અધ્યાય - ૪૦ - શ્રીહરિએ રાજાઓના પૂછવાથી વિદુરનીતિનો આપેલો ઉપદેશ.
શ્રીહરિએ રાજાઓના પૂછવાથી વિદુરનીતિનો આપેલો ઉપદેશ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ઉદારકીર્તિવાળા ભગવાન શ્રીહરિ સાયંકાળે ફરી બહાર વેદિકા ઉપર સિંહાસન પર વિરાજમાન થયા. તે સમયે સર્વે સંતો તથા દેશાંતરમાંથી પધારેલા સર્વે નર-નારી ભક્તજનો પણ હર્ષપૂર્વક સભામાં આવી યથાયોગ્ય સ્થાને બેઠા.૧
ત્યારપછી વાસુદેવનારાયણની સંધ્યાઆરતી થઇ, દર્શન કરી, નારાયણ ધૂન્ય કરી, ફરી ભગવાન શ્રીહરિ સિંહાસન ઉપર વિરાજમાન થઇ, વિનયથી પોતાને નમસ્કાર કરી રહેલા ભક્તજનોને નિહાળવા લાગ્યા. સર્વે ભક્તજનો સુસંસ્કારી હતા. છતાં ફરી સજ્જન ભગવદ્ભક્તોનો માર્ગ તેમને સમજાવવાની ઇચ્છાથી શ્રીહરિ મધુર વચનો કહેવા લાગ્યા.૨
શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! તમે સર્વે પ્રગટ પ્રમાણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનના ઉપાસક છો. અહિંસા આદિ યમ નિયમે યુક્ત છો, ગૃહસ્થ અને ત્યાગી તમે સર્વે પોતપોતાના વર્ણાશ્રમ ધર્મનું યથાર્થ પાલન પણ કરો છો.૩
હે ભક્તજનો ! આ સભામાં બેઠેલા કોઇ પણ મારા આશ્રિત ભક્તજનોને કાંઇ પણ પૂછવું હોય તો નિર્ભય થઇને પૂછી શકો છો. તમારા જીવનમાં તમને કોઇ પણ જાતનો સંશય રહેવો જોઇએ નહિ.૪
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પ્રશ્ન પૂછવાની પ્રેરણા કરી તે સમયે સભામાં બેઠેલા રાજાઓ, પુંજાજી, વસ્તોખાચર, સુરોખાચર, હેમંતસિંહ વિગેરે ક્ષત્રિય ભક્તજનોએ મંત્રણા કરીને આ પ્રશ્ન પૂછવો એવો નિર્ણય કર્યો. પછી બન્ને હાથજોડી નમસ્કાર કરીને ભગવાન શ્રીહરિ પ્રત્યે સકલ જનોના હિતને માટે પ્રશ્ન પૂછવા લાગ્યા.૫-૬
રાજાઓ પૂછે છે, હે સ્વામિન્ ! હે જગદ્ગુરુ ! અમે સર્વે રાજાઓ તથા સર્વે પ્રજાજનો નિરંતર પ્રવૃત્તિધર્મમાં રહેલા છીએ. અને તમારો આશ્રય પણ સ્વીકાર્યો છે.૭ તમારું શરણું સ્વીકારનારા અમો સર્વેને પ્રવૃત્તિ માર્ગમાં શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેનો સ્પષ્ટ વિભાગ કરીને સમજાવો.૮
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે જ્યારે પોતાના આશ્રિત રાજાઓએ આદરપૂર્વક પ્રશ્ન કર્યો, ત્યારે મુનીશ્વર ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને પોતાના ભક્ત વિદુરજીનું મનમાં સ્મરણ કરી, પુંજાજી આદિ સર્વે રાજાઓ તથા ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા.૯
શ્રીનારાયણ મુનિ કહે છે, હે રાજાઓ ! સત્શાસ્ત્રમાં જે પુરુષોને વિદ્વાન તેમજ સાધુપુરુષ કહેલા છે, તેઓનાં વચનને અનુસારે તમારે સર્વેને કાર્ય કરવાં.૧૦
હે રાજાઓ ! તેજ સત્શાસ્ત્રોમાં મૂર્ખ તેમજ અસાધુ અને કુબુદ્ધિજનોનાં પણ વચનો કહેલાં છે. તે પ્રમાણે તમારે કોઇએ ન વર્તવું. એવો મારો સિદ્ધાંત છે.૧૧
તેમાં પંડિત-સજ્જનો કોને કહેવાય ? અને મૂર્ખ-કુબુદ્ધિવાળા કોને કહેવાય ? એ સમજવા માટે ભક્ત વિદુરજીએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે તેઓનાં લક્ષણ વિસ્તારથી કહ્યાં છે.૧૨
ગૃહસ્થાશ્રમરૂપ પ્રવૃત્તિમાર્ગમાં રહેલા અને ત્યાગાશ્રમરૂપ નિવૃત્તિમાર્ગમાં રહેલા સર્વે જનોને માટે હિતકારી છે અને તે વચનો વિદુરનીતિના નામથી પ્રસિદ્ધ છે. વિદુરનીતિનો શ્રવણ, પઠનથી અભ્યાસ કરીને તેના થકી કાર્ય અને અકાર્યનો નિર્ણય કરતાં શીખવું.૧૩
હે ભક્તજનો ! વિદુરજીએ કહેલી નીતિ અન્ય સમગ્ર નીતિશાસ્ત્રોના સારરૂપ શ્રેષ્ઠ છે. એ પ્રમાણે વર્તન કરવાથી તમને સર્વેને સર્વ પ્રકારે સુખ પ્રાપ્ત થશે.૧૪
વિદુરનીતિનો અભ્યાસ કરનાર જે જનો વ્યવહારમાર્ગમાં રહેલા છે, તે મનુષ્યો અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ આ ત્રણે પ્રકારના તાપથી ક્યારેય પણ પીડા પામતા નથી. અર્થાત્ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી તે સરળતાથી બહાર નીકળી જાય છે.૧૫
હે ભક્તજનો ! પ્રગટ શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરતાં કરતાં તમે વિદુરનીતિમાં કહેવા પ્રમાણે વર્તી વ્યાવહારિક કાર્યો કરતા રહેશો તો આલોકમાં સદાય સુખી થશો અને પરલોકમાં પણ સુખ પ્રાપ્ત થશે.૧૬
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી પુંજાજી વગેરે ક્ષત્રિય રાજાઓ તથા સમસ્ત ભક્તજનો તથા સંતો અતિશય પ્રસન્ન થયા ને ભગવાન શ્રીહરિને પ્રણામ કરી તમે જેમ કહ્યું તેમજ અમે કરશું એ પ્રમાણે સૌ બોલ્યા.૧૭
ત્યારપછી શ્રીહરિએ સૌને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા આપી તેથી સૌ પોતાના ઉતારે પધાર્યા અને સ્વયં ભગવાન શ્રીહરિ પણ પોતાની અક્ષરઓરડીએ પધાર્યા.૧૮
હે રાજન્ ! આ ચરિત્ર કાર્તિક સુદ ૧૨ ની રાત્રીનું છે. શ્રીહરિ તેરશ, ચૌદશ અને પ્રથમ પૂર્ણિમા તિથિ પર્યંત રાત્રીએ સભામાં પ્રાગજી પુરાણી દ્વારા પંચમસ્કંધની કથા વંચાવી.૧૯
આ ત્રણ દિવસ પર્યંત સૌએ પંચમસ્કંધની કથા સાંભળી. તેમાં મનુષ્યોએ પોતપોતાની મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહિ. એવો ભાવ તથા સંગદોષ મનુષ્યને અવશ્ય નુક્શાન નોતરે છે. તેથી સારાનો સંગ કરવો, અને ખરાબનો સંગ પ્રયત્નપૂર્વક છોડી દેવો, એવો ભાવ તથા કરેલા કર્મો પ્રાણીને અવશ્ય ભોગવવાંજ પડે છે. હસતાં હસતાં કરેલાં કર્મો રોઇ રોઇને ભોગવવાં પડે છે. માટે કર્મ પણ વિચારીને શુભ કરવાં, અશુભ ન કરવાં, આવો ભાવ ભગવાન શ્રીહરિ નિરૂપણ કરીને સૌને પ્રતિદિન સમજાવતા હતા.૨૦
હે રાજન્ ! શ્રીહરિની અપાર કરૂણાથી સર્વે સંતો તથા ભક્તજનો ગઢપુરમાં અઢાર દિવસ પર્યંત નિવાસ કરી ખૂબજ આનંદ પામ્યા.૨૧
હે રાજન્ ! કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રીહરિએ જયાબાની પાસે મોટી સામગ્રી ભેળી કરાવી, ભક્તિમાતાનો જન્મોત્સવ ઉજવાવ્યો, ચંદ્રોદય સમયે સાંજે ભક્તિમાતાનો જન્મોત્સવ ઉજવી, રાત્રીના સમયે વેદિકા ઉપર આવી સિંહાસન ઉપર વિરાજમાન થયેલા ભગવાન શ્રીહરિએ સભામાં બેઠેલા સમસ્ત દેશાંતરવાસી ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપતા કહેવા લાગ્યા.૨૨-૨૩
શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! આવતી કાલે પ્રાતઃકાળે તમે સર્વે તમારા દેશ પ્રત્યે ગમન કરજો, તેમજ માર્ગમાં સાવધાન રહેજો અને પોતપોતાની સ્ત્રીઓનું રક્ષણ કરજો. અને સંતો પણ આવતી કાલથી જુદા જુદા દેશોમાં વિચરણ કરવા જશે.૨૪
જીવનમાં પોતાના આત્માને દેહથી જુદો માની બ્રહ્મરૂપની ભાવના કરી પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરવું. અને પ્રેમપૂર્વક સ્વધર્મનું પાલન કરવું. જો આવી રીતે વર્તશો તો દેહને અંતે ચોક્કસ ભગવાનના ધામને પામશો.૨૫
સર્વશ્રેષ્ઠ બ્રહ્મપુરધામને પામીને ભગવાન થકી મનોવાંછિત અલૌકિક દિવ્ય ભોગોને પ્રાપ્ત કરશો.૨૬
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિનું વચન સાંભળી સંતો તથા ભક્તજનોનાં મન અતિશય પ્રસન્ન થયાં ને ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને કહેવા લાગ્યા.૨૭
હે ભગવાન્ ! જે ધામને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ સહિત પોતપોતાના વર્ણાશ્રમધર્મનું યથાર્થ પાલન કરી એકાંતિક ભક્તો પ્રાપ્ત કરે છે. તે બ્રહ્મપુર નામનું સર્વોત્તમ ધામ તમે કહ્યું તે ધામના સ્વરૂપને અમે યથાર્થ જાણવા ઇચ્છીએ છીએ, હે સ્વામિન્ ! તેથી કૃપા કરીને તમે તે બ્રહ્મપુર ધામના સ્વરૂપનું યથાર્થ વર્ણન કરી અમને સમજાવો. કારણ કે તમારા સિવાય અન્ય મનુષ્ય એ સ્વરૂપને યથાર્થ જણાવવા સમર્થ થઇ શકતો નથી.૨૮-૩૦
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મુરારી ભગવાનના બ્રહ્મપુર ધામને જાણવાની ઇચ્છા ધરાવતા પોતાના ભક્તજનોએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે ભક્તજનોના આત્મબંધુ, દયાળુ, અને સર્વના અંતર્યામી ભગવાન શ્રીહરિ સર્વને આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા.૩૧
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં શ્રીહરિએ ભક્તજનોને વિદુરનીતિ પ્રમાણે વર્તવાનો ઉપદેશ આપ્યો એ નામે ચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૦--