અધ્યાય - ૬૩ - ભગવાન શ્રીહરિએ કરેલું પંચ મહાભૂતોના બાહ્ય અને આંતરિક સ્વરૃપોનું નિરૃપણ.
ભગવાન શ્રીહરિએ કરેલું પંચ મહાભૂતોના બાહ્ય અને આંતરિક સ્વરૃપોનું નિરૃપણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ !
સમાધિનિષ્ઠ અને સ્વતંત્રતા પ્રાપ્ત કરેલો પૂર્વોક્ત યોગીરાટ્ કાળના ભયથી રહિત થઇ ગયો હોવાથી સ્વેચ્છાએ શરીરને ધારણ કરે છે અને ત્યાગ કરે છે.૧
યોગીને દેહનો ત્યાગ કરવામાં કે બહુ લાંબા સમય સુધી દેહને ધારણ કરી રાખવામાં પંચ મહાભૂતોના જ્ઞાનની અપેક્ષા રહે છે.૨
કારણ કે પિંડ અને બ્રહ્માંડના કારણરૃપ એવાં ૫ંચમહાભૂતોના જ્ઞાન વિના યોગીપુરુષ ભૌતિક શરીરને છોડવાની કળા કઇ રીતે જાણી શકે ?૩
તેથી યોગીએ સર્વેનાં કારણરૃપ પંચમહાભૂતોને જાણી રાખવાં અને પિંડ બ્રહ્માંડમાં રહેલાં તેના કાર્યરૃપ પંચમહાભૂતોને પણ જાણી રાખવાં.૪
શતાનંદ સ્વામી કહે છે, હે વિભૂસ્વરૃપ ! પિંડ અને બ્રહ્માંડનાં કારણરૃપ, પંચ મહાભૂતોના ભેદને હું જાણવા ઇચ્છું છું. આપ એ ભેદ મને જણાવો.૫
આ લોકમાં રહેલા કાર્યરૃપ અને કારણરૃપ પૃથ્વી આદિક પંચ મહાભૂતો એક સરખાં દેખાય છે. તેથી કાર્યરૃપ ભૂતોનો અને કારણરૃપ ભૂતોનો ભેદ કેવી રીતે સમજવો ?૬
શતાનંદ સ્વામીએ આ પ્રમાણે પૂછયું તેથી સંતોના સ્વામી અને સર્વજ્ઞા ભગવાન શ્રીનારાયણમુનિ કહેવા લાગ્યા કે હે મુનિ ! કાર્યરૃપ મહાભૂત અને કારણરૃપ મહાભૂત વચ્ચેનો ભેદ આધાર આધેય ભાવથી તેમજ અલ્પસ્વરૃપ અને મહત્સ્વરૃપથી જાણી શકાય છે.૭
હે મુનિ !
જેવી રીતે પૃથ્વીના પિંડમાંથી ઉત્પન્ન થયેલાં ઘટપટાદિક પદાર્થો પૃથ્વી પર જ રહેલાં હોય છે. તેવી જ રીતે પંચભૂતના કાર્યરૃપ આ બ્રહ્માંડનો ગોળો તેના કારણરૃપ પંચભૂતને વિષે રહેલો છે.૮
વળી જેવી રીતે સમુદ્ર તેના તરંગોનો આધારભૂત છે. તેવી જ રીતે મહાભૂત નામનાં પંચ ભૂતો છે તે જ પંચભૂતાત્મક આ બ્રહ્માંડોના અધારભૂત છે.૯
અને તે પંચ મહાભૂતો છે, તે મહામાયા અને મહાપુરુષને આશરીને રહેલાં છે. પુરુષ અને માયાનો યોગ થતાં તે પંચભૂતોદ્વારા અનંતકોટિ બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે.૧૦
હે રૃડી બુદ્ધિવાળા મુનિ !
જેવી રીતે આ પૃથ્વી પર પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવની માયાના કારણે પક્ષીયુગલના પરસ્પર જોડાવાથી ઇંડાનો જન્મ થતો દેખાય છે.૧૧
તેવી જ રીતે વાસુદેવનારાયણની ઇચ્છારૃપ માયાના કારણે પુરુષ અને પ્રકૃતિના જોડાવાથી પંચમહાભૂતો દ્વારા આ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. આ સિવાયનો બીજો કોઇ આધાર નથી.૧૨
આ બ્રહ્માંડની મધ્યે જે પૃથ્વી આદિ પંચભૂતો રહ્યાં છે, તે પણ ભગવાન શ્રીવાસુદેવની ઇચ્છાથી મહાભૂતોના અંશમાંથી જ ઉત્પન્ન થયાં છે.૧૩
જેવી રીતે આલોકમાં કાળે કરીને ઇંડામાંથી પક્ષીના દેહનો ઉદ્ભવ થાય છે, તેવી જ રીતે કાળે કરીને આ બ્રહ્માંડમાં પૃથ્વી આદિ પંચભૂતોની ઉત્પત્તિ થાય છે.૧૪
તેથી જ આ પંચભૂતોના કાર્ય અને કારણ ને જાણતા મુનિઓ આ બ્રહ્માંડના ગોળાથી બહાર રહેલાં તે મહાભૂતોને કારણ કહે છે. અને બ્રહ્માંડના ગોળાની મધ્યે રહેલા તે ભૂતોને કાર્ય કહે છે.૧૫
વળી સ્ત્રી અને પુરુષના સંયોગથી શુક્ર અને શોણિતનું મિલન થતાં તેમાંથી જે પિંડ નામનો સ્થૂલ દેહ ઉત્પન્ન થાય છે, તે પણ પંચભૂતના કાર્યરૃપ અંશથી ઉત્પન્ન થાય છે.૧૬
આ મનુષ્યાદિકનાં શરીરો છે, તેમાં જે પંચભૂતો રહેલાં છે, તેમાં કાઠિન્યરૃપ જે આધારભાગ છે, તે પૃથ્વી કહેવાય છે. તથા દ્રવ ભાગ છે તે જળ કહેવાય છે. ઉષ્માભાગ છે, તે તેજ કહેવાય છે.૧૭
ચેષ્ટા રૃપ ભાગ છે તે વાયુ કહેવાય છે, અને અવકાશરૃપ ભાગ છે તે આકાશ છે. આ રીતે પાંચે પાંચ ભૂતો સર્વ કોઇના શરીરમાં રહેલાં છે.૧૮
એ પાંચને મધ્યે પણ અગ્નિ, જળ, અને વાયુ આ ત્રણ ભૂતો દેહમાં વિશેષપણે મુખ્યરૃપે રહેલાં છે. આ પણ યોગીએ જાણી રાખવું જોઇએ.૧૯
વળી તે ત્રણની મધ્યે વાયુ મુખ્ય છે અને અન્ય જળ અને તેજ છે તે વાયુને આશરીને રહેલાં છે. અને વાયુ પણ તેજ અને જળને આશરે રહેલો છે. આ રીતે એ ત્રણેનો પરસ્પર અન્યોન્યાશ્રય છે.૨૦
આ ત્રણ તત્ત્વો શરીરમાં શું કામ કરે છે, તે કહીએ છીએ. તેમાં જઠરાગ્નિ છે તે આ શરીરમાં રહેલા છ કોશોની મધ્યે રક્તાદિક ધાતુને પકાવી દેહને ધારણ કરે છે.૨૧
જળ છે તે વીર્યરૃપે દેહની સ્થિતિમાં કારણભૂત છે, કારણ કે દેહ વીર્યથી જ ટકે છે. જો વીર્યનો નાશ થાય તો દેહનો નાશ થાય છે.૨૨
અને ત્રીજો વાયુ છે તે ઇન્દ્રિયરૃપતા પામી પંચ પ્રાણરૃપે આખા શરીરને ચેષ્ટા કરાવી ધારણ કરે છે.૨૩
અને એ પંચ પ્રાણ દેહધારીઓના સમસ્ત દેહોમાં નાભિકમળને વિષે રહે છે. એ પ્રાણ ત્યાંથી જ આડો - ઊંચે - નીચે સંચરે છે.૨૪
વાયુ છે તે મુખ્યપણે સુષુમ્ણામાં હમેશાં વહે છે. અને એ સુષુમ્ણા નાડીના માધ્યમથી એ સુષુમ્ણાનાડીના આશરે રહેલી બીજી નાડીઓમાં તે પ્રવેશે છે.૨૫
હે સર્વશ્રેષ્ઠમુનિ !
હવે પ્રાણ આદિક પાંચ રૃપે રહેલા વાયુની ક્રિયા કહીએ છીએ. નાભિથી ઉપરના ભાગે રહેલો પ્રાણવાયુ શરીરનું પરિપાલન કરતાં કરતાં મસ્તકમાં તથા તે મસ્કતમાં રહેલા અગ્નિમાં વ્યાપીને વર્તે છે.૨૬
નાભિથી નીચે રહેલો અપાનવાયુ જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાનું કામ કરે છે. જઠરાગ્નિ અપાનવાયુ અને પ્રાણવાયુની મધ્યે રહ્યો છે.૨૭
વ્યાનવાયુ શરીરને ચેષ્ટા કરાવતો સર્વે સાંધાઓમાં રહે છે. ઉદાનવાયુ કંઠમાં રહી ભાર આદિકનું વહન કરવાના બળને, જવા આવવારૃપ કર્મને અને તેને અનુકૂળ કરવામાં આવતા પ્રયત્નને પોષણ આપે છે.૨૮
અને સમાનવાયુ છે, તે જે કંઇ પણ ભક્ષણ કર્યું હોય કે પાન કર્યું હોય, તેને તેના તેના માર્ગે લઇ જઇ કોશાગ્નિને પ્રજવલિત કરતો નાભિમાં નિવાસ કરીને રહે છે.૨૯ આ પ્રમાણે દેહને વિષે અગ્નિ, જળ અને વાયુનું મુખ્યપણુ યોગને જાણનારા યોગીઓએ કહ્યું છે. તેમાં પણ વાયુનું પ્રધાનપણુ કહેલું છે.૩૦
તેથી યોગીએ પોતાના શરીરનો ત્યાગ કરવામાં કે ધારણ કરી રાખવામાં બ્રહ્માંડમાં ફરતા બાહ્યવાયુને અને શરીરમાં પ્રાણરૃપે વિહરતા આંતરવાયુને એકરૃપે ચિંતવન કરવા.૩૧
પ્રાણનો નિરોધ કરવામાં આવે ત્યારે તે પ્રાણને આશરે રહેલો જઠરાગ્નિ આપોઆપ રોકાઇ જાય છે. એ બન્નેનો નિરોધ થતાં યોગીનું શરીર બહુકાળ પર્યંત રહી શકે છે.૩૨
જે યોગીને આ શરીર ધારણ કરવાની અરુચિ હોય કે આ ભૌતિક શરીરનું શું પ્રયોજન છે ? તો દેહના ત્યાગની જ્યારે ઇચ્છા થાય ત્યારે યોગી બાહ્ય અને અંતર વાયુનું એકપણે ધ્યાન કરી, તે શરીરને સુખેથી છોડી શકે છે.૩૩
તે સમયે યોગીએ શું કરવું ? તે સમજાવીએ છીએ, યોગને જાણનારા યોગીએ પ્રથમ પિંડ અને બ્રહ્માંડમાં રહેલા વાયુ સ્વરૃપનું ધ્યાન કરી પછી સુદૃઢ આસન કરવું.૩૪
પછી પોતાને જે લોકમાં જવાની ઇચ્છા હોય, તે લોકને પમાડનારા અને તે લોકમાં રહેલા વાયુનું પોતાના હૃદયને વિષે ધ્યાન કરવું, ને પછીથી પોતાના કલેવરને છોડી દેવું. આ ક્રમમુક્તિની ઇચ્છાવાળા યોગીની વાત કરી.૩૫
હવે સદ્યમુક્તિની ઇચ્છાવાળા યોગીની વાત કરીએ છીએ. પૂર્વોક્ત ભક્તિયોગનાં લક્ષણોએ યુક્ત સમાધિવાળો યોગી વાયુની સાથે પોતાના આત્માની એકતા કરવાથી વાયુરૃપે થયેલો અને કાળની સાથે પોતાના આત્માની એકતા કરવાથી કાળરૃપે થયેલો હોઈ સર્વત્ર જગ્યાએથી નિર્ભય થઇ, પોતાને ઇચ્છિત ભગવાન શ્રીવાસુદેવના બ્રહ્મપુરધામ પ્રત્યે જાય છે, ત્યારે દેવતાઓ પણ તેમને વંદન કરે છે.૩૬
ભગવાનના ધામને પામે છે, ત્યારે તે યોગી ભગવાન શ્રીવાસુદેવની કૃપાથી ભાગવતી તનુને પામી પરમ આનંદનો અનુભવ કરતો થકો ત્યાં રહે છે.૩૭
હે મુનિ !
આ યોગી સર્વોત્તમ પરમાત્મા ભગવાન શ્રીવાસુદેવના સર્વોત્તમ બ્રહ્મપુર ધામને પામી, જેનું ઉત્તમ ઋષિઓ હમેશાં ધ્યાન કરે છે એવા ભગવાન શ્રીવાસુદેવનારાયણના ચરણકમળની સેવા સાક્ષાત્ લક્ષ્મીની જેમ જ કરતો થકો પોતાને ઇચ્છિત સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરે છે.૩૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ બ્રાહ્ય અને આભ્યંતર પંચભૂતના સ્વરૃપનું નિરૃપણ કર્યું એ નામે ત્રેસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૩--