અધ્યાય -૧૨ ભક્તિદેવીનું નામકરણ અને સદ્ગુણોનું વર્ણન.

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:16pm

અધ્યાય -૧૨ ભક્તિદેવીનું નામકરણ અને સદ્ગુણોનું વર્ણન.

ભક્તિદેવીનું નામકરણ અને સદ્ગુણોનું વર્ણન, ધર્મ-ભક્તિનો વિવાહ, પતિવ્રતા-ધર્મનો પ્રભાવ, પુત્ર ધર્મદેવને શિખામણ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કૃષ્ણશર્મા વિપ્રે વિધિ પ્રમાણે પુત્રીના જાતકર્મ આદિ સંસ્કારો કર્યા, અને અતિ હર્ષપૂર્વક પોતાની પુત્રીનું ''બાલા'' એવું નામકરણ કર્યું.૧

તે બાલાના જન્મથી આરંભીને કૃષ્ણશર્માવિપ્રના ભવનમાં ધન, ધાન્ય આદિની સમૃદ્ધિ પ્રતિદિન વધવા લાગી અને ઘર ઉપદ્રવોથી મુક્ત થયું.૨

પોતાની બાળલીલાથી માતાપિતાને આનંદ ઉપજાવતાં બાલાદેવી સુદપક્ષના ચંદ્રમાની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યાં.૩

તે બાલાદેવી રૂપ, ગુણ આદિ શુભ લક્ષણોથી માતા દેવહૂતિની સમાન શોભતાં હતાં. તેઓ બાલ્યાવસ્થાથી જ સત્યવચન બોલનારાં અને શ્રીકૃષ્ણ પરમાત્માની નવધા ભક્તિ કરવાના સ્વભાવવાળા હતા.૪

હે ભૂપતિ ! તેને નિરંતર અતિ હર્ષપૂર્વક શ્રીકૃષ્ણની ભક્તિ કરતાં જોઇને સર્વે મનુષ્યો ''ભક્તિ'' એવા નામથી બોલાવવા લાગ્યાં, તેથી ભક્તિદેવીના નામથી સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યાં.૫

ધર્મ-ભક્તિનો વિવાહ :- ભક્તિદેવીના પિતા કૃષ્ણશર્માએ સદ્ગુણોના ભંડાર એવા તે બાલશર્માના પુત્ર દેવશર્મા વિપ્રને યોગ્ય જાણી ઇટારપુરથી પોતાને ત્યાં બોલાવી પોતાની પુત્રીનું વિધિપૂર્વક વાગ્દાન અર્થાત્ સગપણ કર્યું.૬

ત્યારે પોતાના સંબંધીજનોની સાથે પિતા બાલશર્મા પણ છપૈયાપુર આવ્યા, તિવારી કૃષ્ણશર્મા વિપ્રે તે સર્વેનું સ્વાગત કર્યું, અને બાલશર્માએ પોતાના પુત્ર ધર્મદેવને ભક્તિદેવીની સાથે પરણાવ્યાં.૭

તેઓ બંનેને પરસ્પર યોગ્ય અને શંકર પાર્વતીની પેઠે અતિ પ્રેમવાળાં દંપતીને જોઇને સર્વે મનુષ્યો વારંવાર પ્રશંસા કરવા લાગ્યાં.૮

સુંદર સરળ સ્વભાવના અને ગુણોના નિધિ પોતાના જમાઇ દેવશર્માને સસરા કૃષ્ણશર્માએ પ્રાર્થનાપૂર્વક પ્રેમથી પોતાના ઘેર જ નિવાસ કરાવ્યો.૯

વિપ્રોમાં શ્રેષ્ઠ વિદ્વાન્ દેવશર્મા પાંડે પોતાના પિતા બાલશર્માની આજ્ઞા અને પત્ની ભક્તિદેવીની અનુમતિથી પોતાના સસરા કૃષ્ણશર્મા વિપ્રને રાજી કરવા તેમના ઘેર છપૈયામાં 'ઘર જમાઇ' પણાનો ભાવ સ્વીકારી નિવાસ કરીને રહ્યા.૧૦

પતિવ્રતા-ધર્મનો પ્રભાવ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વિપ્રવર્ય બાલશર્મા કેટલાક દિવસો સુધી ત્યાં છપૈયાપુરમાં કૃષ્ણશર્માને ઘેર નિવાસ કરીને રહ્યા, પછી બાલશર્માએ પોતાના ઇટારપુર પ્રત્યે જવાની ઇચ્છા કરી. તે સમયે પુત્રવધૂ ભક્તિદેવીને રૂડી શિખામણ આપતાં કહેવા લાગ્યા.૧૧

હે કલ્યાણી ! તમારું સદાય મંગળ થાઓ, તમે મારું હિતકારી વચન સાંભળો. તમે સારાં સુશીલ પતિવ્રતા નારી થાઓ, અને પાપથી હમેશાં ડરતાં રહો, એવા મારા આશીર્વાદ છે.૧૨

કારણ કે પતિવ્રતા નારી પોતાના શરીરમાં જેટલા રુંવાડાં છે તેનાથી દશહજાર ઘણા કરોડ વર્ષ સુધી પતિની સાથે રહી સ્વર્ગના મહા સુખને ભોગવે છે.૧૩

જેને ઘેર પતિવ્રતા પુત્રીનો જન્મ થાય છે તેની માતાને ધન્ય છે અને પિતાના ભાગ્યનો કોઇ પાર નથી. તેમ જ જેને ઘેર પતિવ્રતા નારીનો નિવાસ છે તે શ્રીમાન પતિને પણ ધન્ય છે.૧૪

જે પુરુષનું સો જન્મનું પુણ્ય ઉદય થાય તેના ઘેર જ ધર્મમાં નિષ્ઠાવાળી પતિવ્રતા પત્ની પધારે છે. કારણ કે આવી પતિવ્રતા નારીનો પતિ સ્વધર્મનિષ્ઠ અને ભગવદ્ ભક્ત હોય છે આવો સંકેત છે.૧૫

પતિવ્રતા નારીના પુણ્યના પ્રભાવે પિતા, માતા અને પતિના ત્રણ ત્રણ પેઢીના વંશજો સ્વર્ગના વૈભવસુખોને ભોગવે છે.૧૬

તેજસ્વી સૂર્ય પણ પોતાને પવિત્ર થાવા માટે રખેને અપરાધ ન થઇ જાય એવા ભય સાથે પતિવ્રતા નારીનો સ્પર્શ કરે છે. તેમજ વાયુ અને ચંદ્રમા પણ પોતે પવિત્ર બને તેવા હેતુથી જ પતિવ્રતા નારીનો સ્પર્શ કરે છે પણ બીજો કોઇ ભાવ નથી.૧૭

પૃથ્વી ઉપર જેટલાં તીર્થો છે તે સર્વે પતિવ્રતા નારીનાં ચરણમાં નિત્ય નિવાસ કરીને રહે છે. સર્વે દેવતાઓનું તેજ અને તપસ્વીઓનું તપ પણ પતિવ્રતા નારીના શરીરમાં નિવાસ કરીને રહે છે. એવી તે તેજસ્વી હોય છે.૧૮

પતિવ્રતા નારીની ચરણરજથી ભૂમિ પણ તત્કાળ પવિત્ર થાય છે અને તેને નમસ્કાર કરનાર પાપી પુરુષો પણ તત્કાળ સર્વે પાપ થકી મુક્ત થઇ જાય છે.૧૯

સસરા બાલશર્મા કહે છે, હે ભક્તિદેવી ! તમે વસિષ્ઠમુનિનાં પત્ની અરુંધતી, બ્રહ્માજીનાં પત્ની સાવિત્રી, અત્રિમુનિનાં પત્ની અનસૂયા, ઋષિકુમારીકા શાંડિલી, ગૌતમમુનિનાં પત્ની અહલ્યા, શંકરનાં પત્ની પાર્વતી, પાંડવ પત્ની દ્રૌપદી, સ્વાયંભુમનુનાં પત્ની શતરૂપા, હિમાલયનાં પત્ની મેના, ઉત્તાનપાદના પત્ની સુનીતિ, સૂર્યપત્ની સંજ્ઞા, અગ્નિના પત્ની સ્વાહા અને અગસ્ત્યનાં પત્ની લોપામુદ્રા વગેરે પવિત્ર પતિવ્રતા સ્ત્રીઓની સમાન પતિવ્રતા બનો.૨૦-૨૧

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સસરા બાલશર્માએ ભક્તિદેવીને પતિવ્રતાના સમગ્ર ધર્મોની શિખામણ આપી અને તેમના પતિ ધર્મદેવને વિષે અસાધારણ પ્રેમ જોઇને ''પ્રેમવતી'' એવા નામથી પ્રસિદ્ધ થશો એમ કહ્યું.૨૨

ધર્મશાસ્ત્રના પ્રવક્તાઓમાં શ્રેષ્ઠ બાલશર્મા વિપ્ર, સકલ સદ્ગુણોના સ્વામી અને બાલ્યાવસ્થાથી જ પોતા થકી શિક્ષણ પામેલા તેમજ પોતાના વંશના તેજસ્વી સૂર્ય સમાન પુત્ર દેવશર્મા પ્રત્યે કહેવા લાગ્યા.૨૩

પુત્ર ધર્મદેવને શિખામણઃ- બાલશર્મા કહે છે, હે પુત્ર ! તમે સુજ્ઞા છો, વેદશાસ્ત્રમાં પારંગત છો છતાં વૃદ્ધ પિતાના નાતે તમને શિક્ષાનાં બે વચનો કહું છું. તમારું કલ્યાણ થાઓ.૨૪

હે પુત્ર ! તમારે નિત્યે સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવતાઓનું પૂજન, વૈશ્વદેવ અને અતિથિઓનો સત્કાર આટલું પ્રતિદિન અવશ્ય કરવું. આ પ્રમાણે ન કરવાથી બ્રાહ્મણને દોષ લાગે છે.૨૫

જે પુરુષની પત્ની સદ્ગુણી હોય તે જ પુરુષ ગૃહસ્થ ધર્મનું યથાર્થ પાલન કરી શકે છે. તમારાં આ પત્ની પ્રેમવતી ઉંમરમાં નાનાં હોવા છતાં પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળાં મને જણાય છે.૨૬

એથી ગૃહસ્થધર્મોનું સારી રીતે પાલન કરવા ઇચ્છતા તમારે આ તમારા પત્નીનું નિરંતર પ્રિય થાય તેમજ કરવું. ધર્મપ્રિયા અને ગુણવંતી આ તમારા પત્નીનું ક્યારેય અપમાન ન કરશો.૨૭

તમારે સમીપ સંબંધ વિનાની અન્ય સ્ત્રીઓનો ક્યારેય સ્પર્શ ન કરવો. તેમાં પણ વિશેષપણે કરીને વિધવા નારીનો તો ક્યારેય પણ સ્પર્શ ન કરવો. અમંગળને પણ અડવું નહિ.૨૮

જીવ રહિતનો દેહ જેમ ક્ષણવારમાં અપવિત્ર થઇ જાય છે, તેમ પતિ વગરની સ્ત્રી ભલેને સારી રીતે સ્નાન કરે છતાં અપવિત્ર જ રહે છે.૨૯

સર્વે અપવિત્રોમાં વિધવા સ્ત્રી અતિશય અપવિત્ર છે. તેથી તેવી સ્ત્રીનાં દર્શનથી પુરુષને કોઇ કાર્યની સિદ્ધિ થતી નથી.૩૦

તેથી અજાણતાં જો તેનો સ્પર્શ થાય તો સ્નાન માત્ર કરવું, અને જાણી જોઇને તેનો સ્પર્શ થાય તો એક દિવસ ઉપવાસ કરવો.૩૧

તેથી કલ્યાણને ઇચ્છતા પુરુષે વિધવા નારીનો સ્પર્શ કરવો નહિ. અને તેમના આશીર્વાદ પણ વિષ સમાન હોવાથી ગ્રહણ કરવા નહિ.૩૨

હે પુત્ર ! પોતાની પત્ની સિવાયનાં મા, બહેન કે દિકરીની સાથે ક્યારેય પણ એકાંત સ્થળમાં રહેવું નહિ.૩૩

મદ્ય, માંસ, પરદારાગમન, ચોરી, પોતાની કે પારકાની હિંસા અને પોતાની જાતિથકી ભ્રષ્ટ કરનાર અપવિત્ર અન્ન જળનો સ્વીકાર કરવારૂપ કર્મનો સર્વપ્રકારે દૂરથી જ ત્યાગ કરી દેવો.૩૪

ચારે વર્ણના મનુષ્યોએ પરદારાગમન ક્યારેય પણ ન કરવું. કારણ કે પરદારાગમન માણસના યજ્ઞાયાગાદિક ઇષ્ટ કર્મોના પુણ્યનો તેમજ પરમાર્થે વાવ, કૂવા, તળાવ આદિના નિર્માણ કરવારૂપ પૂર્તકર્મના પુણ્યનો અને આયુષ્યનો ક્ષય કરનારું કર્મ કહેલું છે.૩૫

પરદારાગમન પુરુષના આયુષ્યને જેટલી હાની પહોંચાડે છે તેવું અહિતકર કર્મ બીજું કોઇ નથી.૩૬

હે પુત્ર ! જે પુરુષો પરસ્ત્રીને કામભાવે યુક્ત દુષ્ટમનથી જુવે છે તે પુરુષો પૃથ્વીપર જન્મથી જ રોગી જન્મે છે.૩૭

તેમજ જે મૂઢ પુરુષો પરસ્ત્રીપર કામભાવે યુક્ત દૃષ્ટિ જોડે છે તે પુરુષો જન્મથી જ આંધળા થાય છે.૩૮

જે પુરુષો કામાસક્ત થઇ વિજાતીય પશુ કે પુરુષને વિષે મૈથુન કરે છે, તે દુર્બુદ્ધિ પુરુષો જન્મથી જ નપુંસક થાય છે.૩૯

મનુષ્યોને સ્ત્રી આસક્ત પુરુષનો સહવાસ થાય તો પરદારાસંગને વિષે પ્રવૃત્તિ થઇ જાય છે. તેથી શિશ્ન અને ઉદર તૃપ્તિ પરાયણ સ્ત્રીલંપટ પુરુષોનો પ્રસંગ ક્યારેય પણ ન કરવો.૪૦

હે પુત્ર ! શ્રીનારાયણ સ્વરૂપને વિષે આસક્ત મનવાળા પુરુષનો જ સમાગમ કરવો, તથા બુદ્ધિશાળી ડાહ્યા મનુષ્યે ધર્મ અને અધર્મને ઓળખી ધર્મનું જ સેવન કરવું.૪૧

કારણ કે પરલોકમાં સહાય કરનારો કેવળ ધર્મજ છે, પણ બીજો કોઇ નથી. તેથી તમે બન્ને સદાય ધર્મ પરાયણ રહેજો.૪૨

હે પુત્ર ! દર મહિનાને વિષે શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની બન્ને એકાદશીઓનું વ્રત તમારે બન્નેને આદર પૂર્વક કરવું. કારણ કે અન્ય સર્વે પ્રકારનાં વ્રતો થકી એકાદશીનું વ્રત સર્વ શ્રેષ્ઠ છે, જેના અનુષ્ઠાનથી સ્ત્રી અને પુરુષ આલોકમાં ભુક્તિ અને પરલોકમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.૪૩-૪૪

તેમજ દર વર્ષે ભગવાનના જે જન્માષ્ટમી આદિક વ્રતો અને તેમના ઉત્સવો છે તેને પોતાની શક્તિને અનુસારે કરવા અને ઉજવવા.૪૫

ભાદરવાસુદિ ચતુર્થીને દિવસે ગણપતિનું વ્રત આદરથકી કરવું, તથા મહાવદ ચૌદશને દિવસે મહાશિવરાત્રીનું વ્રત પણ ભગવાન શ્રીકૃષ્ણને રાજી કરવા આદરપૂર્વક કરવું.૪૬

રામભક્ત સમ્રાટ હનુમાનજી આપણા કુળદેવ છે, તેથી આસોવદ ચૌદશને દિવસે તેમનું પૂજન કરવું.૪૭

ઉર્ધ્વરેતસ્ નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રીહનુમાનજીને તૈલથી સ્નાન કરાવવું અને સિંદૂરથી અંગોઅંગનું લેપન કરવું. કરેણ અને આકડાનાં પુષ્પોની માળા ધારણ કરાવવી. તથા તેમને અડદનાં વડાં, સુખડી, ચણા તથા ગોળધાણાનું નૈવેદ્ય પણ યથાશક્તિ ધરાવવું.૪૮-૪૯

આ પ્રમાણે યથાશક્તિ અને યથાભક્તિથી પૂજાયેલા હનુમાનજી સંકટના સમયે સ્મરણ કરવા માત્રથી તમારા સર્વ પ્રકારનાં સંકટોનું નિવારણ કરશે, તેમાં કોઇ પણ પ્રકારનો સંશય નથી.૫૦

પિતા બાલશર્મા થકી આ પ્રમાણે સારી શિક્ષાને પામેલાં તે દંપતી એ રીતે જ અમે વર્તશું એમ કહી પિતાના ચરણમાં વંદન કર્યાં.૫૧

ધર્મદેવ અને ભક્તિદેવીની ધર્મમાં નિષ્ઠા અને અતિ આદરભાવ જોઇને ધર્મનો સદુપદેશ કરતા પિતા બાલશર્મા અત્યંત પ્રસન્ન થયા અને પોતાને પ્રણામ કરતા પુત્ર અને પુત્રવધૂને તમે હમેશાં ધર્મનિષ્ઠ રહો, અખંડ સૌભાગ્યવાળાં બનો અને લાંબુ જીવો એવા રૂડા આશીર્વાદ આપ્યા.૫૨

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વિચક્ષણ અને સર્વ સદ્ગુણોથી સંપન્ન પુત્રરત્નની પ્રાપ્તિથી પૂર્ણમનોરથવાળા બાલશર્મા સંબંધીઓની આજ્ઞા મેળવી પોતાની સાથે આવેલાં જાનૈયાઓની સાથે ઇટ્ટારપુર પાછા પધાર્યા. તેમજ સમય જતાં આ પંચભૌતિક દેહનો ત્યાગ કરી પુત્ર ધર્મદેવના અનુગ્રહથી ભગવાન વિષ્ણુના પરમપદને પામ્યા.૫૩


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભક્તિધર્મના વિવાહ અને પિતા બાલશર્માએ કરેલ ઉપદેશનું વર્ણન કર્યું એ નામે બારમો અધ્યાય પૂર્ણ થયો. -૧૨-