અધ્યાય - ૪૫ - અન્નકૂટ તથા પ્રબોધનીના ઉત્સવમાં સ્ત્રીભક્તોએ કરેલી સેવાથી પ્રસન્ન થયેલાં ભક્તિદેવીનું પ્રત્યક્ષ દર્શન.
અન્નકૂટ તથા પ્રબોધનીના ઉત્સવમાં સ્ત્રીભક્તોએ કરેલી સેવાથી પ્રસન્ન થયેલાં ભક્તિદેવીનું પ્રત્યક્ષ દર્શન.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાનની ભક્ત તે સર્વે રમાદિ સ્ત્રીઓ સાયંકાળના સમયે લલિતાબાના ભવનમાં ભેળી થઇ.૧
તે વિશાળ ભવનમાં અતિશય હર્ષપૂર્વક તાલીઓના ધ્વનિ સાથે એક મુહૂર્ત પર્યંત ભગવાન શ્રીહરિનું નામ સંકીર્તન કર્યું.૨
પછી હાથ-પગ, મુખ ધોઇ પવિત્ર થઇ રમાબા આદિ સ્ત્રીભક્તજનો જમણા હાથમાં માળા લઇ ભગવાન શ્રીહરિના નામમંત્રનો જપ કરવા માટે પોતાનાં શ્વેત કંબલના આસનો ઉપર બેઠાં.૩
સરળપણે અને સ્વભાવે ડોક અને મસ્તકને સ્થિર રાખી સ્વસ્તિક આસને બેઠેલી સર્વે બહેનોએ ધોયેલાં પવિત્ર વસ્ત્રો ધારણ કર્યાં હતાં અને ભગવાન શ્રીહરિનાં આજે જે સ્વરૂપમાં દર્શન કર્યાં હતાં, તે સ્વરૂપનું પોતાના હૃદયમાં ચિંતવન કરવા લાગી.૪
સ્થિર દૃષ્ટિ રાખી વિશુદ્ધ અંતઃકરણમાં સ્ફુરાયમાન થયેલા પ્રગટ ભગવાન શ્રીહરિકૃષ્ણના સ્વરૂપમાં પોતાના મનને જોડી તેમના મંત્રનો જપ કરી રહી હતી.૫
તે સમયે રમાબા, જયાબા, લલિતાબા, અમરીબા, અમલાબા આદિ સ્ત્રીભક્તજનોનાં શરીર જાણે ચિત્રમાં આલેખાયેલાં હોય તેમ સ્થિર થયાં હતાં.૬
હે રાજન્ ! આ પ્રમાણે સ્ત્રીભક્તજનો ધ્યાનાવસ્થામાં બેસી સ્ફુરાયમાન થયેલી શ્રીહરિની મૂર્તિમાં તલ્લીન થઇ જપ કરી રહી હતી તેવામાં તે સ્થળે એક આશ્ચર્ય સર્જાયું.૭
ભગવદ્ભક્ત તપોનિષ્ઠ રમાબા આદિ સ્ત્રીઓની મધ્યે એકાએક પ્રગટ થયેલો તેજનો પુંજ સમગ્ર ભવનમાં વ્યાપી ગયો.૮
એક સાથે ઉદય પામેલા હજારો ચંદ્રમા સરખા પ્રકાશવાળો, અત્યંતઘાટો, રૂના ઢગલા જેવો શ્વેત, અને મનોહર તે પુંજ ચારે તરફ પ્રસરી શોભવા લાગ્યો.૯
આકાશમાં ઉદય પામેલાં ઘાટાં વાદળાંની સમાન દશેદિશાને પ્રકાશિત કરતા તે તેજપુંજના મધ્યે સપ્તસ્વર, ત્રણ પ્રકારના ગ્રામ, એકવીશ પ્રકારની મૂર્છના, બહુપ્રકારના રાગ અને કર્ણપ્રિય ગાન સાથે દિવ્ય સંકીર્તનનો નાદ સંભળાતો હતો.૧૦-૧૧
તે નાદ સ્વરની માધુર્યતાથી શ્રીહરિના ધ્યાનમાં તલ્લિન થયેલાં રમાબા આદિ સ્ત્રીભક્તોના ચિત્તને ભગવાન શ્રીહરિની મૂર્તિમાંથી બહારના પ્રદેશમાં અતિશય આકર્ષી રહ્યો હતો. કોઇ દિવસ ન થાય તેવું થતાં સૌને આશ્ચર્ય થવા લાગ્યું.૧૨
હે રાજન્ ! પછી રમાબા આદિ સ્ત્રી ભક્તો પોતાના મનમાં અતિશય વિહ્વળ થઇ મહા તેજોરાશીને નિહાળતી તેજના મધ્યે થતાં મધુર ગીત ધ્વનિને આશ્ચર્યપૂર્વક સાંભળવા લાગી. તેવામાં તે તેજના પુંજને મધ્યે મનને પ્રિય સુંદર દિવ્ય આકૃતિવાળી એક સ્ત્રીનું દર્શન થયું.૧૩-૧૪
તે સ્ત્રીએ દિવ્ય કસુંબલ વસ્ત્રો ધારણ કર્યાં હતાં અને દિવ્ય અલંકારોથી વિભૂષિત હતી, પોતાના રૂપને અનુરૂપ પરસ્પર સ્પર્ધા કરે તેવાં સુંદર અવયવો હતાં, મુખ પ્રસન્ન જણાતું હતું.૧૫
શરીરનો વર્ણ સુવર્ણ સમાન ચળકતો ગૌર હતો, શરીર કૃશ હતું, કાનમાં સમાન આકારનાં આભૂષણો ધારણ કર્યાં હતાં, સુંદર ગાલ અને દીર્ઘ નાસિકાવાળું નવયૌવનના લીધે વૃદ્ધિ પામેલા સ્તનનો વિસ્તાર અને કૃશ ઉદર અનુપમ હતાં. મુખકમળની સુગંધમાં લોભાઇને ચોમેરથી ઊડી રહેલા ભમરાઓના ઝંકારથી સંભ્રમિત વિશાળ ચંચળનેત્રો અતિશય શોભતાં હતાં.૧૬-૧૭
ખીલેલા મોગરાના પુષ્પની વેણી કેશમાં ધારણ કરી હતી, તે સ્ત્રી લજ્જાએ યુક્ત મંદમંદ મુખહાસ્યને કારણે કંપાયમાન થતી બન્ને ભ્રૃકુટિના વિલાસથી અતિશય દર્શનીય જણાતી હતી.૧૮
તેમજ સ્વચ્છ વસ્ત્રથી ઢંકાયેલા બન્ને નિતંબ વિશાળ દ્વિપની જેમ શોભી રહ્યા હતા અને તેમના ઉપર કેડની સુંદર સુવર્ણની કટિમેખલા ધારણ કરી હતી. સુવર્ણના ઝાંઝરથી અલંકૃત બન્ને દિવ્ય ચરણ સુંદર જણાતાં હતાં.૧૯
કંઠમાં રત્નજડિત દિવ્ય આભૂષણો ધારણ કર્યાં હતાં, હાથમાં ધારણ કરેલાં કંકણોથી તે સ્ત્રી અતિશય શોભતી હતી, અને પોતાના રૂપની લાવણ્યતાથી પોતાનું દર્શન કરી રહેલી રમાબા આદિ સ્ત્રીભક્તજનોના મનને મોહ ઉપજાવી રહી હતી.૨૦
તે સ્ત્રી વીણાને મધુર સ્વરથી વગાડી રહી હતી, તે સમયે તેમની સાથેની સખીઓ મધુર કંઠથી સુર પૂરાવતી હતી. તેથી એવું સુમધુર ગાન થતું હતું કે જેને સાંભળીને ગંધર્વોએ સહિત અપ્સરાઓ પણ પોતાનો ગર્વ છોડી દે.૨૧
આ રીતે ભગવાન શ્રીનારાયણમુનિના પૂર્વ અવતાર શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્રનું અતિશય આનંદ પૂર્વક ગાયન કરી રહેલી એ દિવ્ય સ્ત્રીનાં દર્શન થતાં રમાબા આદિ સર્વે સ્ત્રીઓ મોહ પામી ગઇ.૨૨
હે રાજન્ ! ત્યારપછી તે દિવ્ય સ્ત્રી પ્રત્યે રમાબા આદિક સ્ત્રીઓ તર્ક વિતર્ક કરવા લાગી કે આ સ્ત્રી શું સ્વયં લક્ષ્મીજી હશે ? કે પછી સ્વયં રાસેશ્વરી રાધા હશે ? અથવા વાણીની દેવતા સ્વયં સરસ્વતી દેવી હશે ? કે બ્રહ્મા પત્ની સ્વયં સાવિત્રી તો નહિ હોય ને ? અથવા સ્વયં પાર્વતીજી તો નહિ આવ્યાં હોય ને ? કે સ્વર્ગની લક્ષ્મી સ્વયં અહીં આવી હશે કે શું ? કે અન્ય કોઇ દેવતાઇ સ્ત્રી આવી હશે ? અથવા શ્રીસ્વામિનારાયણ ભગવાનના ચરણકમળનું નિરંતર સેવન કરનારી અને ચરણમાં સદાય આસક્ત રહેતી મૂર્તિમાન સાક્ષાત્ મુક્તિદેવી શું આપને પોતાનું દર્શન દેવા આવી હશે ? અથવા પૂર્વે ભગવાન શિવજીને મોહ પમાડવા જે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું એજ સ્વરૂપે આપણને દર્શન આપવા આવ્યા હશે કે શું ?.૨૩-૨૬
આ પ્રમાણે દિવ્ય સ્ત્રીની રૂપમાધુરી તથા ગીતમાં મોહ પામેલી રમાદિ સ્ત્રીભક્તો બહુ પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગી, છતાં કોઇ નિર્ણય ઉપર આવી શકી નહિ, કે આ સ્ત્રી કોણ હશે ?૨૭ પછી તે સ્ત્રીને પૂછવા માટે અતિ ઉત્કંઠા વાળી થઇ, કે તમે કોણ છો ? છતાં પણ પૂછવા સમર્થ થઇ શકી નહિ.૨૮
હે રાજન્ ! શ્રીહરિ સિવાય જેનું ચિત્ત કદાપિ ક્યાંય ગયું નથી, એવાં વૈરાગી તથા સ્ત્રીઓમાં અગ્રેસર રમાબા પણ પોતાનું મન પોતાના પ્રાણપ્રિય ભગવાન શ્રીહરિને છોડીને તે સ્ત્રીમાં ગયેલું જાણીને બહુ ચિંતા કરવા લાગ્યાં કે, અહો.......શ્રીહરિમાં સુદૃઢ જોડાયેલું મારૂં મન આ સ્ત્રીનાં દર્શન કરવા માત્રથી એજ ક્ષણે તેમાં લોભાણું કેમ ? તેથી મને ખૂબ આશ્ચર્ય થાય છે. કારણ કે ભગવાન વિના કોઇનામાં પણ મારૂં મન ક્યારેય પણ મોહ પામ્યું નથી. તો પછી આજ આ સ્ત્રીને વિષે કયા કારણથી મોહ પામ્યું છે ? મારૂં મન આલોક કે પરલોક સંબંધી કોઇ પણ સુખમાં આસક્તિએ રહિત છે છતાં આ સ્ત્રીમાં મોહ કેમ પામે છે ?.૨૯-૩૨
મેં સમાધિમાં અનેક અલૌકિક સ્ત્રી-પુરુષોને જોયા છે. તેમાં પણ ક્યારેય આસક્ત થયું નથી.૩૩ તો પછી આજે ભગવાન શ્રીહરિકૃષ્ણનું ધ્યાન છોડીને દર્શન માત્રથી આ સ્ત્રીને વિષે કેમ લોભાય છે ? મારા માટે આ આશ્ચર્યની વાત છે.૩૪
કારણ કે જયા, લલિતા, અમરી, રમા આદિ આ સર્વે સ્ત્રીઓનાં ચિત્ત ભગવાન શ્રીહરિને છોડીને ક્યાંય આસક્ત થાય જ નહિ, તેવો એને દૃઢ વિશ્વાસ છે.૩૫
માટે અમારા પ્રાણ પ્રિય ભગવાન શ્રીહરિનું જ કંઇક કર્તવ્ય છે, એ નક્કી છે. નહીંતર અમારા મનને મોહ ઉપજાવવા કોણ સમર્થ થઇ શકે ?૩૬
જેમ સતી પાર્વતીનું સદાય સાનિધ્ય હોવા છતાં મારા ચિત્તને કોઇ ક્ષોભ ન પમાડી શકે આવા પ્રકારનો શિવજીને ગર્વ હતો તે શ્રીહરિએ મોહિની સ્વરૂપ ધારણ કરીને હરી લીધો હતો.૩૭
એજ રીતે આપણી પરીક્ષા કરવા કે આ સ્ત્રીઓનાં મન મારા વિના બીજે ક્યાંય જાય છે કે નહિ ? તે જોવા શ્રીહરિ સ્વયં મોહિની સ્વરૂપ ધારણ કરીને આપણા મનને મોહ પમાડતા હોય એવું જણાય છે.૩૮
આપણે જેનાં ભક્ત છીએ એજ આપણને અન્ય રૂપ ધારણ કરી છેતરી રહ્યા છે તેથી મશ્કરીમાં મારે તેમને પૂછવું પડશે કે તમો કોનાં પુત્રી છો ? કે કોનાં પત્ની છો ?૩૯
આ પ્રમાણે મનથી નક્કી કરી અતિશય દૃઢવ્રતવાળાં રમાબા ભગવાન શ્રીહરિના ગુણાનુવાદ કરતાં તે સ્ત્રીને નમસ્કાર કરી વિનયથી પૂછવા લાગ્યાં કે, હે નારાયણિ ! હે મન અને નેત્રોને આનંદ આપનારાં દેવી ! તમને નસ્કાર. હે સુંદર દેવી ! તમે કોણ છો ? તમે કોનાં પુત્રી છો ? કે કોનાં પત્ની છો ?૪૦-૪૧
હે માતા ! ભગવાનનાં એકાંતિક ભક્તો એવાં અમારાં મનને પોતાની તરફ ખેંચી રહેલાં તમે કોઇ દેવતા છો કે શું ? તમે જે કરવા માગતાં હો તે અમને જલદી કહો.૪૨
હે માતા ! અમને ભગવાનના ધ્યાનમાં વિક્ષેપ થાય છે, માટે તમને જે કાંઇ કરવું હોય તે કરીને અહીંથી જલદી વિદાય થાઓ.૪૩
હે રાજન્ ! આ પ્રમાણે મહાબુદ્ધિશાળી અને તીવ્રવૈરાગ્યે સંપન્ન રમાબાએ જ્યારે પૂછયું ત્યારે ભક્તિદેવી મધુર વચનો કહેવા લાગ્યાં કે, હે રમાબા આદિ ભક્તજનો ! તમે મારૂં વચન સાંભળો, હું સાક્ષાત્ ધર્મની પત્ની ભક્તિદેવી છું.૪૪-૪૫
પતિએ સહિત હું દિવ્ય દેહે તમારા ઇષ્ટદેવ અને મારા પુત્ર એવા ભગવાન શ્રીહરિની સમીપે સદાય નિવાસ કરીને રહું છું. મારો દિવ્ય દેહ હોવાથી બીજા પામર મનુષ્યો મને જોઇ શકતા નથી. પરંતુ ભગવાન શ્રીહરિકૃષ્ણની જેના પર કૃપા છે તે જનો મને નજરે જોઇ શકે છે.૪૬
હે રમાબા ! તમો સર્વે બહેનોએ કરેલી અન્નકૂટની તથા પ્રબોધનીની સેવાથી હું અતિશય પ્રસન્ન થઇ છું.૪૭
અને તમો સર્વે સ્ત્રીઓએ તમારા શરીરની પરવા કર્યા વિના બન્ને ઉત્સવમાં આદરપૂર્વક અતિશય પરિશ્રમ કર્યો છે.૪૮
તેથી હું તમારા સર્વે ઉપર પ્રસન્ન થઇ છું, અને ભગવાન શ્રીહરિની આજ્ઞાથી જ મેં તમને મારૂં દર્શન આપ્યું છે, એમ તમે જાણો.૪૯
એ સિવાય કેવળ અષ્ટાંગયોગની સાધના કરનારા મોટા યોગીઓને પણ મારૂં પ્રત્યક્ષ દર્શન ક્યારેય થતું નથી. તમારા ઉપર અતિશય પ્રસન્ન થયેલી મારી પાસેથી તમે કાંઇક ઇચ્છિત વરદાન માગો.૫૦
હે રાજન્ ! આ પ્રમાણેનું ભક્તિમાતાનું વચન સાંભળી રમાબા આદિ સર્વે સ્ત્રી ભક્તજનો અતિશય ખુશ થયાં ને સંશય દૂર થતાં તેમનાં ગાત્રો રોમાંચિત અને ગદ્ગદ્ થવા લાગ્યાં.૫૧
તેમજ અતિશય વિસ્મય પામી તે ભક્તિદેવી પ્રત્યે પંચાંગ પ્રણામ કરી, પ્રસન્ન થયેલાં રમાબા આદિ સર્વે સ્ત્રીઓ હાથજોડી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીનારાયણમુનિને પણ વહાલાં લાગતાં ભક્તિમાતા પ્રત્યે કહેવા લાગ્યાં.૫૨
સર્વે સ્ત્રીભક્તો કહે છે, હે સર્વેનું કલ્યાણ કરનારાં ! હે મા ભક્તિદેવી ! હે અચળસ્વરૂપા ! તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમારાં દર્શનથી અમને હૃદયમાં ખૂબ જ આનંદ થયો છે.૫૩
હે સર્વેનું મંગલ કરનારાં મા ! જો તમે પ્રસન્ન થયાં હો તો અમારાં સર્વેના અંતરમાં સર્વદા નિવાસ કરીને રહો.૫૪
હે ઇશ્વરી ! મહારાજ્ઞિા ! તમો અમને આટલું વરદાન આપો. એ સિવાય તમારી પાસેથી બીજી કોઇ અપેક્ષા રાખતાં નથી.પપ
હે માતા ! તમે જે ગાન કરી રહ્યાં છો તેમાં અમારૂં ચિત્ત આશક્ત થાય છે. તમે મધુર ગીત કોનું ગાઓ છો ? તે અમને જણાવો.૫૬
હે રાજન્ ! આ પ્રમાણે રમાબા આદિ સર્વે વિનંતી કરી પૂછયું. તેથી પ્રસન્ન થયેલાં ભક્તિમાતા તેઓને કહેવા લાગ્યાં કે, હે કલ્યાણીઓ ! તમે મારૂં વચન સાંભળો, જ્યાં મારા પતિ ધર્મદેવ નિવાસ કરીને રહે છે ત્યાં હું પણ અવશ્ય નિવાસ કરીને રહું છું. જે સ્થાનમાંથી મારા પતિ ધર્મ ચાલ્યા જાય ત્યાંથી હું પણ ચાલી જાઉં છું.૫૭-૫૮
હે બહેનો ! હું પતિવ્રતા હોવાથી મારી આ પ્રતિજ્ઞા છે કે હું મારા પ્રેમનો આધાર મારા પતિ ધર્મદેવને ક્યારેય ન છોડું અને મારા પતિ મને ક્યારેય પણ છોડતા નથી.૫૯
હે બહેનો ! નિયમન કરેલાં મનથી અને અહિંસાદિક યમો તથા શૌચાદિક નિયમોનું દૃઢ પાલન કરી મારા પતિ ધર્મદેવને તમે વશ કર્યા છે, તેથી હું પણ તમને વશ થઇ છું.૬૦
તેથી તમારા અંતરમાં નિવાસ કરવા ઇચ્છતા પતિ ધર્મદેવની સાથે હું પણ તમારા અંતરમાં નિવાસ કરીને રહીશ. તેમાં કોઇ સંશય નથી.૬૧
અને બીજું તમે પૂછયું કે હું શું ગાઉં છું, તેનો ઉત્તર તમે સાંભળો. જે પોતાને સુખી કરે તેના યશનું ગાન કરવું જોઇએ, એવી લૌકિક રીત છે અને વૈદિક મર્યાદા પણ છે.૬૨
આ ઉત્તમરાજાના દરબારમાં સાક્ષાત્ બ્રહ્મપુરાધિપતિ ભગવાન શ્રીકૃષ્ણ તમારા અનુગ્રહને માટે ભગવાન શ્રીનારાયણમુનિ સ્વરૂપે વિરાજે છે, એ ભગવાને પૂર્વે શ્રીકૃષ્ણાદિક અનંત અવતારો ધારણ કરીને અમારૂં અસુરો થકી રક્ષણ કર્યું છે, અને અત્યારે પણ કરી રહ્યા છે.૬૩
તે અમારા પુત્ર ભગવાનનાં પૂર્વ શ્રીકૃષ્ણ અવતારનાં ચરિત્રો જે વ્યાસજીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ગ્રંથમાં લખ્યાં છે, તે શ્રોતા તથા વક્તાઓના મનને આનંદ આપનારાં ચરિત્રો હું નિત્યે ગાયા રાખું છું.૬૪
હે બહેનો ! આ ભગવાન શ્રીહરિકૃષ્ણનાં અત્યારનાં ચરિત્રો મહામુનિ શતાનંદ સ્વામી આગળ ભવિષ્યમાં સત્સંગિજીવન શાસ્ત્રમાં ગુંથશે ત્યારે તે ચરિત્રો પણ હું અખંડ ગાઇશ.૬૫
હે રાજન્ ! આ પ્રમાણે ભક્તિમાતાએ રમાબા આદિ સ્ત્રી ભક્તોને કહીને તેઓએ માગેલું વરદાન આપ્યું ને તેઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા, પછી વીજળીની માફક એકાએક અંતર્ધાન થઇ ગયાં.૬૬
તે સમયે આશ્ચર્યની સાથે અતિશય આનંદ પામેલી સર્વે અબળાઓ ભક્તિમાતાનું પોતાને દર્શન થયું તેમાં ભગવાન શ્રીહરિનીજ એક અનહદ કૃપા માનવા લાગ્યાં.૬૭
હે રાજન્ ! આ પ્રમાણે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીનારાયણમુનિ પોતાના એકાંતિક ભક્તોના સકલ મનોરથ પૂર્ણ કરે છે, અને સર્વે ભક્તજનોનું સર્વ પ્રકારનું વિઘ્નોથી રક્ષણ પણ કરે છે.૬૮
હે રાજન્ ! ભક્તજનોના મનના અભિરામ ભગવાન શ્રીહરિ પોતાનાં ભક્ત જયાબા, લલિતાબા તથા ઉત્તમરાજાએ કરેલી સેવાનો સ્વીકાર કરતા અને પોતાના યશનો જનોમાં વિસ્તાર કરતા થકા ગઢપુરને વિષે આવા અન્નકૂટ તથા પ્રબોધનીના જેવા અનંત મહોત્સવો ઉજવ્યા હતા.૬૯
પાવનકારી આ ભગવાન શ્રીહરિકૃષ્ણનું ચરિત્ર જે પુરુષો ભક્તિભાવની સાથે શ્રવણ કરશે કે ભક્તિભાવની સાથે અન્યને સંભળાવશે, તે બન્ને શ્રોતા અને વક્તા આ જન્મ-મરણરૂપ સંસૃતિના પ્રવાહમાંથી મુક્ત થઇ આ માયિક શરીરને છોડીને બ્રહ્મરૂપ થઇ અક્ષરધામને વિષે ભગવાન શ્રીહરિની સેવાને પ્રાપ્ત કરશે.૭૦
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં રમાબા આદિ સમગ્ર સ્ત્રીભક્તજનોને ભક્તિમાતાએ પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યાનું નિરૂપણ કર્યું, એ નામે પીસ્તાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૫--