તરંગ - ૯ - બ્રહ્માદિ દેવ આવ્યા

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:21pm

તરંગ - ૯ - બ્રહ્માદિ દેવ આવ્યા

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સુ થઇ સાવધાન । ભક્તિમાતા એક સમે, પુત્રને કરાવે પયપાન ।।૧।।

બેઠાં છે પરમાનંદમાં, મન થઇને મગન । મોહનજીના મુખમાંહી, લાગી રહીછે લગન ।।૨।।

શ્રી ઘનશ્યામની મૂરતિ, અદ્બુત કાંતિ અનૂપ । ભાગ્યો છે ભય ભવનો, શ્રીપતિ શ્યામસ્વરૂપ ।।૩।।

ચોપાઇ- બેઠાં છે ઓસરીમાંહી માત, લઇ ઉત્સંગમાં જગતાત । સ્તનપાન કરાવ્યું છે જ્યારે, પરમ સંતોષ પામ્યાં છે ત્યારે ।।૪।।

માતા ફેરવે છે શિર કર, ચરિત્ર કર્યું ત્યાં નટવર । જમણા પગે અંગુઠો સાર, તેજ નિકળ્યું ત્યાંથી અપાર ।।૫।।

દિવ્ય પ્રકાશ જોઇને ચિત્ત, ભક્તિમાતા થયાં ભયભીત। બીતાં થકાં તે બોલેછે ત્યાંથી, અહોહો આવડું તેજ ક્યાંથી ।।૬।।

ત્યાંતો જાણ્યું છે પ્રાણજીવન, જનુની ડર્યાં છે નિજ મન । એમ સમજીને બોલ્યા શ્યામ, દીદી બીશો નહિ આણે ઠામ ।।૭।।

કોટિ કોટિ બ્રહ્માંડ કેવાય, વળી કોટિ ઇશ સમુદાય । સર્વે સુખી છે આ તેજ વડે, માતા તે તમને નહિ નડે ।।૮।।

અવતારનો હું અવતારી, પુરૂષોત્તમ નિરવિકારી। બીજા તો બધા છે પરતંત્ર, અમે તો છૈયે આપ સ્વતંત્ર ।।૯।।

તમે પૂર્વે ભજ્યા અવતાર, કરી અમારી ભક્તિ અપાર । પણ ઇચ્છા હતી તવ મન, જાણે હરિ થાય મારા તન ।।૧૦।।

અમારે વિષે પુત્રનો ભાવ, હતો તમારે મન ઉછાવ । તે પુરણ કરવા મનોરથ, તવ ઘેર આવ્યાનો એ અર્થ ।।૧૧।।

માટે પ્રાકૃત બાળક થૈને, કરીએ માનુષી લીલા રૈને । તેમાં તેજ બતાવ્યું છે અમે, જનુની શીદ બીયો છો તમે ।।૧૨।।

એમ કહીને સમાવી લીધું, પોતાને વિષે તે લીન કીધું । આવાં અદ્બુત આશ્ચર્ય નિત્યે, પ્રભુ કરી બતાવે છે પ્રીતે ।।૧૩।।

સ્નેહ વૃદ્ધિ પામે દિનદિન, માતા રે છે પુત્રને આધીન । એમ પામ્યાં છે સુખ અપાર, સહુ વખાણે વારમવાર ।।૧૪।।

સુણો રામશરણ પવિત્ર, એક બી કહુંછું ચરિત્ર । એક દિવસ મોટો અસુર, કૃષ્ણ સાથે જેની મતિ ક્રુર ।।૧૫।।

પૂર્વનું વૈર સંભારી મન, આવ્યો વેગે કરવા વિઘન । વેષ ભુંડો મહાવિકરાલ, વળી શિર વિષે મોટી ટાલ ।।૧૬।।

અઘોરી મોટો અઘનું ધામ, આવ્યો છે કરવા કુડું કામ । શિશુરૂપે છે શ્રીઘનશ્યામ, પોઢયા પારણે પૂરણકામ ।।૧૭।।

કરે મારવા મન વિચાર, આવ્યો પારણા પાસે ગમાર। કર વધારીને લેવા જાય, તેવા શ્રીહરિ તત્પર થાય ।।૧૮।।

કરી વાંકિ ભ્રકુટી ત્યાં વાલે, પ્રભુના કોપને કોણ ઝાલે । વક્ર દ્રષ્ટિ કરી છે કૃપાલ, બળી ભસ્મ થયો તતકાળ ।।૧૯।।

એવું ઐશ્વર્ય જોઇ અપાર, બોલ્યા અનંતજી તેણીવાર । અહો દાદા જુવોને શું થયું, ભારે કૌતુક જાયે ન કહ્યું ।।૨૦।।

એવું સાંભળી શ્રીધર્મદેવ, પાસે આવી જુવે તતખેવ । બોલ્યા વચન શુદ્ધ બુદ્ધિએ, કોણ જાણે શું કર્યું વિધિયે ।।૨૧।।

હતો હું હમણાં આણેઠાર, કુવે નાવા ગયો થોડીવાર । સ્નાન કરીને આવતાં ઘેર, તેટલામાં બની છે આ પેર ।।૨૨।।

એમ કરે પરસ્પર વાત, ધ્યાન દઇ સુણે ભક્તિમાત । બેઠાં તાં સુરજાબાઇ પાસે, ત્યાંથી ઉઠીને આવ્યાં આવાસે ।।૨૩।।

એટલામાં તો જાણી આ પેર, કહે દીદી બેઠાં નિજ ઘેર । સુણી રામપ્રતાપજી ભાઇ, કહે અઘોરી આવ્યો તો આંઇ ।।૨૪।।

શું જાણ્યું આવશે ભાઇ પાસ, મુને સર્ત ન રહી તેને ત્રાસ । એમ કેતાં થકાં સુખકારી, લીધા પારણામાંથી મોરારી ।।૨૫।।

બેઠા ઓશરીમધ્યેજ આવી, માંચી ઉપર ગાદી બીછાવી । બોલ્યા ઘનશ્યામ મનવારુ, પ્રભુતાઇ દેખાડવા સારુ ।।૨૬।।

સુણો માતપિતા તમે સત્ય, ઓલ્યા અસુરનું કહું કૃત્ય । તમો બેઉ જણ વૃંદાવન, આવતાં હતાં નિજભુવન ।।૨૭।।

ભુલ્યાં આવતાં વચમાં પથ, અશ્વત્થામા મળ્યો અનરથ । તેણે પુછયું તમોનેજ ત્યાંયે, તમો એકલાં કોણ છો આંયે ।।૨૮।।

મહાઘોર ભયંકર વન, તમ સંગે નથી કોઇ અન્ય । એવાં વચન સુણીને ધર્મ, કહે સ્થિર થઇ અનુક્રમ ।।૨૯।।

પોતાનું સઘળું વરતાંત, અથ ઇતિ સુણાવ્યું સિદ્ધાંત । દ્રોણસુતને વ્યાપ્યો છે ક્રોધ, બોલ્યો મન ધરીને વિરોધ ।।૩૦।।

કૃષ્ણ પ્રગટશે તવ ઘેર, શસ્ત્ર ધરે નહિ કોઇ પેર । એવો અશ્વત્થામા દુરાચારી, એણે શાપ દીધો અવિચારી ।।૩૧।।

ચરચા જોવરાવાને કાજ, એના મિત્રને મોકલ્યો આજ । છુપૈયામાં ધર્મ ઘેર સહી, હરિ ત્યાં પ્રગટયા છે કે નહી ।।૩૨।।

એવું જોવા આવ્યો તો અજ્ઞાન, માટે માર્યો તેને નિદાન । આ તો રમત કરી લગાર, થોડો દેખાડયો છે ચમત્કાર ।।૩૩।।

એવું સાંભળી મન વિચારે, મારા પુત્ર છે પ્રતાપી ભારે । છુપૈયાપુરના વાસી જન, તેમનાં ખેંચિ લીધાં છે મન ।।૩૪।।

ગાય શિખે સુણે ને જે વાંચે, તેને જમતણી નાવે આંચે । અતિ દુર્લભ છે આ ચરિત્ર, મળે ક્યાંથી જુવો મારા મિત્ર ।।૩૫।।

હવે ભક્તિમાતા બહુ ભાવે, લાલને બેસતાં તે શિખાવે । બેસાડયા છે ત્યાં પૃથ્વીમોઝાર, કર મુકી દીધા તેણીવાર ।।૩૬।।

તાડી પાડે રમાડે હસાવે, અતિશે આનંદ ઉપજાવે । નિરાધાર બેઠેલા છે શ્યામ, કરે બાલ લીલા સુખધામ ।।૩૭।।

પૂર્વ દિશા ભણી રાખ્યું મુખ, પડયા માતાજીને સન્મુખ; આવી પડયા દીદીને ઉત્સંગે, એવી લીલા કરે છે ઉમંગે ।।૩૮।।

ખમા ખમા કહી તેડી લીધા, કર મસ્તક ઉપર દીધા । માતા કે વાગ્યું ભાઇ તમને, કાંઇ સર્ત ન રહી અમને ।।૩૯।।

પછે ભીડયા તે હૃદયસાથ, હાસ્ય કરાવે છે ગ્રહી હાથ । એટલામાં થયો ઘનઘોર, દેખી ૧વારીદ નાચે છે મોર ।।૪૦।।

એવે ટાણે આવ્યા ત્રણે દેવ, સ્રષ્ટા નારદ સારદ મેવ। આવી ઉભા છે ત્યાં હાથ જોડી, કરે પ્રારથના માનમોડી ।।૪૧।।

વેણું વગાડી નારદ ગાય, રમાપતિ હરિ રાજી થાય । બ્રહ્મા કરે છે પૂજન ત્યાંય, સોળ ઉપચાર ઋષિરાય ।।૪૨।।

વળી પ્રેમ વડેથી ૨વાગીશ, આપે અલબેલાને આશિષ । ઘણિવાર કર્યું છે સ્તવન, પ્રભુજીને કર્યા છે પ્રસન્ન ।।૪૩।।

ધર્મભક્તિને કર્યો પ્રણામ, થયા અદૃશ ત્રણ્યે તે ઠામ । કરે શ્રીહરિની એ પ્રશંસા, મનમાં રહી ગઇ આશંકા ।।૪૪।।

સુરજાબાઇ સુંદરીબાઇ, વશરામ મોતીરામભાઇ । એ આદિ સર્વેને કહી વાત, સુણિ સહુ થયાં રળિયાત ।।૪૫।।

મોટાભાઇ જે રામપ્રતાપ, પેલવાન એ બે જણ આપ । ગયા હતા ગાયઘાટ ગામ, પાછા આવ્યા તે પોતાને ધામ ।।૪૬।।

સુણિવાત ચરિત્રની સારી, ઘણા રાજી થયા સુખકારી । ઘનશ્યામ સાથે એક લગ્ન, રહે આનંદમાંયે નિમગ્ન ।।૪૭।।

વળી ભક્તિમાતા મનશુદ્ધ, કર્યું તૈયાર સાકર દુધ । તે પ્રભુને પિવરાવા માંડયું, થોડું પિધું ને બીજું તો છાંડયું ।।૪૮।।

પછે રમવા લાગ્યા કુમાર, કરે ગમતિ લીલા અપાર । બેસાડયા ત્યાં ઓસરી છે જ્યાંય, આપ્યાં રમકડાં કરમાંય ।।૪૯।।

રમે ત્યાં સુધી રમે મગાવી, પછે તો તેને દે છે ફગાવી । કર આંગળી લાંબી કરીને, કહે માતાને લાવો ફરીને ।।૫૦।।

મંદ મંદ કરે પ્રભુ હાસ, સાંને સમજાવી માગે પાસ । કહે માતા જાવો લઇ આવો, એમાં બીજાને શું સમજાવો ।।૫૧।।

એવું સાંભળી તે લેવા જાય, ચાલે ભાંખોડિયે સુખદાય । લાવી આપે છે માતાને હાથ, એવા દયાળુ છે જગનાથ ।।૫૨।।

હવે ચોતરા ઉપર ધર્મ, બેઠા વિચારે દશમ પર્મ । ત્યાં ગયા છે ત્રિભોવન પતિ, સુણે ભાગવત મહામતિ ।।૫૩।।

તેમાં વૈકુંઠનું વરણન, સાંભળે શ્રીહરિ ધરી મન । ત્યાં તો આવ્યાં છે સુંદરીમામી, બેઠાં મૂર્તિ પાસે શિરનામી ।।૫૪।।

તેણે બોલાવ્યા પ્રભુને પાસ, તર્ત દોડી આવ્યા અવિનાશ । બેઠા આવી મામીના ઉત્સંગે, રમાડે છે અતિ રસરંગે ।।૫૫।।

મામીએ દીઠાં હરિનાં ચર્ણ, રૂડિ રેખાઓ છે સુખકર્ણ । ત્યારે હર્ષ પામીને ત્યાં પુછે, ઘનશ્યામના ચર્ણમાં શું છે ।।૫૬।।

પ્રેમવતી કહે સુણો બાઇ, તે છે ઉર્ધ્વરેખા સુખદાઇ । કહે સુંદરી સઘળાં ચિહ્ન, તેનાં નામ કહો ભિન્ન ભિન્ન ।।૫૭।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે બ્રહ્માદિ દેવ આવ્યા એ નામે નવમો તરંગઃ ।।૯ ।।