અધ્યાય - ૪૫ - જેતલપુરમાં ભગવાન શ્રીહરિનું આગમન.
જેતલપુરમાં ભગવાન શ્રીહરિનું આગમન. વામપંથી કિચક-વિપ્રનું સભામાં આગમન. વિમુખ સાથે વાત કરવામાં પાપ. શિષ્યોએ કરી કીચકની પ્રશંસા. પાપી કીચકનો પરિચય. સાંભળવામાં પણ પાપ લાગે તેવા કૌલમતનું વર્ણન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ શ્રીનગરથી નીકળ્યા પછી ખજૂરી, પીપળી, રાયણ, આંબલી, બોરસળી અને આસોપાલવ આદિ અનેકવિધ વૃક્ષોની ઘટાઓથી શોભતા તેમજ સુંદર દેવસરોવર આદિ જળાશયોથી મનોહર જણાતા જેતલપુર નામના નગરમાં પધાર્યા.૧
હે રાજન્ ! તે સમયે જેતલપુર નિવાસી આશજી, જીવણ, દેવરામ આદિ ભક્તજનો અતિ હર્ષપૂર્વક ભગવાન શ્રીહરિની સન્મુખ ગયા અને તેમની સાથે શ્રીહરિ પુરમાં પધાર્યા.૨
ત્યાં વિશાળ વટવૃક્ષથી શોભતાં તળાવને કાંઠે ભગવાન શ્રીહરિએ સંતમંડળની સાથે પોતાનો ઉતારો કર્યો.૩
ત્યારે દેવરામ, દયારામ, આશારામ, મયારામ, ઉગ્રચંદ્ર તથા બીજા આશારામ આદિ વિપ્રભક્તજનો શ્રીહરિની ખૂબજ સેવા કરવા લાગ્યા.૪
તેમજ આશજી, કાકુજી, ગંગાદાસ, જીવણ, શંકર, મનોહર અને રાજાજી આદિ અનેક શ્રીહરિને વિષે પ્રેમવાળા વૈશ્ય ભક્તો પણ શ્રીહરિ અને સંતોની ખૂબજ સેવા કરવા લાગ્યા.૫
તેમજ રળીયાતા, રક્ષા, રમા, જવેરી આદિ સ્ત્રીભક્તજનો પણ ભાવપૂર્વક શ્રીહરિની સેવા કરવા લાગી.૬
હે રાજન્ ! જેતલપુર નિવાસી સર્વે ભક્તજનોએ ભગવાન શ્રીહરિનો આતિથ્ય સત્કાર કરી ચંદન, પુષ્પ, વસ્ત્રાદિક વડે યથાશાસ્ત્ર પૂજન કર્યું. પછી શ્રીહરિ ત્યાં ભક્તજનોને સુખ આપતા સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા.૭
હે રાજન્ ! ત્યાં ભગવાન શ્રીનારાયણમુનિએ મોટી સામગ્રી ભેળી કરીને શિવસંબંધી મહારૂદ્રયજ્ઞા અને વિષ્ણુ સંબંધી મહાવિષ્ણુયાગના જુદા જુદા ઉત્સવો ઉજવ્યા.૮
હે રાજન્ ! સકલજનોના સ્વામી ભગવાન શ્રીહરિએ બન્ને ઉત્સવોમાં નારદીપુરના નાચિકેતા (નાનાભાઇ) બ્રાહ્મણને તથા આશજીભાઇ, જીવણભાઇ અને અશ્લાલી ગામના વેણીભાઇ નામના શ્રેષ્ઠ વૈશ્ય ભક્તોને કાર્ય પૂર્ણ કરવામાં આગેવાન કર્યા. આ ચારે ભક્તો યજ્ઞાની સામગ્રી ભેળી કરવાથી લઇ, યજ્ઞા સમાપ્તિ સુધીની સારી સેવા કરીને શ્રીહરિને રાજી કર્યા.૯-૧૦
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પણ આવા મોટા યજ્ઞોમાં વિદ્વાન બ્રાહ્મણોની સભા ભરતા અને તેઓનું પૂજન કરી બહુ સન્માન કરતા, તેમજ હજારો ભૂદેવોને ઇચ્છીત મિષ્ટાન્ન ભોજનો જમાડી તૃપ્ત કરતા હતા. વિવિધ પ્રકારની દક્ષિણાઓ અને વસ્ત્રાલંકારો અર્પણ કરી બ્રાહ્મણોને બહુ જ રાજી કર્યા.૧૧-૧૨
હે રાજન્ ! એક વખત પુષ્પવાટિકામાં વિશાળ વટવૃક્ષની નીચે બાંધેલા સુંદર હિંડોળામાં ભક્તજનોએ ભગવાન શ્રીહરિને બેસાડી ઝુલાવવા લાગ્યા, તે સમયે શ્રીહરિની ચારેબાજુ ફરતે સંતો અને ચારે વર્ણના હજારો નરનારીઓ મર્યાદા પ્રમાણે બેઠા.૧૩-૧૪
અને સર્વે ભક્તજનો હિંડોળે ઝૂલતા ભગવાન શ્રીહરિનું કુંકુમ, અગરુ, કસ્તુરી, કપૂર આદિ સુગંધીમાન દ્રવ્યોથી મિશ્ર કરેલા કેસર ચંદનથી પૂજન કર્યું, તથા અખંડિત ધોળા ચોખાઓથી શ્રીહરિને વધાવ્યા. કંઠમાં અનેક વિધ પુષ્પોની માળાઓ ધારણ કરાવી અને હસ્તમાં પુષ્પનો ગુચ્છ અર્પણ કર્યો. અને સોનેરી પુષ્પોના તોરા પાઘમાં ધારણ કરાવ્યા, અને સૂક્ષ્મ તંતુઓથી ગૂંથેલાં સુવાળાં અને મહા અમૂલ્ય વસ્ત્રો શ્રીહરિને ધારણ કરાવ્યાં. રત્નજડિત સુવર્ણના અલંકારો અને મોતીની માળાઓ તેમજ આંગળીઓમાં સુવર્ણની વીંટીઓ શ્રીહરિને ધારણ કરાવી. આવી રીતે બહુપ્રકારના ઉપચારોથી શ્રીહરિનું ભાવથી પૂજન કરી, આરતી ઉતારી વંદન કર્યું.૧૫-૧૮
વામપંથી કિચક-વિપ્રનું સભામાં આગમન :-- હે રાજન્ ! શ્રીહરિએ પૂજાની સમાપ્તિ કરી તે સમયે સત્સંગીની સભામાં શૂદ્રદેવીનો ઉપાસક કોઇ ''કીચક'' નામનો વિપ્ર આવ્યો.૧૯
તેમને વીંટળાઇને મૌનધારી બ્રહ્મચારીના વેષવાળા સિદ્ધજેવા જણાતા ચાર સન્યાસી પણ ચાલ્યા આવતા હતા. તેઓ માધવી નામની મદીરાનું પાન કરેલું હોવાથી આંખો ચકળવકળ થતી હતી. ભાલમાં સિંદૂરનું ત્રિપુંડ્ર તિલક ધારણ કર્યું હતું. કીચકે બન્ને હાથમાં કાલિભૈરવના મંત્રોથી મંત્રેલાં લોખંડનાં કડાં ધારણ કર્યાં હતાં.૨૦-૨૧
સ્ત્રીઓને પહેરવાની લાલ ચૂંદડીના કપડાંનો પટકો મસ્તક ઉપર ફેંટાના આકારે બાંધ્યો હતો. તેમાં છરી ભરાવેલી હતી અને મુખમાંથી મદીરાનો દુર્ગંધ યુક્ત વાયુ નીકળતો હતો. તેથી સંતો હરિભક્તોની સભાના વાતાવરણને દૂષિત કરી રહ્યો હતો.૨૨
તેમણે અષ્ટ પ્રકારની કુલટા સ્ત્રીઓના માસિક સ્રાવમાં નીકળેલાં રક્તમાં કાશ્મીરી કુંકુમને ભેળવી તેનો ભાલમાં ચાંદલો કર્યો હતો. કાનમાં કપાસનાં પૂમડાં ભરાવ્યાં હતાં. મદીરાના ગંધને રોકવા મોઢામાં જીરુ ચાવતો હતો.૨૩
બિલાડીનાં અસ્થિ, ચિતાભસ્મ, ચોવાટાની ધૂળ, લોખંડનો ખીલો, અડદ, વિષ્ટા અને ભાંગેલા ઘડાનાં ઠીકરાં વગેરે અપવિત્ર વસ્તુઓને ભેળી કરી બાંધેલી પોટલીને ગળામાં ધારણ કરી હતી.૨૪
તેલયુક્ત મસ્તકના કાળા કેશને ઊનના સૂત્રથી બાંધ્યાં હતાં. નેત્રોને છેડે હનુમાનજીને ચડેલા તેલ મિશ્રિત કાળી મેષનાં ટપકાં મનુષ્યોને વશ કરવા કર્યાં હતાં.૨૫
ભ્રુકૂટિના મધ્યભાગમાં શીંગડાંના આકારે ત્રિકોણની આકૃતિવાળું સિંદૂરનું તિલક ધારણ કર્યું હતું. કાળભૈરવના મંત્રથી મંત્રેલા અડદને મૂઠીમાં ધારણ કર્યા હતા. દુર્ગંધ મારતાં વસ્ત્રોને ધરી રહેલો અત્યંત ભયંકર અપવિત્ર વેષમાં તે હતો.૨૬
સિંદૂર ચર્ચેલા પરશુની સાથે ક્ષુદ્રદેવતાઓના મંત્રોથી મંત્રેલા લોખંડના ત્રિશૂળને કેડમાં બાંધેલાં વસ્ત્રમાં ખોંસ્યું હતું.૨૭
ભોજપત્રમાં આઠ પ્રકારના ગંધદ્રવ્યોવડે લખાયેલા અક્ષરોવાળા અને મંત્રેલા કાલિયંત્રને મદીરાથી પલાળી, ચોખાથી પૂજન કરી, રેશમીવસ્ત્રમાં ધારણ કર્યું હતું.૨૮
પહોળાં અને લાલ બન્ને નેત્રો બિહામણાં ભયંકર જણાતાં હતાં. પોતાની જાતને સિધ્ધ માનતો મહાગર્વિષ્ટ તેમજ ક્રોધ અને મત્સરરૂપી અગ્નિવડે સર્વે અંગમાં બળી રહેલો તે કિચક શક્તિમાર્ગના મહાવિઘ્નરૂપ ભગવાન શ્રીનારાયણ મુનિને જીતવા માટે તે સભામાં કોઇને પણ પ્રણામ કર્યા વિના બેસી ગયો.૨૯-૩૦
સભામાં બિરાજમાન મહામુનિ મુક્તાનંદ આદિ સંતો સામે વાંકી તથા ક્રૂર દૃષ્ટિથી જોવા લાગ્યો. હું આ નારાયણમુનિને જીતી શકીશ કે નહિ એવી શંકાશીલ મનવાળો ભગવાન શ્રીહરિની સન્મુખ વારંવાર જોવા લાગ્યો.૩૧
વિમુખ સાથે વાત કરવામાં પાપ :-- હે રાજન્ ! આવા પ્રકારના પાપીજનોની સાથે વાત કરવામાં પણ દોષ લાગે છે, એ વસ્તુને યથાર્થ જાણતા સભામાં બેઠેલા ભગવાન શ્રીહરિના આશ્રિત સંતો ભક્તોએ તે કીચકની સાથે કોઇ પણ જાતની વાત કરી નહિ, સૌ ચૂપ બેસી રહ્યા.૩૨
શિષ્યોએ કરી કીચકની પ્રશંસા :-- સભામાં કોઇ બોલ્યું નહિ ત્યારે કીચકના શિષ્યો કહેવા લાગ્યા કે, અહો !!! આ પૃથ્વી પર ચારે તરફ કલિયુગ કેવો વ્યાપી ગયો છે ? કે લોક શાસ્ત્રમાં પ્રશંસા પામેલા સાધુઓ પણ આ સભામાં પધારેલા અમારા ગુરુ જેવા સાક્ષાત્ સિદ્ધપુરુષોનો પણ આદર સત્કાર કરતા નથી.૩૩
અમને તો એમ જણાય છે કે, અમારા ગુરુ જેવા સદ્ગુરુની કૃપા વિના બ્રહ્મદર્શન ક્યાંથી થાય ? અને બ્રહ્મનાં દર્શન વિના આલોકમાં મનુષ્યોને સાચી સાધુતા ક્યાંથી પ્રાપ્ત થાય ?૩૪
અહો !! અમારાં ધન્ય ભાગ્ય છે કે, અમને આવા સાચા મહાન ગુરુની પ્રાપ્તિ થઇ છે. જેમની કૃપાથી અમને અનાયાસે ભુક્તિ અને મુક્તિની નિત્ય પ્રાપ્તિ થાય છે.૩૫
હે રાજન્ ! આ પ્રમાણે કીચકના શિષ્યોનાં વચનો સાંભળી તે કીચક જેવા દુષ્ટ અધર્મી પુરુષોએ પ્રવર્તાવેલા અધર્મનો ઉચ્છેદ કરવા માટે પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિ મંદમ ંદ હાસ્ય કરતા કહેવા લાગ્યા કે, તમે બધા કોણ છો ? તમારી જાતિ કઇ છે ? તમે ક્યાંથી આવ્યા છો ? અહીં આવવાનું તમારું પ્રયોજન શું છે ? તમે કયા દેવતાની ઉપાસના કરો છો ? તમારું પ્રિય શાસ્ત્ર કયું છે ?.૩૬-૩૭
હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી તેમને જીતીને પરાભવ કરવાની મનમાં ઇચ્છા રાખતો કીચક પોતાના મનમાં થોડીવાર સુધી વિચાર કરવા લાગ્યો કે, અહો !!! આશ્ચર્યની વાત છે, મંદબુદ્ધિના મનુષ્યો જ આ સ્વામિનારાયણને પરમેશ્વર કહે છે. પરંતુ ઇશ્વર સર્વજ્ઞા હોય છે. તે બધું જાણી જતા હોય છે. પણ આ સ્વામિનારાયણ તો હું લોકમાં અતિશય પ્રસિદ્ધ છું છતાં એ મને જાણતા નથી.૩૮-૩૯
આ લોકમાં અતિશય પ્રતાપથી પ્રસિદ્ધ મને નાના બાળકો પણ ઓળખે છે. છતાં પણ આ સ્વામિનારાયણ મને ઓળખતા નથી. તેથી તેમની પાસે કોઇ પણ પ્રકારનું ઐશ્વર્ય હોય તેમ મને લાગતું નથી.૪૦
હાશ..... હવે મને આનો કોઇ ભય રહ્યો નથી. કે એ ભગવાન હશે, એથી ચામુંડાદેવીની કૃપાથી અને મહાન કૌલાવર્ણતંત્રથી અત્યારે જ તેમને હું જીતી જઇશ.૪૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કીચક મનમાં વિચાર કરી પોતાનું નામ ઠામ વગેરે પ્રશ્નોના જવાબ આપવા પોતાના શિષ્યોને નેત્રોની શાનથી પ્રેરણા કરી. તે સમયે કીચકના શિષ્યો અતિશય આનંદમાં આવી સમગ્ર વિશ્વના સ્વામી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા.૪૨
પાપી કીચકનો પરિચય :-- કીચકના શિષ્યો કહે છે, હે સ્વામિન્ ! આ બધા સંન્યાસીઓ કૌલાગમ શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી મહાદીક્ષા અને મહાપાનનો પ્રચાર કરનારા ગુરુઓ છે. કૌલધર્મનું પ્રવર્તન કરતા હોવાથી કુલયોગી નામથી પ્રસિદ્ધ આ સર્વે મહાસિદ્ધો બ્રહ્મસ્થિતિને પામેલા છે.૪૩
મૌન વ્રતધારી આ સન્યાસીઓ દિવસ દરમ્યાન કોઇ સભામાં કોઇ પણ મનુષ્યની સાથે વાર્તાલાપ કરતા નથી. તેથી અત્યારે તમારી સાથે નહિ બોલે, પરંતુ રાત્રે સાક્ષાત્ પ્રગટ થયેલી મહાશક્તિ એવી મહાકાલિદેવીની સાથે જ માત્ર વાર્તાલાપ કરી તેને આનંદિત કરે છે.૪૪
આવા ગુરુઓની પ્રસન્નતાથી અમે સર્વે કૌલાર્ણવતંત્રના રહસ્યને જાણનારા સિદ્ધપુરુષો પણ પ્રસિદ્ધિને પામેલા છીએ. એવા મહાન અમારા અને મોટા મોટા રાજાઓના પણ આ કીચક ગુરુરાજ છે. તે કૌલમાર્ગ તંત્રના એક અદ્વિતીય પ્રકાશક અને આશરે એકહજાર જેટલી કુલસ્ત્રીઓની યોનિના પૂજક તથા એથી જ મહાસામર્થીને પામેલા અને દિવસના દરેક પહોરે દેવીને નિવેદિત કરેલી મદીરાનું પાન કરનારાઓમાં અગ્રેસર એવા ગુરુના તે શિષ્ય છે. એવા સ્વયં આ અમારા ગુરુ કીચક રાત્રી દિવસ ચાર વાર મદીરાપાન કરે છે.૪૫-૪૬
હે સ્વામિનારાયણ ! આવા અમારા ગુરુ કીચકની કૃપા દૃષ્ટિથી ઘણા બધા રાજાઓએ તેમનો આશ્રય કર્યો તે જ ક્ષણથી તેઓ બ્રહ્મદર્શન મહાઆનંદ અને સર્વત્ર સમદૃષ્ટિ પામ્યા છે.૪૭
અમારા ગુરુ આ કીચક સમગ્ર સિદ્ધોના સ્વામી છે. પંચ મકારના ઉપદેશક છે. કૌલતંત્રના રહસ્યને જાણનારા છે. કૌલમાર્ગના આશ્રિતોના તે ઉધ્ધારક છે. તેમના જેવો પુરુષ અત્યારે આ પૃથ્વી પર બીજો કોઇ જ નથી.૪૮
સૂર્યની સમાન તેજસ્વી અમારા આ ગુરુ કીચકને પૃથ્વીપરના સર્વે મનુષ્યો ઓળખે છે. અને ભગવાનપણે પૂજાતા આ જગતમાં પ્રસિધ્ધ તમે તેને ઓળખતા નથી ? એ અતિશય આશ્ચર્યની વાત છે.૪૯
હે સ્વામિનારાયણ ! અમે સાક્ષાત્ ત્રિપુર સુંદરી દેવીની ઉપાસના કરીએ છીએ અને સર્વે શાસ્ત્રોમાં શિરોમણિ એવા કૌલાર્ણવ તંત્રશાસ્ત્ર એ અમારું પ્રમાણભૂત શાસ્ત્ર છે.૫૦
અમારો મત સર્વ કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે, બીજા મતો માને છે કે યોગી હોય તે ભોગી ન થઇ શકે અને ભોગી હોય તે યોગી ન થઇ શકે. પરંતુ અમારો કૌલમત તો યોગ અને ભોગ બન્નેની સાથે સિદ્ધિ કરી આપતો હોવાથી સર્વ મત કરતાં અત્યંત શ્રેષ્ઠ છે.૫૧
આ પૃથ્વી પર મનુષ્યો શૈવમત, વૈષ્ણવમત, બૌદ્ધમત અને સાંખ્યમત આદિ અનેક મતનો આશ્રય કરી ભાવથી તેનું રાત્રી દિવસ ભજન કરે છે. પરંતુ તે વૃથા છે.૫૨
પરંતુ અમારો કૌલમત તો સર્વે પુરુષાર્થને તત્કાળ આપનારો છે. જે મનુષ્યોને પૂર્વનાં પાપના સમૂહો નડતા હોય તેને જ શૈવ, વૈષ્ણવાદિ મતોમાં રુચિ થાય છે. પરંતુ જ્યાં સુધી તે મનુષ્યો કૌલમતનો આશ્રય કરી તેનું સેવન નહીં કરે ત્યાં સુધી સદ્ગતિ થવાની જ નથી.૫૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આવા પ્રકારનાં કીચક શિષ્યોનાં વચનો સાંભળી તે કીચકના કૌલમતનો વિનાશ કરવામાં અત્યંત પ્રવીણ ભગવાન શ્રીનારાયણમુનિ તેમનો મત જાણવા જિજ્ઞાસુની જેમ કીચક શિષ્યોને તેમનો સિધ્ધાંત પૂછવા લાગ્યા.૫૪
શ્રીહરિ કહે છે, હે ચારવખત મદિરાપાન કરનારાઓ ! તમારી આ વાણી અમને જે સંભળાવી તે તો અપૂર્વવાણી છે. અમને આવું ક્યારેય સાંભળવા મળ્યું નથી. તેથી તમે પ્રમાણે યુક્ત તમારો સિદ્ધાંત અને તેનું ફળ અમને સંભળાવો. આ રીતે જિજ્ઞાસુનું નાટક કરીને પૂછયું તેથી કીચક શિષ્યોને થયું કે સ્વામિનારાયણને આપણા મતમાં ખૂબજ રુચિ લાગે છે. તેથી તેઓ કહેવા લાગ્યા.૫૫
કીચક શિષ્યો કહે છે, હે સ્વામિન્ ! અમે પૂર્વે લોકોના મુખે એવું સાંભળ્યું હતું કે, તમે શાક્તમતના મહા દ્વેષી છો, પરંતુ તમારી વાત પરથી અમને એમ જણાય છે કે તમે ખરેખર જિજ્ઞાસુ છો.૫૬
તમે જે વિષય સંબંધી પ્રશ્ન કર્યો છે, તેતો અતિશય ગુપ્ત રહસ્ય છે તે રહસ્યને ક્યાં પ્રગટ કરવું અને ક્યાં ન કરવું તે ગુરુકૃપાથી અમે બરાબર જાણતા હોવાથી આ મનુષ્યોથી ભરપૂર સભામાં તે રહસ્યને અમે કેવી રીતે પ્રગટ કરી શકીએ ?.૫૭
છતાં પણ જો તમારા પ્રશ્નનો ઉત્તર અમે ન આપીએ તો તમારા આશ્રિતો અમને મૂર્ખ સમજે, અને અમારા ગુરુ કીચકની અલ્પજ્ઞાતા જાહેર થાય.૫૮
તથા નિર્વિકલ્પ સમાધિદશાને પામેલા સર્વજ્ઞા તેમજ મદ્યપાન કરનારા ગુરુઓમાં ઉત્તમગુરુ એવા સિદ્ધપુરુષો પણ અજ્ઞાની ઠરે.૫૯
તેથી કૌલાગમ શાસ્ત્રસંમત અમારા સિદ્ધાંતનું તમારી આગળ યથાર્થ વર્ણન કરશું, તેનું શ્રવણ કર્યા પછી આ સભામાં બેઠેલા તમારા અનુયાયીઓને કે તમને પણ અમારા મતમાં શ્રદ્ધા ઉત્પન્ન થશે.૬૦
તમે શાસ્ત્રના જ્ઞાતા વિદ્વાન છો, તેથી તમને શાસ્ત્રોનાં વચનો વિના અમારા મતમાં પ્રતીતિ નહીં આવે. માટે કૌલાગમ શાસ્ત્રમાં કહેલા અને શંકરે પાર્વતીજી પ્રત્યે વર્ણન કરેલા એવા અમારા મતનું પોષણ કરતાં કેટલાંક વાક્યો આપની સમક્ષ રજૂ કરીએ છીએ.૬૧
સાંભળવામાં પણ પાપ લાગે તેવા કૌલમતનું વર્ણન :-- બ્રહ્મજ્ઞાન વિના મનુષ્યોની મુક્તિ થતી નથી, તેથી બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિનો સમસ્ત ઉપાય તથા વિધિ વિધાન અમારા ઊર્ધ્વામ્નાય ગ્રંથ થકી જાણવો.૬૨
ત્રણ વસ્તુ અલ્પ તપના ફળથી મળતી નથી. એક ઊર્ધ્વામ્નાય ગ્રંથમાં પ્રવેશ પ્રાપ્ત થવો, બીજું પરાપ્રસાદનું ચિંતવન થવું અને ત્રીજુ મહાષોઢાનું પરિજ્ઞાન થવું, આ મહાતપનું ફળ છે. તેમાં પરા શબ્દ અને મહા શબ્દ છે તે કૌલાગમમાં રહેલા મંત્રોના વાચક શબ્દો છે.૬૩
નારીનું મુખ જોવાની સાથે મદ્યપાન કરવું અને માંસનું ભક્ષણ કરવું, આવું આચરણ છે તે જ જપનીય છે, પરા પ્રાપ્ય છે, પરંપદ પણ એ જ છે.૬૪
આનંદ એજ બ્રહ્મનું રૂપ છે. તેનો આ શરીરમાંજ નિવાસ છે, તેને બહાર પ્રગટ કરવાનું સાધન મદ્યપાન છે, અને તેથી જ તે આનંદ લૂંટવા યોગી પુરુષો મદ્યનું પાન કરે છે.૬૫
માટે બ્રાહ્મણોએ મદ્યપાન હમેશાં કરવું. ક્ષત્રિયોએ રણમેદાનમાં ઉતરતી વખતે મદ્યપાન કરવું, વૈશ્યોએ ધન ઉપાર્જનના સમયે મદ્યપાન કરવું અને શૂદ્રોએ પોતાના પિતા આદિના અંતિમ વિધિ કરવાના સમયે મદ્યપાન કરવું.૬૬
દેવીશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે દેવતાઓ કે પિતૃઓનું પૂજન કરી પોતાના દીક્ષાગુરુનું સ્મરણ કરતાં કરતાં મદ્યનું પાન કરે અથવા માંસનું ભક્ષણ કરે તો તે પુરુષને પાપ લાગતું નથી.૬૭
''દેવતાભ્યઃ પિતૃભ્યશ્ચ મધુવાતાઋતાયતે ।
સ્વાદિષ્ટયા મદિષ્ઠયા ક્ષીરં સર્પિર્મધૂદકમ્ '' ।। સદ્યે દીક્ષયતિ.
ઇત્યાદિ શ્રુતિઓ છે તે કૌલમાર્ગમાં પ્રમાણભૂત છે. તેથી દેવતાઓને નિવેદન કરીને કરેલું મદ્ય માંસનું ભક્ષણ શુભ અને નિર્દોષ મનાયેલું છે.૬૮-૬૯
પત્ર, પુષ્પ, અંકુર, ફલ, મૂલ, વલ્કલ, ધાન્ય, રસ, વૃક્ષ અને લતામાંથી બનેલું મદ્ય દશ પ્રકારનું કહેલું છે.૭૦
ફણસના તેમજ દ્રાક્ષના ફળમાંથી બનેલું, મહુડાના ફુલમાંથી બનેલું, ખજૂર, તાડનાં ફળ અને ગોળમાંથી બનાવેલું, સીરવૃક્ષમાંથી બનાવેલું, અરીઠામાંથી બનાવેલું, ધાત્રી અને ધાવડીમાંથી બનાવેલું તેમજ નાળિયેરના ફળમાંથી બનાવેલું. આ પ્રમાણે અગિયાર પ્રકારનું મદ્યપાન કરવામાં આવે તો તે ભુક્તિ અને મુક્તિ બન્નેની પ્રાપ્તિ કરાવે છે. તથા બારમું સુરામદ્ય છે. તે સર્વ પ્રકારના મદ્યની મધ્યે અતિશય ઉત્તમ પ્રકારનું મદ્ય મનાયેલું છે.૭૧-૭૨
હે દેવી ! મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન આ પંચમકાર છે તે દેવતાઓને પ્રસન્ન કરવાનાં મુખ્ય સાધન છે.૭૩
ગાય, મનુષ્ય, હાથી, અશ્વ, પાડો, ભુંડ, બકરો અને મૃગલો, આટલા પ્રાણીઓનો વધ કરવાથી પ્રાપ્ત થતું માંસ, તેને અષ્ટ પ્રકારનું મહામાંસ કહેલું છે. તેનાથી દેવતાઓ બહુ જ પ્રસન્ન થાય છે.૭૪
કુલાષ્ટક કે અકુલાષ્ટક રજસ્વલા સ્ત્રીને પૂજા માટે પ્રથમ આમંત્રણ આપી બોલાવવી પછી તેનું આહ્વાન કરવું પછી અભ્યંગ સ્નાન કરાવી શુદ્ધ કરી તેને આસન ઉપર બેસાડવી.૭૫
તેમાં જંગલીની, મોચીની, માતંગનામના ચંડાળની, પુલકસજાતિની, શ્વપચ, ખાટકી, ઢીમર અને વેશ્યા આ આઠ પ્રકારની સ્ત્રીઓને કુલાષ્ટક કહેવાય છે. તથા કંબુક જાતિની, કલાલની, શસ્ત્રો વહેંચી આજીવિકા ચલાવનારની સ્ત્રી, રંગકારની, ધોબીની, શિલ્પકારની અને કોસટની આ આઠ પ્રકારની અકુલાષ્ટક સ્ત્રીઓ કહેલી છે. ઉપરોક્ત કુલાષ્ટક અને અકુલાષ્ટકની સ્ત્રી જો રજસ્વલા થયેલી ન મળે તો મુખ્ય ચારવર્ણની રજસ્વલા સ્ત્રીમાંથી કોઇને આમંત્રણ આપી તેનું પૂજન કરવું.૭૬-૭૮
ત્યારપછી પરસ્પર એકબીજાની અનુમતિથી પરસ્પર એકબીજાના મુખ જોડીને મદ્યપાન કરવું અને તે પણ કંઠ સુધી ધરાઇને કરવું. આવી રીતે મદ્યપાન કરનારો પુરુષ મુક્ત થઇ બ્રહ્મભાવને પામી જાય છે. તેમાં કોઇ સંશય નથી.૭૯
આમ એકવાર મદ્યપાન કરી, બીજીવાર મદ્યપાન કરી ફરી ત્રીજીવાર મદ્યપાન કરવું. આવી રીતે પુનઃપુનઃ મદ્યપાન કરતાં કરતાં પૃથ્વી પર પડી ન જાય ત્યાં સુધી મદ્યપાન કરવું, વળી પૃથ્વી પરથી ઊભા થઇને ફરી મદ્યપાન કરવું, આમ ચોથીવાર મદ્યપાન કરતા પુરુષને સંસારમાં ફરીવાર જન્મ ધારણ કરવો પડતો નથી.૮૦
આ રીતે બહુવાર મદ્યપાન કરી જેટલો આનંદ લે છે તેટલી મહાદેવી ત્રિપુરસુંદરી વધુ તૃપ્તિ અનુભવે છે. અને જો મદ્યપાન કરીને મૂર્છા આવી જાય તો ભૈરવ મહાતૃપ્તિને અનુભવે છે. આ રીતે મદ્યપાન કર્યા પછી જો ઉલટી થઇ જાય તો સર્વે દેવતાઓ તૃપ્તિને પામે છે. તેથી આ ત્રણનું અવશ્ય આચરણ કરવું.૮૧
સ્ત્રીએ જમતાં છોડેલું એઠું પુરુષ પોતે ભક્ષણ કરે, પરંતુ પોતાનું એઠું સ્ત્રીઓને ન આપે. આટલું કર્યા પછી સ્ત્રીની યોનિનું પૂજન કરી તેની સાથે ઇચ્છાનુસાર ક્રીડા કરે અને ત્યારપછી પુરુષે યોગ્યાયોગ્યનો વિચાર કરી કોઇ છોછ રાખવો નહિ, તે સમયે જે કરવાની ઇચ્છા થાય તેમ કરવું તે જ શાસ્ત્ર માન્ય સંપત્તિ છે. એમ પરમેશ્વર શિવજીની આજ્ઞા છે.૮૨-૮૩
શિવજી કહે છે, હે પાર્વતી ! હું યોનિ અને લિંગના સંયોગથી ઉત્પન્ન થયેલા વિર્યામૃતનું પાન કરી જેવો પ્રસન્ન થાઉં છું. તેવો હજારો મદ્યના ઘડાઓ અર્પણ કરે કે માંસનું મહાનૈવેદ્ય અર્પણ કરે છતાં તેવો પ્રસન્ન થતો નથી.૮૪
હે દેવોની ઇશ્વરી ! પોતાની બહેન, પુત્રી કે પત્નીનું દાન મદ્યનું પાન કરી મદોન્મત્ત થયેલા કુલયોગીને જે પુરુષ અર્પણ કરે છે. તે પુરુષના પુણ્યની કોઇ ગણના કરી શકાય તેમ નથી.૮૫
મદ્યપાનના મદથી મંદમંદ ચાલતી, યુવાનીથી ઉન્મત્ત જણાતી, વસ્ત્ર વિનાની અને સર્વ અલંકારોથી અલંકૃત કરેલી એવી પોતાના ભાઇની પત્ની અથવા પુત્રવધૂ અથવા પોતાની માતા અથવા પોતાના ભાઇની પુત્રીને કોઇ પણ જાતનો સંકલ્પ કર્યા વિના સ્વયં પૂજા કરનારો પુરુષ ગુરુને પ્રણામ કરી તેના ઉપભોગ માટે અર્પણ કરે. ત્યારપછી સમાગમથી ગુરુને થયેલા પરિશ્રમને શાંત પાડવા વીંઝણાથી વાયુ ઢોળતો ઊભો રહે. ત્યારપછી તે બન્નેના સમાગમથી બન્નેના ગુહ્ય અંગમાંથી જે વીર્ય અને રજ દ્રવ્યનો સ્રાવ થાય તે પૂજકે સુરાપાત્રમાં કે હાડકાંના પાત્રમાં ગ્રહણ કરી લેવું, પછી તેનાવડે અંગ દેવતા, આવરણ દેવતા અને મહાકાલી રૂદ્રદેવતા સહિત મહાકાલિકાદેવીનું પૂજન કરવું. પછી બાકી રહેલું દ્રવ્ય સાધકજનોને આપવું અને તેમાંથી પણ બાકી રહેલું મંત્રે સહિત પૂજન કરનાર સાધકે પાન કરવું.૮૬-૮૯
હે દેવી ! આ પ્રમાણેના કર્મ કરવામાં લોક નિંદાથી ભય નહિ પામનારો વીરપુરુષ માત્ર એક ગુરુના વચનમાં વિશ્વાસ રાખી પોતાના નિયમમાં દૃઢ રહીને નિત્યકર્મ, નૈમિતિકકર્મ અને કામ્યકર્મનું અનુષ્ઠાન પૂર્વોક્ત વિધિપૂર્વક કરે છે, તે પુરુષ મારા અવિનાશી પદને પ્રાપ્ત કરે છે. તેમજ તે પુરુષ જીવનમુક્ત તથા સર્વ ઐશ્વર્યસંપન્ન થઇ આલોક તથા પરલોકમાં વિહરે છે. તેની ગતિને કોઇ રોકી શકતું નથી.૯૦-૯૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણેનાં મદ્યનુપાન કરનારા કીચક શિષ્યોનાં ન સાંભળવા યોગ્ય દુર્વચનો સંભળાઇ જાય નહિં તેથી સભામાં બેઠેલા સંતો ભક્તોએ પોતાના બન્ને હાથની આંગળીઓ કાનમાં ભરાવી દીધી, પણ તેનાં દુર્વચનો સાંભળ્યાં નહિ. પરંતુ ભગવાન શ્રીહરિ તે સાંભળીને હસતાં હસતાં કીચક શિષ્યોને કહેવા લાગ્યા.૯૨
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં જેતલપુરમાં શૂદ્ર શક્તિપંથના ખંડનમાં પૂર્વ પક્ષપણે કીચક શિષ્યોના બોલાયેલા કૌલમતનું નિરૂપણ કર્યું એ નામે પીસ્તાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૫--