અધ્યાય - ૨૩ - હનુમાનજી દ્વારા કૃત્યાઓ થકી બાલપ્રભુ શ્રીહરિનું રક્ષણ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિના પ્રાદુર્ભાવથી અસુરોના સમૂહોને આકસ્મિક અનેક પ્રકારનાં અપશુકનો થવા લાગ્યાં. કોઇનાં હૃદય કંપવા લાગ્યાં, તો કોઇનાં ડાબાં નેત્રો તથા ડાબા હાથ આદિ ડાબાં અંગો ફરકવા લાગ્યાં, આવાં અશુભ લક્ષણોથી પોતાના શત્રુનો પ્રાદુર્ભાવ થઇ ચૂક્યો છે એમ જાણી અસુરોએ બાલઘાતિની અનેક કોટરા આદિ કૃત્યાઓ ઉત્પન્ન કરી.૧
તેમાં પણ અતિશય ક્રોધિત થયેલા અસુરગુરુ કાલિદત્તે સૌ પ્રથમ પોતે વશ કરેલી ભયંકર આકૃતિવાળી કોટરા આદિ કૃત્યાઓના ગણને છપૈયાપુર પ્રત્યે મોકલી. તેમણે હાથમાં ખડ્ગ આદિ અનેક પ્રકારનાં આયુધો ઉગામ્યાં હતાં.૨
ભગવાન શ્રીહરિને પ્રગટ થયે હજુ છ દિવસ જ થયા હતા, મધ્યરાત્રીનો સમય હતો. સર્વે મનુષ્યો ગાઢ નિદ્રામાં સૂતા હતા, તેવા સમયે ધર્મદેવના ભવનમાં નૈઋત્યખૂણામાં સ્થાપન કરેલા સૂતિકાગૃહમાં એ કૃત્યાઓએ પ્રવેશ કર્યો.૩
અનેકવિધ શરીરવાળી તે કૃત્યાઓએ સૂતિકાગૃહમાં જોયું તો કેટલીક વૃદ્ધ વિપ્રસ્ત્રીઓ શયન કરી રહી હતી, અને બ્રાહ્મણ શ્રેષ્ઠ હરિપ્રસાદનાં પત્ની ભક્તિદેવી શય્યા ઉપર બેસીને પોતાના વહાલા પુત્રના મુખ ઉપર દૃષ્ટિ રાખીને વહાલના સાગરમાં ડૂબી ગયાં હતાં.૪
હે નૃપ ! સૌ પ્રથમ ગણપતિજીનું યથાયોગ્ય પૂજન કરવા પૂર્વક શિવા, સંભૂતિ, પ્રીતિ, સન્નતિ, અનસૂયા અને ક્ષમા આ છ કૃતિકાઓ તથા કાર્તિકેય અને વિષ્ણુ આદિ બાલરક્ષક અંગદેવતાઓની પૂજા સાથે મહાષષ્ઠી નામનાં વૈષ્ણવી દેવીનું વિધિપૂર્વક પૂજન કરીને ભક્તિદેવી જાગરણ કરી રહ્યાં હતાં.૫
તે સમયે ભયાનક મુખવાળી મુખ્ય એક કોટરા નામની કૃત્યાએ પ્રજ્જવલિત અગ્નિની કાંતિ સમાન તેજસ્વી ભગવાન બાલશ્રીહરિને ભક્તિદેવીના ખોળામાં રમતા જોયા. બાલશ્રીહરિને ઉપાડી જવા માટે ભક્તિદેવીની નજીક આવીને બોલવા લાગી.૬
ત્યારે ભક્તિદેવીનો દૃષ્ટિભંગ થયો ને ઉપર મુખ કરીને જોયું તો પાસે ભયંકર કોટરા ઊભી છે. તે શરીરે નગ્ન છે. મનુષ્યોના આંતરડાની માળા ગળામાં પહેરી છે. ઊંચા કરેલા એક હાથમાં ત્રિશૂળ ધાર્યું છે. બીજા હાથમાં લોહીથી ખરડાયેલ માનવ ખોપરી પકડી છે. માથાના કેશ વિખરાયેલા છે. શરીરે કાજળ જેવી કાળી છે, ગોળ લાલઘૂમ નેત્રોના ડોળા કાઢી રહી છે. લાંબા ભયંકર દાંત દેખાય છે.૭
આવી ભયંકર કોટરા ભક્તિદેવીને કહેવા લાગી, હે મૂઢ ભક્તિ ! હું બાળકોને પીડનારા ગ્રહોની અધિપતિની કોટરા છું, અત્યારે જ તારા પુત્રનું નિશ્ચય ભક્ષણ કરું છું, મારા ઉગ્ર દાંતોની વચ્ચે પ્રવેશવા જઇ રહેલા તારા પુત્રનું રક્ષણ કરનાર તારા જે ઇષ્ટદેવ હોય તેનું પણ સ્મરણ કરવું હોય તો અત્યારે કરી લે. જો તે અહિં તારા પુત્રનું રક્ષણ કરવા આવે, તો તેને પણ આજ મારા ઉગ્ર દાંતોથી ચાવીને ટુકડે ટુકડા કરી ખાઇ જઇશ. તો પછી તારા પુત્રની શી વિસાત છે ?.૮
આ પ્રમાણે કહીને પહોળા મુખવાળી અને તીક્ષ્ણ તીખી જીભવાળી દુષ્ટ કોટરાએ ભગવાનના બળે નિર્ભયપણે બેઠેલાં અને અતિ ધીરજશાળી ભક્તિદેવીના ખોળામાંથી અચાનક બાલ શ્રીહરિને ગળે પકડીને ઉપાડી ગઇ.૯
તે સમયે અન્ય વિકરાળ પહોળા મુખવાળી અને કુરુપિણી રેવતી આદિ સેંકડો કૃત્યાઓ દોડી આવીને 'આ બાળકને છેદી નાખો. એને ભેદી નાખો. અરે, મારી પાસે લાવો, એને મારી નાખો. આ પ્રમાણે ઊંચેથી બરાડા પાડતી પાડતી શ્રીહરિને ઉપાડી લઇ જઇ આકાશમાર્ગે અદૃશ્ય થઇ ગઇ.૧૦
હે રાજન્ ! કોટરાદિ કૃત્યાઓ જ્યારે ભગવાન શ્રીહરિને ગળે પકડીને લઇ ગઇ ત્યારે ભક્તિદેવી કરુણ રુદન કરવા લાગ્યાં, તે સમયે નારાયણનું સ્મરણ કરી માળા કરતા વિપ્રવર્ય ધર્મદેવ ભક્તિદેવીનું રુદન સાંભળીને તત્કાળ દોડીને ત્યાં આવ્યા.૧૧
તે સમયે ભક્તિદેવી ગાઢ સ્નેહથી હે પુત્ર ! હે પુત્ર ! એ પ્રમાણે આક્રંદ કરતાં કરતાં મૂર્ચ્છિત થઇને ઢળી પડયાં, અને પુત્રને નહિ જોતાં ધર્મદેવ પણ મૂર્ચ્છિત દશાને પામ્યા. તથા અન્ય ઘરમાં રહેલાં સ્ત્રી પુરુષો પણ શોકાતુર થઇ રડવા લાગ્યાં.૧૨
રક્ષણાર્થે કુળદેવનું આગમનઃ- હે રાજન્ ! ભક્તિ અને ધર્મ શ્રીહરિના વિયોગથી મૂર્છા પામ્યા છે, એવું જાણીને તે બન્ને દ્વારા પૂર્વે બહુ મોટા ઉપચારોથી આરાધના કરાયેલા હનુમાનજી તત્કાળ ત્યાં આવ્યા ને બન્નેને મૂર્છામાંથી જગાડવા લાગ્યા, હે દેવી ! હે ભક્તિ ! તમે સૂતાં છો કેમ ? જાગો... જાગો... હે વિપ્ર ! હે હરિપ્રસાદજી ! તમે પણ જાગો, કેમ સૂતા છો ? આ પ્રમાણે હનુમાનજીનું આહ્વાહન સાંભળીને ધર્મ અને ભક્તિ મૂર્છામાંથી જાગૃત થયાં અને આંખમાં ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં.૧૩-૧૪
આ રીતે એકદમ વ્યાકુળ થયેલાં, ઊભાં થઇ રહેલાં ધર્મ અને ભક્તિને દિવ્ય શરીરધારી કપિશ્રેષ્ઠ હનુમાનજીનાં દર્શન થયાં. તેમણે તેલે સહિત સિંદૂરનો શરીરપર સુંદર લેપન કર્યો હતો. કંઠમાં આકડાના પુષ્પની માળા ધારણ કરી હતી. તેમનું સ્વરૂપ અતિ દર્શનીય અને રમણીય જણાતું હતું.૧૫
તમે આટલો બધો શા માટે ખેદ કરી રુદન કરો છો ? આ પ્રમાણે હનુમાનજીએ પૂછયું ત્યારે તેમનાં આવાં મધુર વચનો સાંભળી ભક્તિદેવી કહેવા લાગ્યાં કે હે બાલકપિ ! મને સુખ ઉપજાવે એવાં મીઠાં મધુરાં વચનો બોલનારા પવિત્ર મૂર્તિ આપ કોણ છો ? તે કહો.૧૬
અતિ સંકટમાં આવી રહેલા મારા પુત્રને હમણાંજ કોટરાદિ બાલગ્રહ કૃત્યાઓ ઉપાડી ગઇ છે એથી હું રડું છું. પોતાનાં દર્શનથી કાંઇક ધીરજ પામેલાં ભક્તિદેવીનું આવું વચન સાંભળી હનુમાનજી કહેવા લાગ્યા, હે ભક્તિ ! હું હનુમાનજી સીતાપતિ ભગવાન શ્રીરામચંદ્રજીનો સેવક છું. તમે બન્ને મારા દૃઢ ભક્ત છો. તમને દુઃખ પડયું છે એમ જાણી એ દુઃખને દૂર કરવા માટે હું તમારી સમીપે આવ્યો છું.૧૭-૧૮
હે ભક્તિદેવી ! આ પૃથ્વી પર તમારા પુત્રને બાલગ્રહ કૃત્યાઓ કે તેના વૈરી અસુરો કે સિંહ, વાઘ આદિ હિંસક પશુઓ પણ મારી શકે તેમ નથી. કારણ કે તમારા પુત્ર થકી તો અખિલ બ્રહ્માંડને ભય ઉપજાવનાર કાળ પણ થરથર કંપે છે. તેથી તમોને કોઇ પણ જાતની ચિંતા કરવી નહિ.૧૯
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! હનુમાનજી આ પ્રમાણે ભક્તિમાતાને આશ્વાસન આપીને પોતે સ્વેચ્છાએ મનુષ્યશરીર ધારણ કર્યું, અને પોતાના ભક્તજનોના ચિત્તને હરણ કરનારા છે એવા બાલમૂર્તિ નારાયણ ભગવાન શ્રીહરિને કૃત્યાઓ થકી મુક્ત કરવા માટે તત્કાળ ત્યાંથી નીકળ્યા.૨૦
અને આ બાજુ કૃત્યાઓ બાલ શ્રીહરિને આકાશ માર્ગે ઉપાડીને ગામ બહાર આવેલી, ત્યાં મનમાં શ્રીહરિને ખાઇ જવાની ઇચ્છા ધરાવતી હતી પણ બાલ શ્રીહરિની અગ્નિ વર્ષાવતી દૃષ્ટિથી કૃત્યાઓનાં ભયંકર રાક્ષસી શરીરો જાણે અગનગોળો ઉપાડયો હોય તેમ બળવા લાગ્યાં, તેથી તત્કાળ તેણે શ્રીહરિને આકાશમાંથી પડતા મેલી દીધા.૨૧
જન્મથી જેને હજુ દશ દિવસ પણ થયા નથી, માત્ર છ દિવસના છે એવા બાલ શ્રીહરિને પિશાચણી કૃત્યાઓએ જ્યારે નીચે ધરતી પર ફેંકી દીધા, ત્યારે જાણે કાંઇ થયું જ ન હોય તેમ પૃથ્વી પર તે જ ક્ષણે નિદ્રાધિન થયા, તે સમયે શીતળ કિરણોવાળા ચંદ્રમા પોતાનાં અમૃતમય કિરણો વડે શ્રીહરિને સુખ આપતા હોય તેમ સેવા કરવા લાગ્યા.૨૨
આ બાજુ આકાશમાંથી શ્રીહરિને નીચે પડતા મૂક્યા પછી પણ કોટરા આદિ કૃત્યાઓ હાથમાં ધારણ કરેલાં ત્રિશૂળો ઉગામીને વિકરાળ દૃષ્ટિથી બાળશ્રીહરિને જોતી જોતી પોતાના ભયંકર લાંબા લાંબા તીક્ષ્ણ દાંતોથી અધરોષ્ઠને દબાવી મારવાના આશયે આકાશમાં આમ તેમ ઘુમવા લાગી.૨૩
ત્યાં તો તેઓને એકાએક પ્રલયકાળના અગ્નિ જેવા મહાભયંકર શ્રીહરિ જોવામાં આવ્યા, અને આકાશમાર્ગે રહેલી તે કોટરા આદિ કૃત્યાઓ આકુળ વ્યાકુળ થઇ બળવા લાગી, ભયથી શરીર અતિશય કાંપવા લાગ્યાં, પછી તો શ્રીહરિને સામે પણ જોવા સમર્થ થઇ નહિ. ત્યાર પછી થર થર ધ્રૂજતા તેઓના હાથમાંથી ત્રિશૂળો નીચે પડી ગયાં અને શરીરે પરસેવો છૂટી ગયો, અમે ફરીને આ છપૈયાપુરમાં ક્યારેય આવશું નહિ, એમ બોલતી અને પિશાચ જાતિના ચી..., ચી..., એવા શબ્દોની ચિચિયારીઓ પાડતી, પોતાના સમૂહ સાથે કોટરા ત્યાંથી ભાગવા લાગી.૨૪-૨૫
હનુમાનજી દ્વારા કૃત્યાઓને મેથીપાક :- આ બાજુ ધર્મદેવના ભવનમાંથી આકાશમાર્ગે ઉડેલા હનુમાનજી ધનુષમાંથી છૂટેલા તીરની જેમ વેગથી તત્કાળ ત્યાં આવ્યા, તે સમયે ભયંકર શરીરધારી, પહોળા મુખવાળા, લાંબા તીક્ષ્ણ દાંતવાળા, વજ્રપાત જેવો ભયાનક કિલકિલાટ અવાજને કરતા હનુમાનજી ભાગવા માટે દોડાદોડ કરતી કૃત્યાઓને લાંબુ પૂછડું કરી ભેળી કરીને ઘાસના પૂળાની જેમ બાંધી. પોતાના પ્રાણપ્રિય શ્રીહરિને પીડા આપતી હોવાથી તેઓ ઉપર અત્યંત ક્રોધે ભરાયેલા હનુમાનજી પગનો પ્રહાર કરવા લાગ્યા. હનુમાનજીના પ્રહારથી મૃતપ્રાય થયેલી કૃત્યાઓ અત્યંત દુઃખી દુઃખી થઇ ગઇ અને કંઠે પ્રાણ આવી ગયા, પરંતુ પ્રારબ્ધકર્મવશે તેઓના જીવ બચ્યા. ત્યાર પછી કૃત્યાઓના ગણને દૂર ફેંકી હનુમાનજીએ સૌમ્ય મનોહર શરીર ધારણ કરી તત્કાળ પ્રેમથી શ્રીહરિને બે હાથે તેડી લીધા.૨૬-૨૮
ત્યારપછી મંદમંદ હાસ્ય કરતા ભગવાન શ્રીહરિને નીરખી હનુમાનજીએ પ્રેમથી દર્શન કર્યાં, અને ધીરે ધીરે ચાલીને ઘર તરફ આવ્યા, ને ભક્તિમાતાને શ્રીહરિ સોંપ્યા. મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા પોતાના બાળકને પામી ભક્તિદેવી કપિશ્રેષ્ઠ હનુમાનજી પ્રત્યે કહેલા લાગ્યાં, કે હે દેવ ! તમે આ મારા બાળકને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો છે, તેથી તમે મારા જીવનદાતા છો, રામના અનુજ લક્ષ્મણજીને જીવનદાન આપનારા તમારા માટે આ કાર્ય અઘરું નથી, તે પણ હું જાણું છું.૨૯-૩૦
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાનની માતા ભક્તિદેવીનાં આવાં વચનો સાંભળી બધું જ જાણનારા અંજનીપુત્ર હનુમાનજી કહેવા લાગ્યા, હે કલ્યાણી ! તમારો આ બાળક છે તે દિવ્ય છે, કોઇ પ્રાકૃત બાળક નથી, આટલું તમે સત્ય જાણો. હે ભક્તિ ! આ આશ્ચર્યકારી બાળક પોષ્યવર્ગે સહિત તમારું રક્ષણ કરશે, અને પોતાના શરણે આવેલા અન્ય સંસારીજનોને પણ સંસારના દુઃખો થકી રક્ષા કરશે. એટલા જ માટે એનું તમે જતન કરજો અને એને વિષે જ તમે અધિક ને અધિક સ્નેહ રાખજો.૩૧-૩૨
આ પ્રમાણે ભક્તિદેવીને કહી, હનુમાનજી ભક્તિપુત્ર ભગવાનનાં રમણીય મુખકમળનાં દર્શન કરવા લાગ્યા. તે સમયે મનોહારી બાલપ્રભુ પણ મંદમંદ હાસ્ય કરવા લાગ્યા, મનુષ્યલીલાનો વિસ્તાર કરવા ઇચ્છતા બાલમૂર્તિ શ્રીહરિની ઇચ્છાથી ભગવાનનો સંકલ્પ સમજીને હનુમાનજી ત્યાંથી અંતર્ધાન થયા.૩૩
આ રીતે હનુમાનજીનું સામર્થ્ય નિહાળી ધર્મ અને ભક્તિ અતિશય આશ્ચર્યચકિત થયાં, અને લૌકિક બાળકની જેમ પોતાના પુત્રને પણ નવું જીવન પ્રાપ્ત થયું છે, એમ માનવા લાગ્યાં, અને આ મારા બાળકની વાયુપુત્ર હનુમાનજીએ પિશાચી એવી કોટરા આદિના સમૂહ થકી રક્ષા કરી છે. આપ્રમાણે ધર્મ અને ભક્તિ અતિ આશ્ચર્યપૂર્વક જનસમૂહ પ્રત્યે કહેતાં હતાં.૩૪-૩૫
કે જે દિવસથી હનુમાનજીએ પોતાના બાળકની રક્ષા કરી તે દિવસથી ધર્મ અને ભક્તિને હનુમાનજીને વિષે પરમ ભક્તિની વૃદ્ધિ થઇ, અને વારંવાર સંબંધીજનો આગળ તે હનુમાનજીનો મહિમા કહેવા લાગ્યાં, અને તે જ દિવસથી આરંભીને તે બન્ને જણાં તથા તેના સર્વે સંબંધીજનો પણ દર શનિવારે પ્રેમથી હનુમાનજીનાં દર્શન અને પૂજન કરવારૂપ વ્રતનું નિયમ ગ્રહણ કર્યું.૩૬-૩૭
હે રાજન્ ! ત્યારપછી હરિપ્રસાદ કૃત્યાઓએ ઉત્પન્ન કરેલ પીડાની શાંતિને માટે વેદોક્તમંત્રોથી શાંતિ કર્મ કરાવ્યું અને સુમધુર ભોજન વડે ભૂદેવોને તૃપ્ત કર્યા તેમજ નારાયણ કવચના પાઠ કરવારૂપ જપાત્મક યજ્ઞા પણ કર્યો.૩૮
ઉપરોક્ત બાળલીલાનું ફળ કથનઃ- આ રીતે ભગવાનનાં બાલચરિત્રોની કથા સંભળાવતા સુવ્રતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન્ ! આલોકમાં ભગવાનનું આ બાલચરિત્ર કહેનારનાં તથા આદરપૂર્વક સાંભળનારનાં સમસ્ત પાપના સમૂહોને બાળીને ભસ્મ કરી નાખે છે. એટલા માટે જીવાત્માઓના અધિપતિ પરમાત્મા નારાયણના આ બાલચરિત્રોની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળતા તમને મેં પ્રેમથી સંભળાવી છે, તમે પણ પરમ આદરની સાથે આ કથાને તમારા અંતરમાં ધારણ કરો.૩૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હનુમાનજીએ બાલશ્રીહરિની રક્ષા કરી એ નામે ત્રેવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૩--