૧૫ ભાડઈના લુહાણાની વાત, ત્યાંથી ધણોઈ થઈ પુનડીમાં આત્માનંદ સ્વામીને કાઠીયાવાડી રોટલો જમાડ્યો, મનનો વિશ્વાસ ન કરવા વિશે, ત્યાંથી દહીંસરા થઈ ગોડપર થઈ માનકૂવા આવ્યા, ત્યાં ભગવાનના વચનનો મહીમા કહ્યો.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:51pm

અધ્યાય - ૧પ        

પછી શ્રીજીમહારાજ સવારમાં ઊઠ્યા ત્યાં લુહાણો આવ્યો. તેણે કહ્યું જે, મહારાજ ! રસોઇ કરાવું ? ત્યારે શ્રીહરિ કહે જે, લુહાણાનું તો અમે જમતા નથી, ત્યારે તેણે કહ્યું જે, બ્રાહ્મણ પાસે રસોઇ કરાવું ? ત્યારે શ્રીહરિ કહે જે, બહુ સારું કરાવો. એમ કહીને મહારાજ ને સાધુ નદીએ નાહવા ગયા. પછી નાહીને આવ્યા ત્યાં રસોઇ તૈયાર થઇ ગઇ. પછી મહારાજ તથા સંતો જમ્યા. ને મહારાજે જમીને કળશિયો હાથમાં લીધો ને લુહાણાનો હાથ ઝાલીને નિયમ ધરાવ્યાં ને એમ કહ્યું જે, અમે તો તમારા સારુ રહ્યા છીએ. માટે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરજો.

પછી મહારાજ ચાલી નીકળ્યા ને ગામ બહાર નીકળ્યા; તે મધ્યાહ્નનો તડકો તેમાં ચાલવું. પછી મહારાજે કહ્યું જે, સાધુને આવા વખતે ચાલવું. શા માટે જે, જુવોને કોઇ જીવ રસ્તામાં જણાય છે ? ત્યારે આત્માનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! મોટા જીવ બળી મરે છે તો બીજા જીવની શી વાત ? પછી હસતા હસતા ચાલ્યા તે કેડ્ય સુધી વાંસે ચાદર લટકતી મૂકીને માથે બાંધી હતી, ને ધોતીયું પહેર્યું હતું. ને બે હાથ છૂટા મેલીને હાથને હલાવતા હલાવતા ચાલ્યા.

પછી સાધુને પૂછવા માંડ્યું જે, તમે કેટલી વાર રોટલી લીધી ? ને કેટલી વાર શીરો લીધો ? ને કેટલી વાર દૂધપાક લીધો ? ને કેટલી વાર શાક લીધું ? ને કેટલી વાર દાળ લીધી ? ને કેટલી વાર ભાત લીધો ? પછી મહારાજે સાધુને કહ્યું જે, તમે પંદર શેર જમ્યા, ને કોઇને કહે, તમે દશ શેર જમ્યા, ને કોઇને કહે, તમે  સાત શેર જમ્યા, ને કોઇને કહે, તમે પાંચ શેર જમ્યા. તેવી રીતે સર્વે સાધુને મહારાજે કહ્યું. પછી કહ્યું જે, તમે શું સાધુ છો ? પેટભરા છો. એ તો બ્રાહ્મણે સૌને માટે રસોઇ કરી હતી, પણ અમે જો ન હોત તો બ્રાહ્મણ માટે પણ રહેત નહીં, એમ વાત કરી. પછી તુલસીદાસનું આગમ પદ છે તે બોલ્યા જે, ‘હે મન ધીરજ કયું ન ધરેગો, એક હજાર નવસેં કે ભીતર, એસો જોગ પરે હો.’

પછી માર્ગમાં ચાલતાં એક કૂવો આવ્યો, તેની પાસે બાવળ હતો. તેની નીચે કાંટા ને લાકડાંનો એક થર જૂનો જેર (ભૂકો) પડ્યો હતો તે ઉપર શ્રીહરિ એમને એમ સૂઇ ગયા. ને સર્વે સાધુને કહ્યું જે, બહાર જાવું હોય તે બહાર જાઓ, ને પાણી પીવું હોય તે પાણી પીઓ. પછી સાધુ દેહક્રિયા કરી રહ્યા, ત્યારે મહારાજ ઊઠ્યા. ને આત્માનંદ સ્વામીએ મહારાજને બરડે હાથ ફેરવ્યો ને કહ્યું જે, લાકડાંના સળ બરડામાં ઊઠ્યા છે. ત્યારે મહારાજ બોલ્યા જે, તેનું કાંઇ નહિ.

પછી ગામ ધુંણઇ આવ્યા ને સાધુને સુતારની કોઢે ઉતારો આપ્યો, ને મહારાજ સુતાર કાનજીને ઘેર ઉતર્યા. ને સુતારને ઘેર ગળ્યા ચોખા કરાવ્યા. ને સાધુને કહ્યું જે, વાળુ કરવા ચાલો. ને સાધુ આવ્યા. ત્યારે બાઇઓએ કહ્યું જે, ઠામ મંગાવીએ ? ત્યારે મહારાજે કહ્યું જે, ઠામ અમારી પાસે છે. પછી બે-બે ઝોળી પાથરી. ને તે ઝોળિયુંમાં ચોખા પીરસ્યા. ને આત્માનંદ સ્વામીએ કહ્યું જે, આટલું કોણ જમશે ? ત્યારે મહારાજે કહ્યું જે, તમારે બોલવું નહિ. ને સાધુ ઝોળિયું ફરતા જમવા બેઠા, ને સર્વેએ જમવા માંડ્યું. પછી આત્માનંદ સ્વામી થોડું જમીને રહી ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, રાખો. ને તાંસળિયું લાવો. ને હરિભક્તો તાંસળિયું લાવ્યા. પછી એક દોથો ચોખાને માંહે દૂધની તાંસળિયું ભરી દીધી. પછી બોલ્યા જે, એટલું જમીને ઊઠો. સાધુ જમીને કોઢે જઇને સૂઇ રહ્યા, ને મહારાજ તો સુતારને ઘેર પોઢી ગયા. ને સવારમાં ડુંગરજી આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, ચાલવા માંડો. અમે આવીએ છીએ.

ને સાધુ ગામ બહાર કૂવા ઉપર નાહતા હતા. ત્યાં મહારાજ આવ્યા ને હસતાં હસતાં કહ્યું જે, કેમ આત્માનંદ સ્વામી ! કેવા જોગ સાધ્યા ? કે ભેંસ જોગ સાધ્યા ? એમ મહારાજ હાસ્યવિનોદ કરતા કરતા ગામ પુનડી આવ્યા, ને સાધુને કહ્યું જે, તમો હાટમાં બેસો, અમે આગળ જગ્યા સમી કરાવીએ. પછી મહારાજ સુતારને ઘેર ગયા ને ત્યાં આડી મોદ બંધાવી ને ઢોલિયો ઢળાવીને તે ઉપર મહારાજ બેઠા. પછી સાધુને તેડાવ્યા. તે સાધુ આવ્યા, ત્યારે આત્માનંદ સ્વામીને ચિદ્રૂપાનંદ સ્વામીએ કહ્યું જે, ભાગવતમાં કહ્યું છે જે, જીવ ગર્ભમાં પાંચ મહિને આવે છે તે કેમ સમજવું ? ત્યાર પછી તે બે સંતો મહારાજ પાસે મોદ પાથરી હતી તે ઉપર આસન કરીને બેઠા. ને બાઇઓએ આવીને મહારાજને કહ્યું જે, રસોઇની આજ્ઞા કરો તો રસોઇ કરીએ. ત્યારે મહારાજે કહ્યું જે, રાત્રે મોડા જમ્યા છીએ તે કોઇને ભૂખ નથી. ત્યારે બાઇઓ બોલ્યાં જે, રાત્રે જમ્યા છો ને કહો છો જે ભૂખ નથી, એમ કેમ હોય ? ત્યારે શ્રીહરિ કહે જે, અમે ગળ્યું ચીકણું જમતા નથી. તે બાજરાના રોટલા કરો અને મગની દાળ કરો તો જમીયે. ત્યારે બાઇઓએ કહ્યું જે, બહું સારું મહારાજ. એમ કહીને પછી રોટલા દાળ કરી, ને મહારાજ તથા સાધુ જમવા પધાર્યા અને આત્માનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, તમો વાતું કરો, ને મહારાજ જમીને આવ્યા.

ત્યારે આત્માનંદ સ્વામીને કહ્યું જે, તમે જમી આવો. પછી તે જમવા ગયા. અને મહારાજ જમીને ઊઠ્યા હતા તે વાસણમાં દાળ અને થાળીમાં અર્ધો રોટલો હતો તે જમ્યા. પછી સૌ આવીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, આત્માનંદ સ્વામી ! કેમ, આ રોટલો કાઠિયાવાડી ખરો કે નહિં ? ત્યારે તેમણે કહ્યું જે, હા મહારાજ, આ રોટલો કાઠિયાવાડી છે, પછી મહારાજે કહ્યું જે, સાધુ દીઠ એવા બે રોટલા જોઇએ. ને દાળ તથા ચાંપુ ચોખા હોય તે ગણવા નહિ. ને એક વખત જમવું. ને સવારમાં જમ્યા હોય અથવા માર્ગે ચાલ્યા હોય, કે થોડું મળ્યું હોય, ત્યારે બીજી વખત જમવું, પણ મનની ભૂખે ન જમવું ને પ્રાણની ભૂખે જમવું, એવી રીતે વાત કરી.

ને મહારાજ બહિર્ભૂમિ ગયા. ને આત્માનંદ સ્વામી, પરમચૈતન્યાનંદ સ્વામી ને કાળો વાળંદ એ પણ બહાર ગયા, ને મહારાજ તો આ બાજુ રહ્યા ને આત્માનંદ સ્વામી આગળ ગયા. પછી મહારાજ બહારે જઇને આવ્યા, ને હાથ ધોઇને વડ હેઠે બેઠા. પછી આત્માનંદ સ્વામી આવ્યા ત્યારે મહારાજ તે ભેળા થઇને ગામમાં આવ્યા, ને સ્નાન કરી વસ્ત્ર પહેરી ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ને સ્વામીને મહારાજે વાત કરી જે, આજે તો અમે વડ તળે બેઠા હતા. ને અમે આકાશ સામે જોયું તો આકાશમાં એકલા જીવ જ ભર્યા છે. જેમ તળાવમાં ગારો હોય તેમાં ડોબું બેસે ત્યારે માર્ગ થઇ જાય ને ઊઠે ત્યારે ગારો ભેળો થઇ જાય. માટે કોઇ કહે કે જીવ પાંચમે મહીને ઉદરમાં આવે છે એ વાત ખોટી છે. એ તો બીજ ભેળો જ જીવનો પ્રવેશ થાય છે એમ સમજવું. એવી રીતે મહારાજે વાત કરીને આત્માનંદ સ્વામીને પૂછ્યાનો સંકલ્પ હતો. તે મહારાજે અંતર્યામીપણે ઉત્તર આપ્યો. પછી બાઇ લક્ષ્મી વાળુનું પૂછવા આવી. ત્યારે મહારાજે સાધુઓને પૂછ્યું જે તમારે જમવું છે ? ત્યારે કોઇ બોલ્યા નહીં, ને મહારાજે કહ્યું જે, થોડીક ખીચડી કરો. પછી થોડીક ખીચડી કરીને કહ્યું જે, વાળુ કરવા ચાલો. પછી મહારાજ કહે, ઊઠો, મહાપુરુષો. ત્યારે સૌ ઊઠ્યા, ને આત્માનંદ સ્વામી તથા પરમચૈતન્યાનંદ સ્વામી એ બે જણ ન ઊઠ્યા, ને બીજા સૌ જમવા બેઠા. ને મહારાજ બોલ્યા જે, આવો મહાપુરુષો, થોડા જમના. ત્યારે પરમચૈતન્યાનંદ સ્વામી ગયા. ને આત્માનંદ સ્વામી ન ગયા. ને જમીને મહારાજ આવ્યા તે ઢોલિયા ઉપર બેઠા. પછી બાઇએ મહારાજની પાસે આવીને કહ્યું જે, એક સાધુ જમ્યા વિના રહ્યા. પછી મહારાજે કહ્યું જે, તમે જમાડો. ત્યારે બાઇ કહે, મહારાજ ! મારા જમાડ્યા કેમ જમે ? તમે જમાડો તો જમે. પછી મહારાજે કહ્યું જે, ઘઉંનો લોટ છે ? ત્યારે આત્માનંદ સ્વામીના મનમાં એમ થયું જે, લોટ ફકાવવાના થયા છે. પછી તેમના મનમાં સંકલ્પ થયો જે જો વચન મનાવવું હશે તો લોટ પીશું પણ કાંઇ ભૂખ તો નથી. પછી મહારાજ બોલ્યા જે, લોટ રહેવા દ્યો, એમ કહીને વળી મહારાજે કહ્યું જે, આત્માનંદ સ્વામી ! મનનો વિશ્વાસ ન કરવો. કેમ જે મન તો મહા હરામજાદું છે. તે ક્યારેક તો એ મન વનમાં ગયાનો સંકલ્પ કરે છે, ને ક્યારે તો એ મન ઘરમાં ગયાનો સંકલ્પ કરે છે. માટે મનનો વિશ્વાસ ન કરવો. અને સૂવું હોય ત્યારે શરીર લાંબું કરવું પણ ઊંઘનો સંકલ્પ લઇને સૂવું નહિં. એમ જે જે ક્રિયા કરવી તે સંકલ્પ જોઇને કરવી. એવી રીતે સંકલ્પ ઉપર નજર રાખવી એટલે અવસ્થા બદલાઇ જાય. ને જીવ દેહથી જુદો જણાય છે.

પછી મહારાજે સુતાર લક્ષ્મીબાઇને કહ્યું જે, અમે કાલે ચાલશું. તે સવારમાં માર્ગ દેખાડવા કોઇક માણસ ભેળો મોકલજો. ત્યારે લક્ષ્મીબાઇએ પોતાના મનમાં વિચાર કર્યો જે, શ્રીહરિ અને સંતો માનકૂવે મોડા પહોંચશે. એમ જાણીને સુખડી બાઇએ આપી. ને તેને કહ્યું જે, મહારાજ જ્યારે જમે, ત્યારે તું પાછો વળજે. પછી મહારાજ સવારમાં તે મનુષ્યને સાથે લઇને ચાલ્યા, તે ગાઉ ત્રણ ગયા ત્યારે ગામ દહીંસરાના પટેલ કેશરાની વાડી કૂઇએ ચાર ઘડી આંબલીના વૃક્ષ નીચે મહારાજ બેઠા. અને ત્યાંથી ચાલ્યા તે હરિસરોવર આવ્યું ને દિવસ ઉગ્યાનો સમય થયો ત્યારે એક તેતર બોલ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે, આ તેતર એમ બોલે છે જે, આજ મુક્તાનંદ સ્વામી ભુજ આવ્યા હોય એમ બોલે છે. એમ કહીને મહારાજ ચાલ્યા તે ગામ ગોડપરની ભાગોળે થઇને, ઝામોરા સરોવરે આવ્યા, ને ત્યાંથી આગળ ચાલ્યા ત્યારે મહારાજ એમ બોલ્યા જે, હવે તો માર્ગ દેખાય છે, માટે હવે તમે પાછા વળો. ત્યારે તે માણસે કહ્યું જે, લક્ષ્મીબાઇએ ટીમણ બંધાવ્યું છે. ને મને કહ્યું છે જે, મહારાજ ને સાધુ જમે ત્યારે પાછો વળજે. તે સાંભળીને મહારાજ આગળ ચાલ્યા, ત્યારે ખારો વોકળો આવ્યો. તે વચ્ચે પથ્થરના ગડા ઉપર મહારાજ વિરાજ્યા ને સાધુને કહ્યું જે, બેસો મહાપુરુષો ! જમો ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! પાણી નથી. તેથી જ્યારે પાણી આવશે ત્યારે દાતણ કરીને પછી જમીશું. ત્યારે મહારાજે કહ્યું જે, પરમહંસને દાતણ શું કરવું ? તો દાતણ ચાવવું ને ટીમણ પણ ચાવવું. પછી સાધુ જમવા બેઠા ને મહારાજને કહ્યું જે, તમે જમો. ત્યારે શ્રીહરિ કહે જે, અમે નહિ જમીએ. સાધુ તો જમ્યા. પછી એ માણસ પાછો વળ્યો. સાધુ ને મહારાજ ચાલ્યા તે ગામ માનકૂવાની બાજુમાં વીસામાની ટોંચે આવ્યા. ને ટોંચ ઉતરતાં પાંચાવાળી તલાવડી આવી ત્યારે મહારાજ લઘુશંકા કરવા બેઠા. તે થોડુક દૂર થયું, ત્યારે આત્માનંદ સ્વામીએ ડુંગરજીને કહ્યું જે, મહારાજને અર્થે દાતણ લ્યો. ત્યારે મહારાજ દૂરથી બોલ્યા જે, અમારે માટે દાતણ લેશો નહિ. પછી આત્માનંદ સ્વામી ઊભા રહ્યા ને મહારાજ કેરડાનું એક કઠણ દાતણ લઇને આવ્યા. પછી કોગળો કરીને લીંબડાના વૃક્ષ તળે કેરડાનું દાતણ કરવા બેઠા. ને મોઢામાં મૂક્યું ને શ્રીહરિ ચાવવા મંડ્યા ત્યાં લોહી આવી ગયું. પછી ડુંગરજીએ મહારાજને જળનો લોટો આપ્યો તેણે કરીને કોગળા કર્યા.

પછી શ્રીહરિ ને સંતો ગામમાં ગયા. સંતો ઓરડીએ ઉતર્યા, ને શ્રીજી મહારાજ સુતાર નાથાને ઘેર ઉતર્યા. ત્યાં જમીને સંતોની ઓરડી પાસે ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા, ને વેદાંતના અંગની વાત કરી. અને આત્માનંદ સ્વામી તથા પરમચૈતન્યાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી જે, તમો વેદાંતના પ્રશ્નો શીખો. ત્યારે તે ઓરડીમાં બેઠા બેઠા પ્રશ્ન શીખતા હતા. તે વખતે મહારાજની પાસે બાઇઓ આવીને બેઠી. પછી મહારાજે કહ્યું જે, અમારું વચન કોણ માને છે ? અમે સૌનું માનીએ છીએ, જે હમણાં કોઇક કહે જે, મહારાજ ! અમારે ઘેર જમવા પધારો, ત્યારે જાવું પડે છે. ને જો ન જાઇએ તો વિમુખ થાય. પછી આત્માનંદ સ્વામી બોલ્યા જે, કોણ નથી માનતું ? સૌ માને છે. ત્યારે મહારાજે કહ્યું જે, તમે માનો છો ? ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, માનીએ છીએ. તે જેમ કહો તેમ કરીએ છીએ. ત્યાર પછી મહારાજ વાતો કરતાં ધોતીયાંને વળ દેતાં વળ ઊંચો કરીને કહ્યું જે, આ તલવાર છે તે મનાય છે ? ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, હા મહારાજ ! એ તલવાર છે. ત્યારે મહારાજે કહ્યું જે, એ તો ઉપરથી કહો છો. ત્યારે કહે, હે મહારાજ ! ઉપરથી. ત્યારે મહારાજે એમ વાત કરી જે, રામચંદ્રજી જ્યારે લંકામાં ગયા હતા, ત્યારે લક્ષ્મણને બાણ વાગ્યાં ત્યારે મૂર્છા આવી, ત્યારે વૈદ્યે કહ્યું જે, પર્વતમાં સંજીવની છે, તે દિવસ ઊગ્યા પહેલાં આવે તો જીવે, ત્યારે રામચંદ્રજીએ સૌને કહ્યું જે, સંજીવની લાવો, ત્યારે તે લાવવાને કોઇએ હા પાડી નહિ અને હનુમાનજી કહેતાંની સાથે ચાલી નીકળ્યા. તેમ અમે કહીએ જે, ગિરનાર પર્વત ઉપાડી લાવો ત્યારે ચાલી નીકળે પણ ત્યાં જાય ત્યાં સુધી સંકલ્પ ન થાય જે કેમ એ થાશે ? એમ સંકલ્પથી રહિત થકો શેર એકનો પત્થરો ઉપાડી લાવે તો અમે ગિરનાર ઉપાડ્યો માનીએ. પછી મુક્તાનંદ સ્વામી ભુજથી આવ્યા, ને મહારાજ તેમને મળ્યા, ને સંતો પરસ્પર મળ્યા. પછી મહારાજે વાત કરી જે, વચન માન્યું કહેવાય. એવી રીતે માને તે રહે અને ન માને તે અમારી પાસે નહિ. પછી એ વાતની બહું મુઝવણ થઇ. ને મહારાજ કહે, શીદ મુઝાઓ છો ? રાતની રાત તમને મોકળ છે. પછી સંતોએ આખી રાત્રિ વિચાર કર્યો, અને તેને નિરધાર કર્યો જે, મહારાજે કહ્યું છે જે, દિવસ હોય ને અમે કહીએ જે, રાત્રિ છે ને રાત્રિ હોય ને કહીએ જે આ તો દિવસ છે ત્યારે તેમ દેખાવું જોઇએ. આ વાતની અંતરમાં હા પડે છે જે દિવસ છે, પણ બહાર તો રાત્રિ દેખાય છે.

એમ વિચારીને મહારાજ પાસે આવ્યા ને શ્રીહરિ દાતણ કરતા હતા, તે સંતોને આવતા જોઇને હસ્યા ને બોલ્યા જે, શું સમજીને આવ્યા ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! તમો જે કહો છો તેમ અંતરમાં હા પડે છે. પણ બહાર તો દેખાય છે જે દિવસ છે. તે તો ટળતું નથી. ત્યારે મહારાજે કહ્યું જે, અંતરમાં મનાય તે જ ખરું છે, પણ બહાર દેખાય છે તે તો ખોટું છે. પછી તો સંતો રાજી થયા. ને શ્રીજી હસ્યા ને પછી શ્રીજી ને સંતો જમીને ભુજનગર પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે ધુણઇમાં સાધુને જમાડ્યા ને દહીંસરેથી માનકૂવે ગયા ત્યાં ભગવાનના વચનનો મહિમા કહ્યો અને પછી ત્યાંથી ભુજ પધાર્યા એ નામે  પંદરમો અધ્યાય  ૧૫