૧૪ ત્યાંથી ગુજરાતમાં ફરીને ગઢડામાં વાસુદેવનારાયણની મૂર્તિ પધરાવી, ત્યાંથી ભાદરે થઈ જોડીયા, માંડવી, ડોણ થઈ માંડવી આવ્યા, ત્યાં સિંધના વેદાંતીયે પ્રશ્નો પૂછ્યા, ત્યાંથી ભાડઈ આવ્યા.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:50pm

અધ્યાય - ૧૪

પછી શ્રીહરિ ગુજરાતમાં ફરીને તથા કાઠીયાવાડમાં ફરીને ગઢડામાં દાદા ખાચરના દરબારમાં સં.૧૮૬૨ની સાલમાં ફાગણ વદી ત્રીજના દિવસે પ્રતિષ્ઠામયૂખ ગ્રંથમાં લખેલ વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવીને વાસુદેવનારાયણની મૂર્તિ પધરાવીને ગામ ભાદરે વિશ્રામ ભક્તને ઘેર પધાર્યા અને ત્યાં દસદિવસ રહીને ત્યાંથી જોડીયા પધાર્યા. ત્યાંથી નાવમાં બેસીને માંડવી પધાર્યા ને ત્યાં ખૈયા ખત્રીના કારખાનામાં ઉતર્યા. અને ત્યાં થોડાક દિવસ રહીને ડોણ પધાર્યા. તે ગામથી પૂર્વમાં તથા પશ્ચિમમાં તળાવ છે તેમાં સ્નાન કરીને ત્યાં ભીમ એકાદશીનો સમૈયો કરાવ્યો. અને ત્યાં રાત રહીને આત્માનંદ સ્વામી તથા પરમચૈતન્યાનંદ સ્વામી, નૃસિંહાનંદ સ્વામી તથા ધર્માનંદ સ્વામી વગેરે સંતોને કહ્યું જે, તમો માંડવી જાઓ. ને અમો તેરા જાશું. કાં તો તમને તેરા તેડાવશું, કાં તો અમે ત્યાં આવશું. પછી બે સંતો મહારાજ સાથે ગયા અને આત્માનંદ સ્વામી ને બીજા બે સંતો ખૈયાની શાળામાં ત્રણ મહીના રહ્યા. પછી મહારાજને ભુજ આવ્યા સાંભળીને આત્માનંદ સ્વામીએ નારાયણ કહી મોકલાવ્યા. તે અર્ધી રાત્રે વાણિયે શ્રીહરિને કહ્યું જે, તમને આત્માનંદ સ્વામીએ નારાયણ કહ્યા છે. તે સાંભળીને શ્રીહરિએ કહ્યું જે, અમે માંડવી જાશું. ત્યારે હરિભક્તોએ કહ્યું જે, દરવાજા વસાઈ ગયા છે. ત્યારે મહારાજે કહ્યું જે, ઉઘડાવો. પછી દરવાજો ઊઘડાવ્યો ને માનકૂવાના કૃષ્ણજી બ્રાહ્મણનો ઊંટ હતો તે ઉપર બિરાજમાન થયા. પછી ગાઉ બે જઈને કહ્યું જે, આ લે તારો ઊંટ, અમને તો ઊંઘ આવે છે. એમ કહીને સૂઈ ગયા. પછી સવારે ચાલ્યા તે રેહા ગામમાં દરબારમાં રાત રહ્યા ને બહુ વાર્તા કરી. પછી બીજે દિવસ માંડવી આવ્યા. તે મેઘજી સુતારને ઘેર પધાર્યા. પછી આત્માનંદ સ્વામીને ખબર થઈ તેથી તે મહારાજ પાસે ગયા. તે સમયે મહારાજ ઢોલિયા પર વિરાજમાન હતા. અને થોડોક વરસાદ વરસ્યો હતો તે પૃથ્વી ભીની હતી. આત્માનંદ તો હેઠા બેસવા માંડયા. ત્યારે મહારાજે કહ્યું જે, ઉપર બેસો. ત્યારે તેમણે કહ્યું જે, ઉપર કેમ બેસાય? પછી મહારાજે કહ્યું જે, બધે રૂપે પૃથ્વી થઈ છે. તે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યું છે જે, बृहदुपलब्धमेतत પછી મહારાજ કહે, આજ તો અમે તરસે મરી ગયા, ને અમારા ભેળો જે સેવક છે તે કાંઈ પાણીનું ઠામ રાખતો નથી.

આમ વાત કરતા હતા ત્યાં કુબેરસિંહ આવ્યા ને મહારાજની આગળ નાળિયેર મેલીને પગે લાગીને બેઠા. પછી મહારાજ કહે, અહીં કયાં રહો છો? ત્યારે કહે જે, ગુસાંઈજી ભેળો રહું છું. ત્યારે મહારાજે કહ્યું જે, ગુસાંઈજીનું કેમ સમજો છો? ત્યારે કુબેરસિંહ બોલ્યા જે, એની ક્રિયા જોતાં તો કોઈ દિવસ કલ્યાણ થાય એવું નથી. પણ નિત્યે તમારું દર્શન કરે છે તેથી કાંઈક સારું થાશે. પછી વેદાંતી ભેળા થયા. ત્યારે મહારાજે કહ્યું જે, કાંઈ પ્રશ્ન પૂછો. ત્યારે સિંધનો વેદાંતી હતો તેણે પૂછ્યું જે માયાનું રૂપ કહો, ને બ્રહ્મનું રૂપ કહો. તેમાં પ્રથમ બ્રહ્મનું રૂપ કહો. ત્યારે મહારાજે પોતાની છાતીયે હાથ લગાડીને કહ્યું જે, આ બ્રહ્મનું રૂપ છે. ત્યારે તેણે કહ્યું જે, તમે બ્રહ્મ છો? ત્યારે મહારાજે કહ્યું જે, હા ત્યારે તે બોલ્યો, અમને બ્રહ્મ દેખાડો.

ત્યારે મહારાજે કહ્યું જે, બ્રહ્મ એક કે બે? ત્યારે તેણે કહ્યું એક. પછી શ્રીહરિ બોલ્યા, તે એક અમો બેઠા છીએ. ત્યારે તેણે કહ્યું જે, એમ અમને કેમ મનાય? કાંઈ દેખાડો તો મનાય. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે કાંઈ દેખવું હોય તો અમારા સાધુ સુરતમાં છે તે ભેળા રહો. તમારે જે દેખવું હશે તે દેખાઈ આવશે. ત્યારે તે બોલ્યો જે, મોરથી દેખ્યા વિના કેમ રહેવાય? કાંઈ દેખાડો તો રહું. પછી મહારાજે એક દ્રષ્ટાંત કહ્યું જે, વાણિયાની દીકરીનો વિવાહ હતો. તેની જાન આવી, ત્યારે દીકરી બોલી જે, આ શું છે? ત્યારે તેના બાપે કહ્યું જે, તને પરણાવવી છે એટલે આ જાન આવી છે. ત્યારે તે કહે જે, પરણીને શું કરે? ત્યારે તે કહે જે, સાસરે લઈ જાય. ત્યારે તે કહે જે, હું તો નહિ જાઉં. મને એક દીકરો મોરથી આપે તો જાઉં. ત્યારે મહારાજ કહ્યું જે, એ તે ડાહી કે મૂર્ખી ? પછી સહુ બોલ્યા જે, મૂર્ખી જ તો. પતિના ઘેર ગયા વિના મોરથી દીકરો માગે છે, માટે મૂર્ખી જ તો. ત્યારે મહારાજે કહ્યું જે, અમારું વચન માનવું નથી, ને અમે કહીએ તેમ કરવું નથી ને બ્રહ્મ જોવાને ઈચ્છે છે.

પછી મહારાજે કહ્યું જે, અમે કાલે ચાલશું. ત્યાર પછી સહુએ કહ્યું જે, આજ આવ્યા છો ને કાલ સવારમાં ચાલ્યાનું કેમ કહો છો? ત્યારે મહારાજે વેદાંતીને કહ્યું જે, તમારી નજરમાં આવે તે ગ્રંથ વાંચો ને અમે પ્રશ્ન પૂછીએ તેના ઉત્તર કરીને સોંસરા નીકળો તો અમે સર્વે તમારા થઈએ. ને અમારા પ્રશ્નો ઉત્તર ન થાય તો તમે અમારા થાઓ. ને કહો તો અમે તમો કહો તે ગ્રંથ વાંચીયે, ને તમે પ્રશ્ન કરો. તેનો ઉત્તર કરીને સોંસરા નીકળીયે તો તમે અમારા થાઓ. ને તમારા પ્રશ્નનો ઉત્તર ન થાય તો અમે તમારા થઈએ.

પછી તે વેદાંતી બોલ્યો જે, અમારો તો એક ખૈયો હતો તે તો તમારો થયો. હવે પ્રશ્નનો ઉત્તર કોણ કરે? પછી શ્રીહરિ બોલ્યા જે, પ્રશ્ન ઉત્તર થાય ત્યાં સુધી ખૈયો તમારો. પછી કોઈ બોલ્યું નહિ.ને સૌ સૌને ઘેર ગયા. પછી મહારાજને સારુ રસોઈ તૈયાર થઈને મહારાજ જમ્યા ને પછી પોઢી ગયા.

પછી સવારમાં વહેલા ઊઠીને ગામ ડોણ ગયા. ત્યારે આત્માનંદ સ્વામીને ખબર થઈ જે મહારાજ ચાલ્યા, ને તેમણે ચાલવાનો મનસુબો કર્યો, ત્યારે રેહાના વોરા આવ્યા તેમણે પૂછ્યું જે મહારાજ કયાં? ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ તો ડોણ ગયા. પછી એ વોરા પણ ડોણ ગયા ને આત્માનંદ સ્વામીને મનમાં સુવાણ થઈ નહિ, તેથી પાછળથી તે પણ ચાલ્યા. પણ સંશય હતો જે રખેને મહારાજ વઢે. ત્યાં તો ગાઉ બે ચાલ્યા ત્યાં વોરા સામા આવ્યા. તેમણે કહ્યું જે, તમને મહારાજે તેડાવ્યા છે. ત્યારે આત્માનંદ સ્વામીને આનંદ થયો, ને મહારાજ પાસે ગયા. પછી બ્રહ્માનંદ સ્વામી આવ્યા ને માણસ ઝાઝાં ભેળાં થયાં. તે દિવસે શ્રીહરિએ વાત કરી જે, અમારે એક વાત કઠણ પડે છે જે, સાધુને મેલીને ગૃહસ્થને ઘેર એકલા જમવા જાવું તે પણ ઠીક નહિ ને સાધુઓ સોતા જાઈએ તો ગૃહસ્થને કઠણ પડે. માટે સાધુ ભિક્ષા માગી ખાય. ને ગૃહસ્થ આવે તે ગાંઠનું ખાય, તો અમારે ઠીક પડે. શા માટે જે દર્શન કરવા આવે તેની અમારે ચિંતા નહિ. વળી વાત કરી જે, મનની ભૂખે ન જમવું, ને તનની ભૂખે જમવું.

પછી આત્માનંદ સ્વામી તે તે વાત સાંભળીને છાનામાના ગામમાં ઝોળી લઈને માગવા ગયા, ને વાંસે પંગત બેઠી. ત્યારે શ્રીહરિ કહે, આત્માનંદ સ્વામી કયાં ગયા? ત્યારે સાધુ બોલ્યા જે, તળાવ ઉપર ગયા હશે. પછી આત્માનંદ સ્વામી ગામમાંથી માગીને આવ્યા. ત્યાં એક સાધુ જમીને ઊઠ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, તમે આ થાળી ઉપર બેસો. પછી તે બેઠા. અને ગામમાંથી લોટ માગી લાવ્યા હતા તે થાળીમાં નાખ્યો. ત્યાં હરિભક્ત પીરસવા આવ્યા તેમણે કહ્યું જે, આ લોટ કયાંથી લાવ્યા? અને મહારાજે પણ પૂછ્યું જે, આ લોટ કયાંથી લાવ્યા? ત્યારે તેમણે કહ્યું જે, ગામમાં માગવા ગયો હતો. ત્યારે મહારાજે કહ્યું જે, નોતરાની ખબર ન હતી જે માગવા ગયા? ત્યારે તેમણે કહ્યું જે, ખબર ન હતી પછી મહારાજ કહે એને જમવા આપો. પછી શીરો પીરસ્યો, તે લોટ ભેળો કરીને જમી ગયા. પછી યોગાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો જે, મન માગે છે. ત્યારે મહારાજે કહ્યું જે, મન માગે તે આપો. પછી પંગત જમી ઊઠી.

પછી મહારાજ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન થયા. ને સાધુ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી. પછી બગસરાનો ભોજો ચારણ કાળા છેડાનું ધોળું ધોતીયું લાવ્યો તે મહારાજના ખોળામાં મેલ્યું. પછી મહારાજે કહ્યું જે, મુળુ લંઘો ને ભોજો ચારણ તે પરસ્પર ચર્ચા કરે. ને સાધુ કહે જે,આ જીત્યો તેને પાઘડી બંધાવીયે. પછી ચારણની ચર્ચા જે એકબીજાને મેણાં મારવાં તે પ્રમાણે ચર્ચા કરી. ત્યારે મહારાજે સાધુને કહ્યું જે, એમાં કોણ સરસ? ત્યારે સાધુએ કહ્યું જે, ભોજા ચારણ તો સાધુનું માને, અને મુળુ લંઘો તો વાદી છે તે સાધુનું માને નહિ. ત્યારે શ્રીહરિ કહે જે, ભોજો ચારણ જીત્યા. પછી મહારાજે ભોજા ચારણને પાઘડી બંધાવી. પછી સાંજને વખતે શ્રીહરિ ઓસરી ઉપર ઉગમણે મુખે ચાદર ઓઢીને ઊભા હતા ને સાધુ આરતી-ધુન બોલ્યા. પછી વેદસ્તુતિ બોલવા માંડી.  ત્યારે મહારાજનાં નેત્રકમળ ફૂલવા માંડ્યાં. તે જેમ સૂર્ય ઉગે ને કમળ ફૂલે તેમ નેત્રકમળ પ્રફુલ્લિત થયાં, તે જાણે બ્રહ્માંડ સમાઈ જાશે કે શું? એવાં શ્રીજીનાં અલૌકિક દર્શન થયાં, ને બીજે દિવસે જન્માષ્ટમીનો મહોત્સવ કર્યો. ને પ્રશ્ન ઉત્તર કર્યા. પછી મહારાજ વાડામાં લઘુશંકા કરવા ગયા, ને આત્માનંદ સ્વામીએ મુળુ લંઘાને કહ્યું જે, આ મીઠાઈ તું મહારાજને જમાડ. તે જો તારું વ્રતમાન ચોખ્ખું હશે તો મહારાજ જમશે, ને જો તારું વ્રતમાન ગોબરું હશે તો નહિ જમે.

એમ કહ્યું ત્યાં તો મહારાજ હસતા હસતા આવ્યા. ને બોલ્યા જે શું કહે છે? પછી મુળુ લંઘો બોલ્યો જે, બાપ કરું. આટલી મીઠાઈ કટોરામાં છે તે જમો. પછી શ્રીજી કહે અમારે નથી જમવી. ત્યારે મુળુ લંઘો બોલ્યો જે ધુ.ધુ.ધૂ. બાપ કરું. ત્યારે તો માર્યો ગયો. એવી રીતની ઘણીક દેશી બોલ્યો. પછી મહારાજ બહુ હસ્યા પછી જમ્યાને સાંજને વખતે એક બાઈએ મહારાજની આરતી ઉતારીને પૂજા કરી. ને સવારમાં પારણાં કરવા સારુ વહેલી રસોઈ થઈ. તે પ્રથમ મહારાજ જમ્યા ને પછી સાધુને જમાડ્યા.

પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ને બીજા કેટલાક સાધુને ને બીજા ચારણને આજ્ઞા કરી જે, તમો હાલારમાં જાઓ. આપણે ડભાણમાં સમૈયો કરવો છે તે ખબર કરજ્યો જે, સામાન ભેગો કરે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, આટલો સામાન ભેળો કરાવો છો, તે યજ્ઞમાં વિઘ્ન થાશે કે નિર્વિઘ્ન થાશે? ત્યારે મહારાજે કહ્યું જે, યજ્ઞ તો નિર્વિઘ્ન થાશે પણ પાઘડીયું ઘણાની ઉડી જાશે. પછી બ્રહ્માનંદ સ્વામી માંડવી ગયા ને શ્રીહરિ ભેળા છ સાત સાધુ હતા, તે સાધુ ને મહારાજ ભુજને માર્ગે ચાલ્યા.

પછી મહારાજે માર્ગમાં વાત કરી જે, આપણે આત્માનંદ સ્વામીની રીત પ્રવર્તાવવી છે, તેમાં ગોદડી તો આપણે થઈ, ને સ્વામી તો એક તુંબડું રાખતા. તેમાં પાણી પીતા ને તેમાં માગીને ચોળી ખાતા. તેમ આપણે પત્તર રખાવવું છે. એમ ત્યાગ સંબંધી વાત બહુ કરી. એમ વાત કરતાં ભાડઈ ગામ આવ્યું. ને દિવસ થોડો રહ્યો. પછી મહારાજે ડુંગરજીને કહ્યું જે, ગામમાં જાઓ; એમ આજ્ઞા કરીને પોતે ભાગોળે બેઠા. અને એમ કહ્યું જે, લુહાણાનો દીકરો સત્સંગી છે. તે ઘેર હોય તો આપણે રહીએ. પછી ડુંગરજી ગામમાં ગયા ને ખબર કરી તે એનો બાપ ઘેર હતો તે આવ્યો. તેણે કહ્યું જે, હે મહારાજ! ગામમાં ચાલો. ત્યારે શ્રીહરિ કહે જે, તારો દીકરો નથી. તે નહિ આવીએ. ત્યારે લુહાણે કહ્યું જે, મહારાજ! તમે ન ચાલો તો મુને મારો દીકરો વઢે. પછી શ્રીહરિ ગામમાં પધાર્યા. તે એક હાટમાં ઉતર્યા. ને લુહાણે કહ્યું જે, હે મહારાજ! રસોઈ કરાવું? ત્યારે મહારાજે કહ્યું જે, સૌ જમ્યા છે. રસોઈની જરૂર નથી. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો.

ત્યારે મહારાજે કહ્યું જે, આત્માનંદ સ્વામી! તમે વાત કરો. પછી તેમણે વાત કરી જે, વિઠ્ઠલનાથ વસ્યા ઉર જાકે, વાકી રિત્ય પ્રીત છબી ન્યારી; ઉગ્ર સ્વભાવ પરમાર્થ, સ્વાર્થ લેશ નહીં સંસારી. એ સુરના કીર્તનની વાત કરી. પછી બ્રાહ્મણ કહે, મારે તો સંધ્યાનો વખત થયો છે માટે હું તો જઈશ. પછી એ કીર્તનની વાત મહારાજે આત્માનંદ સ્વામી આગળ વિસ્તારીને કરી જે, વિઠ્ઠલનાથ ભગવાન જેના હ્યદય માં રહ્યા હોય તેની રીત-પ્રીત છબી ન્યારી; એ દિશની ઘણીક વાત કરી. પછી શ્રીહરિએ કહ્યું જે, હમણાં ઊંઘશો તો પ્રભાત કયારે થાશે? માટે કાંઈક પ્રશ્ન કરો તો વાત કરીએ. ત્યારે પરમચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, ક્યા પ્રશ્ન કરના હૈ? આત્મા હૈ સો સત્ય હૈ.

ત્યારે મહારાજે કહ્યું જે, એ તો તમે ઠીક કહો છો. પણ દીવો તે પણ અગ્નિ છે, અને મશાલ પણ અગ્નિ છે, અને વિજળી પણ અગ્નિ છે, ને વડવાનળ પણ અગ્નિ છે. માટે દીવાને લગારેક વાયુ લાગે તો ઓલવાઈ જાય; ને વડવાનળ અગ્નિ પાણીને બાળે છે, પણ પોતે ઓલાતો નથી. એમ આત્મા આત્મામાં ભેદ છે. એ દિશની ઘણીક વાત કરી. પછી શ્રીહરિ મોદ બિછાવી હતી તે ઉપર પોઢી ગયા, ને છોકરાને ભણવાની નિશાળ હતી ત્યાં સૌ સૂઈ ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે સિંધના વેદાંતીએ માંડવીમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર કર્યો ને ગામ ભાડઈ આવ્યા અને ત્યાં જ્ઞાનવાર્તા કરી એ નામે ચૌદમો અધ્યાય. ૧૪