૭૯ ભુજમાં નરનારાયણદેવ પધારાવ્યા, બાઈ-ભાઈ વચ્ચે વાત ન કરવી તથા પંચ વર્તમાન પાળવાં, ધર્મમાં રહીને ચાલવું વગેરે જ્ઞાન વાર્તા કરી.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:02pm

અધ્યાય ૭૯

ત્યાર પછી દરબારમાં શ્રી પ્રાગમલજીના પિતાશ્રી દેશલજીએ બેરખ મોકલીને તે સન્મુખ આવી અને ગંગારામ આદિ મલ્લો હીરજીભાઇ આદિ સત્સંગીઓ સર્વે સામૈયું લઇને સન્મુખ આવ્યા અને મહારાજની આગળ નાના પ્રકારની ભેટો મૂકી તથા ફૂલના હાર લાવ્યા હતા તે મહારાજને પહેરાવ્યા. અને ચરણસ્પર્શ કરીને પગે લાગીને ઊભા રહ્યા. ત્યારે મહારાજે કહ્યું ચાલો.

પછી છડીદારો નેકી પોકારે છે અને બન્ને બાજુ ચામર ઢોળી રહ્યા છે, અને ઉપર સોનાનાં ઇંડાએ યુક્ત છત્ર શોભી રહ્યું છે અને ફૂલના હાર કંઠમાં શોભી રહ્યા છે અને ગવૈયા સંત આગળ કીર્તન ગાઇ રહ્યા છે અને ભણનારા સંતો તથા બ્રહ્મચારીઓ આગળ શ્લોક બોલતા જાય છે, અને આગળ ઝાંઝ-મૃદંગ લઇને સત્સંગીઓ ઓચ્છવ કરતા જાય છે, અને વાંસે બાઇઓ પણ કીર્તન ગાઇ રહ્યાં છે, અને ઢોલ, શરણાઇ અને નોબત આદિ વાજિંત્ર પણ વાગી રહ્યાં છે, ગુલાલ ઉડી રહ્યો છે. બંદુકના અવાજો થઇ રહ્યા છે. જરીનાં નિશાનો પણ આગળ ફરકી રહ્યાં છે, શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ, અક્ષરધામના મુક્તોનાં મંડળો પણ આવીને મહારાજને પુષ્પ અને ચંદન વડે વધાવે છે. ઇન્દ્ર, વરુણ અને કુબેર આદિ દિગ્પાલો પણ મહારાજનાં દર્શન કરવા આવ્યા હતા તેને જે યોગસમાધિવાળા હતા તે બરાબર દેખતા હતા. એવી રીતની શોભાએ યુક્ત થઇને ઊભી બજારે થઇને હીરજીભાઇનાં ઘર પાસે અક્ષર ઓરડી છે, જ્યાં મહારાજ પ્રથમ ઉતરતા, ત્યાં આવીને ઘોડી ઉપરથી ઉતરીને ઢોલિયે બિરાજ્યા. અને ઘોડાને બીજે સ્થળે બંધાવ્યા. અને સર્વ સંઘ હતો તે હરિભક્તોને ઘેર ઊતર્યો અને સંતો મંદિરમાં ઊતર્યા.

પછી મહારાજ મંદિરમાં પધાર્યા. ત્યાં મંદિર તથા સિંહાસન જોઇને બહુ રાજી થયા. પછી ગંગારામ મલ્લે મહારાજને ઉપર બેસાડ્યા. તે સમયે ગોપાળાનંદ સ્વામી મહારાજને પગે લાગીને પાસે ઊભા રહ્યા. ત્યારે મહારાજ બોલ્યા જે, સ્વામી ! પરમ દિવસે નરનારાયણદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી છે તે પ્રાગજી દવેને પૂછીને વેદિયા બ્રાહ્મણોને વરુણીમાં વરાવજો. અને વેદિકા કરાવો અને જે સામાન જોઇએ તે ગંગારામ મલ્લ તથા હિરજીભાઇને પૂછીને મંગાવજો. એમ કહીને ઉતારે પધાર્યા અને પોશાક ઉતારીને સ્નાન કરીને માતાજી તથા લાધીબાઇએ થાળ કર્યો હતો તે જમવા બિરાજ્યા. પછી જમતા જાય અને માતાજી તથા લાધીબાઇ સાથે વાત કરતા જાય. પછી જમીને જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. ત્યાર પછી પોઢ્યા.

પછી જાગીને જળપાન કરીને ભારે ભારે વસ્ત્રો પહેરીને જ્યાં મંદિરમાં બ્રાહ્મણો વરુણીમાં વર્યા હતા ત્યાં આવીને બિરાજ્યા. પછી સંતો તથા બ્રહ્મચારીઓ તથા સત્સંગીઓ સર્વે મહારાજને પગે લાગીને બેસી ગયા. અને પછી ફૂલના હાર મહારાજને પહેરાવ્યા. અને તે વખતે ચાર વેદ બ્રાહ્મણના વેષે આવ્યા અને મહારાજનાં દર્શન કરીને બેઠા. ત્યારે મહારાજે તેમને નેત્રની સાને કરીને જ્યાં બ્રાહ્મણો વરુણીમાં વર્યા હતા ત્યાં જવાની આજ્ઞા આપી. પછી તે ત્યાં જઇને વેદની શ્રુતિઓ બોલવા માંડ્યા. પછી મહારાજ ઉતારે પધાર્યા અને ત્યાં સ્નાન કરીને જમવા બિરાજ્યા. જમી ચળુ કરીને ઢોલિયે બિરાજ્યા. અને ગામના હરિભક્તો સર્વે મહારાજને પગે લાગીને બેઠા, ત્યારે મહારાજે કહ્યું જે, ગોપાળાનંદ સ્વામીને બોલાવો, પછી તે આવીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, સ્વામી ! આપણે બ્રાહ્મણોની ચોરાસી કરવી છે તથા ગામ-પરગામના સત્સંગીઓને પણ જમાડવાના છે. અને બીજા હરકોઇ અન્નના ક્ષુધાર્થી આવે તેને પણ જમાડવા છે. ત્યારે ગંગારામ તથા સુંદરજી આદિ હરિભક્તો હાથ જોડીને બોલ્યા કે, હે મહારાજ ! સીધાં આપવા માટે સામાન સર્વે કરાવ્યો છે તે જ્યારે જોઇએ ત્યારે લાવશું ; અને ઘણો જોઇશે તો વેંચાતો પણ મલે છે. ત્યારે મહારાજે કહ્યું જે, સારું.

પછી સર્વે હરિભક્તોને રજા આપી. પછી મહારાજ પોઢ્યા. પછી સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને પોશાક પહેરીને મંદિરમાં પધાર્યા અને ત્યાં દેવને સ્થાપન કરવાની વિધિ જેમ પ્રતિષ્ઠામયૂખમાં અને પ્રતિષ્ઠાપ્રકાશ ગ્રંથમાં લખી છે તે પ્રમાણે કરી. તેમાં પ્રથમ આચાર્ય તથા બ્રહ્મા વગેરે મુખ્ય યજ્ઞમાં અગ્રણી બ્રાહ્મણોને તથા વરુણીમાં જે બ્રાહ્મણો વરેલા હતા તે બ્રાહ્મણોને નાના પ્રકારનાં વસ્ત્રો તથા આભૂષણો આપીને અતિશય પ્રસન્ન કર્યા. ત્યાર પછી બ્રાહ્મણોએ સ્વસ્તિક વાચન કર્યું. ત્યાર પછી ગ્રહ સ્થાપન કરીને તેમાં પ્રધાન દેવોની તથા અંગદેવતાઓની વેદના મંત્રો પ્રમાણે પ્રતિષ્ઠા કર્યા પછીથી ગ્રહશાંતિ યજ્ઞ શરૂ કર્યો. તેમાં પ્રથમ કુષ્માંડી કર્મ કરીને શાસ્ત્રવિધિએ અગ્નિ સ્થાપન કર્યા પછી તેમાં નવ ગ્રહની તેના જુદા જુદા મંત્રોથી સમિધ, ઘૃત અને તિલાદિકથી આહૂતિઓ આપી.

પછી ફળોનો હોમ કર્યો. તેમાં સૂર્યને આકડાના સમિધથી તથા ચંદ્રને ખાખરાના સમિધથી તથા મંગલને ખેરના સમિધથી અને બુધને અધેડાના સમિધથી તથા ગુરુને પીપળાના સમિધથી તથા દૈત્યના ગુરુ જે શુક્ર તેને ઉદંબરાના સમિધથી તેમ જ શનિશ્વર નામના ગ્રહને ખીજડાના સમિધથી અને રાહુને દૂર્વાથી તેમજ કેતુને કુશ જે દર્ભ તેનાથી હોમ કર્યો. તે પછી ગ્રહોના અનુક્રમ પ્રમાણે દ્રાક્ષ, શેરડી, સોપારી, નારંગી, લીંબુ, બીજોરૂં, કમળફળ, ટોપરું અને દાડમ ઇત્યાદિક ફળે કરીને હોમ કર્યો. પછી પૂર્ણાહુતિ થયા પછી બ્રાહ્મણોને વિવિધ પ્રકારનાં દાન આપ્યાં. આમ હોમ થયા પછી નરનારાયણની મૂર્તિઓ પધરાવવાનો સમય થયો તે સમયે ચારે દિશાઓમાં અને ચારે વિદિશાઓમાં અર્ધો-ઉર્ધ્વ જયજયકાર શબ્દો થઇ રહ્યા હતા. અને મૂર્તિમાન એવા ચાર વેદો આવીને શ્રુતિઓ બોલવા લાગ્યા. તે સમયે પાંચસો રૂપિયા આપીને ગંગારામ મલ્લે ધજા ચડાવી અને હજાર રૂપિયા આપીને હીરજીભાઇએ કળશ ચડાવ્યો.

પછી મૂર્તિઓ મંદિરમાં લાવ્યા અને સ્થાપન કર્યું. પછી મહારાજ મંદિરના બારસાખ પાસે જઇને ઊભા રહ્યા. પછી કહ્યું જે હવે પ્રતિષ્ઠા કરો. પછી તે સમયે નાના પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. પછી પ્રતિષ્ઠા કરી અને તે મૂર્તિઓને વસ્ત્રો તથા ઘરેણાં પહેરાવ્યાં અને ફૂલના હારો પહેરાવ્યા. ત્યાર પછી આરતી ઉતારી અને તે સમયે હરિભક્તો સર્વે આવીને ભેટો મેલવા તત્પર થયા. તે રૂપિયા તથા ઘરેણાં અને નાના પ્રકારના પોશાક અર્પણ કર્યા તથા પૃથ્વીનાં દાન તથા ગૌદાન આદિક દાન કર્યા. તે સમયે રાઓશ્રી દેશલજી ભારમલજી તરફથી ભારે પોશાક આવ્યો તથા નિત્યનો ઠાકોરજીનો જે થાળ તેનું વર્ષાસન કરી આપ્યું.

પછી મહારાજ ખુરશી ઉપર બિરાજમાન થયા. પછી હરિભક્તો ભેટ મેલી રહ્યા તે સમયે બ્રહ્મચારી નરનારાયણદેવને જમવા થાળ લાવ્યા. પછી મહારાજ ઉતારે પધાર્યા અને ત્યાં સ્નાન કરી થાળ જમી અને જલપાન કરીને મુખવાસ લીધો. પછી પોશાક પહેરીને ચાલ્યા તે નરનારાયણના મંદિરમાં આવ્યા. અને એમ બોલ્યા જે, બ્રાહ્મણોને સીધાં આપો અને સત્સંગીઓને ઉતારે ઉતારે સીધાં આપો. ત્યાર પછી રસોઇનો સામાન અપાવવા માંડ્યો. તેમાં પાણીને ઠેકાણે ઘૃત વાપર્યું, અને સાકર, ખાંડ પણ તેમજ વાપર્યાં, પછી તેવી રીતે સીધાં અપાવીને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. પામરીની પલવટ વાળીને લાડુ પીરસતા જાય અને તાણ બરોબર કરતા જાય પછી પીરસીને જળ વડે હાથ ધોઇને ઉતારે પધાર્યા. જલપાન કરીને રાત્રિમાં ઢોલિયા ઉપર પોઢ્યા. સવારમાં વહેલા જાગીને નિત્યવિધિ કરીને પછી થાળ જમીને નરનારાયણદેવના મંદિરમાં પધાર્યા. ત્યાં સર્વે સંતો અને હરિભક્તો આગળ વાર્તા કરી જે, અહીં રાધાકૃષ્ણદેવ તથા અમારું સ્વરૂપ પધરાવશું. એમ કહીને સભા મંડપમાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા.

ત્યાર પછી વાત કરવા લાગ્યા. જે સાંખ્યયોગી સર્વ ભાઇઓએ બાઇઓ આગળ વાર્તા કરવી નહીં. તે વચન અમે તમને કહીએ છીએ. કદાચ અમે કહીએ જે બાઇઓ આગળ વાતો કરો તો સાંખ્યયોગી ભાઇઓએ બાઇઓ આગળ વાર્તા કરવી તો પણ એ વચન અમારું પણ ન માનવું. અને સાંખ્યયોગી ભાઇઓ જો બાઇઓ આગળ વાર્તા કરે તો પોતાની મા અથવા દીકરી એ આદિક જે સમીપ સંબંધી હોય તેની આગળ વાતો કરે, અને દીકરી કે બહેન જ્યાં સુધી ઘરમાં રહે ત્યાં સુધી તેને વાતો કરવી અને પરણ્યાની ઇચ્છા હોય તો તો દીકરી કે બહેન સંઘાથે પણ સાંખ્યયોગીઓએ વાતો ન કરવી. વળી જે સાંખ્યયોગી ભાઇઓને પરણ્યાની ઇચ્છા ન હોય તેને ઘરમાં પણ ન રહેવું. ઘરનો ત્યાગ કરીને આશ્રમને ગ્રહણ કરીને રહેવું, પણ અનાશ્રમી ન રહેવું, એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે. અને અમારી પણ આજ્ઞા છે.

બીજુ સાંખ્યયોગી તથા બ્રહ્મચારી, તથા પરમહંસો એમ સર્વેને કાંઇક ફેર જણાય જે, જાણીને બાઇઓ સાથે વાત કરતા હોય, અથવા જાણીને બાઇઓ સામે જોતા હોય, તથા જાણીને બાઇઓને અડતા હોય, એવું સત્સંગમાં જેને જણાય તો તેને સત્સંગમાંથી બહાર કાઢી મૂકજો અને જે તપાસ કરાવીને અને જાણીને નહીં કાઢે તો તેને સમસ્ત પરમહંસ મારવાનું પાપ છે. અને તેમજ જે સાંખ્યયોગી ભાઇઓને વિષે આ રીતનો ફેર જણાય તો તે ભાઇ ને પ્રથમ તો સત્સંગમાંથી કાઢી મેલવો. અને જો તે ભાઇને સત્સંગનો ખપ હોય તો પણ વરસ દહાડા પછી પ્રાયશ્ચિત કરાવીને તેને સત્સંગમાં લેવો. તેમજ બ્રહ્મચારીને તથા પરમહંસને પણ જાણીને આવી રીતનો જેને ફેર પડે તો સત્સંગમાંથી કાઢી મેલવો પણ ફરીને તેને સત્સંગમાં લેવો નહીં.

બીજું જે સત્સંગી ગૃહસ્થ ધર્મિષ્ઠ અને પવિત્ર હોય તો તે સાંખ્યયોગી બાઇઓ વિના બીજી બાઇઓ આગળ વાત કરે, તે પણ નિયમમાં રહીને કરે. અને વળી સંપૂર્ણ સત્સંગ તે કેને કહીએ જે એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને પોતાના આત્માને ઇંદ્રિયો અને અંતઃકરણથી અતિશય અસંગી માને અને એ દેહ ઇંદ્રિયાદિકની ક્રિયાઓને પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમોમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં, અને પોતે બ્રહ્મરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ તેનું દાસપણું મૂકે નહીં અને સ્વામી-સેવકપણે કરીને તે ભગવાનની દૃઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે; જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે, અને ચાર ભૂતની ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી; તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણ નારાયણ તે શુભાશુભ સર્વે ક્રિયાને કરે છે છતાં આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે, અને તે ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંત કોટી બ્રહ્માંડના કર્તા હર્તા છે, અને ગોલોક, વૈકુંઠ અને શ્વેતદ્વીપ અને બ્રહ્મપુર ઇત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે, અને અનંતકોટી એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે, એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે. અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે, એવી રીતે જે વર્તે તે સંપૂર્ણ સત્સંગ થયો કહીએ. અને વળી પુરુષોત્તમ ભગવાન છે તે તો અક્ષરધામને વિષે સદાય વિરાજમાન રહે છે. અને તે સત્યસંકલ્પ છે. અને અક્ષરધામને વિષે રહ્યા થકા જ જેવું બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશવું જોઇએ તેવા રૂપને પ્રકાશે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા અને જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે પોતે થયા. તેમજ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશવું જોઇએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા જ પ્રકાશે છે. અને પોતે તો અક્ષરધામમાં સદાય રહે છે. અને પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે એમ સમજવું. પછી મહારાજે વળી બીજી વાર્તા કરી જે, જેણે પ્રત્યક્ષ ભગવાન રાખ્યા હશે તેના ભક્તો દેહ તથા મનના સુખમાં નહીં લેવાય. અને માયિક સુખથી પાછી વૃત્તિ ખેંચશે તેને ભગવાનને પામવામાં કાંઇ પણ કઠણ નથી. માટે આજ્ઞા મૂકીને ક્યારેય કોઇ પણ કામ કરવું નહીં. ધર્મમાં રહીને બોલવું અને ધર્મમાં રહીને ચાલવું, લેવું અને દેવું તે પણ ધર્મમાં રહીને જ કરવું. વાત સાંભળવી તે પણ ધર્મમાં રહીને; ખાવું, પીવું તે પણ ધર્મમાં રહીને, કરવા યોગ્ય ક્રિયા કરવી તે પણ ધર્મમાં રહીને કરવી. આ દેહનો જે નિર્વાહ કરવો તે પણ આજ્ઞામાં રહીને કરવો. માટે સર્વે જે જે કામ કરવું તે આજ્ઞામાં રહીને જ કરવું, અને દેહ પર્યંત ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો નહીં.

જે ભગવાનની આજ્ઞામાં વર્તે છે તેજ જન આલોક તથા પરલોકમાં સુખી થાય છે અને થશે. અને જે જે આજે કે પૂર્વે દુઃખીયા થયા છે તે તે આજ્ઞાને લોપવાથી થયા છે. આજ્ઞા લોપવાથી અન્ન, વસ્ત્ર, રાજપાટ અને ગામ-ગરાસ મળતું હોય અથવા કોઇ દેહની આવરદા વધારી દેતું હોય, તો પણ આજ્ઞા ન લોપવી. દેહનો ત્યાગ થાય તો ભલે થાય પણ આજ્ઞા લોપવી નહીં. કારણ કે ભગવાનની જે આજ્ઞા લોપે છે તેની નાસિકાનું પાણી ગયું એમ જાણવું. માટે જેથી ભગવાનની આજ્ઞા લોપાય તેવી ક્રિયા ન કરવી; કારણ કે આજ્ઞા પાળ્યા વિના, દેવો તથા દૈત્યો તથા મનુષ્યો અને શેષાદિક નાગો તે સર્વે કોઇ મોટપ પામ્યા નથી. એવી રીતે સભામાં સર્વે કચ્છ દેશના ગામો-ગામના જે હરિભક્તો આવેલા હતા તથા પરદેશના જે હરિભક્તો આવેલા હતા તેની આગળ આ વાર્તા કરીને પછી પોતાને ઉતારે પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ભુજમાં શ્રીનરનારાયણદેવ પધરાવ્યા એ નામે ઓગણ્યાસીમો અધ્યાય. ૭૯