તરંગ - ૫૬ - શ્રીહરિ સખાયે સહિત ઘેરાયા ચૌદશ રમ્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:03pm

 

પૂર્વછાયો - આંબલી તળે ચોતરે, કથા સુણે ઘનશ્યામ । દેવ સકળ ત્યાં આવીયા, કથા માટે અભિરામ ।।૧।।

હરિપ્રસાદના મુખથી, સુણે કથા રસ સાર । એકાગ્રચિત્તે સાંભળતાં, થૈ છે કેટલીક વાર ।।૨।।

એવે સમે પ્રેમવતીયે, શેવો વણી છે ત્યાંયે । આંગણા આગે પ્રથમથી, સુકવી છે ચોકમાંયે ।।૩।।

ત્યારે કથાની સમાપ્તિ થૈ, અમર ઉઠીને જાય । પોતપોતાને વિમાને બેઠા, તેનો ઘડેડાટ થાય ।।૪।।

શબ્દ સુણીને ભક્તિ કે છે, જુવો સુવાસિની આજ । શેવો તપાસો પાસે જઇ, બગાડે ન કોઇ કાજ ।।૫।।

ચોપાઇ - સુવાસિની ઉઠયાં તતખેવ, બારે આવીને જુવે છે શેવ । ત્યાંતો દેખ્યા છે સઘળા દેવ, સુવાસિનીયે અવશ્યમેવ ।।૬।।

ભક્તિમાતાને બોલાવ્યાં બાર્ય, તમે આવીને જુવો આઠાર । હાલ સર્વે શેવો ખાઇ જાશે, પછી આપણું કામ શું થાશે ।।૭।।

એવું સુણીને આવ્યાં છે માતા, જુવે નજરેથી સુખદાતા, જોત જોતામાં અદ્રશ થયા, આકાશમાર્ગે અમર ગયા ।।૮।।

વિસ્મે પામીને માતા વિચારે, કોણ આવ્યું હશે આંણીવારે । કથા સુણે છે ભૂપના ભૂપ, તતકાળ ધર્યું બીજું રૂપ ।।૯।।

માતા પાસે આવ્યા છે મોહન, વદે અતિમધુરાં વચન । એતો અમારી ઇચ્છાને બળે, સર્વે દેવ આવ્યાતા આ સ્થળે ।।૧૦।।

ધર્મશાસ્ત્ર વાંચેછે જે ધર્મ, કથા સુણવા આવ્યાતા પર્મ । કથા સુણી પાછા ગયા દેવ, કરૂં છું વારતા સત્યમેવ ।।૧૧।।

એવું કહી થયા અંતર્ધાન, એવી લીલા કરે ભગવાન । મૂળરૂપે સભામાં બિરાજ્યા, કોટી કોટી બ્રહ્માંડના રાજા ।।૧૨।।

એવું અદ્બુત આશ્ચર્ય જોઇ, ધર્માદિક રહ્યા મનમોઇ । પછે કથાની સમાપ્તિ કરી, ધર્મદેવ બેઠા છે ત્યાં ઠરી ।।૧૩।।

ઘેલા ત્રવાડી લાવ્યા છે દૂધ, વૃષદેવે પીધું છે તે શુદ્ધ । પય પીધું થયા તૃપ્ત મન, ત્યાં ને ત્યાં કર્યું ધર્મે શયન ।।૧૪।।

હવે શ્રીહરિ સખાને સંગ, રમવા ચાલ્યા કરી ઉમંગ । તે દિને હુતાસની છે સાર, ફરે છે પ્રભુ પુર મોઝાર ।।૧૫।।

કાષ્ઠ ભેગાં કરે સખા સાથ, લાવી નખાવે છે ઝાંપે નાથ । એમ કર્તાં નિશા થઇ જ્યારે, પ્રભુજી ઘેરે પધાર્યા ત્યારે ।।૧૬।।

આવીને બોલ્યા છે સન્મુખ, દીદી અમને તો લાગી ભુખ । ત્યારે માતા કહે મારા તન, થોડી વાર ધીર ધરો મન ।।૧૭।।

લાલજીને જમાડીએ અમો, પછે જમવા બેસો ને તમો । ત્યારે બોલ્યા છે પ્રાણજીવન, સુણો માતાજી સત્ય વચન ।।૧૮।।

બોલતા લાલજી આ પ્રત્યક્ષ, તેને જમાડો આજે સમક્ષ । એટલે થશે એ લાલ રાજી, સાચું માની લેજ્યો તમે માજી ।।૧૯।।

એવું મર્મનું બોલ્યા વચન, પણ માતા ન સમજ્યાં મન । એટલામાં તો ઇંદિરા આવ્યાં, થાળમાં શેવો ભરીને લાવ્યાં ।।૨૦।।

ઘૃત સાકર કેરી અથાણું, કારેલાંતણું શાક વખાણું । વળી પાપડ સુંદર સાર, તેના સ્વાદતણો નહિ પાર ।।૨૧।।

થાળ મુકી પ્રભુજીને આગે, ૧તોયધિતનયા પગે લાગે । હરિકૃષ્ણ જમે રૂડી રીતે, પાસે ઉભાં છે લક્ષ્મીજી પ્રીતે ।।૨૨।।

તે સમે સુવાસિની સોહાવ્યાં, સુર્જામામીને ઘરેથી આવ્યાં । શેવો જમતા જોયા શ્રીશ્યામ, સુવાસિની બોલ્યાં છે તે ઠામ ।।૨૩।।

હે બાઇજી કહું એક વાત, ભાઇ શેવો જમે છે સાક્ષાત । તેશું આપણે આજ કરી છે, પ્રભુના થાળમાંહી ધરી છે ।।૨૪।।

માતા ઘરમાં કામ કરે છે, થાળ ઠાકોરજીને ધરે છે । તેવાં તરતજ આવ્યાં છે બાર્ય, જોયાં લક્ષ્મીજીને તેણી વાર ।।૨૫।।

પગે લાગીને થયાં પ્રસન્ન, કહ્યું સિંધુસુતાને વચન । તમે ભલે પધાર્યાં છો આજ, થાળ લાવ્યાં કર્યું રૂડું કાજ ।।૨૬।।

સિંધુસુતા બોલ્યાં તેહ વાર, માજી તમે કરી ઘણીવાર । ભુખ્યા થયાતા શ્રીભગવાન, પોતે ઇચ્છા કરી બળવાન ।।૨૭।।

મુને આવ્યે બહુ થઇ વાર, જમાડયા નાથને નિરધાર । તમારા પુત્ર જમી રહ્યા છે, ચળુ માટે તૈયાર થયા છે ।।૨૮।।

જળપાન કરાવોજી તમે, રજા માગીને જાઇશું અમે । એવું કૈ જાવા થયાં તૈયાર, ત્યારે બોલ્યા છે જગદાધાર ।।૨૯।।

કાઠિયાવાડ દેશની માંયે, એભલ ખાચર ઘરે ત્યાંયે। જન્મ ધારણ કરશો તમે, ત્યાં આવીને મળીશું જ અમે ।।૩૦।।

એમ ઇંદિરા તે આજ્ઞા પામી, થયાં અદૃશ મસ્તક નામી । પછે બીજે દિવસે નિર્ધાર, પ્રગટી હુતાશની તે વાર ।।૩૧।।

કેરીયો રાયણાંના જે હાર, કરી મુક્યાતા ધર્મકુમાર । હુતાશનીમાં તે પધરાવ્યા, અગ્નિદેવને વ્હાલે વધાવ્યા ।।૩૨।।

ચારે કોરે પ્રક્રમા ફરે છે, એવી લીલાયો લાલ કરે છે । સુવાસિની ને સુરજાબાઇ, બીજી બાયું ઘણી આવી ત્યાંઇ ।।૩૩।।

ધાણી ચણેથી અગ્નિ વધાવ્યો, જોયે તે ઉપચાર ધરાવ્યો । ચંદ્રમાનાં કર્યાં છે દર્શન, ગયાં પોતપોતાને ભવન ।।૩૪।।

શેવો આદિ છે પુરી કચોરી, ભક્તિમાતાયે તૈયાર કરી । બીજી રસોઇ નાના પ્રકાર, શ્રીહરિને જમાડયા તેવાર ।।૩૫।।

પછે સર્વે જમ્યા રૂડી પેર, એમ વર્તે છે આનંદભેર । વળી એક સમે ઘનશ્યામ, સખાની સંગાથે સુખધામ ।।૩૬।।

નારાયણ સરોવર તીર, ગયા રમવા સારૂં સુધીર । રમતાં રમતાં લાગી વાર, દિન અસ્ત થયો છે તે ઠાર ।।૩૭।।

તોય ઘેર નાવ્યા કીરતાર, મૂર્તિમાતા કરે છે વિચાર । પછે ભાઇને કે તમે જાવો, પ્રભુજીને ઘરે તેડી લાવો ।।૩૮।।

સર્વે રસોઇ થૈછે તૈયાર, હજુ આવ્યા નથી એ કુમાર । એવું સુણી માતાનું વચન, સોટી ઝાલીને ચાલ્યા જોખન ।।૩૯।।

ગયા નારાયણસરતીર, ત્યાં બેઠા છે ગુણના ગંભીર । સુખનંદનના અંગમાંય, રમતાં રમતાં વાગ્યું ત્યાંય ।।૪૦।।

તેની પાસે બેઠા છે દયાળ, ત્યાંતો આવી પોક્યા અહિપાળ । બહુનામીયે દેખ્યા જ્યાં બંધુ, ત્યાંથી તરત નાઠા સુખસિંધુ ।।૪૧।।

ઘેર આવ્યા છે શ્વાસ ભરાયા, જાણે ભયભીતા ગભરાયા । ભક્તિમાતા કહે અવિનાશ, કેમ આવડો ચડયો છે શ્વાસ ।।૪૨।।

આવા ઉતાવળા ક્યાંથી આવ્યા, મારા લાડકડા મન ભાવ્યા । વ્હાલો બોલ્યા છે મુખે વચન, દીદી સુણો કહું છું શુભ મન ।।૪૩।।

ભાઇ મારવા આવ્યા અમને, સાચી વાત કહું છું તમને । એમ કહીને કર્યું છે સ્નાન, ઘરમાં ગયા શ્રીભગવાન ।।૪૪।।

એટલે આવ્યા ભાઇ જોખન, પુછે માતાને નિર્મલ મન । ઘનશ્યામ આવ્યા છે કે નહિ, સાચી વાત કહો મુને સહી ।।૪૫।।

માતા બોલ્યાં છે હર્ખિને મન, ક્યારના આવ્યા છે ભગવન । જમવા બેઠા રસોડામાંયે, તમે ચાલો જમવાને ત્યાંયે ।।૪૬।।

રસોડા મધ્યે ગયાં છે માતા, ત્યાં તો દેખ્યા નહિ સુખદાતા । સુવાસિનીને માતાજી પુછે, લાલજી નથી કારણ શું છે ।।૪૭।।

ઘરમાં આવ્યાતા ઘનશ્યામ, વળી નાશી ગયા કોણ ઠામ । સુવાસિની કહે છે તે કથી, આંહી નટવર આવ્યા નથી ।।૪૮।।

ઘણીવારથી જોઉંછું વાટ, બેઠી બેઠી કરૂં છું ઉચાટ । એવું સુણી વચન અધીર, ભક્તિમાતા થયાં દિલગીર ।।૪૯।।

બોલ્યાં ગદગદ કંઠે મન, તમો ક્યાં સંતાણા પ્યારા તન । ડોલરીયાજી છાંના શું ડોલો, જ્યાંહાં બેઠાહો ત્યાં થકી બોલો ।।૫૦।।

તમને મારે નહિ મોટાભાઇ, સાચું કહું છું સમ ખાઇ । ખેદ ભરેલું સુણી વચન, દયા આવી દયાળુને મન ।।૫૧।।

મેડી ઉપરથી મહારાજ, હેઠે પધાર્યા છે સુખસાજ । નિર્ભે થકા આવ્યા છે ત્યાં હેઠા, ભાઇ પાસે તે જમવા બેઠા ।।૫૨।।

ત્યારે સર્વે થયાં મન શાન્ત, માતાપિતાને થઇ નિરાંત । દિવ્યરૂપ સદા છે પવિત્ર, કરે મનુષ્યાકૃતિ ચરિત્ર ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ સખાયે સહિત ઘેરાયા ચૌદશ રમ્યા એ નામે છપનમો તરંગ ।।૫૬।।