અધ્યાય - ૫૯ - યોગ સાધનમાં જાણવા યોગ્ય તત્ત્વાદિજ્ઞાનનું સારી રીતે કરેલું નિરૃપણ.
યોગ સાધનમાં જાણવા યોગ્ય તત્ત્વાદિજ્ઞાનનું સારી રીતે કરેલું નિરૃપણ. પ્રાણાયામમાં પૃથ્વી આદિક પાંચ તત્વોનું સહકારી વિજ્ઞાન.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ !
પ્રાણાયામને સિદ્ધ કરવા ઇચ્છતા યોગીપુરુષે નાસિકાથી ઉચ્છવાસ દ્વારા બહાર નીકળતા પ્રાણધાતક વાયુને વિષે રહેલા પૃથ્વી આદિક પાંચ તત્ત્વોને યથાર્થ રીતે સર્વપ્રકારે જાણી રાખવાં.૧
તથા ઇડા, પિંગલા અને સુષુમ્ણાનાડીના ચલન વખતે યોગીએ શું શું કરવું જોઇએ તે પણ યથાર્થપણે જાણી રાખવું.૨
સૂર્ય તથા ચંદ્ર સંબંધી તિથિ, પક્ષ અને વાર કહ્યા છે ? તે પણ શાસ્ત્રની રીતે જાણી રાખી યોગસાધકે એ સમયને અનુરૃપ સર્વે ક્રિયાઓ કરવી.૩
અને આ સર્વે બાબત સ્વર શાસ્ત્રમાં વિસ્તારથી વર્ણવેલી છે તેનો સારાંશ ગ્રહણ કરીને સાધકોના હિતને માટે તમને કહીએ છીએ.૪
પ્રાણાયામમાં પૃથ્વી આદિક પાંચ તત્વોનું સહકારી વિજ્ઞાન :- તે પાંચ તત્ત્વોને મધ્યે પૃથ્વીતત્ત્વ પીળા વર્ણનું અને ચતુષ્કોણ છે એમ જાણવું, અને જ્યારે તેનું વહન થતું હોય ત્યારે નાસિકાથી બહાર નીકળતો ઉચ્છવાસ મધ્યમગતિ વાળો, અર્થાત્ નહિ ઊંચે કે નહિ નીચે પરંતુ બાર આંગળ પરિમિત દીર્ઘગતિવાળો હોય છે.પ
ત્યારે યોગીનો સ્વભાવ સ્થિર હોય છે. સુગંધીમાન પદાર્થમાં રુચિ થાય, પીળા વર્ણવાળા પદાર્થોનું હૃદયમાં ચિંતવન થાય.૬
આ પ્રમાણે પૃથ્વીતત્ત્વનું ચલન હોય ત્યારે યોગીએ પોતાને યોગ્ય નિશ્ચિંતભાવે કરવા જેવા કર્મો કરવાં, પરંતુ તે સિવાયનાં કાર્યો ન કરવાં.૭
જળતત્ત્વ શ્વેત વર્ણવાળું અને અર્ધચંદ્રસમાન આકૃતિવાળું હોય છે. જ્યારે તેનું ચલણ હોય ત્યારે શ્વાસ અધોગતિવાળો અને સોળ આંગળ પર્યંત દીર્ઘ ગતિવાળો હોય છે.૮
આ સમયે સ્વભાવમાં ચંચળતા, રસાસ્વાદમાં રુચિ અને હૃદયમાં શ્વેત પદાર્થોનું ચિંતવન ચાલતું હોય છે. ત્યારે યોગીએ શાંતિનાં કર્મો કરવાં.૯
તેજતત્ત્વ લાલવર્ણનું અને ત્રિકોણાકારનું હોય છે. તે સમયે નાસિકાના વાયુની ગતિ ચાર આંગળ પરિમિત અને ઉર્ધ્વગમનવાળી હોય છે, સ્વભાવમાં ઉગ્રતા અને રુપ વિષયમાં રુચિ, હૃદયમાં લાલ વર્ણવાળા પદાર્થોનું ચિંતવન ચાલતું હોય છે. તે સમયે યોગીએ પોતાને યોગ્ય તીક્ષ્ણ કર્મ કરવાં.૧૦-૧૧
વાયુતત્ત્વ લીલારંગનું અને વર્તુળાકાર હોય છે. તેનું ચલણ હોય ત્યારે, શ્વાસની ગતિ આઠ આંગળ પરિમિત અને વાંકી હોય છે. સ્વભાવમાં અતિ ચંચળતા અને સ્પર્શ સુખમાં પ્રીતિ હોય છે, તેમજ મનમાં લીલાવર્ણના પદાર્થનું ચિંતવન ચાલતું હોય છે. આ સમયે યોગસાધકે શીઘ્રગતિએ કરવા યોગ્ય કર્મો કરવાં.૧૨-૧૩
આકાશતત્ત્વ છે તે શ્યામવર્ણનું અને બિંદુસમાન આકારવાળું હોય છે. તે સમયે યોગીના શ્વાસની ગતિ એક આંગળ પરિમિત ચોતરફ ફરતી હોય છે.૧૪
એ સમયે સ્વભાવમાં શૂન્યતા વર્તવી, શબ્દ સુખમાં રુચિ અને મનમાં કોઇ પદાર્થનો સંકલ્પ હોતો નથી. ત્યારે તો યોગીએ આત્મા પરમાત્માના સ્વરુપનું ધ્યાન કરવું.૧૫
પહેલા પૃથ્વી અને છેલ્લા આકાશ તત્ત્વમાં પ્રાણાયામ કરવો શ્રેષ્ઠ મનાયેલો છે. અને બીજા જળતત્ત્વમાં અને ત્રીજા અગ્નિતત્ત્વમાં પ્રાણાયામ કરવો મધ્યમ છે. તેમજ ચોથો વાયુતત્ત્વમાં કનિષ્ઠ મનાયેલો છે.૧૬
ઇડા નાડીમાં જળતત્ત્વનું વહન હોય ત્યારે જ જળપાન કરવું, પિંગલાનાડીમાં અગ્નિ તત્ત્વનું વહન હોય ત્યારે ભોજન કરવું અને મળ ઉત્સર્જનની ક્રિયા પણ ત્યારે જ કરવી.૧૭
અને જ્યારે સુષુમ્ણા નાડીનું વહન હોય ત્યારે ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું. અથવા પ્રાણાયામ કરવા. તે સિવાય બીજાં સ્થિર કર્મો કે ચલકર્મો કોઇ પણ કરવાં નહિ.૧૮
દિવસે ચંદ્ર સંબંધી ઇડાનાડી વહાવવી, અને રાત્રે સૂર્ય સંબંધી પિંગલાનાડી વહાવવી. જળપાનાદિક કરવાનું હોય તેટલા સમય પૂરતી ઉલટી દિશામાં વહાવવી.૧૯
યોગીએ સુદપક્ષને ચંદ્ર સંબંધી જાણવો અને વદપક્ષને સૂર્ય સંબંધી જાણવો. બુધ, ગુરુ, શુક્ર અને સોમવાર આ ચાર વાર ચંદ્ર સંબંધી જાણવા, રવિ, મંગળ અને શનિવાર તે સૂર્ય સંબંધી જાણવા.ર૦
સુદપક્ષના પડવાની તિથિથી માંડી અમાવાસ્યા પર્યંતના ત્રણ ત્રણ દિવસો અનુક્રમે ચંદ્રના અને ફરી સૂર્યના સંબંધવાળા જાણવા.ર૧
ચંદ્ર સંબંધી ઇડાનાડીને વિષે ચંદ્રના પક્ષ, તિથિ અને વાર આવે ત્યારે અને સૂર્યસંબંધી પિંગલા નાડીને વિષે સૂર્યના પક્ષ, તિથિ અને વાર આવે ત્યારે સર્વે કાર્યો સિદ્ધ થાય છે.રર
આ નાડી, પક્ષ, તિથિ અને વારનું પરસ્પર મિશ્રપણું હોય ત્યારે પ્રારંભ કરવામાં આવેલાં કર્મોનું મનોવાંછિત ફળ તત્કાળ પ્રાપ્ત થતું નથી.ર૩
આ પ્રમાણે અમે તમને પૃથ્વી આદિક તત્ત્વોનાં લક્ષણો સંક્ષેપથી કહ્યાં. તે સર્વેને યોગની સાધના કરનારા યોગીએ પોતાના સ્વાર્થની સિદ્ધિ કરવા માટે અવશ્ય જાણી રાખવાં.૨૪
આ તત્ત્વાદિકનું વિજ્ઞાન સર્વને માટે સુલભ નથી. જે યોગી પૂર્વોક્ત નિયમોનું ઉલ્લંઘન કર્યા વિના યોગમાં પ્રવર્તે છે. તેને જ સિદ્ધ થાય છે, પરંતુ બીજાને સિદ્ધ થતું નથી.રપ
જે કુપથ્યનું ભોજન કરે અર્થાત્ શરીરમાં ઉપદ્રવ થાય તેવા પ્રકારનું તથા બહુ ભોજન કરે, પ્રમાદી, વ્યસની, ક્રોધી, બહુ બોલનારો, દિવસે નિદ્રા કરનારો અને કામી હોય તેવા પુરુષોને આ તત્ત્વવિજ્ઞાન થતું નથી.ર૬
પ્રાણાયામનો પ્રસંગ વર્ણવતાં આ તત્ત્વાદિ વિજ્ઞાનનું નિરૃપણ કર્યું. તેના જ્ઞાનવાળા યોગસાધકે કાર્યની સિદ્ધિ થશે કે નહિ થાય તે પોતાના મનમાં આ વિજ્ઞાનથી જાણી શકે છે.૨૭
હે સદ્બુદ્ધિવાળા મુનિ ! આ પ્રમાણે અમે તમને સ્પષ્ટપણે યોગના યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર અંગો કહ્યાં. હવે બીજાં પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ ચાર અંગો તેમના ફળની સાથે અનુક્રમે કહીએ છીએ.૨૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ પૃથ્વી તત્ત્વાદિકના વિજ્ઞાનનું નિરૃપણ કર્યું, એ નામે ઓગણસાઠમો અધ્યાય પૂર્ણ થયો. --૫૯--