પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૮

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:24pm

 

દોહા

પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ ।

સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ ।।૧।।

જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ ।

ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ ।।૨।।

બાંધી બળવંત પીઠિકા, કેડે તારવા કોટાન કોટ ।

કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઇ ખોટ ।।૩।।

ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ ।

અનેક જીવ ઉદ્ધર્યા, આજ અમારે પરતાપ ।।૪।।

 

ચોપાઇ

કરી લીધું છે સર્વે જો કામરે, એમ વિચારિયું ઘનશ્યામરે ।

કે’વા રાખ્યું નથી કેડે કાંઇરે, જાવા મોક્ષના મારગ માંઇરે ।।૫।।

બહુવિધ ઉઘાડિયાં બારરે, કરવા કલ્યાણને આ વારરે ।

હવે પધારું હું મારે ધામરે, જે સારુ આવ્યા’તા તે થયું કામરે ।।૬।।

પછી જે જે પાસે હતા જનરે, તેને કે’છે એમ ભગવનરે ।

સહુ ધારજો અંતરે ધીરરે, હવે નહિ રહે આ શરીરરે ।।૭।।

થોડે ઘણે દિને ધામે જાશુંરે, અમ કેડ્યે ભરસોમાં આંસુંરે ।

જો રાજી કરવા હોય અમનેરે, રે’જો એમ જેમ કહ્યું તમનેરે ।।૮।।

ત્યાગી ગૃહી વળી નર નારીરે, રે’જો સહુ સહુના ધર્મ ધારીરે ।

ધર્મવાળાં જન મને વા’લાંરે, બિજાં જાણું છું નરસાં નમાલાંરે ।।૯।।

છેલી વાત એ છે માની લેજોરે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જ્યોરે ।

શિક્ષાપત્રી માંહિ અમે રે’શુંરે, રહી એમાં સહુને સુખ દેશુંરે ।।૧૦।।

રે’શું સતસંગ માંહિ સદારે, હરવા સતસંગની આપદારે ।

પણ હમણે જેમ દેખોછોરે, દેખી જન્મ સુફળ લેખોછોરે ।।૧૧।।

એમ નહિ દેખો હવે અમનેરે, સાચી વાત કહુંછું તમનેરે ।

એવી રીત્યે કહ્યું અવિનાશેરે, તે તો સાંભળીયું સહુ દાસેરે ।।૧૨।।

આપી ભલામણ ભલિ વિધિરે, પછી કરવાની હતી તે કીધિરે ।

ગયા અક્ષરધામમાં આપેરે, જન બહુ તપ્યા એહ તાપેરે ।।૧૩।।

નવ રહી શરીરની સાધરે, પામ્યાં અંતરે દુઃખ અગાધરે ।

રહે ધારતાં કેમ કરી ધીરરે, નથી સુકાતાં નયણે નીરરે ।।૧૪।।

પછી વાલાનાં વચન સંભારીરે, ઘણી વારે ધીરજ પછી ધારીરે ।

જેજે કહ્યાંછે જેને વચનરે, તેતે રીતે રહ્યાં સહુ જનરે ।।૧૫।।

પોતે પધાર્યા પોતાને ધામરે, કરી જીવ અનેકનાં કામરે ।

જેજે ધારી આવ્યા’તા ધામથીરે, કર્યું કામ તે હૈયે હામથીરે ।।૧૬।।

મુનિ મંડળ સહિત આવ્યા’તારે, સંગે સમાજ સારો લાવ્યા’તારે ।

જેહ અર્થે આવ્યા’તા આંઈરે, સર્યો અર્થ ન રહ્યું કેડે કાંઇરે ।।૧૭।।

એવો અલૌકિક અવતારરે, બહુ જીવ કર્યા ભવપારરે ।

એહ મૂરતિ મળી છે જેનેરે, કાંઇ ખામી રહી નહિ તેનેરે ।।૧૮।।

એવી એ મૂરતિ મંગળકારીરે, તેહ જેહ રહ્યા છે ઉર ધારીરે ।

એવા જન મળે જેને જેનેરે, અક્ષરધામે આપે વાસ તેનેરે ।।૧૯।।

તે તો શ્રીમુખે કહ્યું’તું સો વારરે, નિશ્ચે કરાવ્યું’તું નિરધારરે ।

વળી રહ્યા છે સતસંગ માંયરે, અંત સમે કરે આપે સા’યરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૮।।