહુ જનને શરણે લેવારે ।
અતિ અસમર્થ જીવ અંગેરે, પો’ચિ ન શકે સુરપુર લગેરે ।।૧૯।।
તેને તેડી જાવા અક્ષરધામરે, એવું ધાર્યુંછે જો ઘનશ્યામરે ।
તેહ સારુ આવ્યા છે આપેરે, જીવ તારવા નિજ પ્રતાપેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટત્રિંશઃ પ્રકારઃ ।।૩૮।।