૧૩ માનકૂવે પધાર્યા, ત્યાંથી કંડરાઈ તલાવડી થઈ કેરે થઈ બળદીયે પધાર્યા, ત્યાંથી માનકૂવા મહીદાસની વાડીએ કૂવા ઉપર મઠની ખીચડી જમ્યા, નદાસણના કણબી ભુલાભાઈને માર્ગ બતાવ્યો, ભુજ નગરમાં પધાર્યા ત્યાંથી માનકૂવે, મલ્લકુસ્તી જોઈ

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:49pm

અધ્યાય ૧૩

શ્રીજી મહારાજ માનકુવે થોડાક દિવસ રહીને પછી ઉકરડા ભક્તના કરલા (ઊંટ) ઉપર બેસીને ચાલ્યા તે સધુરાઈ તળાવડીમાં સ્નાન કરીને કેરે જતાં માર્ગમાં કંડરાઈ તલાવડી પાસે વરખડાના વૃક્ષ તળે ઉતર્યા. ને કરલાને વૃક્ષ સાથે બાંધીને મહારાજ સારુ ઉકરડા ભક્તે રજાઈ પાથરી તે ઉપર વિરાજમાન થયા. પછી શ્રીહરિએ તે ભક્તને વાત કરી જે, તમે ઈશ્વરનું ધ્યાન કરો. ત્યારે તેમણે કહ્યું જે, કઈ રીતે ધ્યાન કરું? ત્યારે શ્રીહરિએ કહ્યું જે, વૈકુંઠમાંથી ગરુડ ઉપર બેસીને ચાલ્યા તે કલ્પવૃક્ષ તળે ઉતર્યા. અને કલ્પવૃક્ષ સાથે ગરુડને બાંધીને ભગવાન વૃક્ષ તળે બિરાજે છે એવું ધ્યાન કરો. ત્યારે ભક્તે કહ્યું જે, વૈકુંઠ તે શું ? ને ગરુડ તે શું ? ને કલ્પવૃક્ષ તે શું ? ત્યારે મહારાજે કહ્યું જે, આપણે માનકૂવેથી આવ્યા તે વૈકુંઠ અને એ કરલો તે ગરુડ, ને આ વરખડો તે કલ્પવૃક્ષ છે. તેની નીચે ભગવાન બેઠા છે. એમ રમુજની વાત કરીને ભક્તને અતિ પ્રસન્ન કર્યા.

પછી ત્યાંથી કેરે પધાર્યા. ને ત્યાં સદાબાએ મહારાજને થાળ કરીને જમાડ્યા. ને ત્યાંથી ચાલ્યા તે ગામ બળદીએ પધાર્યા અને ત્યાં રાત્રિયે હરિભક્તોની આગળ જ્ઞાનવાર્તા કરી. ને પ્રાતઃકાળે ઊઠીને સર્વે હરિભક્તોએ સહિત કાળી તળાવડીમાં સ્નાન કરીને પછી જળથી બહાર નીકળીને કોરાં વસ્ત્ર પહેરીને તળાવની પાળે સભા કરીને બિરાજમાન થયા. અને હરિભક્તો આગળ જ્ઞાનવાર્તા કરીને તેમને ઘેર જવાની આજ્ઞા આપી. ને પોતે ત્યાંથી નારણપુરના નીચલા વાસની ભાગોળે વડના ઓટલા ઉપર બે ઘડી વિશ્રાન્તિ કરીને ઉપલાવાસ સોંસરા થઇને માનકૂવા પધાર્યા. અને ત્યાં એક રાત્રિ રહીને ચાલ્યા તે મહીદાસની વાડીએ પધાર્યા. ત્યાં તેમનો સાથી વિશ્રામ હતો તેની પાસે જમવાનું માગ્યું. ત્યારે તેણે કહ્યું જે, હે મહારાજ ! રાંધેલું તો કાંઇ નથી પણ રહો તો મઠની ખીચડી કરી આપું. પછી શ્રીહરિ તથા શિયાણી વિશ્રામ એ બન્ને સાથે મળીને ખીચડી ધોઇને આંધણની સાથે જ ઓરી દીધી. પછી શ્રીહરિ કહે, હે ભક્ત ! તમો કોશ હાંકો, અને અમો બળતું કરીએ. એમ કરીને બળતણ બાળવા લાગ્યા. ઘડીકમાં એ ભક્તને પૂછે જે, હવે ખીચડી ચડી ગઇ હશે ? એમ કહીને લાકડીએ કરીને ખીચડીને કાઢીને બે-ત્રણ વાર ચાખી. ત્યારે ભક્તે કહ્યું જે, હે મહારાજ ! ચડતાં હજુ વાર લાગશે. ત્યારે શ્રીહરિ કહે જે, અમે ભૂખ્યા બહુ થયા છીએ, તે રહેવાશે નહિ. એમ કહીને અડધી ચડેલી ખીચડી ઉતારીને કૂવાની કૂંડી ઉપર બેસીને શિલા ઉપર ખીચડીને મૂકીને શ્રીહરિ જમવા લાગ્યા. પછી બીજે દિવસે ભુજનગરના ભક્તજનોને સમાચાર મલ્યા એટલે સર્વે શ્રીહરિને દર્શને આવ્યા, અને દંડવત્‌ કરી પગે લાગી હાથ જોડી કહેવા લાગ્યા જે, હે મહારાજ ! શહેરમાં પધારો, ત્યારે શ્રીહરિએ કહ્યું જે, શહેરમાં નહીં આવીએ, ત્યારે સુતાર જીવરામનાં માતુશ્રી હરબાઇએ શ્રીહરિને પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! શહેરમાં પધારો, અને અહીં વગડામાં કેમ બેસી રહ્યા છો ? તેમની પ્રાર્થના સાંભળીને શ્રીહરિ હીરજીભાઇને ઘેર પધાર્યા અને ત્યાં સર્વે સત્સંગીઓની સેવા અંગીકાર કરીને શ્રીહરિએ સહુને આનંદ પમાડ્યા.

પછી એક દિવસે શ્રીહરિના એકાંતિક ભક્ત દંઢાવ્ય દેશના નંદાસણ ગામના કણબી ભુલાભાઇ શ્રીહરિને દર્શને ચાલ્યા. અને જેને ઉગમણા આથમણાની પણ ગમ નહિ, ને ઉનાળા શિયાળાની પણ ખબર નહિ, તેમજ જમવાનું ભાથું પણ સાથે નહિ, અને પાણીનું પાત્ર સાથે નહિ, એવા એ ભક્ત શ્રીહરિને દર્શને ચાલતાં રસ્તામાં ભૂલા પડ્યા. ત્યારે શ્રીહરિએ અંતર્યામીપણે તેને આવતા જાણીને બ્રાહ્મણનું રૂપ લઇને માર્ગમાં ભેળા થયા અને તે ભક્તને પૂછ્યું જે, ભક્ત ! તમો ક્યાં જાઓ છો ? ત્યારે ભક્ત કહે જે, અમારા સ્વામિનારાયણ ભગવાન ભુજનગરમાં વિરાજે છે, ત્યાં દર્શને જાઉં છું. ત્યારે બ્રાહ્મણે કહ્યું જે, અમારે પણ ભુજનગર જાવું છે. ને હું સ્વામિનારાયણ જ્યાં બિરાજી રહેલા છે ત્યાં તમોને પહોંચાડી દઇશ. ત્યારે તે ભક્તે કહ્યું જે, સારું મહારાજ. હું એકલો હતો તે આપણે બે જણા થયા તે હવે ચાલો. પછી શ્રીહરિ તે ભક્તની અન્ન જળ તથા ઉતારાની સર્વ પ્રકારે ખબર રાખતા રાખતા ભુજનગર આવ્યા. ત્યાં સુતાર હીરજીભાઇને ઘેર શ્રીહરિ વિરાજમાન હતા; ત્યાં જઇને બ્રાહ્મણે કહ્યું જે, આ જગ્યામાં સ્વામિનારાયણ રહે છે.

હવે તમો તેમની પાસે જાઓ. પછી તે ભક્ત શ્રીહરિની પાસે જઇને પગે લાગીને બેઠા, ને શ્રીહરિ બ્રાહ્મણરૂપે હતા તે ત્યાં અંતર્ધાન થઇ ગયા. અને તે ભક્તને પૂછ્યું જે, તમો અત્યારે ક્યાંથી આવ્યા ? તમારી સાથે કોણ હતું ? અને કોણે માર્ગ બતાવ્યો ? ત્યારે તે ભક્તે કહ્યું જે, હું ગામ બહાર આવ્યો, ત્યારે એક બ્રાહ્મણ મળ્યો અને એમની સાથે હું અહીં આવ્યો. અને મને તેમણે આ જગ્યા બતાવી ને પોતે ક્યાંય અદૃશ્ય થઇ ગયા. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, એ તો અમે હતા. તમારી ખબર રાખતા આવ્યા અને માર્ગમાં જ્યાં રાત્રિ રહ્યા હતા તે સર્વેની એંધાણી આપી. ત્યારે તે ભક્તે કહ્યું જે, હે મહારાજ ! તમારા વિના એ વિકટ વનમાં બીજું કોણ અમારી સહાય કરે ? પછી શ્રીહરિએ તેમને જમાડ્યા.

ત્યાર પછી શ્રીજીમહારાજ માનકુવે પધાર્યા. એ વખતે નાજો જોગીયો તથા સુરોખાચર એ આદિક કાઠીઓ સાથે હતા. અને માર્ગમાં જ્યારે રેતી આવી ત્યારે શ્રીહરિ ઊભા થઇ રહ્યા, અને નાજા જોગીયાને કહ્યું જે, અમને થાક લાગ્યો છે, માટે તમો બેસો ને અમો તમારા ખભા ઉપર બેસીયે, તમો પચાસ ડગલાં ચાલો પછી બીજા ઉપર બેસીએ. એટલે નાજો જોગીયો કહે, પધારો મહારાજ. પછી શ્રીહરિ તેમના ખભા ઉપર બેઠા એટલે નાજો જોગીયો પચાસ ડગલાં ચાલ્યા પછી સુરાખાચરને કહ્યું, ત્યારે સુરાખાચરે શ્રીહરિને પોતાના ખભા ઉપર બેસાડ્યા પણ ઊભા થવાયું નહીં, અને કહ્યું જે, ભણું મહારાજ ! હું તો મરી ગયો. એમ બરાડા પાડવા લાગ્યા. ત્યારે શ્રીહરિ ખભા ઉપરથી ઉતરીને દૂર જઇને ઊભા રહ્યા, અને કહ્યું જે, શું થયું ! તે ખાલી ખાલી બરાડા પાડો છો ? અને નાજા જોગીયા તો અમને ઉપાડીને સાઠ પગલાં ચાલ્યા. તમો તો અમો બેઠા ને તરત જ બરાડા પાડવા લાગ્યા. ત્યારે સુરોખાચર બોલ્યા, ભણું જે ત્રિલોકીનો ભાર લઇને ઉપર બેઠા તે કેમ ઊભું થવાય ? પછી શ્રીહરિ મંદ મંદ હસીને બીજા કાઠીના ખભા ઉપર બેઠા.

એવી રીતે લીલા કરતા માનકૂવે પધાર્યા, અને સુતાર નાથાને ઘેર ઉતર્યા. તે વખતે નાથાની માએ રસોઇ કરાવીને સારી રીતે જમાડ્યા. પછી કાઠીઓને પણ જમાડ્યા. બીજા સત્સંગીઓને પણ પોતપોતાને ઘેર રસોઇ કરાવીને જમાડ્યા. પછી ભુજથી જેઠી ગંગારામ આદિ છ-સાત સત્સંગીઓ શ્રીહરિને દર્શને આવ્યા, ને દંડવત્‌ કરીને પગે લાગીને શ્રીહરિની સન્મુખ બેઠા. અને વાતો કરતાં જેઠી ગંગારામ કહે જે, મારામાં બળ ઝાઝું છે. ત્યારે અદોભાઇ કહે, મારામાં બળ વધારે છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, તમો બન્ને જણા કુસ્તી કરો ત્યારે જણાય. પછી બન્ને મલ્લકુસ્તી કરવા લાગ્યા. એટલે ગંગારામે અદાભાઇને કેડ્યમાં પકડીને ધીરે રહીને પૃથ્વી પર સુવાડી દીધા અને છાતી ઉપર હાથ રાખીને ઊભા રહ્યા અને અદોભાઇ નીચે સૂતાં સૂતાં જેમ માછલું જળ વિના તરફડે તેમ હાથ પગ હલાવવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, હવે હાથ લઇ લ્યો. એટલે ગંગારામે તેમને છોડી દીધા અને શ્રીહરિ તો મુખ આગળ રૂમાલ લઇને હસવા લાગ્યા. એ વખતે અદાભાઇએ કહ્યું જે, હું સર્વે જાણતો હતો જે જેઠી ગંગારામને નહીં પહોંચું, પણ મહારાજને રાજી કરવા સારુ મેં મલ્લયુધ્ધ કર્યું. ત્યારે ગંગારામે શ્રીહરિને કહ્યું જે, હવે ભુજ પધારો. ત્યારે માનકુવાના હરિભક્તોએ કહ્યું જે, મહારાજ ! અહીંથી ન જવાય. એમ ઘણીક તાણ કરી. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, એક કોર પાંચ જણા ભુજના થાઓ અને બીજા કોરે માનકુવાના પાંચ જણા થાઓ. સામસામા ખેંચો. તેમાં જે જીતશે તેમને ત્યાં જઇશું. પછી તે રીતે બન્ને ગામના હરિભક્તોએ કર્યું, ત્યારે શ્રીજી મહારાજ જે બાજુ માનકુવાના હરિભક્તો હતા તે કોરે પડખું ફેરવીને નમ્યા, ત્યારે શ્રીહરિએ કહ્યું જે, ભુજના સત્સંગી જીત્યા. ને માનકુવાના હાર્યા, માટે અમારે ભુજ જવાનું ઠર્યું. પછી શ્રીહરિ સવારમાં ઊઠીને તૈયાર થયા. ત્યારે માનકુવાના સત્સંગીઓએ કહ્યું જે, હે મહારાજ ! જમીને પધારજો. પછી શ્રીહરિએ કહ્યું જે, જમવા નહિ રહીએ  ને ચાલશું ને ભુજ જઇને જમશું. તે વખતે ત્યાંના સત્સંગીઓએ સુખડીનું ભાથું આપ્યું.

પછી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે સર્વે સત્સંગી નદી ઉતરીને સામે કાંઠે ગયા.સતીની છત્રીના ઓટા ઉપર જેઠી ગંગારામભાઇએ રજાઇ પાથરી આપી તે ઉપર શ્રીહરિ વિરાજમાન થયા. પછી સત્સંગીઓ પગે લાગ્યા. ત્યારે તેમને શ્રીહરિએ કહ્યું જે, તમો સર્વે પાછા વળો. પછી સર્વે હરિભક્તો પગે લાગીને પાછા વળ્યા, ને શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે નારાયણ તળાવડી છે તેની ઉતરાદી પાળે બાવળ હેઠે ગંગારામભાઇએ કપડું પાથર્યું તે ઉપર બિરાજમાન થયા. પછી શ્રીહરિ તથા સર્વે સત્સંગીઓએ સ્નાન કર્યું. શ્રીહરિએ ગંગારામને કહ્યું જે, માનકુવેથી ભાતું લાવ્યા છો તે લાવો જમીએ. ત્યારે ગંગારામે જે સુખડી હતી તે શ્રીહરિને આપી તેને શ્રીહરિ સારી રીતે જમ્યા ને જલપાન કરીને હાથ ધોઈ ગંગારામને કહ્યું જે, અહીં આવીને બેસો. અમો તમોને પીરસિયે.

પછી શ્રીહરિએ તેમને સારી રીતે જમાડ્યા. પછી શ્રીહરિએ કહ્યું જે, આ તળાવડી બહુ સારી છે. અને અમો અહીં બહુ વાર ઉતર્યા છીએ. અને ઘણીકવાર સ્નાન પણ કર્યું છે. માટે આ તળાવડી તીર્થરૂપ છે ને સહુને દર્શન કરવા યોગ્ય છે. તે સારુ તીર્થરૂપ જાણીને જણસાળી હરિભક્તો છત્રી કરાવીને અમારાં ચરણાવિંદ પધરાવશે. પછી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે જેઠી ગંગારામને ઘેર પધાર્યા. તે સમયે ભુજનગરને વિષે આનંદ આનંદ છાઈ રહ્યો હતો. પછી શ્રીજી મહારાજ ત્યાં રહીને ઘણીક લીલા કરતા થકા આઠ દિવસ રહીને સુતાર હીરજીભાઈને ઘેર પધાર્યા. અને શ્રીહરિ ત્યાં હમેશાં ભોજન કરતા, અને સુતાર ભગવાનભાઈ પણ પોતાને ઘેર પધરાવીને શ્રીહરિને જમાડતા. અને લાધીબાઈ પણ પોતાને ઘેર થાળ કરાવીને પાર્ષદે સહિત જમાડતાં. એમ શ્રીહરિ પોતાના ભક્તોની સેવા અંગીકાર કરતા થકા ઘણાક માસ ભુજમાં રહીને પછી ગુજરાતમાં પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ભુજમાં મહીદાસ ભટ્ટની વાડીએ મહારાજને વિશ્રામ ભક્તે મઠની ખીચડી જમાડી અને ભુજમાં ઘણા દિવસ રહીને ગુજરાત પધાર્યા એ નામે તેરમો અધ્યાય. ૧૩