અધ્યાય - ૧૦ - સારંગપુરના ભક્તજનોની પ્રાર્થનાથી શ્રીહરિનું જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા સારંગપુરમાં આગમન.
સારંગપુરના ભક્તજનોની પ્રાર્થનાથી શ્રીહરિનું જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા સારંગપુરમાં આગમન. સારંગપુરમાં દિવ્ય સત્સંગસભાનું આયોજન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ ગીત વાજિંત્રો વગાડવા પૂર્વક પ્રાગજી પુરાણીને તેમના નિવાસ સ્થાને વળાવ્યા ને સ્વયં ઉત્તમરાજાના દરબારમાં લીંબતરુ નીચે વેદિકા ઉપર વિરાજમાન થયા.૧
તે સમયે સારંગપુરના રાજા જીવાખાચર શ્રીહરિની સમીપે આવ્યા તેની સાથે પતિવ્રતાના ધર્મવાળી દેવિકા નામની તેમની પુત્રી અને તેમના ભાઇઓ તથા પુત્રો અમરાખાચર અને વાઘાખાચર પણ હતા.૨
તેમજ ક્ષત્રિયોની મધ્યે શૂરવીર રાઠોડ ભક્ત પણ તેમની પુત્રી માલતીની સાથે ત્યાં પધાર્યા. તથા અતિશય શ્રેષ્ઠ ભક્ત પૂંજાભાઇ પણ પધાર્યા.૩
હે રાજન્ ! જીવાખાચર આદિ સર્વે સારંગપુરવાસી ભક્તજનોએ શ્રીહરિને નમસ્કાર કર્યા અને શ્રીહરિ પણ તેમને આદર આપી સત્કાર્યા. તે સમયે તે સર્વે ભક્તજનોને ભગવાન શ્રીહરિના દર્શનથી મહા આનંદ પ્રાપ્ત થયો ને સૌ શ્રીહરિની આગળ બેઠા.૪
ત્યારે શ્રીહરિએ સ્વાગત પ્રશ્નો પૂછયા. તેથી વિનયથી નમ્ર થયેલા તે સર્વે ભક્તજનો બે હાથ જોડી ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે ભગવાન ! હે ભવબંધનને તોડનારા ! હે પરમેશ્વર ! તમારા ભક્તો અમે તમને સારંગપુર લઇ જવા માટે આવ્યા છીએ.૫-૬
હે શ્રીહરિ ! ઉત્તમરાજા જેવા ધનાઢય ભક્ત કે અમારા જેવા નિર્ધન ભક્તોમાં સમાન દૃષ્ટિ રાખતા પરમેશ્વર એવા તમને કોઇના વિષે ન્યૂનાધિક ભાવ નથી એ નિશ્ચિત વાત છે. માટે તમે અમારી ઉપર દયા કરો ને અમારા સારંગપુરમાં પધારી ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવો. હે નાથ ! અમારૂં જે કાંઇ ધન છે તે તમારૂં જ છે એ નક્કી વાત છે.૭-૮
હે સ્વામિન્ ! હે નાથ ! અમારી આટલી પ્રાર્થના છે, તેને તમે પૂર્ણ કરો. કારણ કે તમો તો ભક્તવત્સલ છો અને અમે તમારા આશ્રિત ભક્તજનો છીએ.૯
આ પ્રમાણે સારંગપુરના ભક્તજનોએ પ્રાર્થના કરી, ત્યારે શ્રીસ્વામિનારાયણ ભગવાન તે ભક્તોને નિષ્કપટ અંતરવાળા જાણી કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! અમે તમારા સારંગપુર નગરમાં ચોક્કસ આવશું.૧૦
હે નિષ્પાપ ભક્તજનો ! તમે સર્વે ત્યાં જઇ ઉત્સવની સામગ્રી ભેળી કરવા લાગો. હું શ્રાવણવદ પાંચમના રોજે ત્યાં જરૂર આવીશ. તેમાં કોઇ સંશય નથી.૧૧
આવી રીતનાં શ્રીહરિનાં વચનો સાંભળી અતિશય રાજી થયેલા તે જીવાખાચર આદિક સારંગપુરના ભક્તજનો ભગવાન પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભગવાન ! તમે સમગ્ર ભક્તજનોને સાથે લઇને પધારજો.૧૨
ત્યારે શ્રીહરિએ તથાસ્તુ કહ્યું. અને જીવાખાચરે ઉત્તમરાજાને તથા અન્ય સર્વે ભક્તજનોને પણ શ્રીહરિની સાથે સારંગપુર આવવા આમંત્રણ આપ્યું.૧૩
પછી પોતાના પુર પ્રત્યે જવા તૈયાર થયેલા જીવાખાચર તથા રાઠોડ ભક્ત આદિ સર્વેને ઉત્તમ રાજાએ ભોજન કરાવ્યું.૧૪
હે રાજન્ ! તે ભક્તજનો ભોજન સ્વીકારી પોતાના પુરમાં પાછા આવ્યા ને ઉત્સવ માટે અન્ન, જળપાત્રો, પાથરણાં, કાષ્ઠ, શાક, ઘી, સાકર અને ગોળ આદિક અનેક પ્રકારની સામગ્રી આદરપૂર્વક ભેળી કરી.૧૫
પછી ભગવાન શ્રીહરિ પણ ઉત્તમરાજા, સોમલાખાચર આદિક પાર્ષદો તથા અન્ય અનેક ભક્તજનોની સાથે સંવત ૧૮૭૭ ના શ્રાવણવદ નાગપંચમીને દિવસે સારંગપુર પ્રત્યે જવા નીકળ્યા.૧૬
તે સમયે ભગવાન શ્રીહરિ અતિશય વેગવાન લાલરંગના તેમજ મંજુલગતિએ ચાલતા અશ્વ ઉપર આરુઢ થયા. ડાબા હાથમાં ઘોડાની લગામ પકડી અને જમણા હાથમાં છડી ધારણ કરી સમગ્ર શ્વેતવસ્ત્રોમાં શોભી રહેલા ને ઘોડાઓ ઉપર આરુઢ થયેલા સોમલાખાચર આદિ પાર્ષદોની સાથે વીંટાઇને સારંગપુર જવા નીકળ્યા.૧૭
રામપ્રતાપભાઇ કેસરજાતિના ઘોડા ઉપર બેસીને તત્કાળ ભગવાન શ્રીહરિની પાછળ પાછળ ચાલવા લાગ્યા, તેમજ ઇચ્છારામભાઇ પણ લાલવર્ણના ઘોડા ઉપર બેસીને ચાલવા લાગ્યા.૧૮
તે સમયે જયાબા, રમાબા, લલિતાબા વગેરે બહેનો પોતાને પૂછયા વિના ચૂપચાપ નીકળી ગયેલા શ્રીહરિ લાંબો સમય સુધી સારંગપુર રોકાઇ જશે, એવી શંકાથી તેમની પાછળ ચાલવા લાગી.૧૯
ભગવાન શ્રીહરિ સારંગપુર પધારે છે એવા સમાચાર સાંભળી સારંગપુરના સર્વે ભક્તજનો ગીત વાજિંત્રોનો નાદ કરતા કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા.૨૦
દૂરથી શ્રીહરિનાં દર્શન થતાં જ અતિશય પ્રેમના કારણે તેમના નેત્રોમાંથી હર્ષનાં અશ્રુઓ વહેવા લાગ્યાં ને ભાવપૂર્વક દંડવત્ પ્રણામ કર્યાં. ત્યારપછી ભગવાન શ્રીહરિ સન્મુખ દોટ મૂકી અને શ્રીહરિ પણ દોડીને સન્મુખ પધારેલા તે સર્વે ભક્તજનોને માન આપી આવકાર્યા ને તેઓની સાથે પુરમાં પ્રવેશ કરીને જીવાખાચરના દરબારમાં પોતાનો ઉતારો કર્યો.૨૧-૨૨
તેમજ ભગવાન શ્રીહરિએ જયાબા આદિક સ્ત્રી ભક્તજનોને રાઠોડ ભક્તને ઘેર નિવાસ કરવાની આજ્ઞા આપી, અને સાથે આવેલા બીજા ભક્તજનોને પણ યથાયોગ્ય રીતે નિવાસ સ્થાન અપાવ્યાં.૨૩
હે રાજન્ ! તે સમયે જીવાખાચર આદિ પુરવાસી ભક્તજનો અતિશય ઉત્સાહમાં આવી ભગવાન શ્રીહરિ તથા તેમની સાથે પધારેલા ભક્તજનોને યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરી બહુ જ પ્રસન્ન કર્યા.૨૪
પછી ગૃહસ્થ ભક્તજનોના સંઘો તથા સંતોનાં અનેક મંડળો દેશાંતરોમાંથી સારંગપુરમાં આવવા લાગ્યાં ને પુરવાસી ભક્તજનો સર્વેને માટે ઉતારાની વ્યવસ્થા કરવા લાગ્યા.૨૫
ભગવાન શ્રીહરિનાં દર્શન કરી તે દેશાંતરવાસી ભક્તજનો અતિશય આનંદ પામ્યા ને શ્રીહરિએ પણ સર્વેને યથાયોગ્ય માન આપી બોલાવ્યા.૨૬
ગૃહસ્થ નરનારી ભક્તજનો તથા મહા તપસ્વી સંતોના સમૂહોથી સારંગપુરમાં બહુજ ભીડ જામી.૨૭
પછી ભગવાન શ્રીહરિએ ફલ્ગુ નદીના તટથી આરંભીને ધવલાનદીના તટ પર્યંત અતિશય વિશાળ ભૂમિમાં મોટી સભાનું આયોજન કર્યું.૨૮
સારંગપુરમાં દિવ્ય સત્સંગસભાનું આયોજન :- હે રાજન્ ! સંવત ૧૮૭૭ ના શ્રાવણ વદ સાતમની રાત્રીએ તે સભામાં રત્નજડિત ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા તે સમયે સર્વે સંતો તથા ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની સન્મુખ બેઠા.૨૯
તે સભામાં જ્ઞાનવૃદ્ધ તપસ્વી જે સંતો હતા તે શ્રીહરિની આગળ જ બેઠા. તેમની પાછળ વયોવૃદ્ધ તપસ્વી સંતો હતા તે બેઠા.૩૦
તેમની પાછળ સર્વે યુવાન સંતો અને તેમની પાછળ કિશોર સંતો બેઠા.૩૧
નાનાભાઇ ઇચ્છારામજીની સાથે મોટાભાઇ રામપ્રતાપજી શ્રીહરિના આગળના ભાગમાં સિંહાસનની સમીપે જ ઉત્તમ બિછાવેલાં આસન ઉપર વિરાજમાન થયા.૩૨
હે રાજન્ ! શાસ્ત્રજ્ઞાન તેમજ તપથી શ્રેષ્ઠ બ્રાહ્મણો શ્રીહરિના જમણા ભાગમાં બેઠા. તેમની પાછળ વયોવૃદ્ધ બ્રાહ્મણો બેઠા.૩૩
અને સોમલાખાચર વગેરે શ્રીહરિના પાર્ષદો તેમની ડાબી બાજુએ બેઠા. તેમની પાછળ સારંગપુરના જીવાખાચર આદિ સર્વે રાજાઓ બેઠા.૩૪
ભગવાન શ્રીહરિની સેવામાં સદાય તત્પર એવા મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ શ્રીહરિના સિંહાસનની નજીકના ભાગમાં બેઠા.૩૫
હાથમાં શસ્ત્રો ધારણ કરી ભગુજી, નાંજા, ભીમ અને રતનજી વિગેરે ક્ષત્રિય ભક્તજનો ચારે તરફ દૃષ્ટિ ફેરવતા ફેરવતા શ્રીહરિની પાછળ ઊભા રહ્યા.૩૬
નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી રહેલા વાસુદેવાનંદ આદિક સર્વે બ્રહ્મચારીઓ, સંતો અને પાર્ષદોના વચ્ચેના ભાગમાં બેઠા.૩૭
આ રીતે સર્વે સંતો તથા ભક્તજનો પોતાના અંગની ચપળતાનો ત્યાગ કરી સભામાં સ્વસ્તિક આસને સ્થિર બેઠા હતા.૩૮
અને ક્ષત્રિય ભક્તજનો હતા તે પૂર્વોક્ત સંતો ભક્તોની પાછળના ભાગે બેઠા. તેમની પાછળ વૈશ્ય ભક્તજનો અને તેની પાછળ શૂદ્ર ભક્તજનો બેઠા. તેથી પાછળના ભાગમાં પંચમવર્ણના ભક્તજનો બેઠા આ રીતે સર્વે ભક્તજનો એક શ્રીહરિના મુખારવિંદ ઉપર દૃષ્ટિ રાખીને સ્થિર આસને બેઠા.૩૯-૪૦
અને સર્વે સ્ત્રી ભક્તજનોના વૃંદો પુરુષોની સભાથી થોડે દૂર પોતપોતાની મર્યાદા પ્રમાણે બેઠાં હતાં.૪૧
હે રાજન્ ! આ પ્રમાણે સર્વે પોતાના આશ્રિત ભક્તજનો સભામાં બેસી ગયા ત્યારે પુરાણપુરુષ પરમાત્મા ભગવાન શ્રીનારાયણઋષિ સર્વેને આનંદ ઉપજાવતા અમૃતની સમાન વચનો કહેવા લાગ્યા.૪૨
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે સત્સંગ સભાના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે દશમો અધ્યાય પૂર્ણ થયો. --૧૦--