અધ્યાય - ૩૯ - શ્રીહરિએ કહેલાં દાનેશ્વરી રાજાઓનાં સંક્ષિપ્ત આખ્યાનો.
શ્રીહરિએ કહેલાં દાનેશ્વરી રાજાઓનાં સંક્ષિપ્ત આખ્યાનો. દાનેશ્વરી મરુત્ત રાજા. દાનેશ્વરી સુહોત્ર રાજા. દાનેશ્વરી અંગ રાજા. દાનેશ્વરી શિબિ રાજા. દાનેશ્વરી દુષ્યન્ત પુત્ર ભરત રાજા. દાનેશ્વરી ભગીરથ રાજા. દાનેશ્વરી દિલીપ રાજા. દાનેશ્વરી માંધાતા રાજા. દાનેશ્વરી યયાતિ રાજા. દાનેશ્વરી અંબરીષ રાજા. દાનેશ્વરી શશબિન્દુ રાજા. દાનેશ્વરી ગય રાજા. દાનેશ્વરી સગર રાજા. બ્રાહ્મણોના અપમાનનું ફળ.
નારાયણમુનિ કહે છે, હે રાજન્ ! તમે બહુ જ સરસ પૂછયું છે. તમને બ્રાહ્મણો ઉપર અતિશય શ્રદ્ધા છે તેથી હું તમને બ્રાહ્મણોને પૂજ્યપણે માનનારા રાજાઓનાં ચરિત્રો સંભળાવું છું.૧
આ પૃથ્વી પર અનેક પ્રકારનાં દાન આપી બ્રાહ્મણોને સંતોષ પમાડનારા રાજાઓ સૂર્યવંશમાં અને ચંદ્રવંશમાં હજારોની સંખ્યામાં થઇ ગયા છે. અને તેઓની કથા કહેવા માંડીએ તો સો વર્ષે પણ પાર પામી શકાય તેમ નથી. તેથી સંક્ષેપમાં જ તેમાંથી કેટલાક રાજાઓનાં ચરિત્રો હું તમને સંભળાવું છું.૨-૩
દાનેશ્વરી મરુત્ત રાજા :-- પૂર્વે બ્રાહ્મણોના પૂજક મરુત્ત નામના પ્રસિદ્ધ રાજા થયા. તેમના મહાયજ્ઞામાં પોતાનો ભાગ સ્વીકારવા સાક્ષાત્ ઇન્દ્રદેવ અન્ય સર્વે દેવતાઓ અને ઋષિમુનિઓની સાથે પ્રત્યક્ષ પધારતા. સો યજ્ઞા કરનારા સ્વયં ઇન્દ્રદેવે પૃથ્વીપરના આ મરુત્ત રાજા સાથે સ્પર્ધા કરવા માંડી.૪
તે જોઇ ગુરુ બૃહસ્પતિએ પોતાના શિષ્ય ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે મરુત્ત રાજાને કહ્યું કે, તમે હવે યજ્ઞા કરશો નહિ. એમ કહીને યજ્ઞા અટકાવી દીધો. તેથી તેમના જ નાનાભાઇ સંવર્તમુનિએ મરુત્તરાજાનો યજ્ઞા પૂર્ણ કરાવ્યો.૫
હે રાજન્ ! મહાત્મા એ મરુત્ત રાજાના યજ્ઞામાં દિવ્ય રૂપધારી વિશ્વદેવો સભાસદ સ્વરૂપે બિરાજતા અને વાયુદેવના ગણો અને સાધ્યદેવના ગણો યજ્ઞામાં ભોજન પીરસવાની સેવા કરતા.૬
આ મરુત્ત રાજાના યજ્ઞામાં રાજાદ્વારા દાનમાં અપાયેલી દક્ષિણાઓનો ભાર ઉપાડવા સ્વયં બ્રાહ્મણો સમર્થ થતા નહિ. તેમજ એ રાજાના રાજ્ય-શાસનમાં પૃથ્વી ખેડયા વિના ધાન નીપજાવતી હતી.૭
દાનેશ્વરી સુહોત્ર રાજા :-- હે રાજન્ ! તેવી જ રીતે પૂર્વે બ્રાહ્મણ ભક્ત સુહોત્ર નામના રાજા થયા તેમના રાજ્ય શાસનકાળમાં ઇન્દ્રદેવે એક વર્ષ પર્યંત સુવર્ણની વૃષ્ટિ કરી હતી.૮
તેમના શાસન દરમ્યાન પૃથ્વીનું વસુમતી, વસુંધરા નામ સાર્થક થયેલું. કારણ કે નદીઓનાં નીર સુવર્ણનાપ્રવાહ રૂપે સતત વહેતાં રહેતાં અને તેમાં નિવાસ કરીને રહેલાં મગરમચ્છો, કાચબાઓ વગેરે જળચર પ્રાણીઓ પણ સુવર્ણમય જણાતાં હતાં.૯
તે સમયે સુહોત્ર રાજાએ જાણ્યું કે સુવર્ણનાં મગરો, માછલાંઓ આદિ સર્વે દ્રવ્ય ઇન્દ્રે સ્વર્ગમાંથી વરસાવ્યું છે, તેથી તે સર્વે દ્રવ્ય અતિથિ બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી દીધું.૧૦
દાનેશ્વરી અંગ રાજા :-- હે રાજન્ ! તેવીજ રીતે એક અંગ નામના મહારાજા થયા. તેમણે યજ્ઞામાં સુવર્ણથી શણગારેલા એક લાખ કુળવાન અશ્વો, તથા સુવર્ણના અલંકારોથી અલંકૃત એકલાખ કન્યાઓનાં દાન કરાવ્યાં.૧૧
અને સુવર્ણના અલંકારોથી એકલાખ ગાયો અને તેવા અલંકૃત બળદોનું બ્રાહ્મણોને દાન આપ્યું. તથા આકાશમાં રહેલા ચંદ્રદેવને સોમયાગના મિષથી હવિર્ભાગ અર્પણ કરી તૃપ્ત કર્યા.૧૨
હે રાજન્ ! આ પ્રમાણે દક્ષિણાઓ આપવાની સાથો સાથ બ્રાહ્મણોની આજ્ઞા પાડવામાં સાવધાન અને વિનયયુક્ત થઇ અંગરાજાએ બ્રાહ્મણો તથા દેવતાઓને પ્રસન્ન કરવા એકસો યજ્ઞોનું અનુષ્ઠાન કરેલું.૧૩
અંગરાજાએ ''સપ્ત સંસંસ્થા'' નામના યજ્ઞામાં જેટલા દ્રવ્યનું દાન કર્યું તેટલા દ્રવ્યનું દાન કરનાર કોઇ પુરુષ હજુ સુધી પૃથ્વીપર જન્મ્યો નથી ને કદાચ જન્મશે પણ નહિ.૧૪
દાનેશ્વરી શિબિ રાજા :-- હે રાજન્ ! પૂર્વે ઉશીનર દેશના શિબિ નામે રાજા થયા, તે અતિશય ધાર્મિક પુરુષ હતા. તે રાજાએ સમસ્ત પૃથ્વીને ચર્મથી મઢી હોય તેમ પોતાના રથના ધ્વનિથી યુકત કરી દીધી હતી.૧૫
બ્રાહ્મણોના પરિપાલક અને ઉદારબુદ્ધિવાળા એ શિબિ રાજાએ હમેશાં વિજય જ અપાવે તેવા વિજયશીલ રથ ઉપર બેસી, એકલા હાથે સમસ્ત દેશોના રાજાઓને જીતીને આ પૃથ્વીને પોતાના એક છત્ર શાસન હેઠળ મૂકી દીધી.૧૬
આ પૃથ્વીપર જેટલી ગાયો અને જેટલા અશ્વો તથા હાથી આદિ હતા તે સર્વેનું તે શિબિરાજાએ યજ્ઞોમાં બ્રાહ્મણોને દાન કર્યું હતું. એ શિબિરાજાની રાજ્યધુરાના ભારને અન્ય કોઇ રાજા વહન કરવા સમર્થ થઇ શકતા નહિ તેથી પ્રજાપતિ બ્રહ્માજીએ તેમની પ્રશંસા કરતાં કહેલું કે, પ્રજાનું રંજન કરનારા આ પૃથ્વી ઉપર તમે જ એક રાજા છો, બાકી બધાય નૃપ છે પણ રાજા નહિ. એવા જબરા એ શિબિરાજા હતા.૧૭
દાનેશ્વરી દુષ્યન્ત પુત્ર ભરત રાજા :-- હે રાજન્ ! પૂર્વે એક દુષ્યંત પુત્ર અને મહાપરાક્રમી ભરત નામના રાજા થયા. તે રાજાએ એક હજાર અશ્વમેધયજ્ઞો તથા સો રાજસૂયયજ્ઞો કરી દેવતાઓને અત્યંત વિસ્મય પમાડી તેમનું પૂજન કર્યું હતું.૧૮
અને તે યજ્ઞોમાં બ્રાહ્મણોને અનુપમ મહામોંઘી અનંત દક્ષિણાઓ અર્પણ કરી તૃપ્ત કર્યા હતા. તે યજ્ઞામાં એક એક બ્રાહ્મણના ભાગમાં તેરહજાર અને ચોર્યાસી ગાયો આવી, તેવા દશ કરોડ બ્રાહ્મણોને ગાયોના ભાગ પાડીને દાન કર્યાં હતાં.૧૯
ભરતરાજાએ એકહજાર શ્રેષ્ઠ રત્નો અને એકહજાર હાથીઓનું કણ્વમુનિને દાન કર્યું હતું. જેમ કોઇ માણસ પોતાના ટૂંકા હાથથી આકાશને બાથ ભીડી શકે નહિ તેમ આવા મહા દાનેશ્વરી ભરતરાજાની કીર્તિને પાર પામવા કોઇ સમર્થ થઇ શકશે નહિ.૨૦
દાનેશ્વરી ભગીરથ રાજા :-- હે રાજન્ ! પૂર્વે ભગીરથ નામના રાજા થયા. તે ભગીરથ રાજાના યજ્ઞામાં અર્પણ કરાયેલા સોમરસનું પાન કરી અતિશય મદોન્મત્ત થયેલા ઇન્દ્રદેવે અનંત અસુરો ઉપર જીત મેળવી હતી.૨૧
એ ભગીરથ રાજાએ યજ્ઞોમાં સુવર્ણના અલંકારોથી સુશોભિત એક લાખ કન્યાઓનું બ્રાહ્મણોને દાન કર્યું. અને તેમની સાથે ચાર ચાર અશ્વ જોડેલા સુવર્ણ જડિત રથોનું પણ દાન કર્યું.૨૨
આવા એક એક રથની સાથે સુવર્ણના અલંકારોથી સુશોભિત સો સો હાથીઓ દાનમાં અર્પણ કર્યાં. તેવા એક એક હાથીની પાછળ સુવર્ણના શણગારથી વિભૂષિત એક એક હજાર અશ્વોનાં દાન કર્યાં.૨૩
તે એક એક અશ્વની પાછળ હજાર હજાર ગાયોનાં દાન કર્યાં. આવા દાનેશ્વરી ભગીરથ રાજાએ પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે તીવ્ર તપશ્ચર્યા કરી સ્વર્ગમાંથી ગંગાજીનું આ પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું. તેથી તે ગંગાજી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધિ પામ્યાં છે.૨૪
દાનેશ્વરી દિલીપ રાજા :-- હે રાજન્ ! એવી જ રીતે પૂર્વે દિલીપ નામે એક રાજા થયા. તે દિલીપ રાજાના યજ્ઞા કરાવનારા પુરોહિતોએ પ્રત્યેક યજ્ઞામાં રાજા પાસેથી સુવર્ણમાંથી બનાવેલા એક એક હજાર હાથીઓની દક્ષિણા પ્રાપ્ત કરી હતી.૨૫
તે દિલીપરાજાના મહાયજ્ઞામાં સ્થાપન કરેલા અષ્ટપદવાળા સુવર્ણ સ્થંભને વિષે છ હજાર દેવતાઓના ગાયક ગંધર્વોએ નૃત્ય કરી રાજાની કીર્તિનું એવું ગાન કર્યું કે જેનાથી આખું જગત એમ માનવા લાગ્યું કે આ ગાયન આપણી સમીપે જ થઇ રહ્યું છે. એવો એનો ધ્વનિ આકાશમાં ગુંજી રહ્યો હતો.૨૬
દિલીપરાજાના રાજભવનમાં વેદપારાયણનો ધ્વનિ, ધનુર્વિદ્યાનો અભ્યાસ કરનારાઓના ધનુષ્યોનો ધ્વનિ અને બ્રાહ્મણોને ખૂબજ દક્ષિણાઓ આપજો, એવો ધ્વનિ. આ ત્રણ શબ્દધ્વનિ ક્યારેય પણ જીર્ણ થતા ન હતા. પરંતુ તે સંબંધી સતત પ્રવૃત્તિને કારણે હમેશાં નવાને નવા રહેતા હતા.૨૭
તે મહાબાહુ દિલીપરાજાએ પોતાના મોટા યજ્ઞોમાં સુવર્ણની પાંખોએ યુક્ત પૃથ્વીનું બ્રાહ્મણોને દાન કર્યું હતું, અને તેણે આખી પૃથ્વીને સ્વર્ગ સમાન બનાવી હતી.૨૮
દાનેશ્વરી માંધાતા રાજા :-- હે રાજન્ ! પૂર્વે પૃષદ્રાજ્યમાં યુવનાશ્વ રાજા થકી ત્રિલોકવિજયી માંધાતા નામે રાજા થયા.૨૯
પુત્રપ્રાપ્તિ માટે યુવનાશ્વ રાજાએ યજ્ઞા કરાવેલો તેમાં દહીં અને ઘીથી યુક્ત પૃષદાજય નામનું હવિષ્યાન્ન ઋષિએ તૈયાર કરેલું, તે રાજા રાત્રીએ સ્વયં પાન કરી ગયેલા. તેથી તે યુવનાશ્વ રાજાના કુખે પુત્રનો જન્મ થયો. આ કુમારની માતા સ્ત્રી ન હોવાથી દેવતાઓ પૂછવા લાગ્યા કે, આ કોને ધાવશે ? આ બાળક કોને ધાવશે ? ત્યારે ઇન્દ્રદેવ બોલ્યા કે, ''માં ધાતા'' એ મને ધાવશે. ત્યારથી તે કુમારનું નામ માંધાતા રાખવામાં આવ્યું.૩૦
આ માંધાતા રાજાએ એક હજાર અશ્વમેધયજ્ઞો તથા સો રાજસૂય યજ્ઞો કરેલા. તેમાં તેણે સુવર્ણમાંથી બનાવેલાં સો યોજન લાંબાં અને એક યોજન ઊંચાં રોહિત નામનાં મત્સ્યોનું બ્રાહ્મણોને દાન કર્યું હતું. તથા માંધાતા રાજાએ રાવણ આદિક સર્વે રાજાઓને જીતીને તેમના અંતરમાં ત્રાસ ઉપજાવ્યો હતો.૩૧-૩૨
જ્યાંથી સૂર્યોદય થાય અને જ્યાં અસ્ત થાય તેટલી પૃથ્વી પર આ યુવનાશ્વ પુત્ર માંધાતા રાજાનું રાજ્ય હતું. એમ કહેવાય છે.૩૩
દાનેશ્વરી યયાતિ રાજા :-- હે રાજન્ ! પૂર્વે એક યયાતિ નામે રાજા થયા. તે રાજાએ એકહજાર ને એકસો વાજપેયી યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું. અને સાતે સમુદ્રોએ સહિત આખી પૃથ્વીને જીતીને પોતાને વશ કરી હતી.૩૪
અત્યંત બલવાન પુરુષ સમ્યા નામનો કાષ્ઠ દંડ બળથી દૂર ફેંકે અને જેટલે દૂર જઇને પડે તે પૃથ્વી પર યજ્ઞાવેદિકાનું નિર્માણ કરવામાં આવે. આમ આગળને આગળ વધતાં યયાતિરાજાએ ઋત્વિજો દ્વારા યજ્ઞાવેદિકાઓનું નિર્માણ કરાવી આખી પૃથ્વીને તેનાથી જ ચીતરી દીધી હતી.૩૫
આ રાજાએ ત્રણ સુવર્ણના પર્વતો થાય તેટલું સુવર્ણનું દાન બ્રાહ્મણોને આપી સંતુષ્ટ કર્યા હતા. (એક પર્વતમાં કેટલું સુવર્ણ જોઇએ તેનો માપ આગળ ત્રીજા પ્રકરણમાં કહેલ છે.) અને રણસંગ્રામમાં દૈત્યો ઉપર વિજય મેળવી તેનો ઘાત કર્યો હતો. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં તે રાજ્યવૈભવનો ત્યાગ કરી વનમાં તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા હતા.૩૬
દાનેશ્વરી અંબરીષ રાજા :-- હે રાજન્ ! આગળમાં એક અંબરીષ નામે રાજા થયા. તેમણે પોતાના અશ્વમેધ આદિક અનંત યજ્ઞો કરાવનારા બ્રાહ્મણોનો આતિથ્ય સત્કાર કરવા માટે દશહજાર અન્ય પોતાનાથી નીચેના રાજાઓની નિયુક્તિ કરી હતી.૩૭
અંબરીષ રાજાએ યજ્ઞાકર્તા બ્રાહ્મણોને તેમની ઇચ્છાનુસાર અનંત પ્રકારની અપાર દક્ષિણાઓ આપી હતી. તેમજ અંબરીષ રાજાનો સમાગમ કરી હજારો રાજાઓ ભવબંધનમાંથી મુક્તિ પામ્યા હતા.૩૮
દાનેશ્વરી શશબિન્દુ રાજા :-- પૂર્વે એક શશબિન્દુ નામના રાજા થયા. તેમને એક લાખ જેટલી પત્નીઓ હતી અને સુવર્ણના કવચને ધારણ કરનાર ધનુર્ધારી દશ લાખ પુત્રો હતા.૩૯
તેમાં પ્રત્યેક પુત્રને સો સો કન્યાઓ જન્મી હતી. તેમાં એક એક કન્યાની પાછળ વિવાહમાં સો સો હાથીઓ એકએક હાથીની પાછળ સો સો રથો અને એક એક રથની પાછળ સો સો ઘોડાઓ અને એક એક ઘોડાની પાછળ સો સો ગાયો આદિ સમગ્ર પોતાની વૈભવ સંપત્તિ તે શશબિન્દુ રાજાએ સાથે યોજેલા અશ્વમેધ યજ્ઞામાં બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી હતી.૪૦-૪૧
દાનેશ્વરી ગય રાજા :-- હે રાજન્ ! પૂર્વે એક ગયા રાજા થયા. તે શ્રદ્ધાવાન અને યથાર્થ વક્તા હતા. તેમણે સો વર્ષ પર્યંત હવિષ્યાન્નને ગ્રહણ કરનારા દેવતાઓને યજ્ઞાદ્વારા પ્રથમ તૃપ્ત કરી પછીથી જ તે યજ્ઞાશેષનો પ્રતિદિન પ્રસાદ લેતા. તેમણે અગ્નિદેવ પાસેથી અખૂટ ધનનું વરદાન પ્રાપ્ત કર્યું હતું.૪૨
આ ગય રાજા પ્રત્યેક અમાવાસ્યા, પૂર્ણિમા અને ચાતુર્માસના દિવસોમાં વારંવાર અશ્વમેધયજ્ઞા કરતા. અને તેવા એક હજાર વર્ષ પર્યંત યજ્ઞાનું અનુષ્ઠાન કરી દેવતાઓનું પૂજન કર્યું હતું.૪૩
ગય રાજા પ્રતિદિન એકલાખ ગાયોનું બ્રાહ્મણોને દાન કરતા. સોમ હવિષ્યથી તેઓ હમેશાં દેવતાઓને તૃપ્ત કરતા, ક્વ્યાન્નવડે અગ્નિસ્વાતા આદિ પિતૃઓને તૃપ્ત કરતા, અને ધન આપી બ્રાહ્મણોને તૃપ્ત કરતા.૪૪
ગય રાજાએ અશ્વમેધ યજ્ઞોમાં સો સો હાથ લાંબી સુવર્ણ મઢેલી ભૂમિનું દાન બ્રાહ્મણોને અર્પણ કર્યું હતું. તેમજ ગંગાજીની રેતીના જેટલા કણ છે, તેટલી ગાયોનું દાન પણ કર્યું હતું.૪૫
દાનેશ્વરી સગર રાજા :-- હે રાજન્ ! પૂર્વે એક સગર રાજા થયા તે રાજા એક છત્રધારી ચક્રવર્તી સમ્રાટ હતા. તેમને અત્યંત પરાક્રમી સાઠ હજાર પુત્રો હતા.૪૬
અત્યંત ઉત્સાહી તે સગર રાજાએ સો અશ્વમેધ યજ્ઞો કરી ઇન્દ્રાદિ દેવતાઓને તૃપ્ત કર્યા હતા. અને બ્રાહ્મણોની મનોકામનાઓને પૂર્ણ કરી હતી.૪૭
સગર રાજાએ સુવર્ણના સ્થંભવાળા અને અંદર સુવર્ણના ઉપકરણોથી ભરપૂર તેમજ અતિશય શોભાયમાન પોતાના રાજમહેલનો વિભાગ કરી બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી દીધો હતો.૪૮
સગર રાજાએ પોતાના સાઠહજાર પુત્રો પાસે પૃથ્વીને ચારે બાજુએથી ખોદાવી તેથી સમુદ્રરૂપે થઇ. એટલાજ માટે તે સમુદ્રનું નામ સાગર રાખવામાં આવ્યું.૪૯
દાનેશ્વરી રંતિદેવ આદિક રાજાઓ :-- હે રાજન્ ! આવી રીતે પૂર્વે રંતિદેવ આદિક અનેક રાજાઓ થયા કે જે રાજાઓએ બ્રાહ્મણોને અત્યંત રાજી કરવાને કારણે મહાકીર્તિને પામ્યા હતા. અને દેવતાઓને પણ દુર્લભ એવી સમૃદ્ધિને પણ પામ્યા હતા.૫૦
બ્રાહ્મણોના અપમાનનું ફળ :-- હે રાજન્ ! બ્રાહ્મણોનું અપમાન કરનારા નહૂષ આદિક રાજાઓ સ્વર્ગના સુખને પામ્યા હોવા છતાં ત્યાંથી ભ્રષ્ટ થઇ અત્યંત દુઃખી થયા છે. તેમજ બીજા હજારો દેવતાઓ અને દૈત્યો પણ બ્રાહ્મણોનું અપમાન કરવાથી પતન પામ્યા છે.૫૧
હે રાજન્ ! ઉપરોક્ત બન્ને પ્રકારના રાજાઓની કથા મહાભારત આદિ ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલી છે. આ સર્વે કથાઓનું તાત્પર્ય એ જ છે કે રાજાઓએ બ્રાહ્મણોનો આદર સત્કાર કરી માનવા અને પૂજવા.૫૨
માટે હે રાજન્ ! પોતાનું કલ્યાણ ઇચ્છતા રાજાએ મદનો ત્યાગ કરી હમેશાં બ્રાહ્મણોને રાજી રાખવા. જો એમ કરવામાં ન આવે તો રાજાઓ રાજ્ય લક્ષ્મીથી જરૂર ભ્રષ્ટ થાય છે.૫૩
તેવી જ રીતે રાજા સિવાયના અન્ય ગૃહસ્થોએ પણ મહાત્મા એવા બ્રાહ્મણોનું સર્વ પ્રકારે પૂજન કરવું. તેમાં પણ મારા આશ્રિતોએ તો વિશેષપણે કરીને બ્રાહ્મણોનું પૂજન કરવું.૫૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના ભક્ત ભૂમિપતિ સુરસિંહ રાજાને તથા બીજા સર્વે ગૃહસ્થ ભક્તોને બ્રાહ્મણોની સેવા કરવાનો સુંદર ઉપદેશ આપ્યો. ભગવાન શ્રીહરિના આવા ઉપદેશથી સુરસિંહ રાજા તથા અન્ય સર્વે આશ્રિત ભક્તજનો અતિશય આનંદ પામ્યા અને પરમેશ્વર ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી તેમની આજ્ઞાને અંતરથી મસ્તક પર ધારણ કરી. હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ મછિયાવપુરમાં આ રીતે પોતાના ભક્તજનોને સુખ આપી ચૈત્રી પૂર્ણિમાએ તીર્થયાત્રા અવશ્ય કરવી જોઇએ આ પ્રમાણે પોતાના ભક્તજનોને નિર્દેશ આપી, ત્યાંથી સિદ્ધપુર નામના તીર્થક્ષેત્ર પ્રત્યે જવા નીકળ્યા. તે સમયે સૌવીરદેશના કેટલાક ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની સાથે ચાલ્યા, તેમજ અનેક સંતો તથા દેશદેશાંતરમાંથી શ્રીહરિનાં દર્શને આવેલા ગૃહસ્થભક્તજનો પણ ભગવાન શ્રીહરિની સાથે ચાલ્યા. આ રીતે ચાલતાં ચાલતાં મહાત્મા ભગવાન શ્રીહરિ પૃથ્વીપર પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થક્ષેત્ર એવું, સિદ્ધપુર પધાર્યા.૫૫-૫૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં મછિયાવપુરમાં બ્રાહ્મણ સેવાની ખૂબજ પ્રશંસા કરી તેમાં મરુત્ત આદિ રાજાઓનાં ચરિત્રોનું સંક્ષેપથી વર્ણન કર્યું એ નામે ઓગણચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૯--