અધ્યાય - ૬૧ - ભગવાન શ્રીહરિએ પંચભૂતના વિકારરૃપ શરીરમાં રહેલી નાડી આદિકની રચનાનું કરેલું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 10:02pm

અધ્યાય - ૬૧ - ભગવાન શ્રીહરિએ પંચભૂતના વિકારરૃપ શરીરમાં રહેલી નાડી આદિકની રચનાનું કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ પંચભૂતના વિકારરૃપ શરીરમાં રહેલી નાડી આદિકની રચનાનું કરેલું નિરૃપણ. શરીરમાં રહેલાં અસ્થિઓની સંખ્યા.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ !
અગ્નિને રહેવાના સ્થાનકરૃપ મનાયેલા આ શરીરમાં છ કોશ રહેલા છે. તે વિષે કહીએ છીએ. જઠરાગ્નિથી પકાવવામાં આવતો અન્નરસ રુધિર થાય છે.૧

રુધિરકોશમાં રહેલા અગ્નિથી પચન કરતું રુધિર માંસરૃપે થાય છે. તે માંસકોશમાં રહેલા વહ્નિથી પકાવવામાં આવતું માંસ મેદભાવને પામે છે.ર

તે મેદ મેદકોશમાં રહેલા અગ્નિએ પચન કરાતાં અસ્થિરૃપે થાય છે. અસ્થિકોશમાં રહેલા અગ્નિથી પકાવવામાં આવતાં અસ્થિ મજ્જારૃપે થાય છે, તે મજ્જાકોશને વિષે રહેલા અગ્નિથી પકાવાતાં મજ્જા વીર્યરૃપમાં પરિણમે છે.૩

એ વીર્ય બીજી કોઇ અવસ્થામાં પરિણામ પામતું નથી તે જીવાત્માનો પ્રથમ કોશ છે. કેળાના સ્તંભની છાલની જેમ આ દેહના છ કોશ રહેલા છે. આ બાબત આયુર્વેદશાસ્ત્રમાં અત્યંત સ્પષ્ટ રીતે પ્રસિદ્ધ છે.૪

શરીરમાં રહેલાં અસ્થિઓની સંખ્યા :-

આ મનુષ્ય શરીરમાં ત્રણસોને સાઠ અસ્થિઓ છે. તેમાં દાંતના મૂળ પ્રદેશમાં રહેલા બત્રીસ અસ્થિ અને બત્રીસ દાંતરૃપ અસ્થિ એમ મળીને ચોસઠ.૫

વીસ નખો, વીસ હાથ-પગના સળી આકારના અસ્થિઓ, એક એક આંગળીમાં ત્રણ ત્રણ મળીને વીસ આંગળીમાં સાઠ.૬

ઘુંટીમાં ચાર, પગની પેનીઓમાં બે, બન્ને બાહુમાં વિસ્તૃત કનિષ્ઠિકા આંગળીવાળી મુઠીથી માપેલા હાથના માપના ચાર, બન્ને જંઘામાં ચાર.૭

ઢીંચણ-જંઘા અને સાથળને જોડવાના ભાગમાં તથા સાથળ, ખભા અને ગાલના ભાગમાં બે બે અસ્થિ મળી આઠ, તાલુમાં બે, કાન અને નેત્રના મધ્ય ભાગમાં શંખ થકી નીચેના ભાગમાં બન્ને બાજુ બે બે મળી ચાર, શિશ્નમાં એક.૮

દાઢીમાં એક, ડોકમાં પંદર અસ્થિઓ, વક્ષઃસ્થલ અને ખભાના સાંધાના ભાગમાં બે, દાઢીના મૂળ ભાગમાં બે અસ્થિ, પાછળના બરડામાં પિસ્તાલીસ.૯

નેત્રોમાં બે, ગાલ અને નેત્રના વચ્ચેના પ્રદેશમાં બે, લલાટમાં બે, નાસિકામાં એક, અર્બુદ- અવાંતર અસ્થિઓ, પાર્શ્વભાગના અસ્થિઓના આધારભૂત અસ્થિઓ સાથે પડખાનાં અસ્થિઓ મળી બોંતેર.૧૦

માથાના કપોળના ચાર, શંખ-ભ્રૂકુટિ અને કર્ણના વચ્ચેના પ્રદેશનાં બે અને છાતીમાં સત્તર અસ્થિઓ છે. આ પ્રમાણે પુરુષના શરીરમાં ગોઠવવામાં આવેલો અસ્થિસંગ્રહ કહ્યો.૫-૧૧

ઓજ (અર્થાત્ હૃદયની અંદર પિતની સાથે રહેલું જે શુદ્ધ એવું પણ થોડું રક્ત કે જે ગણનાપાત્ર તત્ત્વ છે. તેને ઓજ કહેવાય છે. તેનો નાશ થાય તો તરત જ શરીર શબ થાય છે. એમ આયુર્વેદશાસ્ત્રમાં કહેલું છે.), નાભિ, ગુદા, વીર્ય, રુધિર, બે શંખ (ભ્રકુટી અને કર્ણની વચ્ચેનો ભાગ), શિર, કંઠ, હૃદય, વસા, માંસપિંડ, યકૃત અને પ્લીહા, આ સર્વે શરીરમાં રહેલા પ્રાણનાં મુખ્ય સ્થાનો છે.૧ર

આ શરીરમાં વાત, પિત અને શ્લેષ્મને વહન કરતી શિરા નામની ચોવીસ નાડીઓ છે, કે જે નાભિથી સંબંધ રાખી આખા શરીરમાં વ્યાપીને રહેલી છે. આ શિરા નાડીઓ જુદી જુદી શાખાના ભેદથી સાતસો છે.૧૩

પ્રાણ આદિ વાયુને વહન કરતી ધમની નામની ચોવીસ નાડીઓ છે તે પણ નાભીથી પ્રકટી જુદી જુદી શાખાઓની સંખ્યાથી બસો સ્વરૃપે ફેલાયેલી છે.૧૪

વળી આ ધમનીએ સહિત શીરા આદિક નાડીઓની શાખાઓ અને ઉપશાખાઓના ભેદથી ઓગણત્રીસ લાખ નવસો ને છપ્પન નાડીઓ શરીરમાં રહેલી છે.૧૫

બે હાથ, બે પગ, મધ્યભાગ અને મસ્તક આ છ અંગની સંધિઓ (સાંધાઓ), તથા ઉદર, નાભિ, લલાટ, નાસિકા, ચિબુક અને નેત્રાદિ અનેક પ્રતિ-અંગની સંધિઓના બંધક એવા સ્નાયુઓની સંખ્યા આ શરીરમાં નવસો છે. માંસલ આકારની પેશીઓ પાંચસો છે.૧૬

દાઢી, મૂછના અને મસ્તકના કેશો મળી ત્રણ લાખ છે. મર્મસ્થળો કે જ્યાં પ્રહાર કરવાથી મૃત્યુ થાય એવાં સ્થળો શરીરમાં એકસો ને સાત છે. અસ્થિના મુખ્ય સાંધાઓ બસો છે.૧૭

આ શરીરના સર્વે રૃવાડાંના સૂક્ષ્મ અંશો છે, તે પરસેવાને ઉદ્ભવ થવાના સ્થાનભૂત એવા વાયુસંબંધી પરમાણુઓની સાથે અલગ કરીને દર્શાવેલા બહુ છે.૧૮

આ શરીરમાં એ સર્વે રુવાડાંના સૂક્ષ્મ અંશો ચોપનકરોડ સડસઠ લાખ અને પચાસ હજાર કહેલા છે. તેને યોગીઓએ માન્ય કરેલા છે.૧૯

હે મુનિ આ શરીર વિજ્ઞાન કોઇ પણ પુરુષથી સ્થૂલ દૃષ્ટિથી જાણવું અશક્ય છે. પરંતુ સમાધિનિષ્ઠ યોગીઓ જ સૂક્ષ્મ દૃષ્ટિથી સ્પષ્ટપણે જોઇ શકે છે.૨૦

આ શરીરમાં સારી રીતે પરિણામ પામેલા આહારનો સારાંશ નવ અંજલી જેટલો છે. જળનો ભાગ દશ અંજલી, વિષ્ટાનો ભાગ સાત અંજલી, રુધિરનો ભાગ આઠ અંજલી છે.૨૧

મૂત્ર, પિત્ત અને કફનો ભાગ ક્રમે ચાર, પાંચ અને છ અંજલીનો છે. અસ્થિના છિદ્રમાં રહેલો મજ્જા નામના ધાતુનો ભાગ એક અંજલી છે. મેદ કે જે માંસનો રસ તે બે અંજલી છે. અને વસા કે જે માંસનો સ્નેહ તે ત્રણ અંજલી જેટલો છે.૨૨

મસ્તકમાં રહેલો સ્નેહ, શ્લેષ્મરસ અને વીર્ય અર્ધ અર્ધ અંજલીના છે. આ પ્રમાણે સમધાતુવાળા પુરુષના શરીરની સ્થિતિ કહેલી છે. પરંતુ વિષમ ધાતુવાળા પુરુષના શરીરનો આ નિયમ નથી.૨૩

આ શરીરના મધ્યભાગમાં હૃદય રહેલું છે. તે મનનું અને કફનું નિવાસ સ્થાન છે, અને પિત્ત પણ નાભિમાં રહેલું છે.૨૪

પકવાશય નાભિથી નીચે અને આમાશય નાભિથી ઉપરના ભાગમાં હોય છે. તે પક્વાશય અને આમાશયની મધ્યે જઠરાગ્નિ અને પ્રાણનું સ્થાન છે.૨૫

અને નાભિના મધ્ય ભાગમાં ચાર આંગળના માપ જેટલો અંડાકૃતિ કંદ છે. તે શરીરની સ્થિતિનો હેતુ છે. તે કંદની મધ્યે નાભિચક્ર છે.૨૬

પુણ્ય અને પાપથી પ્રેરાયેલો જીવ પ્રાણની ઉપર આરુઢ થઇ જેમ પોતે સર્જેલા તંતુના પાંજરામાં કરોળીયો ભમે છે, તેમ જીવ નાભિચક્રમાં ભમે છે. (શિક્ષાપત્રીમાં જીવ હૃદયમાં રહેલો છે એમ કહ્યું તે સાંખ્યના મત પ્રમાણે છે, અને અહીં યોગ અને આયુર્વેદની વાત કહે છે તેથી તેના મત પ્રમાણે જીવ નાભિમાં રહેલો છે તેમ કહે છે તેથી બન્નેના મત પ્રમાણે સત્ય છે. ).૨૭

હે મુનિ !
આ કંદના પડખામાં ચારે બાજુ આઠ કુંડાળા વાળીને સર્પિણીના જેવી આકૃતિવાળી કુંડલીની શક્તિ બ્રહ્મરંધ્રનું મુખ રુંધીને સૂતી છે.૨૮

એ નાભીકંદમાંથી નીકળતી બોતેર હજાર નાડીઓ આખા શરીરમાં વિસ્તરેલી છે. તેની મધ્યે ચૌદ નાડીઓ મુખ્ય છે.૨૯

તેમાં પણ સુષુમ્ણા, પિંગલા, ઇડા, વારુણા, સરસ્વતી, યશસ્વિની, હસ્તિજિહ્વા, પૂષા, વિશ્વોદરા, કુહૂ, અલંબુષા, ગાંધારી, શંખિની અને પયસ્વિની, આ નાડીઓ કહેલી છે. તેમાં પણ પહેલી ત્રણ મુખ્ય છે. અને ત્રણમાં પણ પહેલી સુષુમ્ણા મુખ્ય છે.૩૦-૩૧

હવે એ મુખ્ય નાડીઓના સ્થાનભેદનું વર્ણન કરીએ છીએ. તે ત્રણની મધ્યે સુષુમ્ણાનાડી છે તે નાભિકંદના મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થયેલી છે, તે મોક્ષમાર્ગે જતા જીવને ઊર્ધ્વગતિ આપનારી છે. આ સુષુમ્ણા છેક મસ્તકના બ્રહ્મરંધ્રમાં રહેલી છે. તેથી બીજી સર્વે નાડીઓ કરતાં અધિક છે.૩૨

તે કેવી રીતે છે તે કહીએ છીએ. કારણ કે તે સુષુમ્ણા નાડીની જમણી બાજુ રહેલી પિંગલા નાડી નાભિકંદથી ઉત્પન્ન થઇ ઉપર ઉઠીને નાસિકાના જમણા ભાગના અંતને પામીને રહેલી છે. વળી સુષુમ્ણાનાડીની ડાબી બાજુએ રહેલી ઇડા નાડી પણ નાભિકંદથી નીકળી ડાબા નાકના અંતને પામીને રહેલી છે.૩૩

વારુણા નાડી છે તે નાભિકંદના નીચેના અને ઉપરના પ્રદેશમાં થઇ આખા શરીરમાં વ્યાપીને રહેલી છે એમ જાણવું. તેમજ સરસ્વતી નાડી નાભિકંદમાંથી નીકળી ઉપરના પ્રદેશમાં જીભ પર્યંત રહેલી છે.૩૪

નાભિકંદના નીચેના જમણા ભાગમાંથી નીકળતી યશસ્વિની નાડી જમણા પગના અંગૂઠા પર્યંત રહેલી છે. હસ્તિજિહ્વા નાડી નાભિકંદના નીચેના ડાબા ભાગમાંથી નીકળી ડાબા પગના અંગૂઠા પર્યંત રહેલી છે.૩૫

અને નાભિકંદના જમણા ભાગમાં પિંગલા નાડીના પાછળના પ્રદેશમાંથી નીકળી પૂષા નાડી જમણા નેત્ર પર્યંત રહેલી છે. અને ત્યાંથીજ નીકળેલી વિશ્વોદરા નાડી મુખના મધ્ય પ્રદેશ સુધી રહેલી છે.૩૬

સુષુમ્ણા નાડીના નીચેના પૂર્વભાગમાંથી નીકળતી કુહૂનાડી શિશ્નઇન્દ્રિય પર્યંત રહેલી છે. અને અલંબુષા નાડી છેક મુખના મધ્યપ્રદેશથી નીચેના ભાગ સુધી પ્રવર્તે છે.૩૭

હે મુનિ !
નાભિકંદમાં ઇડાનાડીના પાછળના પ્રદેશમાંથી નીકળતી ગાંધારી નાડી ડાબા નેત્ર સુધી રહેલી છે, અને શંખિની નાડી છેક ડાબા કાન પર્યંત ઊર્ધ્વગામી લંબાઇને રહેલી છે.૩૮

પયસ્વિની નાડી જમણા ભાગમાં જમણા કાન પર્યંત રહેલી છે. આ ચૌદ નાડીઓ સિવાયની બીજી હજારો નાડીઓ આ ચૌદ નાડીના મૂળમાંથી ઉત્પન્ન થયેલી જાણવી.૩૯

હે મુનિ !
આ જે કાંઇ પણ પોતાના શરીરમાં રહેલો પંચભૌતિક ભાગ છે, તે સર્વેને આલોકમાં યોગ સમાધિવાળો પુરુષ યોગ્ય દૃષ્ટિથી જોઇ શકે છે. પરંતુ તે સિવાયના પુરુષો જોઇ શકતા નથી.૪૦

હે મહર્ષિ !
શ્રીવાસુદેવનારાયણ ભગવાનના ચરણ કમળની એકાંતિકી ઉપાસના કરવાથી ચરણના કૃપાપાત્ર થયેલા યોગીઓને આ લોકમાં કે પરલોકમાં કોઇ પણ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી પરંતુ સુલભ જ થાય છે.૪૧


આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતાં શ્રીહરિએ આ ભૌતિક દેહના વિકારનું નિરૃપણ કર્યું, એ નામે એકસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૧--