અધ્યાય - ૨૪- બાલશ્રીહરિના શાસ્ત્રીય સંસ્કારોનું વર્ણન.
પારણિયાનો સંસ્કાર :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! વિક્રમ સંવત્ ૧૮૩૭ ના વૈશાખ વદ એકાદશી તિથિના ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં શુક્રવારે દિવસના ચોથા મુહૂર્તમાં માતા ભક્તિદેવીએ શ્રીહરિને પારણિયામાં પધરાવ્યા, જન્મથી દશ, બાર, સોળ, બાવીસ કે અન્ય કોઇ બીજા દિવસોમાં વચ્ચે સારાં મુહૂર્ત ન મળતાં આજે બત્રીસમા દિવસે મા ભક્તિએ પોતાનાં કુળદેવી લક્ષ્મીજી અને યોગશાયી શ્રી શેષનારાયણનું પણ સાથે સ્મરણ કરતાં કરતાં શ્રીહરિને પૂર્વ દિશા તરફ મસ્તક રાખીને શણગારેલા પારણિયામાં શયન કરાવ્યું.૧-૨
પયઃપાન સંસ્કારઃ- હે રાજન્ ! જન્મથી બીજા મહિનાના પ્રારંભના એકત્રીસમા દિવસે વૈશાખ વદ ૧૦ ના ગુરુવારે મા ભક્તિદેવીએ શ્રીહરિને વસ્ત્રથી ગાળેલું પવિત્ર ગાયનું દૂધ શંખમાં ભરીને તે વડે પાન કરાવી પયઃપાન સંસ્કાર પણ કર્યો હતો.૩
હે રાજન્ ! ત્યારપછી જન્મથી ત્રીજે મહિને ધર્મદેવ અને ભક્તિદેવીએ પોતાના પુત્રનો ઘરથી પ્રથમ બહાર લઇ જવારૂપ સંસ્કાર અને પ્રથમ સૂર્યદર્શન કરાવવારૂપ સંસ્કાર કર્યો. આ નિષ્ક્રમણ સંસ્કારમાં ધર્મદેવે સ્વસ્તિકવાચન કર્મ કરાવ્યું, પરંતુ પોતે સામવેદી હોવાથી નાંદીશ્રાદ્ધ કરાવ્યું નહિ.૪
તેમજ સંવત ૧૮૩૮ ના પ્રથમ માસે, અષાઢ સુદ તૃતિયાના શુભ દિવસે સાયં સંધ્યા પછી પ્રદોષના સમયે રાત્રી પહેલાં ધર્મદેવે જન્મથી ત્રણ માસના થયેલા શ્રીહરિનું મુખ ખુલ્લું રાખી વિશુદ્ધ વસ્ત્રથી આખું શરીર વીંટયું અને વિધિપૂર્વક ચંદ્રમાનું પૂજન કરીને ચંદ્રદર્શન કરાવ્યું, ત્યાર પછી પવિત્ર બ્રાહ્મણો પાસે વામદેવ સંબંધી સામવેદનું ગાન કરાવ્યું.૫
નામકરણ સંસ્કારઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! એક વખતે મહામુનિ માર્કણ્ડેય પોતાના શિષ્યમંડળની સાથે ધર્મદેવના ભવનમાં પધાર્યા. ચિરંજીવી તે મુનિ ત્રિકાળ દર્શી હતા, અને તેજસ્વી તે મુનિએ નૈષ્ઠિક બ્રહ્મચારીનો વેષ ધારણ કર્યો હતો. તે સમયે સર્વ ધર્મનું શ્રેષ્ઠ જ્ઞાન ધરાવતા બ્રાહ્મણશ્રેષ્ઠ હરિપ્રસાદજી વિપ્રે પોતાનાં પત્ની ભક્તિદેવીની સાથે રહીને આંગણે આવેલા માર્કણ્ડેયમુનિનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર સાથે ખૂબ જ સારી સંભાવના કરી.૬-૭
તે માર્કણ્ડેય મુનિ ધર્મદેવે પીરસેલાં નાના પ્રકારનાં ભોજનો જમી જળપાન કર્યું અને ત્યારપછી સુંદર આસન ઉપર સુખપૂર્વક વિરાજમાન થયા ત્યારે તેમની સેવામાં તત્પર ઉદાર બુદ્ધિવાળા ધર્મદેવ, મુનિને પ્રસન્ન કરતા કહેવા લાગ્યા કે હે બ્રહ્મન્ ! મહાપ્રતાપી એવા આપશ્રીનું ક્યાંથી આગમન થયું છે ? સમગ્ર લોકોને કૃતાર્થ કરનારા આપે આજ મારાં આંગણાને પાવન કર્યું છે.૮-૯
હે બ્રહ્મન્ ! વેદશાસ્ત્ર અને આગમ આદિ શાસ્ત્રોને મધ્યે તમે કયા કયા શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ? મને તો તમે સકલ વિદ્યાના નિધિ હો એમ જણાય છે. છતાં આપ મને જણાવો, હે રાજન્ ! ધર્મદેવે આ પ્રમાણે પૂછયું ત્યારે ધર્મપુત્ર શ્રીહરિનાં દર્શનથી મહા આનંદને પામેલા બુદ્ધિમાન અને સર્વજ્ઞા એવા વિપ્રર્ષિ માર્કણ્ડેયમુનિ ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા.૧૦-૧૧
હે ધર્મ ! હું તીર્થાટન કરતો કરતો હરિઇચ્છાએ આ તમારા ભવનમાં પધાર્યો છું. હું ભૃગુગોત્રમાં ઉત્પન્ન થયેલો માર્કણ્ડેય મુનિ છું, મેં વેદ, શાસ્ત્ર, પુરાણ તથા શિક્ષા આદિ વેદનાં અંગો અને અન્ય ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, તેમાં પણ જ્યોતિષશાસ્ત્રનો વિશેષપણે અભ્યાસ કર્યો છે, અને આ મારા શિષ્યોને પણ તે સર્વે શાસ્ત્રનો અભ્યાસ કરાવું છું.૧૨-૧૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મુનિનાં વચનો સાંભળી અત્યંત પ્રસન્ન થયેલા ધર્મદેવે પોતાના પુત્રનો નામકરણ સંસ્કાર માર્કણ્ડેય મુનિ પાસે જ કરાવવાની ઇચ્છા કરી મુનિને પ્રણામ કરીને ફરી દૃઢ નિશ્ચયપૂર્વક કહેવા લાગ્યા કે, હે મુનિ ! અમારાં પૂર્વના પુણ્યે આપશ્રીનું અમારા આંગણે આગમન થયું છે. તેથી મારા ઉપર કૃપા કરીને થોડો સમય અહીં જ નિવાસ કરીને રહો.૧૪-૧૫
વળી હે બ્રહ્મન્ ! તમે જ્યોતિષશાસ્ત્રમાં પારંગત છો, તેથી તે શાસ્ત્રને અનુસારે તમે મારા પુત્રનું ભવિષ્ય અને ભાગ્યોદય સારી રીતે વિચારીને કહો. હે મહાભાગ્યશાળી મુનિ ! તમેજ આ અમારા પુત્રના નામકરણ સંસ્કારનું મુહૂર્ત નક્કી કરીને એમના ગુણ અને જન્મ-નક્ષત્રને અનુરૂપ યથાર્થ નિર્ણય કરીને નામકરણ કરો.૧૬-૧૭
હે રાજન્ ! ધર્મદેવે આ પ્રમાણે પ્રાર્થના કરી તેથી મૃકન્ડઋષિના પુત્ર માર્કણ્ડેય મુનિ પંચાગપત્રમાંથી નામકરણ સંસ્કારનું મુહૂર્ત નક્કી કરીને ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ધર્મદેવ ! જન્મથી અગિયાર કે બારમે દિવસે વિષ્ટિ અને અમાસ સંક્રાંતિ આદિ કુયોગને લીધે કદાચ નામકરણ સંસ્કાર ન કરી શકયો હોય તો સો રાત્રી વ્યતીત થતાં એકસોને એકમા દિવસે નામકરણ સંસ્કાર કરવો.૧૮-૧૯
તેથી આવતી કાલે સંવત ૧૮૩૮ ના અષાઢી વર્ષના પહેલા મહિનામાં અષાઢ સુદ સાતમની તિથિએ ગુરુવારે કર્ક નામના લગ્નમુહૂર્તમાં ચંદ્ર પ્રથમના ભવનમાં, બુધ ચોથાભવનમાં, ગુરુ સાતમા ભવનમાં અને શુક્ર દશમા ભવનમાં રહેતાં આવા શુભ સમયે આપના પુત્રનો નામકરણ સંસ્કાર તમે કરાવો, તમારા પુત્રનું જે કાંઇ શુભ અથવા અશુભ ભાવિ હશે તે જન્મકાળ વિચારીને પછી હું તમને જણાવીશ.૨૦-૨૧
હે રાજન્ ! માર્કણ્ડેયમુનિએ આ પ્રમાણે કહ્યું તેથી ધર્મદેવ અતિશય પ્રસન્ન થયા અને તેજ સમયે નામકરણ સંસ્કારને ઉપયોગી સમસ્ત સામગ્રી ભેળી કરી લીધી. ત્યારપછી બીજે દિવસે સવારના ત્રીજા મુહૂર્તમાં નામકરણ સંસ્કારનો શુભ પ્રારંભ કર્યો. તેમાં ધર્મદેવે પ્રથમ નાંદીશ્રાદ્ધ કર્યું અને તે અગ્નિમાં વ્યાહૃતિમંત્રનું ઉચ્ચારણ કરવા પૂર્વક હોમ કર્યો.૨૨-૨૩
ત્યારપછી ભગવાને ભવિષ્યમાં જે જે લીલા કરવાનું ધાર્યું છે તેને ભગવત્ પ્રેરિત અંતર્દષ્ટિથી જાણીને માર્કણ્ડેય શ્રીહરિનું અર્થસભર નામકરણ કરવા લાગ્યા, કે હે વિપ્ર ! તમારા આ પુત્ર તમારા બન્નેની અને પોતાને શરણે આવેલાં સંબંધીજનો તથા આશ્રિતજનોની આપત્તિઓને હરનારા થશે તેથી તથા તેમના જન્મસમયે ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી ''હરિ'' એવા નામે વિખ્યાત થશે.૨૪-૨૫
વળી હે ધર્મ ! તમારા પુત્રનો વર્ણ નવીન મેઘની સમાન શ્યામ હોવાથી તથા પોતાના સ્વરૂપમાં મનુષ્યોના મનને આકર્ષણ કરતા હોવાથી તેમજ ચૈત્ર માસમાં જન્મ હોવાથી આ પૃથ્વી ઉપર તમારા પુત્ર ''કૃષ્ણ'' એવા સાર્થક નામે પ્રસિદ્ધ થશે. તથા હે વિપ્ર ! મેં આ તમારા પુત્રનાં જે બે નામ કહ્યાં તે જુદાં જુદાં છે, પણ તે બન્ને નામ સાથે મળીને ''હરિકૃષ્ણ'' એવા સાર્થક નામે પણ પ્રસિદ્ધ થશે, અને વળી તમારા આ પુત્ર ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગસાધનારૂપ આ પાંચ સદ્ગુણોમાં પાર્વતીના પતિ શિવજીની સમાન થશે તેથી ''નીલકંઠ'' એવા નામે પ્રસિદ્ધ થશે, હે વિપ્રવર્ય ધર્મદેવ ! તમારા આ પુત્રના ગુણ અને કર્મને અનુસારે બીજાં ઘણાંક નામો પ્રસિદ્ધ થશે.૨૬-૨૯
શ્રીહરિના સદ્ગુણોનું વર્ણન :- માર્કણ્ડેયમુનિ ધર્મદેવને શ્રીહરિના અન્ય સદ્ગુણોનું વર્ણન કરી બતાવે છે, હે ધર્મ ! આ તમારા પુત્ર ભગવાનની કથા સાંભળવામાં પૃથુરાજા જેવા થશે. માહાત્મ્યજ્ઞાને સહિત ભક્તિથી ભગવાનને વશ કરવામાં અને પર અપરાધને સહન કરી તેને ક્ષમા આપવામાં અંબરિષ રાજા જેવા થશે.૩૦
ભગવાનની દાસત્વ ભક્તિ કરવામાં હનુમાનજી જેવા થશે. કરવા યોગ્ય અને નહિ કરવા યોગ્ય કાર્યની વિવેકબુદ્ધિમાં વિદુરજી જેવા થશે.૩૧
તીવ્ર વૈરાગ્યમાં શુકદેવજી સમાન થશે. આત્મવિજ્ઞાનમાં જનક સમાન થશે. ભગવાનના ભજનસ્મરણના આગ્રહમાં પ્રહ્લાદજી જેવા થશે.૩ર
માયા આદિ તત્ત્વોથી પર આત્મા અને પરમાત્માના જ્ઞાનનું નિરુપણ કરી લોકોને સમજાવવામાં ભગવાન કપિલદેવજી જેવા થશે. દોષોનો ત્યાગ કરી ગુણગ્રહણ કરવામાં દત્તાત્રેય જેવા થશે.૩૩
અધર્મસર્ગ થકી ભય પામવામાં યુધિષ્ઠિર રાજાની સમાન થશે. દયાળુતા અને ઉદારતામાં રંતિદેવ રાજા જેવા થશે.૩૪
અન્ય જીવોને ભગવાનના સાક્ષાત્ નિશ્ચય કરાવવામાં નારદજી જેવા થશે. ઇન્દ્રિયોરૂપી શત્રુઓ ઉપર વિજય મેળવવામાં અર્જુનજી જેવા થશે.૩પ
ભગવાનની ચરણરજનું માહાત્મ્ય સમજવામાં અક્રુરજી જેવા થશે. પ્રત્યક્ષ પરમાત્મા પુરુષોત્તમનારાયણના ભક્તોનો મહિમા સમજવામાં ઉદ્ધવજી જેવા થશે.૩૬
સાધુતામાં આત્મદર્શીયોગીઓ અને ત્યાગીઓમાં અગ્રેસર એવા ઋષભદેવના પુત્ર જડભરત સમાન થશે.૩૭
અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવામાં તથા ઉત્તરમાં ઉત્તરોત્તર યુક્તિઓનું પ્રતિપાદન કરવામાં દેવગુરુ બૃહસ્પતિજી જેવા થશે. અને ધીરજ ધારણ કરવામાં બલિરાજાના જેવા થશે.૩૮
હે ધર્મદેવ ! આ તમારા પુત્રના હાથમાં પદ્મનું ચિહ્ન છે તેમજ પગના તળામાં ઉર્ધ્વરેખા આદિ સોળ ચિહ્નો છે, તેથી આ લાખો મનુષ્યોના નિયંતા થશે.૩૯
તેમજ હે ધર્મ ! વિષ્ણુ ભગવાન જેમ દેવતાઓની રક્ષા કરે છે તેમ આ તમારા પુત્ર તમારી સમગ્ર કષ્ટ થકી સર્વદા રક્ષા કરશે.૪૦
આવી રીતે તો હે ધર્મ ! તમારા પુત્ર અતિ મોટા અસંખ્ય સદ્ગુણોના સ્વામી થશે. તેના વર્ણનનો કોઇ અંત હું પામી શકું તેમ નથી.૪૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિના સદ્ગુણોનું વર્ણન કરી માર્કણ્ડેયમુનિ વિરામ પામ્યા, ત્યારે ધર્મદેવ તે મુનિને અતિ હર્ષથી નવીન વસ્ત્રો અલંકારો તથા ઘણું ઘણું દ્રવ્ય આપીને રાજી કર્યા. અને માર્કણ્ડેય મુનિ પણ ધર્મદેવના ભવનમાં એક દિવસ નિવાસ કરીને રહ્યા અને શ્રીહરિનાં દર્શન અને સ્પર્શનો તથા નામકરણ કરવાની સેવાનો અલભ્ય લાભ મળવાથી અતિશય પ્રસન્ન થયેલા મુનિ બીજે દિવસે તીર્થરાજ પ્રયાગક્ષેત્રમાં જવા માટે ધર્મદેવના ભવનથી રવાના થયા.૪૨-૪૩
હે રાજન્ ! મહાન પદવીને પ્રાપ્ત કરેલા સજ્જન પુરુષો પણ જે ગુણોની અંતરમાં ઇચ્છા ધરાવે છે એવા ભવ્ય સદ્ગુણો પોતાના પુત્રમાં સહજ રહેલા છે એવું સાંભળી પત્ની ભક્તિદેવીએ સહિત ધર્મદેવ અંતરમાં ઉત્પન્ન થયેલા આનંદના મહાસાગરમાં ડૂબી ગયા. તેમ જ તેમને લૌકિક કાર્યની વિસ્મૃતિ પણ થઇ ગઇ.૪૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિના નામકરણ વિધિનું નિરૂપણ કર્યું એ નામે ચોવીસમો અધ્યાય પૂર્ણ થયો. -૨૪-