અધ્યાય - ૪ - ભક્ત મેઘજી સુખડિયાનું અભિમાન ઉતારી શ્રીહરિએ પોતાનો ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો.
ભક્ત મેઘજી સુખડિયાનું અભિમાન ઉતારી શ્રીહરિએ પોતાનો ભગવાનપણાનો નિશ્ચય કરાવ્યો.
સુવ્રતમુનિ કહે છે, હેરાજન્ ! તે માંગરોળપુરમાં મેઘજી નામે એક વણિક રહેતો હતો. તે શ્રીરામાનંદ સ્વામીનો શિષ્ય હોવાથી શ્રીહરિનો જૂનો ગુરુભાઇ હતો. અને રામાનંદ સ્વામીની કૃપાથી મળેલી સિદ્ધાઇનું તેને ખૂબજ અભિમાન હતું.૧
તે સમાધિમાં સ્વતંત્રતા પામ્યો હતો. પોતાની ઇચ્છાથી શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં જઇ શકતો અને પુનઃ શરીરમાં પ્રવેશ પણ કરી શકતો હતો.૨
હે રાજન્ ! રામાનંદસ્વામી આલોકમાંથી અંતર્ધાન થયા પછી તે મેઘજી વણિક પોતાની જાતને રામાનંદ સ્વામીના સર્વે શિષ્યોમાં શ્રેષ્ઠ માનવા લાગ્યો, અને મુકુન્દાનંદ બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સંતો અને ભક્તોની તેમજ સાક્ષાત્ પરમેશ્વર શ્રીહરિની પણ અવજ્ઞા કરવા લાગ્યો.૩
એક વખત ભગવાન શ્રીહરિ સભામાં બેઠા હતા ત્યારે મુકુન્દાનંદ બ્રહ્મચારી અને મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંતોનો તે તિરસ્કાર કરવા લાગ્યો, અને સંતોની સાથે પોતાને સર્વ કરતાં શ્રેષ્ઠ દેખાડવા વિવાદ કરવા લાગ્યો.૪
ત્યારે ભગવાન શ્રીહરિએ તે મેઘજી વણિકને કહ્યું કે, હે વણિક ! દેવતાઓને પણ પૂજવા અને માનવા યોગ્ય આ સંતોનો શા માટે તમે તિરસ્કાર કરો છો ? તમારા અલ્પ સામર્થ્યના મદને હું જાણું છું. એક ક્ષણવારમાં જ તમને મદથી રહિત કરી દઇશ.૫
જો તમને સુખની ઇચ્છા હોય તો મારી આજ્ઞા માનો. અને જો નહિ માનો તો તમને જે સમાધિમાં સ્વતંત્રતા પ્રાપ્ત થઇ છે તે અત્યારે જ ક્યાંય ચાલી જશે.૬
હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી તે મેઘજી વણિક કહેવા લાગ્યો કે, હે વર્ણિ ! તમે તો આજ કાલના નવા આવ્યા છો, તમે મને શું કરી શકવાના છો ? હું તો રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય છું અને નિર્ભય એવો હું તમારા સર્વ કર્તાં ચડિયાતો છું, તેથી તમને સર્વેને મારી આજ્ઞામાં વર્તવું જોઇએ. ઉલટું તમારી આજ્ઞામાં મને વર્તવાનું કહેતાં તમને શરમ નથી આવતી ?૭-૮
હમણાં જ હું મારું સામર્થ્ય તમને દેખાડું છું, તમે જુવો. આ પ્રમાણે કહીને તપેલા તેલના કઢાયામાં પોતાના બન્ને હાથ નાખ્યા, તેથી બન્ને હાથ બળી ગયા અને ચામડી ઉપર ફોલ્લા ઉપડયા છતાં પણ તેને શરીરની અત્યંત વિસ્મૃતિ હોવાથી જરાપણ ખેદ પામ્યો નહિ અને શ્રીહરિની સાથે વાદ-વિવાદ કરતો રહ્યો.૯-૧૦
હે રાજન્ ! આવા પ્રકારનું આશ્ચર્ય જોઇ નગરવાસી જનો તેને સિદ્ધ પુરુષ માનવા લાગ્યા. ત્યારપછી તે મેઘજી સર્વે પુરવાસીજનોને સાંભળતાં કહેવા લાગ્યો કે, આજથી ચોથે દિવસે અને તેમાં પણ ચોથા મુહૂર્તમાં મારા શરીરનો ત્યાગ કરીશ. તેમાં કોઇ જાતનો સંદેહ નથી.૧૧-૧૨
તે સમયે ભગવાન શ્રીહરિએ તેમને કહ્યું કે હે વણિક ! જો તમે એ પ્રમાણે કરી શકશો તો અમે સર્વે તમારા શિષ્યો થઇ જશું. અને તમારી આજ્ઞામાં રહેશું. અને જો ન કરી શકો તો તમારે અમારા શિષ્ય થવું.૧૩
અરે, વણિક, ભગવાનના ધામ અને શરીરની વચ્ચે તમને ત્રિશંકુની જેમ લટકાવીશ, તેમાં કોઇ જાતનો સંશય નથી. તમે તમારા સામર્થ્યનો પ્રયોગ તો કરી જુઓ.૧૪
હે રાજન્ ! તે વણિક શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યો, હે વર્ણિ ! અણિમા આદિક અષ્ટ સિદ્ધિઓ મને વશ વર્તે છે. તેથી તમારું સામર્થ્ય મારા કાર્યમાં કોઇ પ્રભાવ પાડી શકશે નહિ.૧૫
આ પ્રમાણે કહી તે પોતાના ઘેર ગયો. શરીરનો ત્યાગ કરીને ધામમાં જવાની ઇચ્છાથી હજારો બ્રાહ્મણોને બહુ પ્રકારનાં દાન આપ્યાં.૧૬
હે રાજન્ ! તે વણિક ઘેર ગયો. ત્યારથી આરંભીને મત્સરને લીધે ભગવાન શ્રીનીલકંઠવર્ણીના આશ્રિત સંતો-ભક્તોને છોડીને બીજા હજારો બ્રાહ્મણોને તથા સાધુ સન્યાસીઓને તેમજ યવનથી લઈ ચંડાળ પર્યંતના સર્વેને પ્રતિદિન ઘણાં બધાં પક્વાન્નાદિ ભોજનો બનાવી જમાડતો હતો.૧૭-૧૮
હે રાજન્ ! ત્રણ દિવસ પર્યંત આ પ્રમાણે સર્વેને ભોજન જમાડયાં અને ચોથે દિવસે પણ પ્રાતઃકાળે ઘણા બધા સાધુ બ્રાહ્મણોને જલદીથી જમાડી શરીર છોડવા તૈયાર થયો.૧૯
દિવસના ચોથા મુહૂર્તમાં પદ્માસનવાળી મેઘજીએ સમાધિ લગાવી. તે સમયે તેમને જોવા માટે હજારો નગરવાસીઓ ટોળે મળ્યાં હતાં.૨૦
મેઘજીએ તે સમયે નાડીઓનાં બંધનો તોડી દૃષ્ટિ સ્થિર કરીને પ્રાણવાયુને સર્વે અવયવોમાંથી આકર્ષણ કરી પોતાના હૃદયાકાશમાં ચલાવવા લાગ્યો.૨૧
હે રાજન્ ! ત્યારપછી પોતાના સામર્થ્યના બળે અતિશય પ્રયત્ન કરવા છતાં મેઘજી હૃદયાકાશમાં પ્રાણને આકર્ષી બ્રહ્મરંધ્રને ભેદીને ભગવાનના ધામમાં જવા સમર્થ થઇ શક્યો નહિ. પ્રાણ હૃદયથી બહાર નીકળી જ ન શક્યા, તેથી બહુકાળ પર્યંત અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છતાં પણ મેઘજી પોતાના પ્રાણને ઉપર લઇ જવા કે નીચે ફરીથી આખા શરીરમાં લઇ આવવા સમર્થ થયો નહિ.૨૨-૨૩.
હે નરાધિપ ! મેઘજી પોતાને વશ વર્તતી અષ્ટ પ્રકારની અણિમાદિ સિદ્ધિઓથી પણ પોતાના પ્રાણને ઊંચે કે નીચે લઇ જવા શક્તિમાન થયો નહિ. તેથી તે આકાશમાં ઊંધે માથે લટકતા ત્રિશંકુરાજાના જેવી દશાને પામ્યો. પછી ચેષ્ટા રહિત થઇ એક જગ્યાએ પડયો રહ્યો.૨૪-૨૫
હે રાજન્ ! બીજે દિવસે તે અપૂર્ણ પ્રતિજ્ઞાવાળા, અને વ્યાકુળ અંતર વાળા તેમજ સિદ્ધાઇના અભિમાની એવા મેઘજી વણિક પાસે આવીને અન્ય નગરવાસી વિપ્રો અને વણિકો પણ કહેવા લાગ્યા કે, તેં વર્ણિરાજ શ્રીહરિનું અને તેના સંતોનું અપમાન કર્યું છે, તેથી તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઇ શકી નથી અને આવાં મહાકષ્ટને પામ્યો છે.૨૬-૨૭
તેથી તું તત્કાળ તેનો આદર સત્કાર કર. તે શ્રીહરિ કાં તારા શરીરને છોડાવશે અથવા ફરી તને જીવતદાન આપશે, અથવા તારું જેમ સારું થાય તેમ કરશે.૨૮
આ પ્રમાણે નગરવાસીજનોએ કહ્યું છતાં માનથી બુદ્ધિ નષ્ટ થઇ હોવાથી અત્યંત આવું કષ્ટ પામતો હતો છતાં પણ તે મેઘજી પોતાના માટે હિતકારી તેઓનાં વચનો માન્યો નહિ.૨૯
આમને આમ તે મેઘજી પાંચ દિવસ સુધી ચેષ્ટા રહિત થઇ પડયો રહ્યો. અને પછી અભિમાન ઓગળવાથી મનથી શ્રીહરિને શરણે ગયો.૩૦
ત્યારે તે મેઘજી બાજુમાં બેઠેલા પુરુષોને અસ્પષ્ટ વાણીથી તથા ભ્રૃકુટિના ઇશારાથી ''વર્ણીરાજ શ્રીહરિને અહીં મારી સમીપે બોલાવો, વિલંબ ન કરો.'' એમ કહેવા લાગ્યો.૩૧
ત્યારે તેમના મૂકેલા મનુષ્યોની પ્રાર્થના સાંભળી કૃપાનિધિ શ્રીહરિ મુક્તાનંદાદિ સંતોની સાથે તત્કાળ મેઘજીની સમીપે પધાર્યા અને કરૂણાભરી દૃષ્ટિથી તેમની સામે જોવા લાગ્યા, તે જ સમયે તેના નાડીપ્રાણ પોતપોતાના સ્થાને સ્થિર થયાં અને મેઘજી સ્વસ્થ થઇ ઊભો થયો. ભગવાન શ્રીહરિને પોતાના ઇષ્ટદેવ સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ જાણી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે, હે સ્વામી ! આજથી હું તમારો દાસ છું. તમે મારી ઉપર કૃપા દૃષ્ટિ કરો. મારા અપરાધને ક્ષમા કરો અને મને જે કાંઇ આજ્ઞા કરો તે પ્રમાણે હું વર્તીશ.૩૨-૩૪
હે રાજન્ ! મેઘજીનાં વચનો સાંભળી શ્રીહરિ તેમને કહેવા લાગ્યા કે, હે મેઘજી ! તમારે અત્યારે દેહને છોડવો નહિ. આ પૃથ્વી પર ભગવદ્વાર્તા કરો અને સુખેથી જીવો. આ પ્રમાણે કહી ભગવાન શ્રીહરિ તે મેઘજીને સાથે લઇ પોતાને નિવાસ સ્થાને પધાર્યા. તે જોઇ સર્વે પુરવાસીજનો અત્યંત વિસ્મય પામ્યા.૩૫-૩૬
ભગવાન શ્રીહરિના અતિ આશ્ચર્યકારી અમાપ ઐશ્વર્યનું દર્શન કરનારા માંગરોળવાસી મનુષ્યોના અંતરમાં આ શ્રીહરિ જ જગતના અધિપતિ પરમેશ્વર છે કે શું ? આવા પ્રકારની ભ્રાંતિ હમેશાં ઉત્પન્ન થતી હતી. એવાં તે નગરવાસીજનોની મધ્યે કેટલાક મનુષ્યો ભગવાન શ્રીહરિનો આશ્રય કરવા ઉત્સુક થયા અને કેટલાક જનો આ શ્રીહરિ ભગવાન છે કે નહિ ? એવી પરીક્ષા કરીને તેને શરણે થયા.૩૭
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં માંગરોળના સ્વતંત્ર સમાધિનિષ્ઠ મેઘજીવણિકનો પરાભવ કર્યો એે નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો. --૪--