અધ્યાય - ૫૩ - ભગવાન શ્રીહરિએ કહેલો સ્ત્રીઓ માટેનો દીક્ષાવિધિ.
ભગવાન શ્રીહરિએ કહેલો સ્ત્રીઓ માટેનો દીક્ષાવિધિ. કેવી ગુરુપત્ની શિષ્યાઓને દીક્ષા આપી શકે ? ગુરુપત્નીએ શિષ્યાને ઉપદેશ કરવાનાં વાક્યો. મહાદીક્ષાની અધિકારી સ્ત્રીઓનાં લક્ષણો. દીક્ષિતસ્ત્રીએ શ્રીહરિને કરવાની પ્રાર્થના. મંત્રદીક્ષા પછી આપવાનો ઉપદેશ.
શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! હવે તમને હું સ્ત્રીઓને આપવાની સામાન્ય દીક્ષા અને મહાદીક્ષાનો વિધિ કહું છું. તેનું શ્રવણ કરી તમે તમારી પત્નીઓને તેનો અલગ અલગ ઉપદેશ કરજો.૧
પોતે કરેલાં અનેક પ્રકારનાં કર્મોને અનુસારે કૂતરા આદિક યોનિઓને વિષે ભટકતી અને અનેક પતિઓથી ભર્ત્સના કે તાડન આદિક અનેક પ્રકારના કલેશને પામતી સ્ત્રીઓને ભગવાન શ્રીકૃષ્ણ જ એક શરણું સ્વીકારવા યોગ્ય છે.૨
કારણ કે રાધા અને લક્ષ્મીજીની જેમ ગોપીઓ પણ અનન્ય ભક્તિથી શ્રીકૃષ્ણ ભગવાનને વરી આ સંસારમાંથી મુક્ત થઇ પોતાને ઇચ્છિત પરમ સુખને પામી છે.૩
તેથી બુદ્ધિમાન સર્વે સ્ત્રીઓએ ધર્મવંશી આચાર્યની પત્નીઓનો આશ્રય કરી તોમની પાસેથી ભાગવતીદીક્ષા પ્રાપ્ત કરી આદરપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવી.૪
જે નારી પોતાના પતિવ્રતાના ધર્મ ભંગથી ભય પામતી હોય તેમણે ક્યારેય પણ ધર્મવંશી પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી નહિ. તેમની પત્નીઓ પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી.૫
હે પુત્રો ! આ કલિયુગમાં પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ કરનારી હજારો સ્ત્રીઓ તેના થકી ધર્મભ્રષ્ટ થઇ પશુના સમાન જીવતી દેખાય છે.૬
પુરુષોને સ્ત્રીઓની આકૃતિનું દર્શન અને સ્ત્રીઓને પુરુષની આકૃતિનું દર્શન અરસપરસ મનને અવશ્ય ક્ષોભ ઉપજાવે છે.૭
તેથી આ કલિયુગમાં સ્ત્રીઓએ પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ ન કરવી, માટે ગુરૂ રામાનંદ સ્વામીના મુખથી જે મેં સ્ત્રીઓનો દીક્ષા વિધિ સાંભળ્યો છે તે હું તમને કહું છું.૮
જે સ્ત્રી જન્મ-મરણરૂપ સંસૃતિ અને યમદૂતના ભય થકી ભય પામી આત્માના કલ્યાણને ઇચ્છતી હોય તેમજ પોતાના પતિવ્રતાના ધર્મનું રક્ષણ ઇચ્છતી હોય, પતિવ્રતાના ધર્મ પાળવામાં શ્રદ્ધાવાળી હોય, સાધુ અને અસાધુને સમજવામાં વિવેકી હોય, તથા મુમુક્ષુ હોય તેમણે તત્કાળ ઉદ્ધવસંપ્રદાયમાં રહેલી અને ધર્મમાં દૃઢ સ્થિતિ ધરાવતી ગુરૂપત્નીના શરણે જવું.૯-૧૦
કેવી ગુરુપત્ની શિષ્યાઓને દીક્ષા આપી શકે ? :- હે પુત્રો ! જે ગુરૂપત્ની શ્રીવાસુદેવ ભગવાનની અનન્ય ભક્ત હોય, પતિવ્રતા ધર્મમાં દૃઢ વર્તતી હોય, પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ અને તેમની સાથે વાર્તાલાપ પણ ન કરતી હોય, એકાદશી આદિક વ્રતોનું અનુષ્ઠાન કરતી હોય, શ્રીહરિના અન્નકૂટાદિ ઉત્સવોની ઉજવણી કરતી હોય, આવા દૃઢ લક્ષણવાળી ગુરુપત્નીએ પોતાને શરણે આવેલી અધિકારી શિષ્યા સ્ત્રીઓને દીક્ષા આપવી.૧૧-૧૨
તેમાં પ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરી, ધોયેલાં વસ્ત્રો ધારણ કરી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરીને ભોજન કર્યા પહેલાં ગુરુપત્નીએ, સ્નાન કરી પવિત્ર થઇ ભોજન કર્યા પહેલાં પોતાને શરણે આવેલી શિષ્યા સ્ત્રીને દીક્ષા આપવી.૧૩
પોતાના પતિ આચાર્યશ્રીની આજ્ઞા લઇને જ શરણે આવેલી શિષ્યાને અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ કરવો. પરંતુ પતિની આજ્ઞા લીધા વિના તત્કાળ સ્વતંત્ર રીતે મંત્ર ઉપદેશ ન કરવો.૧૪
હે પુત્રો ! આ સામાન્ય દીક્ષામાં શુભ તિથિ, વાર આદિકનો કોઇ નિયમ નથી, જ્યારે પણ જે સ્ત્રીને મુમુક્ષુતા જાગે ને શરણે આવે તેને દીક્ષા આપી દેવી.૧૫
જ્યારે મુમુક્ષુનારી દીક્ષા લેવા આવે ત્યારે સ્નાન કરી ધોયેલા વસ્ત્રો ધારણ કરી હાથમાં ફળ ધારણ કરી ગુરુપત્નીના સમીપે આવી તેમની આગળ ફળને પધરાવી નમસ્કાર કરે.૧૬
પછી બે હાથ જોડીને કહે કે, હે સ્વામિની ! પાખંડી ગુરુઓ થકી તથા સર્વપ્રકારના પાપથી મારૂં રક્ષણ કરો. હું તમારે શરણે છું.૧૭
તે સમયે ગુરૂપત્નીએ શિષ્યાને આશ્વાસન આપી અભયદાન આપવું ને કહેવું કે, હે શિષ્યા ! તું ભય ન પામ. શ્રીવાસુદેવ ભગવાન તમારૂં સર્વપ્રકારે રક્ષણ કરશે.૧૮
આ પ્રમાણે કહીને શિષ્યાને સમીપે બેસાડી જમણા હાથમાં જળ આપવું ને પછી ગુરુ પત્નીએ આ મંત્ર બોલીને સંકલ્પ કરવો .૧૯
કે 'કાળ, માયા, પાપકર્મ અને યમદૂતના ભયથી હું ભગવાન શ્રીકૃષ્ણના શરણે આવી છું. એ ભગવાન મારૂં તેના થકી રક્ષણ કરો.' ૨૦
આ પ્રમાણે સંકલ્પ કરાવી ગુરૂએ કંઠમાં ધારણ કરવા યોગ્ય સૂક્ષ્મ તેમજ તુલસીની કંઠી અર્પણ કરવી ને શિષ્યાના ભાલમાં કુંકુમનો ચાંદલો કરાવવો. જો તે શિષ્યા વિધવા હોય તો કંઠમાં ચંદનનો ચાંદલો કરાવવો, ને ડાબા કાનમાં ત્રણવાર અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવો.૨૨
પછી ગુરુએ શિષ્યાને હમેશાં જપ કરવા માટે ''શ્રીકૃષ્ણ'' એવો ત્રણ અક્ષરનો મંત્ર આપવો. અથવા ''સ્વામિનારાયણ'' આ ષડાક્ષરી મંત્ર આપવો. અને શિષ્યાએ તેમનો સર્વકાળે જપ કરવો.૨૩
ત્રણે વર્ણવાળી અને સત્શૂદ્ર સર્વે સ્ત્રીઓ માટે દીક્ષા આપવાનો આ જ વિધિ કહ્યો છે. એ સિવાયની અન્ય સ્ત્રીઓનો વિધિ કહું છું.૨૪
स्नाताभ्यस्त्वन्ययोषाभ्यो गुरुपत्नी गुणाक्षरम् । प्रदापयेन्नाममन्त्रमन्ययेति विधिः स्मृतः ।। २५
હે પુત્રો ! ગુરૂસ્ત્રીએ સ્નાન કરીને આવેલી તે અસત્શૂદ્રસ્ત્રીને પોતાની અન્ય શિષ્યા સ્ત્રીદ્વારા ત્રણ અક્ષરનો ''શ્રીકૃષ્ણ'' મંત્ર પ્રદાન કરાવવો. બસ આટલો જ વિધિ છે.૨૫
ગુરુપત્નીએ શિષ્યાને ઉપદેશ કરવાનાં વાક્યો :- હે પુત્રો ! ત્યારપછી ગુરૂપત્નીએ મંત્રદીક્ષા લીધેલી પૂર્વોક્ત ત્રણેવર્ણવાળી અને સત્શૂદ્રની સ્ત્રીને પણ નિયમોનો ઉપદેશ કરવો. અને તે શિષ્યાઓએ પણ પોતાની ગુરુએ કહેલા નિયમોને એકાગ્ર ચિત્તથી સાંભળી હૃદયમાં ઉતારવાં.૨૬
ગુરૂપત્નીએ ઉપદેશ કરવો કે, હે શિષ્યા ! તારે માંસ ભક્ષણ ન કરવું. ત્રણ પ્રકારની સુરા, અગિયાર પ્રકારનું મદ્ય ન પીવું. બીજા પ્રાણીની હિંસા ન કરવી, પોતાના દેહનો પણ ઘાત ન કરવો.૨૭
હે શિષ્યા ! તમારે જાતિભ્રષ્ટ કરે તેવું કર્મ ન કરવું, ચોરીનું કર્મ ન કરવું, ક્યારેય પણ પરપુરુષનો સંગ ન કરવો.૨૮
ભગવાનની કથાવાર્તા પણ કુસંગી પુરુષો થકી ન સાંભળવી. કોઇ પણ દેવનું અપમાન થાય તેવી વાણી ન ઉચ્ચારવી.૨૯
પોતાને કેફ ચડે એવી કોઇ પણ વસ્તુ ખાવી પીવી નહિ. તમાકુ ખાવું નહિ અને નાકે સૂંઘવું પણ નહિ. અપવિત્ર વસ્તુ તેમજ ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું. ગાળ્યા વિનાનું દૂધ કે જળ ક્યારેય પણ પીવું નહિ.૩૦
ક્યારેય પણ અપશબ્દો કે ગાળો ન બોલવી, મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. હમેશાં આળસ છોડી શ્રીવિષ્ણુ ભગવાનની માનસીપૂજા કરવી.૩૧
હે શિષ્યા ! તારે પ્રતિદિન શ્રીરાધાકૃષ્ણ ભગવાનની પ્રતિમાનું અતિશય સ્નેહથી મંત્ર જપતાં જપતાં પૂજન કરવું, તેમજ નિયમ પૂર્વક મંત્રનો જપ કરવો.૩૨
તે મંત્ર જપતી વખતે માળાને વસ્ત્રથી ઢાંકીને પવિત્ર થઇ, સ્થિર આસને બેસી વાણી અને દૃષ્ટિને નિયમમાં રાખી ધીમેથી પ્રતિદિન મંત્રનો જપ કરવો.૩૩
એકાદશી અને જન્માષ્ટમી આદિક વ્રતો કરવાં. અધાર્મિક સ્ત્રી-પુરુષનો સંગ ક્યારેય ન કરવો.૩૪
શ્રીહરિની નવપ્રકારની ભક્તિનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. તેમાં વિધવા સ્ત્રીએ તો અષ્ટપ્રકારે પુરુષનો ત્યાગ રાખી હરિભજન કરવું.૩૫
તું અત્યારે ભાગવતધર્મને પામી છો એથી આ લોકમાં તું 'સત્સંગીની' તરીકે પ્રસિદ્ધ થઇશ.૩૬
તું આજથી જન્મ-મરણથી નિર્ભય થઇ છો, તેથી ધર્મમાં રહીને ભગવાનનું ભજન કર. આવી રીતે જો વર્તીશ તો દેહના અંતે સર્વોત્તમ ભગવાનના ગોલોકધામને પામીશ.૩૭
કૃપાસિંધુ શ્રીવાસુદેવ ભગવાન તારા પતિ થઇને તને ઇચ્છિત સર્વ સુખ આપશે. આ મેં જે કહ્યું તેમાં તારે કંઇ પણ સંશય રાખવો નહિ.૩૮
હે પુત્રો ! આ પ્રમાણે કહીને આચાર્યપત્નીએ તે ચારે વર્ણની સ્ત્રીઓને શ્રીરાધાકૃષ્ણની પ્રતિમા પૂજવા માટે આપવી. અને અસત્શૂદ્ર સ્ત્રીને માત્ર આગળ કહેવાશે તેટલો જ ઉપદેશ આપતા કહેવું કે, હે શિષ્યા ! તારે ક્યારેય પણ શ્રીવાસુદેવ ભગવાનની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. પોતાના ગામમાં ઉદ્ધવસંપ્રદાયના સત્સંગીના ઘેર પધરાવેલા ભગવાન શ્રીવાસુદેવનારાયણનાં નિત્યે દર્શન કરવા જવું.૩૯-૪૦
જો આવી રીતની ગામમાં ક્યાંય પ્રતિમા ન હોય તો તમારે ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદિના પુષ્પ કે વસ્ત્રનો ટુકડો પોતાની સમીપે રાખી તેમનાં દર્શન નિત્યે કરવાં.૪૨
તારે માનસીપૂજા ભક્તિભાવ ંપૂર્વક અતિશય આદરથી પ્રતિદિન કરવી. તે માનસીપૂજા કરવા માત્રથી બ્રાહ્યપૂજાનું સર્વ ફળ પ્રાપ્ત થશે.૪૨
હે પુત્રો ! પછી શિષ્યા થયેલી ચારે વર્ણની સ્ત્રીઓએ કુંકુમ, ચોખા અને પુષ્પાદિ વડે શક્તિને અનુસાર વસ્ત્રો તેમજ ધનવડે ગુરુપત્નીની પૂજા કરવી ને શિષ્યાએ ગુરૂને નમસ્કાર કરવા, તથા તેમનો આદેશ થતાં પોતાના ઘેર જવું. અને ગુરૂપત્નીએ કહેલા સર્વે વચનોનું પાલન કરવું.૪૪
હે પુત્રો ! આ પ્રમાણે સ્ત્રીઓ માટેનો સામાન્યદીક્ષા વિધિ કહ્યો. હવે વિશેષમાં મહાદીક્ષાનો સમગ્ર વિધિ તમને સંભળાવું છું.૪૫
મહાદીક્ષાની અધિકારી સ્ત્રીઓનાં લક્ષણો :- આ મહાદીક્ષામાં ત્રણેવર્ણની સામાન્યદીક્ષા પામેલી તેમજ પોતાના ધર્મમાં દૃઢ વર્તતી સ્ત્રીઓ અધિકારી કહેલી છે. સત્શૂદ્ર સ્ત્રીઓ પણ મહાદીક્ષાની અધિકારી કહેલી છે.૪૬
જે સ્ત્રી ઓછાં કે અધિકાં અંગવાળી ન હોય, જે ખોટું બોલવાના સ્વભાવવાળી ન હોય, બહુ ખાવાની ટેવવાળી ન હોય, કામ કરવામાં આળસુ ને પ્રમાદી ન હોય, જે વિકૃત કે વાંકાં અંગવાળી ન હોય, મોટા રોગથી ધેરાયેલી, સ્વભાવસિદ્ધ ઘોઘરા આવાજવાળી ન હોય, જેના દાઢી કે મૂછ ભાગે વાળ ન હોય, તુચ્છભાષા બોલવાના સ્વભાવવાળી ન હોય, જ્યાં ત્યાં ભટકવાના સ્વભાવવાળી કે રાજકારણની વાતો અન્ય પાસે સાંભળી અન્યને કહેવાના સ્વભાવવાળી ન હોય, જે પ્રતિદિન પોષ્યવર્ગને ભોજન કરાવીને પછીથી ભોજન કરનારી હોય, લજ્જાશીલ સ્વભાવવાળી હોય, ચંચળ પ્રકૃતિ ન હોય, દયાળુ હોય, પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી હોય, ખરીદવા કે વેચવાના બહાને બજારમાં રખડતી ન હોય, અધાર્મિક સ્ત્રીઓનો સંગ ન કરતી હોય, ધર્મપાલન કરવામાં ઉત્સાહવાળી હોય, આવા અનંત ગુણોથી યુક્ત સધવા નારીએ પોતાના જેવા ગુણશાળી પતિની આજ્ઞા લઇ મહાદીક્ષાની અધિકારી થઇ શકે છે. જે રીતે ઉપરોક્ત કહ્યા એવા ગુણવાળી વિધવા સ્ત્રી હોય તે પણ પિતા કે પુત્રની આજ્ઞા લઇ મહાદીક્ષાની અધિકારી થઇ શકે છે, તથા કુંવારી કન્યા હોય તે પણ મહાદીક્ષાની અધિકારી થઇ શકે છે.૪૭-૫૨
હે પુત્રો ! આવા પ્રકારના લક્ષણોથી ગુરુસ્ત્રીએ શરણે આવેલી શિષ્યાઓની પરીક્ષા કરી આગલા દિવસે જેને નિરાહાર ઉપવાસ કર્યો છે એવી એ શિષ્યાને એકાદશીના દિવસે કે દ્વાદશીના દિવસે મહાદીક્ષાનું પ્રદાન કરવું.૫૩
તે દીક્ષાપ્રદાનમાં પ્રથમ કેળના સ્તંભનો મંડપ રચાવી ચિત્રવિચિત્ર વસ્ત્રોથી તેને સુશોભિત કરવો, તેમાં સુંદર તોરણ લટકાવવાં.૫૪
તે મંડપના મધ્યભાગમાં રંગ, ગુલાલ આદિકથી અથવા અનેક પ્રકારના રંગોથી રંગેલા અક્ષતવડે સર્વતોભદ્ર મંડલની રચના કરાવીને અનેક સ્ત્રીઓ પાસે ભગવાનનાં ગીતો ગવડાવવાં.૫૫
દીક્ષા આપવાના દિવસે પ્રાતઃ સ્નાન કરી ધોયેલાં વસ્ત્રો ધારણ કરી બહાર અંદર પવિત્રપણે રહી ગુરૂસ્ત્રીએ ચંદન પુષ્પાદિક સર્વે પૂજાના ઉપચારો મંગાવીને તૈયાર રખાવવાં ને તેમની સમીપે બેસવું.૫૬
તે મંડળની મધ્યે બાજોઠને પધરાવી તેના ઉપર શ્વેત વસ્ત્રનું આચ્છાદન કરી તે બાજોઠ ઉપર અષ્ટપાંખડીવાળા કમળની રચના કરવી.૫૭
તે રચના અનેક પ્રકારના રંગોથી કે ચોખાથી કર્ણિકાએ સહિત કરવી,પછી તેમાં રાધા અને લક્ષ્મીએ સહિત શ્રીવાસુદેવ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી.૫૮
તે સમયે ગુરુસ્ત્રીએ પૂજાના ઉત્સવમાં સ્ત્રીઓની પાસે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર પદોનું ગાન કરાવી અનેક પ્રકારનાં વાજિંત્રો વગડાવવાં.૫૯
હે પુત્રો ! ત્યારપછી શિષ્યાસ્ત્રીએ સ્નાન કરી કસુંબલ વસ્ત્ર કે ધોયેલાં સુતરાઉ વસ્ત્રને ધારણ કરી ગુરુપત્નીને સમીપે બેસવું.૬૦
''શ્રીરાધાકૃષ્ણાય નમઃ'' આ મંત્ર સર્વ પ્રકારના ઉપચારો વખતે બોલવાનું જાણવું. તે જ મંત્રથી ગુરુસ્ત્રીએ પૂર્વ સન્મુખ બેઠેલી શિષ્યા પાસે ભગવાન શ્રીહરિની પૂજા કરાવવી.૬૧
પછી પૂર્વમુખે બેઠેલી ગુરૂસ્ત્રીએ શિષ્યાને ઉત્તર મુખે બેસાડીને કંઠમાં સૂક્ષ્મ તુલસીની કંઠી ધારણ કરાવવી.૬૨
ને સધવા સ્ત્રીના ભાલમાં કુંકુમનો ચાંદલો કરાવવો. જો દીક્ષાર્થી વિધવા હોય તો ગળામાંભગવાનની પ્રસાદીના ચંદનનો અથવા ગોપીચંદનનો ચાંદલો કરાવવો. પછી શિષ્યાએ બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવી.૬૩-૬૪
श्रीकृष्ण ! नारायण ! वेणुपाणे ! श्रीराधिकानेत्रचकोरचन्द्र ! । वृन्दावनानन्दितगोपगोपे ! श्रीगोकुलाधीश ! हरे ! प्रसीद ।। ६५
श्रीदेवकीनन्दन ! देवदेव ! श्री द्वारिकाधीश्वर ! पार्थसूत ! । लक्ष्मीमनोरञ्जनचारुहास ! प्रभो ! नमस्ते परमेश्वराय ।। ६६
दीक्षांन त्वदीयां महतीं दधामि रक्षा तदीया भवतैव कार्या । क्रोधाश्च लोभाञ्च रसाञ्च कामादधार्मिकेभ्यश्च विभो ! नरेभ्यः ।। ६७
यथा त्वदीये तु पदारविन्दे रतिर्मदीया गिरिनिश्चला स्यात् । हरे ! तथानुग्रहमर्हसि त्वं कर्तुं त्वदीयाऽस्मि यतोऽहमीश ! ।। ६८
धर्मो यथैवात्र पतिव्रताया भग्नो भवेन्नाणुरपि प्रभो ! मे ! । तथैव कार्या भवता दयालो ! दास्यां कृपा मय्यपि वासुदेव ! ।। ६९
દીક્ષિતસ્ત્રીએ શ્રીહરિને કરવાની પ્રાર્થના :- હે શ્રીકૃષ્ણ ! હે નારાયણ ! હે વેણુપાણિ ! હે રાધિકાના નેત્રરૂપી ચકોરના ચંદ્ર ! હે વૃંદાવનમાં ગોપ ગોપીઓને આનંદ ઉપજાવનારા ! હે ગોલોકાધીશ ! હે શ્રીહરિ ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૬૫
હે શ્રી દેવકીનંદન ! હે દેવદેવ ! હે શ્રીદ્વારિકાધીશ્વર ! હે અર્જુનના સારથી ! હે લક્ષ્મીના મનોરંજન માટે મધુર હાસ્ય કરનારા ! હે પ્રભુ ! હે પરમેશ્વર ! તમને હું નમસ્કાર કરૂં છું.૬૬
હે વિભુ ! હું તમારી મહાદીક્ષાને ધારણ કરૂં છું એથી ક્રોધ, લોભ, રસાસ્વાદ, કામ અને અધાર્મિક પુરુષો થકી તમારે જ આ મારી મહાદીક્ષાની રક્ષા કરવાની છે.૬૭
હે શ્રીહરિ ! હે ઇશ ! જે પ્રકારે તમારા ચરણારવિંદમાં મારી પ્રીતિ પર્વત જેવી અચળ થાય તેવો તમો મારા ઉપર અનુગ્રહ કરજો. કારણ કે હું હવે એક તમારે જ શરણે છું.૬૮
હે પ્રભુ ! હે દયાળુ ! હે વાસુદેવ ! આલોકમાં મારો પતિવ્રતાનો ધર્મ જે રીતે એક અણુમાત્ર પણ ભંગ ન થાય તેમ તમારી દાસી એવી મારા ઉપર કૃપા કરજો.૬૯
મંત્રદીક્ષા પછી આપવાનો ઉપદેશ :- હે પુત્રો ! આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી શિષ્યાએ પોતાના ગુરુસ્ત્રીની આજ્ઞાથી શ્રીવાસુદેવ ભગવાનને પ્રણામ કરવા, પછી ગુરુસ્ત્રીને પ્રણામ કરી ઉત્તર સન્મુખ બેસવું, ને ગુરુસ્ત્રીએ પૂર્વસન્મુખ બેસવું.૭૦
પછી ગુરુએ પોતાના હૃદયમાં શ્રીવાસુદેવ નારાયણ અને પોતાના પતિ આચાર્યશ્રીનું ધ્યાન કરી તે શિષ્યાના ડાબા કાનમાં શ્રીકૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષરમંત્રનો ધીમેથી ત્રણ વાર ઉપદેશ કરવો.૭૧
ગુરુસ્ત્રીએ શિષ્યાને ઉપદેશ આપવો કે, હે કલ્યાણી ! તું અત્યારે મારી પુત્રી થઇ છે.૭૨
મેં સત્યસ્વરૂપ એવા શ્રીકૃષ્ણ ભગવાનરૂપી પતિની સાથે તારો સંબંધ કરાવ્યો છે. તેથી મનને નિયમમાં રાખી તું અનન્યભાવથી તેમનું નિત્યે ભજન કરજે.૭૩
તે અનેક પતિઓના સંબંધથી અને જન્મ-મરણ રૂપ સંસૃતિના ભ્રમણથી તારૂં રક્ષણ કરશે. ને તારા પતિવ્રતાના ધર્મનું પણ રક્ષણ કરશે.૭૪
તારે પ્રતિદિન સમયે સમયે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી. તેની પ્રસાદીનું અન્ન દિવસમાં એકવાર અને રાત્રીમાં એકવાર જમવું.૭૫
આપત્કાળ પડયા વિના દિવસમાં બે વાર ન જમવું. તથા રાત્રીમાં પણ બેવાર ન જમવું, તેમાં મહાદીક્ષા પ્રાપ્ત કરનાર વિધવા નારીએ તો દિવસે અથવા રાત્રે એક જ વાર જમવું.૭૬
જો સધવા નારીએ તાવ આદિ રોગની પીડા હોય કે પછી જ્ઞાતિજનોના ઘેર અવશ્ય ભોજનનો સમય હોય અથવા પ્રવાસનો સમય હોય ત્યારે ત્રણ વખત જમવામાં દોષ નથી.૭૭
હે શિષ્યા ! તેવી જ રીતે રોગાદિ આપત્કાળમાં ભગવાન શ્રીહરિનું નૈવેદ્ય તો મનથી કલ્પીને જ કરવું. હૃદયમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનને મનથી કલ્પેલ અન્નાદિક ભોજન વડે જમાડવા. તે સમયે બાહ્યપૂજા ન થઇ શકે તે માટે એમ કરવું યોગ્ય છે.૭૮
હમેશાં બ્રાહ્મમુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું, અને રાત્રીએ પ્રતિદિન પહેલો પહોર વ્યતીત થયા પછી શયન કરવું.૭૯
તારે સર્વે દશમી, એકાદશી અને દ્વાદશીના વ્રતોપવાસના દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો.૮૦
વિધવા નારીઓએ તો સંન્યાસીઓની જેમ જ ક્યારેય પણ દિવસે નિદ્રા ન કરવી. આપત્કાળમાં દિવસે નિદ્રા થાય કે બીજી વખત ભોજન થાય તેનો દોષ નથી.૮૧
હે શિષ્યા ! મહાદીક્ષા પ્રાપ્ત કરેલી સર્વપ્રકારની સ્ત્રીઓએ રમાપતિની નવધા ભક્તિ કરવી ને ભગવાનની ભક્ત સ્ત્રીઓ સાથે માન, ઇર્ષ્યા, ક્રોધ કે વિવાદ ન કરવો.૮૨
દીક્ષિત નારીઓએ પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો ને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી મેં કહેલા આ સર્વે સદાચાર તારે પાડવાના છે. આ આપણા ઉદ્ધવસંપ્રદાયની મર્યાદા છે.૮૩
કારણ કે, અત્યારથી તું કાયા, મન, વાણીથી શ્રીકૃષ્ણ ભગવાની આશ્રિત થઇ છો એથી આ પૃથ્વી પર તું આત્મનિવેદિની ભક્ત તરીકે પ્રખ્યાત થઇશ.૮૪
હે સદ્બુદ્ધિવાળી શિષ્યા ! નિત્યે સ્વધર્મમાં રહીને આ રીતે જીવન પસાર કરીશ તો દેહના અંતે ગોલોકમાં રાધિકાજીની જેમ તું પ્રિય સુખને પામીશ, એ નક્કી વાત છે.૮૫
હે શિષ્યા ! તારા પુણ્યના પ્રતાપે તારો પતિ પણ ભગવાન શ્રીહરિનો પાર્ષદ થશે, તારાં માતૃકુળ અને પિતૃકુળ પણ પરમ સદ્ગતિને પામશે.૮૬
હે પુત્રો ! આ પ્રમાણે ગુરૂપત્ની કહે, તેમના વચનને શિષ્યાએ આદરથી મસ્તક પર ધારવાં ને ગુરૂપત્નીને નમસ્કાર કરવા, ત્યારે ગુરૂએ શિષ્યાને શુભાશીર્વાદ આપવા ને કહેવું કે, હે શુભે ! તું સદાય પરિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી થા તથા લક્ષ્મીજીની જેમ તને પણ ભગવાનનું દાસત્વ પ્રાપ્ત થાય.૮૭-૮૮
હે પુત્રો ! પછી શિષ્યાએ પૂર્વની જેમ પોતાની શક્તિ પ્રમાણે ગુરુસ્ત્રીની પૂજા કરીને તેમને નમસ્કાર કરવા, તેમજ અન્ય ભગવદ્ભક્ત સ્ત્રીઓને પણ નમસ્કાર કરવા ને ગુરુના વચનમાં દૃઢપણે વર્તવું.૮૯
જે સ્ત્રી ઉદ્ધવસંપ્રદાયની સામાન્ય દીક્ષા કે મહાદીક્ષા ગ્રહણ કરે તે સમયે તે સ્ત્રીએ પોતાની શક્તિ પ્રમાણે શ્રીહરિના ભક્તો, સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવવું.૯૦
હે પુત્રો ! આ પ્રમાણે ઉદ્ધવસંપ્રદાયમાં રહી શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવા ઇચ્છતી સ્ત્રીઓ માટે બે પ્રકારનો દીક્ષાવિધિ મેં કહ્યો.૯૧
તેને તમે બન્નેએ તમારી પત્નીઓને જઇને અલગ અલગ કહેજો. તે પણ તમારા કહેવા પ્રમાણે વર્તન કરે.૯૨
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું ત્યારે બન્ને પુત્રો અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી બહુ જ પ્રસન્ન થયા. પરમેશ્વર ભગવાન શ્રીહરિને પ્રણામ કરી તેમણે કહેલા અર્થનું મનમાં ચિંતવન કરતા કરતા પોતાના નિવાસ સ્થાને પધાર્યા.૯૩
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ સ્ત્રીઓને માટે બે પ્રકારના દીક્ષાવિધિનું નિરૂપણ કર્યું એ નામે ત્રેપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૩--