અધ્યાય - ૫૦ - શ્રીહરિનું ચરોતર તથા કાનમદેશનાં ગામોમાં વિચરણ.
શ્રીહરિનું ચરોતર તથા કાનમદેશનાં ગામોમાં વિચરણ. ભવ્ય સ્વાગત સાથે શ્રીહરિની સુરતમાં પધરામણી. શ્રીહરિની રાજદરબાર-આદિકમાં પધરામણી.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ચરોતર પ્રદેશનાં દરેક ગામોમાં શ્રીહરિના આશ્રિત નરનારીઓ રહેતાં હતાં, તેમનાં ગામોમાં જઇ શ્રીહરિ સર્વે ભક્તજનોને પોતાનાં દર્શન આદિનું ખૂબજ સુખ આપતા હતા.૧
આ રીતે શ્રીહરિ મહી નદીને ઉતરી કાનમ દેશના ભક્તજનોના ગામોમાં રહી સર્વેને સુખ આપતા ભરૂચ શહેરમાં પધાર્યા.૨
હે રાજન્ ! બન્ને દેશનાં ગામોમાં સર્વૈશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિએ વિચરણ કર્યું તેમાં કોઇ ગામમાં એક દિવસ, કોઇમાં બે દિવસ, કોઇ ગામમાં અર્ધો દિવસ, કોઇમાં આઠ દિવસ અને કોઇ ગામમાં પંદર દિવસ નિવાસ કર્યો.૩
શ્રીહરિ જે જે ગામોમાં રહેતા હતા તે તે ગામોમાં સત્શાસ્ત્રોનાં પ્રમાણવાળા વચનામૃતોથી ભાગવતધર્મનું સ્થાપન કરતા અને તેના શત્રુ અધર્મને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેતા હતા. આ રીતે સૌને સુખી કરતા હતા.૪
હે રાજન્ ! શ્રીહરિ તે ગામોના નિવાસ દરમ્યાન કોઇ ગામમાં મહારૂદ્ર, તો કોઇ કોઇ ગામમાં વિષ્ણુયાગ અને કોઇ ગામમાં ગાયત્રીનું પુરશ્ચરણ અને કોઇમાં લક્ષ્મીસૂક્તનું પુરશ્ચરણ કરાવતા હતા. કોઇમાં વિષ્ણુસહસ્ર, નારાયણકવચ અને શ્રીમદ્ભગવદ્ગીતા આદિનાં પુરશ્ચરણ કરાવતા હતા.૫-૬
હે રાજન્ ! કોઇ ગામમાં શ્રીહરિએ વેદપારાયણ અને કોઇ ગામમાં શતરુદ્રિ, કોઇ ગામમાં શ્રીમદ્ ભાગવતનું પુરશ્ચરણ કરાવ્યું, કોઇ ગામમાં માત્ર દશમસ્કંધનું અને કોઇ ગામમાં શ્રીવાસુદેવમાહાત્મ્યનું પુરશ્ચરણ કરાવ્યું.૭-૮
ભવ્ય સ્વાગત સાથે શ્રીહરિની સુરતમાં પધરામણી :-- હે રાજન્ ! પૃથ્વી પર એકાંતિક ધર્મની પ્રવૃત્તિ કરવા માટે નિરંતર વિચરણ કરી રહેલા સ્વતંત્ર ભગવાન શ્રીહરિ પોતાના સુરત શહેરના ભક્તજનોની પ્રાર્થના સાંભળી, રેવાનદી ઊતરી, તાપી નદીને કિનારે સુરત શહેરને વિષે વિક્રમ સંવત ૧૮૬૬ ના વૈશાખ સુદ બીજને દિવસે પધાર્યા.૯
તે સમયે સુરત શહેરના ભક્તજનો ભગવાન શ્રીહરિ પોતાના શહેરમાં પધારી રહ્યા છે તેવા સમાચાર સાંભળતાની સાથે આનંદમાં આવી ગીત વાજિંત્રોના મધુર સ્વરની સાથે દશેદિશાઓને ગજવતા અનેક પ્રકારના દર્શનીય રથ આદિ વાહનો લઇ શ્રીહરિની સન્મુખ પધાર્યા.૧૦
હે રાજન્ ! સુરતના ઇન્દ્રસેન મહારાજાના મંત્રીવર્ય અરદેશરજી પણ ભગવાન શ્રીહરિની સેવા સિવાય સર્વે કામોને મૂકી તત્કાળ પોતાના મોટા ભાઇ પારસી પિલુ સાહેબ તથા અન્ય રાજકીય મહાનુભાવોની સાથે શ્રીહરિને પોતાના નગરમાં લઇ આવવા રાજાએ મોકલેલી ચતુરંગીણી સેનાને સાથે લઇ વિવિધ પ્રકારનાં બેન્ડવાંજાઓનો ધ્વનિ કરતા કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા.૧૧
ત્યારે તેમની સાથે રાજઆશ્રિત મોટા મોટા શાસ્ત્રવેત્તા વિદ્વાન બ્રાહ્મણો તથા અન્ય ભૂદેવો પણ શ્રીહરિની સન્મુખ પધાર્યા. સર્વે જનો નગરની સમીપે જ પધારેલા ભગવાન શ્રીહરિને જોઇને એકાએક દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૧૨
હે રાજન્ ! શ્રીહરિ પણ સન્મુખ આવેલા સર્વેને યથાયોગ્ય માન આપી, સુંદર ચાલવાળા ઊંચા ઘોડા ઉપર વિરાજમાન થઇ, સર્વે પુરવાસી ભક્તજનોને આશ્ચર્ય અને આનંદ ઉપજાવતા થકા વાજતે ગાજતે નગરમાં પ્રવેશ કર્યો. ત્યારે નગરના જનો શ્રીહરિને નમસ્કાર કરવા લાગ્યા.૧૩
પછી અરદેશરજી આદિ ભક્તજનોએ અનંત વૃક્ષોથી શોભાયમાન વિશાળ વાડીમાં રહેલા શોભાયમાન મોટા મહેલમાં ભગવાન શ્રીહરિ તથા સાથે પધારેલા સર્વે સંતો, પાર્ષદો, ભક્તોને યથાયોગ્ય નિવાસ કરાવ્યો.૧૪
ત્યારપછી સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિનો આતિથ્ય સત્કાર કરી આદરપૂર્વક સેવા કરવા લાગ્યા. તેમાં આંબારામ આદિક વિપ્ર ભક્તજનો તથા ભાલચંદ્ર, ગિરિધર, ગોવિંદ, યાદવ, ભીખાભાઇ, મોતીભાઇ, લક્ષ્મીચંદ્ર, નરોત્તમ અને ભગવાનજી વગેરે અનંત વૈશ્ય ભક્તજનો હતા તે પોતાના માનવજન્મને સફળ કરવા માટે ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૧૫-૧૭
તેવી જ રીતે મહાલક્ષ્મી, જીવંતી, લાડુ, દેવિકા આદિ અનંત સ્ત્રી ભક્તજનો પણ શ્રીહરિની ભાવથી સેવા કરવા લાગી.૧૮
સુરતવાસી સર્વે ભક્તજનોએ સુવર્ણનાં આભૂષણો, અનેક પ્રકારનાં સુંદર વસ્ત્રો, છત્ર, ચામર, સુગંધીમાન પુષ્પની માળાઓ અર્પણ કરી પછી મહાઆરતી ઉતારી ભગવાન શ્રીહરિની પૂજા કરી, પછી અનેક પ્રકારનાં ભક્ષ્ય, ભોજ્યાદિ પક્વાન્નો તથા વિવિધ પ્રકારનાં શાકો જમાડી ભગવાન શ્રીહરિ તથા સંતોને તૃપ્ત કર્યા.૧૯-૨૦
શ્રીહરિની રાજદરબાર-આદિકમાં પધરામણી :-- હે રાજન્ ! ભગવાન શ્રીહરિ બીજે દિવસે અક્ષયતૃતીયા હોવાથી પોતાના ભક્તજનો દ્વારા ભગવાન શ્રીપરશુરામનો પ્રાદુર્ભાવ મહોત્સવ ઉજવ્યો.૨૧
સમ્રાટ એવા મુંબઇના ગવર્નરે સુરત શહેરના શાસન ઉપર નિયુક્ત કરેલા ઇન્દ્રસેન રાજાએ સુંદર અશ્વો જોડેલા રથ આદિ વાહનો મોકલાવીને સંતમંડળ સહિત શ્રીહરિની મોટા સન્માન સાથે પોતાના કોટમાં પધરામણી કરાવી. નૂતન વસ્ત્રો ધન અને આભૂષણો અર્પણ કરી મોટા ઉપચારો વડે પૂજા કરી.૨૨-૨૩
ત્યારે ઇન્દ્રસેન મહારાજાના મંત્રીઓ અને શ્રીહરિના ભક્તો એવા અરદેશરજી કોટવાળ વગેરે રાજકીય પુરુષોએ પણ અતિ આદરપૂર્વક પોતાના ભવનમાં ભગવાન શ્રીહરિની પધરામણી કરાવી, તે સમયે પોતાના મોટા ભાઇ પિલુ સાહેબની સાથે અરદેશર તથા અન્ય મંત્રીઓએ પણ અમૂલ્ય એવાં બહુ પ્રકારનાં વસ્ત્રાલંકારો અને દ્રવ્ય અર્પણ કરી ચંદન, પુષ્પાદિકે કરીને ભગવાન શ્રીહરિની મહાપૂજા કરી.૨૪-૨૫
હે રાજન્ ! શ્રીહરિ સાથે દ્વેષ કરનારા સુરત શહેર નિવાસી કેટલાક વૈષ્ણવો હતા તેઓ કાંઇક ઉપદ્રવ કરવા ઇચ્છતા હતા પણ શ્રીહરિના અતિશય પ્રતાપથી કાંઇ પણ ઉપદ્રવ કરી શક્યા નહિ.૨૬
આ રીતે ભગવાન શ્રીહરિ તે સુરત શહેરમાં ભાગવતધર્મનું સ્થાપન કરવા માટે પોતાનાં શાસ્ત્રીય અમૃત વચનોથી પુરવાસી જનોમાં રહેલાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કર્યો.૨૭
હે રાજન્ ! સમર્થ ભગવાન શ્રીહરિએ પોતાને પ્રાપ્ત થયેલાં અમૂલ્ય વસ્ત્રો, આભૂષણો અને પુષ્કળ ધન અતિ પ્રસન્ન થઇ સુરતના બ્રાહ્મણોને દાનમાં આપી દીધું.૨૮
હે રાજન્ ! આ રીતે પૃથ્વીપર વિચરણ દરમ્યાન નરાકૃતિ ધરનાર પરબ્રહ્મ પરમાત્મા શ્રીસ્વામિનારાયણ ભગવાનની જે જે ગામ કે નગરમાં પધરામણી થઇ અને તેમની પૂજા થઇ ત્યાં સર્વત્ર પોતાના ભક્તોએ અર્પણ કરેલ મહાધન વસ્ત્રાદિક વડે તે સર્વ સ્થળના બ્રાહ્મણોની દરિદ્રતા વિલીન થઇ ગઇ.૨૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સુરત શહેરમાં ભવ્ય પધરામણી અને રાજા તથા મંત્રીઓ દ્વારા થયેલી મહાપૂજાનું વર્ણન કર્યું એ નામે પચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૫૦--