દોહા
એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત ।
તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઉત્તમ પરમ પુનિત ।।૧।।
એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ ।
તે તો તન જ્યારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ ।।૨।।
જેહ ધામને પામીને, પાછો ન પડે જન કોય ।
એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય ।।૩।।
તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ ।
જીવ જગતના જોઇને, દયા આણી ટાળવા દુઃખ ।।૪।।
ચોપાઇ
મારા ધામમાં આવવા સહુરે, એવા કર્યા ઉપાય મેં બહુરે ।
સર્વે ઉપાય કિધા છે સારારે, તેમાં તરશે જીવ અપારારે ।।૫।।
પણ છેલો છે આ જે ઉપાયરે, બહુ જીવ તરશે આ માંયરે ।
ધર્મવંશી આચારજ ધાર્યારે, ગુરુ કરી ગાદીએ બેસાર્યારે ।।૬।।
કામ કર્યું છે એહ સારુંરે, મન માન્યું છે બહુ અમારુંરે ।
કાંજે એ છે ધર્મનું કુળરે, માટે એ વાતનું ઉંડું મૂળરે ।।૭।।
જેવું અમારું કુળ મનાશેરે, તેને તુલ્ય બીજું કેમ થાશેરે ।
માટે વિચારીને વાત કીધીરે, ઘણું સમજીને ગાદી દીધીરે ।।૮।।
ધર્મવંશી તે ધર્મમાં રે’શેરે, અધર્મ વાતમાં પગ ન દેશેરે ।
ધર્મ પાળશે ને પળાવશેરે, અધર્મની રીત ટળાવશેરે ।।૯।।
આપ આપણે ધર્મ રાખશેરે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશેરે ।
ત્યાગી ગૃહીના ધર્મ સૂચવીરે, કે’શે જુજવા જુજવા ચવીરે ।।૧૦।।
કાંજે બેઠા છે ધર્મની ગાદીરે, કે’શે ધર્મની રીતિ જે અનાદિરે ।
તેને સૌ રહેશે ધર્મ ધારીરે, ત્યાગી ગૃહી નર ને જે નારીરે ।।૧૧।।
ધર્મ અમને છે બહુ વા’લોરે, એમ કહેછે ધર્મનો લાલોરે ।
ધર્મવાળા સાથે હેત મારેરે, એમ વાલો કહે વારે વારેરે ।।૧૨।।
અધર્મી સાથે મારે અદેખાઇરે, રે’છે રાત દિવસ મનમાંઇરે ।
અધર્મી જનની જેહ ભગતિરે, નથી ગમતિ મને જો રતિરે ।।૧૩।।
એના હાથનું અન્ન ન ભાવેરે, મર બહુ સારુ કરી લાવેરે ।
અધર્મીના હાથનું જે પાણીરે, નથી પિતા તે અશુદ્ધ જાણીરે ।।૧૪।।
એનું ચંદન પૂજા ને હારરે, નથી લેતા અમે કરી પ્યારરે ।
લાવે અઘવંત સેવા સાજરે, તેનો તર્ત કરુંછું હું ત્યાજરે ।।૧૫।।
ધર્મવાળા આપે અન્ન જળરે, બહુ સ્વાદુ લાગે એ સકળરે ।
ધર્મવાનનું ફળ દળ ફુલરે, જે દિયે તે જાણું છું અમુલરે ।।૧૬।।
માટે ધર્મવાળાની જે ભક્તિરે, તે તો મને ગમેછે જો અતિરે ।
માટે ધર્મવાળા જીવ જોઇરે, કર્યા છે મેં આચારજ દોઇરે ।।૧૭।।
એહ અધર્મ નહિ આચરશેરે, ઘણું અધર્મ સર્ગથી ડરશેરે ।
ધર્મવંશીની ગાદિયે બેશીરે, વળી કા’વશે ધર્મ ઉપદેશીરે ।।૧૮।।
માટે એથી તરશે અપારરે, નિશ્ચે જાણજો એ નિરધારરે ।
બહુ કાળ લગી કલ્યાણરે, થાશે નિશ્ચે જાણો નિરવાણરે ।।૧૯।।
એવી ઇચ્છા છે જો અમારીરે, એવું ધામથી આવ્યા અમે ધારીરે ।
એમ બોલ્યા શ્રીહરિ હરખીરે, સુણી વાત લીધી છે જો લખીરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનચત્વારિંશઃ પ્રકારઃ ।।૩૯।।