પૂર્વછાયો- ધર્મભક્તિ અવધપુરે, વર્તે નિર્મલ મન । આનંદમાં દિન જાય છે, પાળે આજ્ઞા ત્રૈણે તન ।।૧।।
અવધપ્રસાદ બોલિયા, સુણો ભાઇ એક વાત । રસોઇ કરવા બેઠાં છે, સુવાસિની મુજ માત ।।૨।।
અંગુઠી કાઢી આંગળીથી, મુકી બાજોઠે એહ । ઘનશ્યામજીયે છાની માની, ઉપાડી લીધી તેહ ।।૩।।
કંદોઇની દુકાને ગયા, ઉમરાવ જેનું નામ । અંગુઠી આપી એહને, બોલ્યા સુંદરશ્યામ ।।૪।।
કંદોઇને કે બરફી આપો, રાખો અંગુઠી ઘેર । ત્યારે અંગુઠી રાખી તેણે, મીઠાઇ આપી શેર ।।૫।।
ચોપાઇ- શ્રીજીયે જાણી એ વાત સત્ય, આને છેતરવાની છે મત્ય । પણ આજ એના જેવો થાઉં, એની મીઠાઇ હું ખાઇ જાઉં ।।૬।।
એના લોભ તણો કરૂં તોડ, જન્મારાની ભુલાવું હું ખોડ । મારો વ્હાલો તે એવું વિચારી, બોલ્યા કંદોઇ પ્રત્યે વિહારી ।।૭।।
જેટલી જમું હું આ મીઠાઇ, તેટલી જ આપો મુને ભાઇ । કૈયે તે પ્રમાણે ખાવા દ્યોને, બીજી વાત બધી જાવા દ્યોને ।।૮।।
પછે તેણે મનમાં વિચાર્યું, બોલ્યો વચન કે બહુ સારૂં । જાણ્યું જે આ બાળક શું ખાશે, અંગુઠીમાંથી તો કામ થાશે ।।૯।।
પોતાની સ્ત્રીને મુદ્રા બતાવી, કરી કિંમત બહુજ ભાવી । શામા કહે સુણો ઘનશ્યામ, આવો બેશો તમે શુભ ઠામ ।।૧૦।।
માંગો તેટલી આપીયે અમો, પણ જમાય તેટલી જમો । પામર તે પ્રભુને શું જાણે, લોભ આધીન થૈ મત તાંણે ।।૧૧।।
લાખો મણ જમીને પચાવે, કોટી બ્રહ્માંડને તે છુપાવે । વાલીડો બેઠા આસન વાળી, પાડી કંદોઇને શિર તાળી ।।૧૨।।
ઘરમાં બેઠા વાળી પલાંઠી, મન ધારી રહ્યા છે અંગુઠી । લોટો પાસે મુક્યો છે સુધારી, ભર્યું છે તેમાં નિર્મલ વારી ।।૧૩।।
મીઠાઇ આપી પાત્ર મોઝાર, જમવા લાગ્યા જીવનસાર । ક્ષણમાત્રમાં તે જમી ગયા, બીજી લેવાને તૈયાર થયા ।।૧૪।।
ત્યારે લાવીને આપી મીઠાઇ, જોતાં જોતાં જમી ગયા ત્યાંઇ । લાવી લાવી આપે નરનાર, પાત્રમાં ન દેખે તલભાર ।।૧૫।।
દોડી દોડી લેવા સારૂં જાય, ખાલીનું ખાલી પાત્ર દેખાય । જેટલી દુકાને ભરી હતી, બધી જમી ગયા પ્રાણપતિ ।।૧૬।।
તેનો ભાઇ રામચરણ એક, તેને ત્યાંથી લાવ્યા છે વિશેક । એવામાં રાજાના દૂત આવ્યા, જાતા હતા સૂર્યકુંડે નાવા ।।૧૭।।
જાતે બ્રાહ્મણ છે બેઉ સંગે, જોવા ઉભા રહ્યા છે ઉમંગે । બીજા આવી મળ્યા ઘણા જન, જુવે વિચારે છે નિજ મન ।।૧૮।।
હલવૈ બંધાણો કોલ કરી, જ્યાં ત્યાંથી લાવે છે ફરી । વેપારીની જે દુકાનો હતી, તેમાં રેવા દીધી નથી રતી ।।૧૯।।
જમતાં જમતાં યોગીનાથ, ફેરવે પેટ ઉપર હાથ । બીજી મીઠાઇ જોયેછે લાવો, નોય તો ગમે ત્યાંથી મંગાવો ।।૨૦।।
બેસાર્યા છે માટે બેઠા છૈયે, હવે ભૂખ્યા રહી નહિ જૈયે । એમ હલવૈને ગભરાવ્યો, ઘરમાં નિજ સ્ત્રી પાસે આવ્યો ।।૨૧।।
સુણો શામા હવે શું કરવું, આતો મોત વિના થયું મરવું । આજ ક્યાંથી મળ્યો આવો જોગ, મારા તો થયા પુરણ ભોગ ।।૨૨।।
દોડી દોડી પગે હું તો પાક્યો, મીઠાઇ લાવી લાવીને થાક્યો । ઘનશ્યામનું પુરું ન થાય, નથી એકે આરો કે ઉપાય ।।૨૩।।
હજું કે છે લાવો જ લાવો, અંગુઠીનો વાળી નાખ્યો દાવો । દુઃખી થઇને બોલી તે દારા, સુણો વચન સ્વામીજી મારા ।।૨૪।।
હવે તો ઘરમાં છે આ ઘૃત, મુકો કુંડલું આગળ તરત । નથી મીઠાઇ તે નક્કી થાશે, તારે તરત ઉઠીને એ જાશે ।।૨૫।।
તેવું સાંભળીને તેમ કર્યું, લાવી કુંડલું આગળ ધર્યું । શ્રીહરિયે દેવને બોલાવ્યા, મર્કટરૂપ ધરીને આવ્યા ।।૨૬।।
કુંડલામાં હતું એકાક્ષર, ખાઇને ખાલી કર્યું સત્વર । થયા અદૃશ આવેલા દેવ, સર્વ લોકે જોયું તતખેવ ।।૨૭।।
હલવાઇ તો વિચાર કરતો, આવ્યો દયાળુ પાસે ડરતો । પગે લાગીને કર્યો પ્રણામ, હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામ ।।૨૮।।
તમે તો છો પોતે રઘુવીર, મારી સાય કરો રણધીર । મારે શરણું છે એક તમારૂં, હવે કરો જેમ થાય સારૂં ।।૨૯।।
કૃપાનાથ કૃપાદૃષ્ટિ કરો, શ્રીહરિ મારૂં સંકટ હરો । એવું સુણી દયા આવી મન, ત્યારે બોલ્યા છે શ્રીભગવન ।।૩૦।।
હવે ન જોયે કાંઇ અમારે, ચિંતા નવ કરવી તમારે । પછે કર મુખ ધોઇ ઉઠયા, ઉમરાવના ઉપર ત્રૂઠયા ।।૩૧।।
હેઠે ઉતર્યા સુંદર-શ્યામ, ધીરા ધીરા ચાલે સુખધામ । ગયા ત્યાંથી ગિરિવરધારી, પામ્યા આશ્ચર્ય સહુ નરનારી ।।૩૨।।
પોતે જમીને તૃપ્ત થયા છે, હળવા રહી ઘેર ગયા છે । કૃપાસાગરે વિચાર કીધો, જમ્યાનો હેમ ચુકાવી દીધો ।।૩૩।।
મોડા ગયા ઘનશ્યામભાઇ, ત્યારે પુછે સુવાસિનીબાઇ । ભાઇ વાત પુછું છું આસમે, મારી અંગુઠી લીધી છે તમે ।।૩૪।।
ઠૌકા થઇ કે ધર્મકિશોર, તમે મુકી હશે કોઇ ઠોર । તમે ભુલી ગયાં હશો જુવો, એમાં અમને શીદ વગોવો ।।૩૫।।
ધર્મભક્તિ કહે મારા તન, અમારી વાત સુણો પાવન । તમે અંગુઠી જો લીધી હોય, પાછી આપો જાણે નહિ કોઇ ।।૩૬।।
ત્યારે બોલ્યા ઇચ્છારામબંધુ, સુણો દાદા તમે કૃપા સિંધુ । અંગુઠી લીધી છે ઘનશ્યામે, તે મેં નજરે દીઠી આ ઠામે ।।૩૭।।
પોતે લીધી છે સર્વથી છાને, માટે કેમ કરી હવે માને । ધર્મદેવ ને બન્ને કુમાર, તરત ઉઠીને આવ્યા છે બાર ।।૩૮।।
ગયા કંદોઇ દુકાન જ્યાંયે, માગે શ્રીહરિ અંગુઠી ત્યાંયે । મારી અંગુઠડી પાછી આપો, મુને તો વઢે છે મારો બાપો ।।૩૯।।
બોલ્યો ઉમરાવ કરી ક્રોધ, વદે મુખથી વાણી વિરોધ । મારો ઘણોક કર્યો બગાડ, બહુભારે કર્યો ભંજવાડ ।।૪૦।।
અંગુઠી પાછી લેવા શું આવ્યા, કહો તમને કોણે ભણાવ્યા । પાસે ઉભા છે પિતા ને બંધુ, તે સુણતાં બોલ્યા ગુણસિંધુ ।।૪૧।।
નથી બગાડ કર્યો મેં કાંઇ, તપાસી જુવો દુકાનમાંઇ । મીઠાઇ બગડી હોય તમારી, પાછી અંગુઠી ન દેશો મારી ।।૪૨।।
એવું સુણી ઉઠયો ઉમરાવ, જુવે દુકાનમાં કરી ભાવ । હતી તેટલી તેવી ભરી છે, સર્વે જાતની આવી ઠરી છે ।।૪૩।।
ઘીનું કુંડલું જોયું છે જેહ, તે પણ ભરેલું દેખ્યું એહ । મીઠાઇ ભરેલી તેણે દીઠી, આપી દીધી છે પાછી અંગુઠી ।।૪૪।।
કરે વંદના બે કરભામી, તમે બલવંત બહુનામી । પછે નમ્ર થયા નરનારી, કહે ધર્મને વાત વિસ્તારી ।।૪૫।।
પુત્રને સંગે લઇ ઘર આવ્યા, ધર્મદેવ એ અંગુઠી લાવ્યા । આપી સુવાસિનીને અંગુઠી, થયા પ્રસન્ન દષ્ટિયે દીઠી ।।૪૬।।
ઉમરાવે વાત મન લીધી, અયોધ્યાવાસી સર્વને કીધી । સ્વામીયે કર્યાં છે કીરતન, બ્રહ્મમુનીયે નિર્મલ મન ।।૪૭।।
તે સમયનો છે તેમાં ભાવ, આપ્યો છે એમાં સત્ય દેખાવ। સુન માત જસોમતિ ગોરી, તેરે લાલને અંગુઠી ચોરી ।।૪૮।।
તેને સત્સંગમાં સહુ ગાય, નરનારી સુખેથી સદાય । સુણજ્યો શ્રોતા વિવેકીજન, કોઇ સંશે ન કરશો મન ।।૪૯।।
આ છે પ્રગટતણાં ચરિત્ર, મહાનિર્મલ પુન્ય પવિત્ર । સાચા સ્નેહથી જે જન સુણે, કાળ કર્મ માયા નવ ૧પુણે ।।૫૦।।
સત્ય માનીને જે કોઇ ગાશે, મુક્ત થઇ બ્રહ્મમોલમાં જાશે। કોટી અશ્વમેઘ યજ્ઞા કરે, સર્વ તીરથમાં પોતે ફરે ।।૫૧।।
વળી જપ તપ અનુષ્ઠાન, તે નાવે આ ચરિત્ર સમાન । માટે મુકી દેવો મતવાદ, સુણો લીલા તજીને પ્રમાદ ।।૫૨।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે અંગુઠીની મીઠાઇ લઇ ખાધી એ નામે ચાલીશમો તરંગ ।।૪૦।।