અધ્યાય - ૨૩ - અભય પરિવારને ખટ્વાંગ રાજાએ પ્રભુ પ્રાગટયના શુભ સમાચાર આપ્યા.
અભય પરિવારને ખટ્વાંગ રાજાએ પ્રભુ પ્રાગટયના શુભ સમાચાર આપ્યા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! જળ, આસન અને ફલાહાર અર્પણ કરી ખટવાંગ રાજાનું સન્માન કરી અભયરાજા તેમની સમીપે આવીને બિરાજમાન થયા. તેમની પાછળ સુરપ્રભા અને સોમાદેવી બે પત્નીઓ, પુત્ર ઉત્તમ અને જયા, લલીતા, પાંચાલી અને નાનું આ ચાર પુત્રીઓ તથા બહેન સોમા અને સાળા ગાલવ પણ આવીને બેઠા. ત્યારે મહા ઉદાર બુદ્ધિવાળા અભયરાજા સુખપૂર્વક વિસામો લઇ વિરાજતા ખટ્વાંગ રાજર્ષિને પૂછવા લાગ્યા.૧-૨
હે બુદ્ધિમાન મિત્ર ! ધર્મને જાણનારા આપનું અત્યારે કયા પ્રદેશમાંથી અહીં આગમન થયું છે ? ધાર્મિક પુરુષોનું ચાતુર્માસમાં બહાર નીકળવું અનુચિત છે, છતાં તેના કરતાં પણ કેટલું વધુ આવશ્યકનું પ્રયોજન હશે તેથી તમે ઘરથી બહાર નીકળ્યા છો. અમારા દરબારગઢમાં આપનું આગમન સ્વજન એવા અમારા કોઇના કોઇ હિતને માટે થયું છે. એમ મને જણાય છે.૩
હે રાજન્ ! આ પ્રમાણે અભયરાજાએ વિનય વચનોથી પૂછયું ત્યારે ખટ્વાંગ રાજા તેમને કહેવા લાગ્યા કે, હે અભયભૂપતિ ! સરધારપુરમાં મારા ગુરુ શ્રી સહજાનંદ સ્વામી પધાર્યા છે.૪
હે અભય ! તેમનાં દર્શન કરવા હું મારા પરિવાર સાથે ત્યાં ગયો હતો. ત્યાં મારા ગુરુનાં દર્શન કરવા માટે બીજા દેશાંતરોમાંથી હજારો મનુષ્યો આવ્યાં હતાં.૫
સરધારપુરમાં અમારા ગુરુએ મોટો જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો હતો. તેમનાં દર્શન કરી હું મારાં ગામ કારિયાણી જતાં વચ્ચે આપને મળવા અહીં આવ્યો છું.૬
હે રાજન્ ! ખટ્વાંગ રાજાએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, ત્યારે અભયરાજા ફરી તેમને પૂછવા લાગ્યા કે, હે મહાવ્રતવાળા મિત્ર ! તમારા ગુરુ કોઇ સામાન્ય મનુષ્ય ન હોવા જોઇએ, તે કેવા પ્રકારના સદ્ગુણોએ સંપન્ન છે ? તમારા ગુરુ કોઇ મહાન પુરુષ હોવા જોઇએ એમ મને લાગે છે. નહીં તો તમારા જેવા બુદ્ધિમાન પુરુષો આવી વર્ષા ઋતુમાં તેમનાં દર્શન કરવા ઘર છોડીને બહાર કેમ નીકળે ? તેથી તમારા ગુરુ શ્રી સહજાનંદ સ્વામી બીજા ગુરુઓ જેવા સામાન્ય તો નહિ જ હોય. એમ હું ચોક્કસ માનું છું. હે મિત્રવર્ય ! તે માટે તમારા ગુરુના ગુણો અમને યથાર્થ સંભળાવો.૭-૯
આ રીતનાં અભયરાજાનાં વચનો સાંભળી ખટ્વાંગ રાજા કહે છે, હે અભય ! મારા ગુરુના સદ્ગુણો વિષે હું તમને કાંઇ વાત કરું તો તેમાં તમને વિશ્વાસ આવશે કે કેમ ? એ બાબતમાં મને સંશય થાય છે.૧૦
આ પ્રમાણે ખટ્વાંગ રાજાનાં વચનો સાંભળી અભયરાજા કહેવા લાગ્યા કે, હે મિત્રવર્ય ! તમે ધાર્મિક અને સત્ય વક્તા છો. તે પ્રસિદ્ધ છે, તેથી તમારાં વચનોમાં અવિશ્વાસ કરવાનું કોઇ કારણ જ નથી. અમને પૂર્ણ વિશ્વાસ છે. કારણ કે અમે તમને પાંડવોના વડીલ બંધુ યુધિષ્ઠિર સમાન સત્ય વક્તા માનીએ છીએ.૧૧
હે રાજર્ષિ ! તેથી અમને તમારા પુત્રો જાણી અમારા હિત ખાતર આપના ગુરુના પ્રતાપની, પ્રભાવની તથા સદ્ગુણોની વાતો કરો. કારણ કે અમારાં સર્વેના અંતરમાં પણ તમારી જેમ સાંસારિક બંધનોમાંથી મુક્ત થવાની ઇચ્છા વર્તે છે. આ પ્રમાણે અભયરાજાનું વચન સાંભળી ખટ્વાંગ રાજર્ષિ કહેવા લાગ્યા કે, હે કલ્યાણ પ્રિય રાજા ! તમે તથા તમારાં આ સર્વે સંબંધીજનો મન દઇને આશ્ચર્યકારી મારી વાતો સાંભળો.૧૨-૧૩
આ પ્રમાણે કહીને પોતે ખટ્વાંગ રાજા ભગવાન શ્રીહરિનો પ્રતાપ જે પ્રત્યક્ષ નિહાળ્યો હતો. અને સંતોના મુખેથી જે સાંભળ્યો હતો તે સર્વેનું યથાર્થ વર્ણન અભય પરિવારની સન્મુખ કહ્યું તથા માંગરોળપુરમાં ભગવાન શ્રીહરિએ જે પોતાનું સમાધિ દ્વારા તથા દિવ્ય દર્શન દ્વારા જે પ્રતાપ જણાવ્યો હતો તેનું પણ યથાર્થ વર્ણન કરી દેખાડયું, તેવીજ રીતે ભગવાન શ્રીહરિના દયા તથા વાત્સલ્યાદિ ભગવાનપણાના બોધક સદ્ગુણો હતા તે એક એક ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન ખટ્વાંગ રાજાએ અભય પરિવાર સન્મુખ કહી દેખાડયું.૧૪-૧૫
હે રાજન્ ! પોતાના પરિવારની સાથે અભયરાજા ભગવાન શ્રીહરિનાં અલૌકિક ઐશ્વર્ય સાંભળીને અતિશય આશ્ચર્ય પામ્યા અને રોમાંચિતગાત્ર થઇ બહુજ આનંદ પામ્યા.૧૬
ત્યારપછી અભયરાજા 'એ નક્કી ભગવાનનો અવતાર થયો લાગે છે. એમાં કોઇ જાતનો સંશય નથી'. એમ મનમાં વિચારીને ફરી ખટવાંગ રાજાને પૂછવા લાગ્યા.૧૭
હે મહાબુદ્ધિમાન્ ! તમે જે વચન મને કહ્યું તે સંપૂર્ણ સત્ય છે. શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના ઇષ્ટદેવ તરીકે માનતા શ્રી સહજાનંદ સ્વામી સ્વયં જ પ્રગટ થયેલા શ્રીકૃષ્ણ જ છે તેમાં લેશમાત્ર પણ સંશય નથી.૧૮
હે શ્રેષ્ઠપુરુષ ખટ્વાંગરાજા ! આ પૃથ્વી પર પ્રગટ થયેલા તે સહજાનંદ સ્વામી કોના પુત્ર છે ? કયા કુળમાં પ્રગટ થયા છે ? કયા દેશમાં તેમનો જન્મ છે ? આ સૌરાષ્ટ્રદેશમાં ક્યારે પધાર્યા ? સરધારપુરથી કયા દેશમાં જવાના છે ?૧૯
તમે તેમનાં જન્મ અને કર્મનું વર્ણન કરી અમને સંભળાવો. અમારાં કોઇ ઉદય થયેલાં ભાગ્યને કારણે અત્યારે આપનું અહીં આગમન થયું છે.૨૦
હું પ્રતિદિન ભગવાન વિષ્ણુનો પ્રાદુર્ભાવ આ પૃથ્વી પર થયો હોવો જોઇએ એવો વિચાર કરતો હતો. પરંતુ આજે તો તમારા મુખેથી ભગવાનના પ્રાદુર્ભાવનું વૃત્તાંત સાંભળીશ. શું મારાં ભાગ્ય ઉદય થયાં ! મને બહુ આનંદ થઇ રહ્યો છે. તમે આરંભથી માંડીને તેમનાં ચરિત્રોની કથા મને સંભળાવો.૨૧
આપ જેવા આપ્તપુરુષોનાં વચન અત્યંત પ્રમાણભૂત હોવાથી અમારાં સંબંધીજનો પણ અત્યંત ઉત્કંઠાવાળાં થઇ તમારા મુખેથી આ ભગવાનના પ્રાદુર્ભાવની કથા સાંભળવા ઇચ્છે છે, તેથી તમે અમને ભગવાનની કથા સંભળાવો. કારણ કે તમે અમારા હિતકારી છો.૨૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પોતાના બંધુજનોએ સહિત અભયરાજાએ ઉપરોક્ત ખટ્વાંગ રાજાને ભગવાન શ્રીનીલકંઠનાં ચરિત્રોની સ્મૃતિ થઇ આવી, તેણે કરીને ઉત્પન્ન થયેલા આનંદરૂપ જલથી પૂર્ણ સરિતામાં તત્કાળ નિમગ્ન થયા.૨૩
એ સમયે પોતાના આનંદિત અંતઃકરણમાં પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિનાં ચરણકમળમાં તેમનું ચિત્ત આસક્ત થયું. તેથી તેમને દેહની સ્મૃતિ ભુલાઇ ગઇ, એક મુહૂર્ત પર્યંત તો તે મૂર્તિમાં મગ્ન રહેવાથી એકદમ મૌન બેસી રહ્યા. પછી ધીરે ધીરે શરીરની સ્મૃતિ પ્રાપ્ત થઇ ત્યારે ભગવાન શ્રીહરિમાં અતિશય પ્રેમ ઉભરાવાથી નેત્રોમાંથી હર્ષનાં આંસુઓ વહેવા લાગ્યાં. શરીર પુલકિત થયું. તથા રોમાવલી બેઠી થઇ અને પછી પ્રેમસભર વાણીથી અભય પરિવાર પ્રત્યે ભગવાન શ્રીહરિનાં ચરિત્રોનું વર્ણન કરવા લાગ્યા.૨૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ખટાંગ અને અભય રાજાના અદ્ભૂત સંવાદનું નિરૂપણ કર્યું એ નામે ત્રેવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૩--