અધ્યાય - ૩૭ - ભક્તિમાતાએ શ્રીહરિની સ્તુતિ કરી.
પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે મહામુનિ ! મા ભક્તિદેવી ભગવાન શ્રીહરિકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં કઇ ગતિને પામ્યા ? ત્યાર પછી ભગવાન શ્રીહરિકૃષ્ણે શું કર્યું ? આ સર્વ વૃત્તાંત મને સંભળાવો.૧
રાજાનો પ્રશ્ન સાંભળી અત્યંત ખુશ થયેલા સુવ્રતમુનિ કહે છે, હે ભૂપ ! મા ભક્તિદેવી ધ્યાનાવસ્થામાં હતાં તેવામાં સંવત્ ૧૮૪૮ ના કારતક સુદ દશમી તિથિનું પરોઢ થયું. સૂર્યનારાયણ ઉદય થવાની તૈયારી કરતા હતા, તે સમયે શ્રીહરિએ ઠંડા જળથી સ્નાન કરી આહ્નિકવિધિ કરવા અગ્નિશાળામાં પ્રવેશ કર્યો.૨
આ બાજુ પોતાના પુત્ર ભગવાન શ્રીહરિના ધ્યાનપરાયણ મા ભક્તિદેવીને ધ્યાન પહેલાં પોતાની દૃષ્ટિ આગળ પોતાના પુત્રરૂપે બ્રહ્મચારીના વેષમાં જેવા ભગવાન શ્રીહરિકૃષ્ણને જોયા હતા તેવાને તેવા જ ધ્યાન કરતાં હૃદયકમળમાં આવિર્ભાવ પામેલા ભગવાન શ્રીહરિનાં દર્શન થયાં.૩
ભગવાન શ્રીહરિની મનુષ્યરૂપની માધુરી :- હે રાજન્ ! માતાના હૃદયમાં પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિ પ્રસન્ન મુખચંદ્રની દિવ્ય કાંતિથી શોભી રહ્યા છે. કમળની પાંખડીની સમાન વિશાળ બન્ને નેત્રો વિલસી રહ્યાં છે. બે ભૂજાઓ અને રમણીય અંગોએ યુક્ત તેજસ્વી શ્યામ સુંદર કાયા મનને ખેંચી રહી છે. બ્રહ્મચારીના વેષમાં શ્વેત કૌપીન ઉપર શ્વેત આચ્છાદન વસ્ત્ર અને ઉપરનું શ્વેત વસ્ત્ર પરિધાન કરી વિરાજી રહ્યા છે. મસ્તક ઉપર વાંકડિયાળા પાતળા, કાળા કેશ એક સૂક્ષ્મ વસ્ત્રના ખંડથી બાંધ્યા છે. ડાબા ખભે શ્વેત યજ્ઞોપવિત ધારણ કરી છે. જમણા હાથમાં તુલસીની જપમાળા ફેરવી રહ્યા છે, સુંદર મનોહર શંખ સરીખા કંઠમાં સૂક્ષ્મ મણીયાવાળી તુલસીની બેવડી કંઠી શોભી રહી છે. બ્રહ્મચારી હોવાથી પાંચ જગ્યાએ વિશાળ ભાલ, કંઠ, હૃદય અને બન્ને ભૂજાઓ ઉપર કાશ્મીરી કુંકુમના ગોળ ચાંદલાએ સહિત શોભાયમાન ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કર્યાં છે.૪-૬
મા ભક્તિને આત્મસ્વરૂપનું દર્શન :- હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિના સ્વરૂપનું દર્શન કરતાં કરતાં મા ભક્તિદેવીને દેહ, ઇન્દ્રિયો, મન, પંચપ્રાણ અને સત્ત્વાદિ ત્રણગુણથી જુદા અને એ દેહાદિ સર્વેને ચેતનવંતા કરનારા, પોતાના પ્રકાશમાન આત્મસ્વરૂપનું દર્શન થયું. તે સત્તામાત્ર પોતાનો આત્મા અક્ષરબ્રહ્મની સાથે એક ભાવને પામેલો છે, એવું પણ ભક્તિમાતાને જોવામાં આવ્યું. ત્યારપછી અક્ષરબ્રહ્મના તેજની સાથે એકતા પામેલા પોતાના આત્મસ્વરૂપમાં સાક્ષાત્ શ્રીહરિનાં દિવ્ય દર્શન થયાં.૭-૯
આ પ્રમાણે પહેલેથી જ નિશ્ચયપૂર્વક પોતાનાં પુત્ર શ્રીહરિને સાક્ષાત્ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન તરીકે જાણતાં મા ભક્તિદેવીને શ્રીહરિએ પોતાના અલૌકિક દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું, અને ભક્તિમાતા પણ આશ્ચર્યપૂર્વક અલૌકિક દિવ્ય શ્રીહરિનાં દર્શન કરવા લાગ્યાં.૧૦
શ્રીહરિની દિવ્યરૂપ માધુરી :- કોટિ કોટિ કામદેવને પણ લજ્જા પમાડે તેવી શરીરની લાવણ્યતા શોભી રહી છે, નવીન મેઘની સમાન શ્યામ સુંદર શરીર વિલસી રહ્યું છે. આવા સુંદર શરીરના પ્રત્યેક અંગોમાંથી નીકળતી કોટિ કોટિ ચંદ્રમાઓની કાંતિની સમાન દિવ્ય કાંતિ ચારેબાજુ પ્રસરી રહી છે.૧૧
શુદ્ધ સુવર્ણ સમાન ઉજ્જ્વલ વસ્ત્રો પરિધાન કર્યાં છે. કેડમાં બાંધેલી રત્નજડિત કટિમેખલાથી મનોહર લાગે છે. મસ્તક ઉપર મયૂરપીંછનો મુગટ ધારણ કર્યો છે. કાનમાં મકરાકાર કુંડળ ધારણ કર્યાં છે.૧૨
કંઠમાં કૌસ્તુભમણિ શોભી રહ્યો છે. કંઠમાં મોતીઓની માળા વિલસી રહી છે. તેમાં પણ કંઠમાં ધારેલી વૈજયંતીમાળા અતિ મનોહર લાગે છે.૧૩
બન્ને હાથમાં સુવર્ણનાં કડાં, પોંચી અને બાજુબંધ બાંધ્યા છે. ચરણમાં ઝાંઝર પહેર્યાં છે, પંદર વર્ષની કિશોર-અવસ્થા વહાલ ઉપજાવે છે, સુંદર નેત્રો પ્રેમ વરસાવી રહ્યાં છે,૧૪
નટવરના જેવા સુંદર વેષે શ્રીહરિ શોભી રહ્યા છે. વિશાળ ભાલમાં સુંદર ચંદનની અર્ચા મનને આકર્ષે છે. અનેકવિધ પુષ્પોના હાર, તોરા અને ગુચ્છને ધારણ કર્યા છે.૧૫
બે હાથે હોઠ ઉપર મોરલીને ધારણ કરી મધુર સ્વરે વગાડી રહ્યા છે. અહો !!!! આશ્ચર્યકારી જેમનું દર્શન છે, એવા સાક્ષાત્ શ્રીકૃષ્ણના રૂપમાં પોતાના પુત્રનાં દર્શન કરી ભક્તિમાતા અતિશય આનંદમાં આવી પ્રણામ કરવા લાગ્યાં.૧૬
પ્રણામ કરી ઉપર ઉઠીને ફરી સામે જોયું તો પૂર્વની માફક જ પુત્રરૂપ વર્ણિવેષ સ્વરૂપે જ શ્રીહરિનાં ભક્તિમાતાને દર્શન થયાં છે. ત્યાર પછી ફરી પુત્રરૂપ પરમાત્મા શ્રીહરિને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યાં.૧૭
ભક્તિમાતાએ કરેલી શ્રીહરિની સ્તુતિ :- ભક્તિમાતા કહે છે, હે પ્રભુ ! તમે જીવાત્માઓના અંતરમાં પડેલા અનાદિ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં રાત્રીના અંધકારને દૂર કરનાર સૂર્યની સમાન અતિ તેજસ્વી છો, તમને એકાંતિક ધર્મ અતિશય વહાલો છે, તેથી તેનું રક્ષણ કરવા અને વહાલા ભક્તોનું રક્ષણ કરવા માટે તમે વરાહ આદિ અનેક અવતારોને ધારણ કર્યા છે. અને અત્યારે પણ કલિયુગ અને અધર્મના બળથી વૃદ્ધિ પામેલા અસુરોના સમૂહ થકી સાધુ, દેવતા, બ્રાહ્મણ, ગાય અને ધર્મનું રક્ષણ કરવા માટે અતિશય કરૂણા કરીને મારે ઘેર તમે પ્રગટ થયા છો, એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા વર્ણિવેષે વિચરતા આપને હું નમસ્કાર કરું છું. અક્ષર, કાળ, માયા આદિના નિયંતા અને ભક્તોનાં દુઃખ હરી 'હરિ' નામને સાર્થક કરનારા તમને હું નમસ્કાર કરું છું.૧૮
હે હરિ ! તમે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, શિવ અને મેઘ તેના મિત્ર છો, અર્થાત્ પૃથ્વીના જેવી ક્ષમા વાળા છો, જળ જેવા નિર્મળ છો, અગ્નિજેવા અજેય છો, વાયુની જેમ સર્વને સુખકાર છો, આકાશ જેવા નિર્લેપ છો, સૂર્ય જેવા પ્રતાપી છો, ચંદ્રની જેમ સર્વના પોષક છો, શિવજીના જેવા પરોપકારી છો અને મેઘની જેમ સર્વને પ્રાર્થના કરવા યોગ્ય છો, અને વળી તમે સાચા સંતોમાં અતિશય સ્નેહ રાખનારા છો. આગળ કહેલા આત્મનિષ્ઠાદિ પંચોતેર સાધુઓના ગુણોથી તમે સંપન્ન છો. અર્થાત્ અત્યારે એકાંતિક ભક્તની સ્થિતિમાં વર્તી રહ્યા છો એવા હે હરિ તમારે વિષે મારી બુદ્ધિ અચળ રહો.૧૯
વળી હે એકાંતિક ધર્મને ધારણ કરનારા ! હે ધીર ! હે પોતાના આશ્રિતજનોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપનારા ! હે બન્ને હસ્તવડે વરદાનની મુદ્રા અને અભયની મુદ્રાને ધારણ કરનારા તથા જીવાત્માઓના અંતરમાં પડેલા અનાદિ કાળના સંચિત પાપના સમૂહોને બાળી નાખવામાં દાવાનળની સમાન સમર્થ નામવાળા ! તથા ગાય, પૃથ્વી, દેવતા, બ્રાહ્મણ અને સાધુજનોનું રક્ષણ કરનારા હે હરિ ! તમારે વિષે મારી બુદ્ધિ અચળ રહો.૨૦
વળી હે પાખંડીઓના સમૂહનું પ્રબળ અને પ્રમાણિત વાક્યોથી ખંડન કરવામાં બુદ્ધિમાન ! હે શ્રીહરિ ! તમે અગણિત ભક્તજનોને ગોલોકધામની પ્રાપ્તિ કરાવનારા છો, તથા ભક્તજનોએ ઇચ્છિત અખિલ પુરુષાર્થની પ્રાપ્તિ કરાવામાં પણ સમર્થ છો, એવા હે હરિ ! તમારે વિષે મારી બુદ્ધિ અચળ રહો.૨૧
વળી હે હરિ ! તમે પૃથ્વી પર હિંસા વર્જિત યજ્ઞોનું પ્રવર્તન કરનારા છો, દેવસંબંધી અને પિતૃસંબંધી કર્મને કરનારા છો, તથા સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત ભક્તિનો બોધ આપનારા છો, સદાય શુદ્ધ સ્વરૂપ છો, અખંડ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરનારા છો, સનત્સુજાતમાં કહેલા ધર્માદિ બાર મહાવ્રતોનું પાલન કરનારા છો, અંતઃકરણને વશ કરી શાંત વર્તો છો અને ચક્ષુ આદિક ઇંદ્રિયોનું દમન કરનારા છો, એવા હે હરિ ! તમારે વિષે મારી બુદ્ધિ અચળ રહો.૨૨
વળી હે પ્રમાણિક વચનો માટે શ્રીમદ્ ભાગવતાદિ સત્શાસ્ત્રોનો આશ્રય કરનારા ! હે જિતેન્દ્રિય ! હે સદાય સત્યસ્વરૂપ ! હે માધવ ! હે હરિ ! તમે સાધુ અને બ્રાહ્મણનું પૂજન કરનારા છો અથવા સાધુ અને બ્રાહ્મણો તમારું પૂજન કરે છે એવા તમે છો, તમે ધર્મમાં અતિશય શ્રદ્ધાવાળા છો, તમે સદાય સ્વસ્વરૂપની સ્થિતિમાં અચળ રહેનારા છો, તથા પૃથ્વીપર અષ્ટાંગ યોગની કળાની પ્રવૃત્તિ કરશો એવા હે હરિ ! તમારે વિષે મારી અચળ બુદ્ધિ રહો.૨૩
વળી હે હરિ ! તમે દંભથી લોકોને છેતરવા માટે વૈદિક માર્ગને ગ્રહણ કરનારા અસુરગુરુઓ અને અસુર રાજાઓના વિનાશ માટે કોઇ અંગ્રેજ ગવર્નરના અંતઃકરણમાં પ્રેરણા કરવામાં કારણભૂત બનશો, તથા કરુણાથી વિશ્વના સકલ જીવાત્માઓનું માતા-પિતાની જેમ પાલન પોષણ કરનારા હે હરિ ! તમારે વિષે મારી બુદ્ધિ અચળ રહો.૨૪
વળી હે હરિ ! તમે અણિમાદિ ઐશ્વર્ય, સાર, વિનય, પ્રતિભા, નિર્દોષ વિદ્યા, તપ, નીતિમત્તા, ધર્મમાં દૃઢાવ, દાનશીલતા વિગેરે સદ્ગુણોથી સદાય સંપન્ન છો. અનેક પ્રકારનાં મહાપુરુષનાં શુભ ચિહ્નોથી યુક્ત હોઇ સૌમ્યમૂર્તિને ધારણ કરનારા હે હરિ, તમારે વિષે મારી બુદ્ધિ અચળ રહો.૨૫
હે હરિ ! તમે પૂર્ણિમાના ચંદ્રની સમાન સુંદર મુખકમળવાળા અને કમળના પત્રની સમાન વિશાળ નેત્રકમળ વાળા છો, તથા સુંદર વસ્ત્ર તથા સુંદર આભૂષણ દ્વારા સુંદર દર્શનીય વેષને ધારણ કરનારા છો, તેમજ મંદમંદ હાસ્યે યુક્ત મધુર દૃષ્ટિથી સમસ્ત જીવોના દૈન્યને (ગરીબીને) હરિ સુખી કરનારા છો, એવા હે હરિ ! તમારે વિષે મારી બુદ્ધિ અચળ રહો.૨૬
મા ભક્તિનો દેહત્યાગ અને દિવ્યગતિ :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે નિત્યક્રમમાંથી પરવારી પોતાની આગળ આવીને બેઠેલા પોતાના પુત્ર ભગવાન શ્રીહરિની મા ભક્તિએ ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં થનારાં ચરિત્રોને ભગવદ્કૃપાથી યાદ કરીને સ્તુતિ કરી વિરામ પામ્યાં. ત્યારપછી શ્રીહરિના સ્વરૂપમાં મન સ્થિર થયું અને અનાદિ અજ્ઞાનરૂપ મૂળ માયાની નિવૃત્તિ થઇ.૨૭
આ રીતે ભક્તિમાતા શ્રીહરિના સ્વરૂપમાં મનની વૃત્તિ સ્થિર રાખી સદાયને માટે વિરામ પામ્યાં. પોતાના શરીરનો ત્યાગ થયો તેની પણ તેને ખબર રહી નહિ. આ પ્રમાણે મનુષ્યો જોઇ ન શકે તે રીતના પૂર્વની માફક તત્કાળ દિવ્ય શરીરને પામ્યાં.૨૮
હે રાજન્ ! આ પ્રમાણે દુર્વાસા મુનિના શાપથી મુક્ત થઇ ભક્તિદેવી દિવ્યદેહે અતિ સ્નેહપૂર્વક પતિદેવ ધર્મદેવનું નિરંતર સેવન કરતાં પતિદેવની સમીપે સદાય નિવાસ કરતી શ્રદ્ધાદિ બાર પત્નીઓની સાથે નિવાસ કરવા લાગ્યાં.૨૯
આ પ્રમાણે સંવત ૧૮૪૮ ના કાર્તિક સુદિ દશમીના શનિવારે સૂર્યદેવે જ્યારે તુલા રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તિદેવી પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને સિદ્ધગતિને પામ્યાં.૩૦-૩૧
હે રાજન્ ! આ અવસરે ભક્તિદેવીની ચારે બાજુએ વિંટાઇને બેઠેલાં સર્વે સંબંધીજનોએ ચેતનાએ રહિત તથા પ્રાણના સંચારે રહિત નાડી જોઇ ત્યારે મા ભક્તિએ શરીરનો ત્યાગ કર્યો છે. એ પ્રમાણે સૌએ જાણ્યું તેથી રામપ્રતાપ વગેરે ત્રણે પુત્રો અને સંબંધીજનો ભક્તિમાતાના ગુણોને યાદ કરી અત્યંત રુદન કરવા લાગ્યાં. તે સમયે પિતા ધર્મદેવ ''જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. આજે, કાલે, વર્ષે કે સો વર્ષે પણ એક દિવસ સૌને નિશ્ચે જવાનું જ છે'' આ પ્રમાણેની લૌકિક ગતિનો બોધ આપી પુત્રાદિ સૌને આશ્વાસન આપ્યું.૩૨-૩૩
ત્યારપછી ધર્મને જાણનારા ધર્મદેવે શાસ્ત્રોક્ત વિધિને અનુસારે તથા ધન આદિકની શક્તિને અનુસારે મોટા પુત્ર રામપ્રતાપભાઇ પાસે ભક્તિદેવીની ઔર્ધ્વદેહિક ક્રિયા કરાવી.૩૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભક્તિમાતા દિવ્યગતિને પામ્યાં પછી બુદ્ધિમાન ભગવાન શ્રીહરિ મોટાભાઇનાં પત્ની સુવાસિનીદેવીને વિષે માતૃભાવ રાખી સદાય તેની અનુવૃત્તિમાં રહેવા લાગ્યા અને માના જેવું સન્માન આપી સેવા કરવા લાગ્યા.૩૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભક્તિમાતા દિવ્યગતિને પામ્યાનું નિરૂપણ કર્યું, એ નામે સાડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૭--