અધ્યાય - ૩૬ - નવ સાધન ભક્તિ અને દશમી પ્રેમલક્ષણા ભક્તિનું વિવેચન.
શ્રીહરિ કહે છે, હે મા ! 'ભક્તિ' પદમાં 'ભજ્' ધાતુનો સેવા કરવી એવો અર્થ થાય છે, અને તે ધાતુને લાગેલા 'ક્તિન્' પ્રત્યયનો 'સ્નેહ' અર્થ થાય છે. અર્થાત્ હે મા ! સ્નેહપૂર્વક ભગવાનની સેવા કરવી તેને જ્ઞાનીપુરુષોએ 'ભક્તિ' કહેલી છે. જેવી રીતે પતિવ્રતા નારી પોતાના પતિનું અનન્ય ભાવથી સેવન કરે છે. તેવી જ રીતે મુમુક્ષુએ અનન્ય ભાવથી ભગવાન શ્રીહરિની ભક્તિ કરવી. તે ભક્તિ નવ પ્રકારની છે.૧-૨
ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનની કથા કીર્તનનું ગાન કરવું, હૃદયમાં ભગવાનનું સ્મરણ કરવું, અનુવૃત્તિ સાચવવાપૂર્વક ભગવાનની ચરણ સેવા કરવી, વિધિપૂર્વક ભગવદ્ અર્ચન કરવું, ભગવાનને સાષ્ટાંગ વંદન કરવા, દાસની જેમ નિર્માની થઇ ભગવાનની સેવા કરવી, ભગવાનને વિષે અતિ સ્નેહ સાથે સખાભાવ રાખવો, અને પોતાનું ભગવાનને સંપૂર્ણ આત્મસમર્પણ કરી ભગવાનને જ એક આધિન વર્તવું, હે મા ! ભક્તિના આ નવ પ્રકાર છે. તેમાંથી એક પણ ભક્તિનો કોઇ દેહધારી આશ્રય કરે તો ભુક્તિએ સહિત મુક્તિને નિશ્ચય પ્રાપ્ત કરે છે.૩-૪
શ્રવણ ભક્તિ :- હે મા ! સ્વધર્મનિષ્ઠ ભગવદ્ ભક્તના મુખેથી નિરંતર ભગવાન શ્રીકૃષ્ણના જન્મકર્મની પવિત્ર કથાનું શ્રવણ કરવું, તેમના વારાહ આદિક અવતારોનાં પાવનકારી ઉદાર ચરિત્રોનું પણ મુમુક્ષુઓએ શ્રવણ કરવું, તેવી જ રીતે ભગવાનના એકાંતિક ઉપાસક એવા પ્રહ્લાદ, ધ્રુવ, પ્રિયવ્રત, અંબરિષ, ઉદ્ધવ આદિ ભક્તજનોનાં ચરિત્રોની કથાનું પણ આદરપૂર્વક શ્રવણ કરવું, આ પહેલી ''શ્રવણ ભક્તિ'' કહેલી છે.૫-૭
કીર્તન ભક્તિ :- હે મા ! રાધિકાના પતિ એવા શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્રોનું તથા તેમના એકાંતિક સંતોભક્તોનાં ચરિત્રનું હમેશાં સંકીર્તન કરવું, તેમજ આદરપૂર્વક તેમની કથાનું ગાન કરવું, અને પોતાનું હિત ઇચ્છતા મુમુક્ષુઓએ શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ઉદ્ધવાદિ ભક્તોના સંબંધવાળા સદ્ગ્રંથોનું અધ્યયન કરવું તથા બીજાને કરાવવું, તથા નિયમપૂર્વક નિત્ય તેની પારાયણ પણ કરવી. વળી વ્રજપતિ ભગવાનના સંબંધે યુક્ત સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષાએ યુક્ત છંદોબદ્ધ ગદ્ય તેમજ પદ્યનું અતિ હર્ષથી ગાયન કરવું, તે પણ વીણા આદિક વાદ્યો વગાડવામાં કુશળ હોય તેમણે વાજિંત્રે સહિત અથવા તાલીના ધ્વનિની સાથે કીર્તન કરવું. હે મા ! શ્લોકાદિનું ઉચ્ચારણ કે મનોહર સુંદર વાક્યોનું ઉચ્ચારણ કરવા પૂર્વક અતિ પ્રેમથી પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ પ્રાર્થના અને સંકીર્તન પણ કરવું. આ બીજી ''કીર્તન ભક્તિ'' કહેલી છે.૮-૧૨
સ્મરણ ભક્તિ :- હે મા ! પ્રથમ સાંગોપાંગ ભગવાનની મૂર્તિનું પોતાના હૃદયક્મળમાં ચિંતવન કરવું, ત્યારપછી ચરણકમળથી લઇ વદનકમળ પર્યંતના એકએક અંગોનું ચિંતવન કરવું, ત્યારપછી તે વૃંદાવનચંદ્ર પરમાત્માના નામોનું હૃદયમાં સ્મરણ કરવું, તથા તેમના ગુણો અને ચરિત્રોનું પણ હૃદયમાં સ્મરણ કરવું. તેવીજ રીતે તેમના નામ મંત્રોનો હૃદયથી જપ કરવો. તે જગતપતિ ભગવાનના ગોલોક અને વૈકુંઠ આદિ ધામો તથા તે ધામોમાં રહેલા પાર્ષદો તથા ઐશ્વર્ય આદિનું સ્મરણ કરવું. તે ત્રીજી ''સ્મરણ ભક્તિ'' કહેલી છે.૧૩-૧૫
પાદસેવન ભક્તિ :- હે મા ! સંતોના સ્વામી એવા પરમાત્માના પ્રત્યક્ષ શ્રીચરણોની ચંપી કરવી. જો ભગવાન પ્રત્યક્ષ ન હોય તો માનસી પૂજામાં ભગવાનના શ્રીચરણોની ચંપી કરવી, અથવા પ્રતિમામાં બિરાજતા ભગવાનના શ્રીચરણોનો સ્પર્શ કરવો. હે મા ! આ પાદસેવન ભક્તિનો મહિમા બહુ મોટો છે. કારણ કે ભગવાનના ચરણની સેવાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાનું સામર્થ્ય પામ્યા છે. અરે !!! આ ચરણના સ્પર્શ માત્રથી પવિત્રતા પામેલા અને તેથી જ સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોકમાં વહેતાં ગંગાજી આ બ્રહ્માંડમાં રહેલા સર્વેને પાવન કરે છે. વળી જેને ભગવાનના ચરણકમળનો આશ્રય છે એવા જનોને કાળ અને માયાનો ભય પણ રહેતો નથી. તેમજ રાધા અને રમા આદિ શક્તિઓ પણ આ ભગવાનના ચરણની સેવા સદાય કરે છે. તો પછી આવા મહિમાવાળાં શ્રીચરણોનું કોણ સેવન ન કરે ? સૌ કોઇ કરે.૧૬-૧૭
હે મા ! આ ધરતી ઉપરની વ્રજસુંદરીઓ ભગવાનના ચરણકમળનું સેવન કરવાથી લક્ષ્મી આદિક દેવીઓ અને બ્રહ્મા આદિક દેવતાઓ કરતાં પણ અધિક કીર્તિને પામી છે. તેમજ વ્યાસાદિ શ્રેષ્ઠ કવિઓને પણ ગાન કરવા યોગ્ય ઉદાર કીર્તિને પણ તે ગોપીઓ પામી છે. તે કારણથી આ સંસારના બંધનોમાંથી મુક્ત થવાને ઇચ્છતા મુમુક્ષુઓએ આ પૃથ્વીપર દિવ્યલીલાનો વિસ્તાર કરવા નરનાટકને કરતા વૃંદાવનવિહારીનાં ચરણકમળનું અવશ્યપણે પ્રેમથી સેવન કરવું. કારણ કે, ભગવાનના ભક્તોને ભગવાનના ચરણકમળના સેવન વિના બીજી કોઇ ગતિ નથી, સેવા એજ મુક્તિ છે, આ ચોથી ''પાદસેવન ભક્તિ'' કહી છે.૧૮
અર્ચન ભક્તિ ¬:- હે મા ! નારદાદિ ભગવાનના ભક્તોએ યથાશક્તિ અને યથાવિધિ પ્રમાણે જે ભગવદ્ અર્ચન કરવાનું કહ્યું છે તે આંતર માનસીપૂજા અને બાહ્ય પ્રત્યક્ષપૂજા એમ બે પ્રકારે કરવાનું કહ્યું છે.૧૯
હે મા ! ભગવાનનાં શાસ્ત્રો દ્વારા કે સંતો દ્વારા જેવા ભગવાનને સાંભળ્યા હોય તેવા પ્રત્યક્ષ પ્રતિમારૂપ ભગવાનનું પોતાના હૃદયમાં ધ્યાન કરી માનસિક સંકલ્પોથી કલ્પેલાં ચંદન પુષ્પાદિ મહા ઉપચારોથી પૂજન કરવું. તેને જ્ઞાની પુરુષોએ આભ્યંતર માનસિક અર્ચન કહ્યું છે.૨૦
હે મા ! દેશ, કાળને અનુસારે પ્રાપ્ત થયેલા ચંદનાદિ ઉપચારોથી પોતાના અધિકારને અનુસારે વેદમંત્રદ્વારા કે પૌરાણિક મંત્રોદ્વારા ભગવાન શ્રીવાસુદેવનું પોતાની આગળ સિંહાસનમાં પ્રત્યક્ષ પૂજન કરવું. તેને બાહ્ય-પ્રત્યક્ષ અર્ચન કહેલું છે.૨૧
હે મા ! તેમાં પ્રથમ માનસીપૂજન કરવું, અને ત્યારપછી જ પ્રત્યક્ષ પૂજન કરવું. તે પ્રત્યક્ષ પૂજન પણ ભગવાનની ચલ પ્રતિમામાં ભગવાન શ્રીકૃષ્ણનું મંત્રોથી આહ્વાન કર્યા પછી કરવું, પરંતુ અચલ પ્રતિમામાં આહ્વાન કરવાનું હોતું નથી. આહ્વાન કર્યા પછી મદ્ય, માંસ, કેશ, કીડા આદિના સંસર્ગે રહિત હોય, કોઇએ પૂર્વે સૂંઘીને અપવિત્ર ન કરેલાં હોય, પૃથ્વીપર પડી જવારૂપ દોષોથી રહિત હોય, તેમજ અન્ય દેવતાઓને અર્પણ કરેલાં ન હોય એવાં પવિત્ર ચંદન, પુષ્પાદિ દ્રવ્યોથી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવું.૨૨-૨૩
હે મા ! આ રીતે બાહ્ય પૂજન કરનારા ભક્તે પ્રથમ પ્રતિમારૂપ પરમાત્માને પવિત્ર જળથી સમંત્રક સ્નાન કરાવવું. ત્યારપછી યથાયોગ્ય વસ્ત્રો પરિધાન કરાવવાં, અને વિવિધ અલંકારો યથાસ્થાને ધરાવવા, વળી પૂજા કરનાર ભક્તે કાશ્મીરી કુંકુમ અને કેસરે યુક્ત ચંદનનું લેપન ઋતુને અનુસારે પ્રેમે સહિત કરવું, લલાટમાં તિલક ધારણ કરાવવું, સુગંધીમાન પુષ્પોની માળાઓ, ગુચ્છ અને તોરાઓ ધરાવવા, પછી સુગંધીમાન ધૂપ અને દીપ અર્પણ કરવા. ત્યારપછી ઋતુને અનુસારે શક્તિ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરી દુન્દુભિ આદિકના મહાનાદની સાથે બહુ વાટો પ્રગટાવીને ભગવાનની મહાઆરતી કરવી. ત્યારપછી પ્રદક્ષિણા, સ્તુતિ, પ્રાર્થના અને નમસ્કાર કરવા. આ રીતે પ્રતિદિન અર્ચન કરવું તેને ભગવાનનું બાહ્ય અર્ચન કહેવામાં આવે છે.૨૪-૨૮
પૂજામાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભેદ :- હે મા ! પ્રાતઃકાળે સૂર્યોદયથી લઇ છ ઘડી સુધીનાં સમયે સંગવ સમયે, સૂર્યોદય પછીની સાતમી ઘડીથી ૧૨ ઘડી સુધીના સમયે મધ્યાહ્ન સમયે, અપરાહ્ન સમયે - બપોર પછીના ચાર વાગ્યાના સમયે, અને સાયં સમયે આ પાંચ વખત ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવું તે ઉત્તમ પૂજન કહેલું છે, પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયં સમયે આ ત્રણ વખત પૂજન કરવું તેને મધ્યમ પૂજન કહેલું છે. અને માત્ર એકવાર પ્રાતઃ સમયે જ પૂજન કરવું તેને કનિષ્ઠ પૂજન કહેલું છે. આ કનિષ્ઠ પૂજા તો માત્ર અશક્ત ભક્તો માટે જ કહેલી છે.૨૯-૩૦
હે મા ! જન્માષ્ટમી તથા રામનવમી આદિક ભગવાનના પ્રાગટયના દિવસે તેમજ સર્વે એકાદશીઓના વ્રતના દિવસે ગીત વાજિંત્રના નાદની સાથે ભગવાનની મહાપૂજા કરવી, શક્તિ પ્રમાણે ઉપવાસ કરવો, અને જાગરણ પણ કરવું. બીજા દિવસે પારણા કરવાં. તે પારણાના દિવસોમાં કે અન્નકૂટ આદિ ઉત્સવોના દિવસોમાં ભગવાનના દૃઢ ભક્તો એવા સાધુ તથા બ્રાહ્મણને જમાડવા.૩૧-૩૨
હે મા ! ધનાઢય જે ભક્ત હોય તેણે ભગવાનનાં નવ્યભવ્ય મજબૂત શિખરબંધ કે હરિમંદિરોનાં નિર્માણ કરાવવાં તથા મોટા ઉત્સવોની સાથે તેમાં શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના અર્ચા સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા કરાવવી. તેમાં નિત્યે પૂજાનો પ્રવાહ ચાલુ રહે તે માટે ગામ, આવાસ, ક્ષેત્ર, ધન, રૂપિયા આદિકનાં દાન આપી નિર્બાધ આજીવિકાનો પ્રવાહ બાંધી આપવો. તેમજ તે ધનવાન ગૃહસ્થ ભક્તોએ ભગવાનની પૂજા સેવામાં ઉપયોગી એવાં કૂવા, વાવ, તળાવ અને પુષ્પવાટિકા આદિકનાં નિર્માણ કરાવી આપવાં, તથા અહિંસામય વિષ્ણુયાગ આદિ મોટા મોટા યજ્ઞો કરવા.૩૩-૩૫
હે મા ! ભગવાન શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રનું જ તથા તેનાં જેમાં ચરિત્રો છે એવા શ્રીમદ્ ભાગવતાદિ ગ્રંથોનું પુરશ્ચરણ વૈષ્ણવી દીક્ષાને પામેલા સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણો પાસે વિધિને અનુસારે કરાવવું. ભગવાનની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદિભૂત ચંદનાદિ ઉપચારોથી સર્વે દેવતાઓ, પિતૃઓ, સાધુઓ અને બ્રાહ્મણોને પૂજવા તથા ભગવાનના પ્રસાદિભૂત નૈવેદ્યથી સર્વેને સારી રીતે તૃપ્ત કરવા. આવી રીતની પાંચમી ''અર્ચન ભક્તિ'' કહેલી છે.૩૬-૩૭
વંદન ભક્તિ :- હે પતિવ્રતાના ધર્મપરાયણ મા ! ભગવાનના ભક્ત પુરુષોએ ભગવાનને સાષ્ટાંગ વંદન કરવા, જ્યારે ભગવાનની ભક્ત સ્ત્રીઓએ પંચાઙ્ગ જ વંદન કરવા, બહેનોએ સાષ્ટાંગ વંદન ન કરવા, પુરુષ પંચાઙ્ગ વંદન પણ કરી શકે છે, તેવી જ રીતે અક્રૂરજીની પેઠે ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળના સ્પર્શવાળી રજમાં આળોટવું તથા તે રજને પોતાના મસ્તક ઉપર પણ ચડાવવી. આ છઠ્ઠી ''વંદન ભક્તિ'' કહેલી છે.૩૮-૩૯
દાસ્ય ભક્તિ :- હે મા ! ભગવાનના ભક્તોએ અંતરથી અભિમાનનો દૂરથી જ ત્યાગ કરી ભગવાનના દાસ થઇને સદાય વર્તવું. અને સમયે સમયે દાસની જેમ નિર્માની થઇ અખંડ ભગવાનની સેવાપરાયણ રહેવું. તેમાં ભગવાનને અર્થે જાતે જળ લાવવું, પુષ્પો લાવવાં, તુલસી લાવવાં, ચંદન ઘસવું, તેમજ પવિત્ર થઇ રસોઇ બનાવવી. વીરણના વીંજણાથી કે ચામરથી ઋતુને અનુસાર ભગવાનને પવન ઢોળવો, મંદિરને વાળવું, લીંપવું તથા અન્ન, જળ, ફળ વિગેરે પદાર્થોથી મંદિરે આવતા ભગવાનના ભક્તોની પણ પ્રેમપૂર્વક યથાયોગ્ય સેવા કરવી. તેમજ નિર્માની થઇને તે સર્વેને નમસ્કાર કરવા. આ સાતમી ''દાસ્ય ભક્તિ'' કહેલી છે.૪૦-૪૩
સખા ભક્તિ :- હે સૌને માન આપનારાં મા ! ભગવાનના ભક્તોએ દ્રૌપદીજી તથા અર્જુનની પેઠે ભગવાનની સાથે સખાભાવ રાખવો, તેમજ પોતાનો દેહ, પત્ની, પુત્ર, ધન, ખેતર, પાદર આદિ કરતાં પણ ભગવાનમાં અધિક સ્નેહ રાખવો, તથા હે મા ! મનુષ્ય નાટયને કરતા ભગવાનનાં ચરિત્રોમાં ક્યારેય દોષ બુદ્ધિ ન કરવી ને ઉલટાના દૃઢ વિશ્વાસ સાથે પ્રેમ વધવો, તે આઠમી ''સખાભક્તિ'' કહેલી છે.૪૪-૪૫
આત્મનિવેદન ભક્તિ :- હે જનની ! મા ! હવે હું તમને આત્મનિવેદન નામની નવમી ભક્તિનું લક્ષણ કહું છું, તે તમે સાંભળો. પોતાના દેહ ઇંદ્રિયો મન અને સ્વભાવની સાથે ભગવાનને સંપૂર્ણ આત્મસમર્પણ કરી ભગવાનને જ આધીન વર્તવું,પણ દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ, સ્વભાવ, પિતા, પુત્ર અને સ્વજનોને આધીન ક્યારેય ન થાવું. નિત્યે ભગવાનને આધીન વર્તવું, ને સર્વે ક્રિયા ભગવાનને અર્થે કરે, તેમાં પોતાનો સ્વભાવ વિઘ્ન કરે કે સંબંધીઓ વિઘ્ન કરે તો તેનો ત્યાગ કરે પણ ભગવાનની આધીનતાનો ત્યાગ ન કરે.૪૬-૪૮
ભગવાનને અખંડ કેવી રીતે આધીન વર્તી શકે ?તો હે મા ! આત્મનિવેદી ભક્ત નેત્રોથી ભગવાનનાં દર્શન કરે, કાનથી ભગવાનના ભક્તોના મુખેથી ભગવાનનાં કથા કીર્તનાદિ ગુણોને સાંભળે, ત્વચાથી ભગવાનના ચરણકમળનો જ સ્પર્શ કરે.૪૯
જીભેથી ભગવાનના ગુણ કીર્તન અને નામનું ઉચ્ચારણ કરે તથા ભગવાનની પ્રસાદી અન્નનું જ ભક્ષણ કરે, નાસિકાથી માત્ર ભગવાનને જ અર્પણ કરેલાં ચંદન પુષ્પાદિકની સુગંધ લે.૫૦
હાથથી મંદિર વાળવું, લીંપવું, થાળ તૈયાર કરવા, ફુલ બગીચા તૈયાર કરવા, વિગેરે ભગવદ્સેવા કર્યા કરે, મસ્તકથી ભગવાન કે ભગવાનના સંતો ભક્તોને નમસ્કાર કરે, પગથી પ્રદક્ષિણા કરે કે ચાલીને મંદિરે ભગવાનની સમીપે જાય.૫૧
મનથી ભગવાનના જ સંકલ્પો કર્યા કરે, બુદ્ધિથી ભગવાનના જ એક નિશ્ચય સંબંધી નિર્ણય કરે, ચિત્તથી અત્યંત ભગવાનનું જ ચિંતવન કરે.૫૨
અહંકારથી હું ભગવાનનો જ દાસ છું, આવું અભિમાન ધરે, પોતે જે કાંઇ ધંધો કરે, ખેતી, વ્યાપાર વિગેરે કરે તે ભગવાનને અર્થે જ કરે.૫૩
પોતાને જે કાંઇ પ્રિય પદાર્થ પ્રાપ્ત થાય કે તરત જ ભગવાનને અર્પણ કરે, ભગવાનનાં પ્રસાદીભૂત થયેલાં હોય એવાં જ ચંદન, પુષ્પ અને વસ્ત્રાદિકનું ધારણ કરે.૫૪
હે નિષ્પાપ મા ! આવા આત્મનિવેદી ભક્તો ભગવાનને અર્પણ કર્યા વિનાનું એક પાંદડું પણ જમે નહિ, અને જળ પણ પીવે નહિ.૫૫
આત્મનિવેદી ભક્તો તપ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞા કરે કે ભક્તજનોની સેવા કરે તે સર્વે એક ભગવાનને જ રાજી કરવા કર્યા કરે.પ૬
હે મા ! આ પ્રમાણે શ્રવણાદિ નવ પ્રકારની ભક્તિદ્વારા જે ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરે છે, તેને જ ''આત્મનિવેદી ભક્તો'' કહેવાય છે. અને તે ભક્તો પણ બે પ્રકારના કહેલા છે.૫૭
સકામ ભક્તો :- હે મા ! તે બે પ્રકારના ભક્તોની મધ્યે પહેલા સકામી ભક્તો છે. તે ધર્મ, પુષ્કળ ધન, અનેક પ્રકારના ભોગોની ઇચ્છાપૂર્તિ અને સાલોક્યાદિ ઇચ્છિત મુક્તિ, તે ભક્તિથી વશ થયેલા એક ભગવાન પાસેથીજ પ્રાપ્ત કરે છે. બીજા પાસેથી કદાપિ ઇચ્છતા નથી. તે સકામ ભક્તો આ દેહને અંતે ભગવાન થકી જ તેમના ગોલોકાદિ ધામોમાં પોતાને ઇચ્છિત અવિનાશી સુખોને પ્રાપ્ત કરે છે.૫૮-૫૯
નિષ્કામ ભક્તો :- હે મા ! બીજા નિષ્કામી ભક્તો છે તે ભક્તો ભગવાનની સેવા વિના બીજી ચાર પ્રકારની મુક્તિને પણ ઇચ્છતા નથી અને અણિમાદિ અષ્ટ સિદ્ધિઓને પણ ઇચ્છતા નથી. ભગવાન સ્વયં તે નિષ્કામી ભક્તોને ચતુર્ધા મુક્તિ કે અણિમાદિ ઐશ્વર્યો પરાણે અર્પણ કરે છતાં તેને ભગવાનની સેવામાં અંતરાયરૂપ જાણી મનથી પણ તેનો સ્વીકાર કરતા નથી, આ નવમી આત્મનિવેદન ભક્તિ કહેલી છે.૬૦-૬૧
દશમી પ્રેમલક્ષણા ભક્તિ :- હે મા ! જે મનુષ્યો આ પ્રમાણે નિષ્કામભાવથી ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરે છે તેને સર્વે ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત જાણવો. તેને પૂર્ણ કૃતકૃત્ય સમજવો અને એ ભગવાનનું હૃદય છે એમ જાણવું.૬૨
આ પ્રમાણે પ્રતિદિન ભગવાન શ્રીકૃષ્ણની નિષ્કામભાવથી જે ભક્ત સેવા કરે છે તે ભગવાનને વિષે ગાઢ પ્રેમવૃદ્ધિ પામતો જાય છે. પછી તે પ્રેમ કોઇ પણ પ્રકારના વિઘ્નોથી નાશ પામતો નથી.૬૩
જેવી રીતે ગંગાજીનો પ્રવાહ પોતાને અવરોધ કરનારા હિમાલયઆદિના શિખરોને નહિ ગણીને તેને તોડી ફોડી તત્કાળ સમુદ્ર પ્રત્યે ગતિ કરે છે. તેવી રીતે આ નિષ્કામ ભક્તોનો પ્રેમ અસદ્ દેશકાળાદિની ક્રિયાઓ રૂપી મોટા મોટા વિઘ્નોનું ઉલ્લંઘન કરી એક શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે જ ગતિ કરે છે અને ભગવાનને જ પામીને રહે છે.૬૪-૬૫
હે મા ! પ્રાકૃત વિષયોમાં આસક્ત પુરુષને જેમ પંચ વિષયમાં પોતાની ઇંદ્રિયોનો વ્યાપાર સહજ રહેલો છે, તેમ નિષ્કામી ભક્તોને પોતાની બાહ્ય અને આંતર ઇંદ્રિયોની વૃત્તિનો જે વ્યાપાર તે સહજ રીતે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપને વિષે જ રહેલો હોય છે. સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણને વિષે પરમ સ્નેહને પામેલો એ નિષ્કામી ભક્ત ભગવાન વિના અન્યત્ર વસ્તુમાં ક્યાંય પ્રીતિ કરતો નથી, સદાય એક ભગવાનમાં જ પ્રેમ મગ્ન રહે છે. તેને દશમી પ્રેમલક્ષણા ભક્તિ કહેલી છે.૬૬-૬૭
એકાંતિક ભક્તની રીત જગતથી ન્યારી :- હે મા ! આ લોકમાં બે પ્રકારની વસ્તુઓ છે, એક રમણીય અને બીજી અરમણીય, ભગવાનના આ એકાંતિક ભક્તને રમણીય વસ્તુ દુઃખરૂપ લાગે છે.૬૮
ભગવાન શ્રીકૃષ્ણના અનુરાગી આવા ભક્તોને ઉલટાનું અરમણીય પદાર્થોમાંથી દેહનિર્વાહ-અર્થે કાંઇક સુખ પ્રાપ્ત થયું, એવું અનુભવાય છે, પરંતુ રમણીય પદાર્થોમાંથી તો નકરું અતિશય દુઃખ જ અનુભવાય છે. તેનું કારણ તેમાં તેને પહેલેથી જ દોષ દૃષ્ટિ હોય છે.૬૯
હે મા ! આવા ભક્તોને મલ્યાગર ચંદનનો લેપ વિષ અથવા કાદવ સમાન લાગે છે, સુગંધી પુષ્પની માળા કાળા સર્પની સમાન લાગે છે, અને આભૂષણો પહેરવાં મહાદુઃખરૂપ લાગે છે.૭૦
સુંદર ફુલોની શય્યા ઝળહળતા અગ્નિની જ્વાળા સમાન લાગે છે. શરદઋતુનો ઠંડો ચંદ્ર ગ્રીષ્મ ઋતુના સૂર્ય સમાન લાગે છે.૭૧
સુંદર નૂતન મહેલ નિર્જન જંગલ જેવાં લાગે છે. સુગંધીમાન શીતળ વાયુ અત્યંત ભયંકર દાવાનળ સમાન લાગે છે.૭૨
વળી આવા ભક્તને સુવાળાં સૂક્ષ્મ વસ્ત્રો શરીર ઉપર ભારરૂપ લાગે છે. પોતાના પુત્રાદિ સ્વજનો વરુ સમાન લાગે છે, શરીરનું રૂપ સૌન્દર્ય કોઢ નીકળ્યા પછીના જેવું ચિત્ર-વિચિત્ર લાગે છે, સ્વાદુ ભોજન ઝેર સમાન લાગે છે.૭૩
મનોહર કર્ણપ્રિય લૌકિક ગાયન છાતીમાં તીક્ષ્ણ બાણ માર્યા સરખાં લાગે છે, દેવાંગનાઓ જેવી સુંદર રૂપસુંદરીઓ ભૂખી રાક્ષસી જેવી લાગે છે.૭૪
હે મા ! આવા પ્રકારના વર્તનના ચિહ્નોથી વીતરાગી નિષ્કામી ભક્તોનો ભગવાન પ્રત્યેનો ગાઢ પ્રેમ કેવો છે, તેનું અનુમાન કરી શકાય છે. આવા પ્રેમી ભક્તોના અંતરમાં અને બહાર સદાય એક ભગવાનનો જ ભાસ થતો હોય છે.૭૫
સ્નેહાતિશયને લીધે અચાનક ભાસમાન થયેલા ભગવાનનાં દર્શન કરીને એ ભક્ત હસે છે. ક્યારેક ભગવાનને ત્યાંથી ચાલ્યા ગયેલા જોઇ વિરહથી રુદન કરે છે.૭૬
વળી ક્યારેક ભગવાનનો અચાનક ભાસ થવાથી તે ભક્ત આનંદમાં આવી નૃત્ય કરે છે અને ક્યારેક તેની સાથે સંભાષણ કરે છે. અને ક્યારેક સાષ્ટાંગ પ્રણામ કરવા લાગે છે, ક્યારેક ભગવાનનાં દર્શન કરી મહાઆનંદમાં ગરકાવ થઇ મૌન બેસી રહે છે.૭૭
વળી એ ભક્ત ક્યારેક હે હરિ ! તમે મારા અપરાધોની ક્ષમા આપો, આવી પ્રાર્થના કરે છે. ક્યારેક ભગવાનમાં ગાઢ પ્રેમને લીધે વિવશ થઇ લોકલજ્જાનો ત્યાગ કરી ઉચ્ચ સ્વરે ભગવાનના ગુણોનું સંકીર્તન કરવા લાગે છે.૭૮
વળી તે ભક્ત ક્યારેક હે હરિ ! હે નારાયણ ! હે સ્વામી ! હે કૃષ્ણ ! હે ગોવિંદ ! હે માધવ ! આ પ્રમાણે સંતોના સ્વામી એવા ભગવાનનાં નામોનું ઉચ્ચ સ્વરે કીર્તન કરે છે.૭૯
હે મા ! આવાં બહુ પ્રકારનાં લક્ષણોને કારણે જગતથી ન્યારી રીતને ધારણ કરતો ભગવાનનો પ્રેમીભક્ત પોતાના ચરણકમળની રજથી અખિલ ભુવનને પાવન કરે છે.૮૦
હે મા ! આવા પ્રેમીભક્તને કોઇ પ્રયાસ વિના સહેજે સહેજે ભગવાન શ્રીહરિની સાક્ષાત્ મૂર્તિમાં પ્રાણ અને મનની વૃત્તિનો નિરોધ થાય છે.૮૧
હે મા ! આવા પ્રેમીભક્તોમાં પુરુષ હોય કે સ્ત્રી, પ્રારબ્ધને અંતે આ શરીરને છોડીને માયામય ત્રણ ગુણોથી પર થઇ નિર્ગુણ સ્થિતિને પ્રાપ્ત કરે છે.૮૨
ત્યારપછી ભગવાનની ઇચ્છાથી દિવ્ય બ્રહ્મમય દેહને પામી દિવ્ય વિમાનમાં બેસી પોતાને પ્રિય એવા ભગવાનના ધામમાં સિધાવે છે.૮૩
હે મા ! ગોલોક, વૈકુંઠ કે અક્ષરધામમાં સિધાવતા આવા પ્રેમી ભક્તને તે તે ધામના મુક્તો પુષ્પોથી વધાવી વંદન કરે છે અને ભક્ત ત્યાં ભગવાનની સેવામાં અખંડ જોડાઇ જાય છે. તથા તે તે ધામમાં ભગવાનને અર્પણ કરેલા અનંત અવિનાશી દિવ્ય સુખોને તે નિશ્ચય પ્રાપ્ત કરે છે.૮૪-૮૫
હે મા ! આ પ્રમાણે મેં તમને સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રનું રહસ્ય સ્પષ્ટપણે સમજાવ્યું. મનુષ્ય દેહધારી જીવોના આત્યંતિક કલ્યાણ માટે આટલી વાત પર્યાપ્ત છે, એમ હું માનું છું.૮૬
હે મા ! ચારવેદ, પંચરાત્ર શાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રોનું રહસ્ય તમને જેવી રીતે બોધ થાય તેવી રીતે સરળતાથી સમજાવ્યું છે.૮૭
તેથી હવે તમે પણ તમારા આત્મકલ્યાણને માટે આ પરમ રહસ્યને તમારા અંતરમાં ધારણ કરો અને સદાય ચિંતવન કરો. આના ચિંતવન માત્રથી તમે સમગ્ર સાંસારિક કષ્ટોથી મૂકાઇને પરમ સુખને પામશો.૮૮
હે મા ! આ પરમ રહસ્યને જે કોઇ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળશે, પાઠ કરશે, કે સંભળાવશે અને પાઠ કરાવશે તે સર્વેને ભગવાન શ્રીકૃષ્ણને વિષે એકાંતિકી ભક્તિ પ્રાપ્ત થશે. અને તે ઇચ્છિત સુખને પ્રાપ્ત કરશે.૮૯
હરિગીતાના શ્રવણપછી મા ભક્તિનો નિર્ણય :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પોતાના પુત્રરૂપ ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે ગાન કરેલ અધ્યાત્મના રહસ્યને સાંભળીને મા ભક્તિદેવીનું હૃદય અત્યંત પ્રસન્ન થયું. અને તેથી સંપૂર્ણ નિઃસંશય થયેલાં ભક્તિદેવી પોતાના પુત્ર ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યાં.૯૦
હે હરિ ! મનુષ્યમાત્રને આત્યંતિક મોક્ષને આપનારી જે ભગવાન શ્રીકૃષ્ણની ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત નવ પ્રકારની ભક્તિ કરવાની તમે જે વાત કરી તે શ્રીકૃષ્ણ ભગવાન તો સ્વયં તમે જ છો. અત્યારે હરિ નામથી આલોકમાં પ્રસિદ્ધ છો, એમ હું નિશ્ચય જાણું છું. કારણ કે તમારાં વચનોથી મારા સમગ્ર સંશયો નાશ પામ્યા છે.૯૧-૯૨
હે ભગવન્ ! અત્યારે સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ એવા તમારા સ્વરૂપમાં મારું મન જોડી દેવાથી કાળમાયાથી ઉત્પન્ન થયેલા સમગ્ર ભયના દુઃખથી હું મુક્ત થઇ છું અને અત્યારે જ તમારા અક્ષરબ્રહ્મધામને વિષે જાઉં છું.૯૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કહી મા પ્રેમવતી સર્વના અંતર્યામી અને સર્વસમર્થ, સર્વના નિયંતા પોતાના પુત્રરૂપ સાક્ષાત્ શ્રીહરિનારાયણનું અંતરમાં વિશુદ્ધ મનથી ધ્યાન કરવા લાગ્યાં અને ધ્યાન કરતાંની સાથે જ શરીરની વિસ્મૃતિ થઇ ગઇ.૯૪
સાક્ષાત્ શ્રી પુરુષોત્તમનારાયણ ભગવાન શ્રીહરિના મુખકમળમાંથી નીકળેલી પાંચ અધ્યાયવાળી આ અધ્યાત્મ શાસ્ત્રરૂપ હરિગીતા સમસ્ત વેદના સારભૂત છે. તેથી અનેક પ્રકારની અભિલાષા ધરાવતા કોઇ પણ સ્ત્રી કે પુરુષ ભગવાન શ્રીહરિકૃષ્ણનું નિત્ય પૂજન કરી અતિ પ્રેમપૂર્વક પ્રતિદિન આ સમગ્ર 'હરિગીતા' નો પાઠ કરશે કે માત્ર એક અધ્યાયનો પાઠ કરશે અથવા સમગ્ર હરિગીતાનું શ્રવણ કરશે કે એક અધ્યાયનું નિત્ય શ્રવણ કરશે તે સર્વે મનુષ્યો મનોવાંછિત સુખને તત્કાળ પ્રાપ્ત કરશે, અને જે મનુષ્ય ભગવાન સિવાયની કોઇ પણ આશા રાખ્યા વિના કેવળ નિષ્કામ ભાવથી આ હરિગીતાનો પાઠ કરશે કે સાંભળશે તેને વિષે ભગવાન શ્રીહરિકૃષ્ણની પોતે ઇચ્છિત એકાંતિકી ભક્તિ પ્રગટ થશે.૯૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હરિગીતાના પાંચમા અધ્યાયમાં ભક્તિનાં સ્વરૂપનાં લક્ષણોનું નિરૂપણ કર્યું એ નામે છત્રીસમો અધ્યાય. -૩૬-