પૂર્વછાયો - છુપૈયાનો મહિમા રૂડો, લહે નહિ કોઇ અંત । રાત દિન લીલાઓ કરે, જ્યાં બહુનામી બલવંત ।।૧।।
મેઘ ન વર્સ્યો એક સમે, ઘણા દિન પડી તાણ । મેઘ ઉજાણી નીકળવા, કર્યો વિચાર પ્રમાણ ।।૨।।
ચોપાઇ - ધર્મ ભક્તિને રામપ્રતાપ, હરિકૃષ્ણ વસરામ આપ । મોતીત્રવાડી સુરજાબાઇ, વીરજાત્રવાડી લક્ષ્મી ત્યાંઇ ।।૩।।
એ આદિક બીજા ઘણા જન, સંબંધી સાથે નિર્મલ મન । બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્ય વેપારી, કુટુંબી સહિત નિર્વિકારી ।।૪।।
સર્વે નીકળ્યા પુરથી બાર્ય, ઉજાણી જવા મન વિચાર । મીનસાગર કાંઠે પાવન, ત્યાં ચુડહાનામે રૂડું વન ।।૫।।
તેમાં જઇ કર્યો છે પડાવ, નરનારીનો ત્યાં ઘણો ભાવ । ગામ સુરવાળના જન આવ્યા, ધર્મદેવતણે મન ભાવ્યા ।।૬।।
મથુરા મલ્લ કાયથ જેહ, નામ મખનલાલ છે તેહ । કૃષ્ણદત્ત ઠાકોરપ્રસાદ, આવ્યા સર્વે તજીને પ્રમાદ ।।૭।।
કર્યો મુકામ તેમણે ત્યાંયે, છુપૈયાપુર વાસી છે જ્યાંયે । મેઘઉજાણી માટે તે મળ્યા, ચુડહાવનમાં આવી ભળ્યા ।।૮।।
કૃષ્ણદત્ત પાંડે આદિનામ, મળ્યા ધર્મને ભેટયા તમામ । કર્યો આદર બહુ સત્કાર, બેઠા ધર્મ પાસે તેણીવાર ।।૯।।
હરિપ્રસાદજી તેહ ઠાર, કરે શાસ્ત્રની વાત વિચાર । ભારતાદિક જે ઇતિહાસ, તેની વાત કરે છે હુલ્લાસ ।।૧૦।।
બીજી બાયું કરે છે રસોઇ, અતિઆનંદથી પ્રીત પ્રોઇ । જ્યારે રસોઇ થઇ તૈયાર, કર્યાં નૈવેદ્ય સુંદર સાર ।।૧૧।।
મેઘરાજાને મન સંભારી, બેઠા જમવા ત્યાં નરનારી । જમીને ચળુ કર્યાં છે ત્યાંયે, પાનબીડાં લીધાં મુખમાંયે ।।૧૨।।
બેઠા આવીને ધર્મની પાસ, ઉરમાં કરી ઘણો હુલ્લાસ । એવે સુરવાળે બની વાત, અગ્નિ લાગી ઉઠયો અકસ્માત ।।૧૩।।
ઉંચી જ્વાળાઓ ચાલી ગગન, ભયભીત થયાં બહુ મન । ગામ કેડે સઘળે વિટાયો, પ્રજ્વલિત પ્રકાશ દેખાયો ।।૧૪।।
લીલા પીળા રાતા રંગ થાય, જાંબુવર્ણે તે વહ્નિ દેખાય । અગ્નિએ ગામને ઘેરી લીધું, જાણે બાળીને ભસ્મજ કીધું ।।૧૫।।
સુરવાળતણાં વાસી જન, તેનાં ઉદાસી થયાં છે મન । કૃષ્ણદત્ત પાંડે આદિ જેહ, હાહાકાર કરે સહુ તેહ ।।૧૬।।
ઉભા થઇ કરે છે પોકાર, ત્રાસ પામ્યા છે સહુ અપાર । બબે હાથ ઉંચા કરી કે છે, ઇષ્ટદેવનાં નામ જ લેછે ।।૧૭।।
હે રઘુપતિ હે રામચંદ્ર, હે મારૂતી તમે છો બલીન્દ્ર । આવા સંકટે કરો સહાય, હવે તો નથી બીજો ઉપાય ।।૧૮।।
અમે તો તમ શરણ રૈયે, વળી તમારાં બાળક છૈયે । એવી સર્વની સુણીને ગીર, ધર્મદેવ આપે છે ત્યાં ધીર ।।૧૯।।
તમે ગભરાશો નહિ મન, રક્ષા કરશે શ્રીભગવન । ઘનશ્યામે જાણી લીધું મન, કર્યું પિતાનું સત્ય વચન ।।૨૦।।
એમ જાણી ઇચ્છા ઉર લાવી, ચંદનપુષ્પ વૃષ્ટિ કરાવી । વ્હાલાએ વહ્નિ બુઝાવી નાખ્યો, સુરવાળતણો રંગ રાખ્યો ।।૨૧।।
એમ પ્રગટ પર્ચો દેખાડયો, અગ્નિને તરત શાન્ત પમાડયો । માટે અદ્બુત ચરિત્ર જોઇ, સર્વે લોક રહ્યાં મનમોઇ ।।૨૨।।
કૃષ્ણદત્ત આદિ થયા મગ્ન, કહે ધર્મને થૈ એક લગ્ન । અગ્નિ શાન્ત પડી ગયો આજ, તમારા પ્રતાપે મહારાજ ।।૨૩।।
ધર્મદેવ કહે સુણો વાત, તેની વિક્તિ બતાવું વિખ્યાત । અગ્નિ શાન્ત પમાડયો છે જેણે, કરી સંકટે સહાય તેણે ।।૨૪।।
તેનાં દર્શન થાય તમને, એવો નિશ્ચે થયો છે અમને । સુરવાળ તરફથી એવ, આવતા દેખ્યા શ્રીવાસુદેવ ।।૨૫।।
કંઠે પુષ્પના હાર અપાર, પેરી લીધા છે નાના પ્રકાર। પુષ્પની ભરેલ બે છડીયો, પ્રભુજીયે કર પકડીયો ।।૨૬।।
એવા આવે છે ધર્મકુમાર, દેખી ઉભાં થયાં નરનાર્ય । દોડીને ગયા તે સામા સર્વ, પગે લાગી બોલ્યા તજી ગર્વ ।।૨૭।।
હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, અમને ઉગાર્યા આણે ઠામ । માટે તમે છો પૂરણબ્રહ્મ, અમે જાણી લીધો એહ મર્મ ।।૨૮।।
એમ કહીને સર્વસંગાથ, આવ્યા ધર્મ સમીપે સનાથ। ધર્મ પાસે જુવે સહુ જન, પાસે બેઠા દીઠા ભગવન ।।૨૯।।
પામ્યા આશ્ચર્ય જોઇ બે રૂપ, આતો અકળ વાત અનુપ । હરિપ્રસાદના છે જે તન, બન્ને રૂપે થયા બલવન ।।૩૦।।
એકરૂપે પિતા પાસે રયા, બીજે રૂપે સુરવાળ ગયા । ત્યાં જઇને એ અગ્નિ બુઝાવ્યો, દુઃખ ડુંગર પાછો હઠાવ્યો ।।૩૧।।
પરસ્પર કહે ધરી પ્રીત, ખોટી નથી આ વાત ખચીત। એમ કે છે અન્યો અન્ય જન, થયા એકરૂપે ભગવન ।।૩૨।।
એવું ચરિત્ર જોઇ તે ઠાર, પામ્યા આનંદ જન અપાર । પ્રભુપણાનો નિશ્ચય થયો, સર્વેનો સંશય ટળી ગયો ।।૩૩।।
મહાપ્રભુને કર્યા પ્રણામ, ગયા પોતપોતાતણે ગામ । સૃષ્ટિમાંહી વૃષ્ટિ થવા લાગી, ભીડ સર્વે જનોની ત્યાં ભાંગી ।।૩૪।।
જયકાર કરે સહુ લોક, સર્વે જનના ટળીયા શોક । પિતા આદિ સાથે મહારાજ, છુપૈયામાં આવ્યા સુખસાજ ।।૩૫।।
અગ્નિ બુઝાવ્યો આવ્યો પર્જન્ય । તેથી હર્ષ વધ્યો ઘણો મન । વળી બોલ્યા અવધપ્રસાદ, સુણો રામશરણ સંવાદ ।।૩૬।।
મંગલકારી શ્રીઘનશ્યામ, મનોહર મૂર્તિ સુખધામ । કરી લીલા બળેવને દિન, તેની વાત કરૂં છું નવિન ।।૩૭।।
બંધુ પિતા સંગે બહુનામી, સ્નાન કરવા ચાલ્યા છે સ્વામી । પ્રાતઃકાળમાં તૈયાર થયા, નારાયણસરોવરે ગયા ।।૩૮।।
શૌચવિધિ કર્યો છે જે ત્યાંય, સ્નાન કાજ પેઠા જળમાંય । સારી રીતે કર્યું છે મજ્જન, પછે બાર્ય આવ્યા ભગવન ।।૩૯।।
તેસમે આવ્યા દેવ અનંત, વસ્ત્ર ઘરેણાં લઇ મહંત । તે પેરાવ્યાં પ્રભુજીને અંગે, કરે સ્તવન ઉર ઉમંગે ।।૪૦।।
બોલે નમ્ર થઇને તે દેવ, સુણો અક્ષરાધિપતિ એવ। રૂડો બળેવનો દિન આજ, માટે આજ્ઞા આપો મહારાજ ।।૪૧।।
પૂજા કરવાની ઇચ્છા અમને, કરીયે પ્રારથના તમને । ત્યારે શ્રીહરિ કે બહુ સારૂં, આવો પૂજા કરો તમે વારૂ ।।૪૨।।
પાસે આવ્યા છે અમર પ્રીતે, પૂજાઓ કરી છે રૂડી રીતે । રક્ષાબંધન કર્યાં તે કાળે, કંકુ ચાંદલા કર્યા છે ભાલે ।।૪૩।।
પગે લાગી સામા ઉભા રહ્યા, સર્વે દેવ સંતોષીત થયા । એક બીજાને કે વળી ખ્યાત, ચાલી છુપૈયાપુરમાં વાત ।।૪૪।।
દોડી દોડી આવ્યાં નરનારી, જુવે જ્યાં રહ્યા છે સુખકારી । રાખડીયેથી ભરાયા હાથ, ત્યારે વિચારે છે યોગીનાથ ।।૪૫।।
કોટિશીર્ષા સ્વરૂપ સોહાવ્યું, અતિ અદ્બુત વપુ બતાવ્યું । હજારો હજારે મુખ જોય, અવયવ સોત થયા સોય ।।૪૬।।
અલૌકિક થયાં છે દર્શન, દેવાદિ થયા સર્વ પ્રસન્ન । બાકી રહ્યાતા બીજા જે દેવ, તેમણે પૂજા કરી છે એવ ।।૪૭।।
કંકુ ચાંદલા કર્યા અપાર, બાંધી રક્ષાયો સુંદર સાર । પગે લાગી ઉભા કરી પ્રેમ, નારાયણસરોવરે એમ ।।૪૮।।
મરાળવેષ્ટિત જેમ સર, એવા શોભી રહ્યા યોગીવર । સરોવર પાછળે સઘળે, થઇ ભીડય દેવની તે સ્થળે ।।૪૯।।
ઇશના ઇશ કાળના કાળ, દેવના દેવ ધર્મના બાળ । કરે પ્રારથના સહુ દેવ, વળી પુષ્પ વરસાવે એવ ।।૫૦।।
તે ટાણે શ્રીહરિ બલવન, બોલ્યા પિતાના પ્રત્યે વચન । હે પિતાજી ચાલો જૈયે ઘેર, કરો બેઠક ત્યાં રૂડીપેર ।।૫૧।।
એવું સુણીને હરિપ્રસાદ, ત્યાંથી ઉઠયા છે આણી આહ્લાદ । બેઉ પુત્ર સહિત પાવન, સાથે બીજા છે હજારો જન ।।૫૨।।
આવ્યા ઘર આગે ચોક જ્યાંયે, આંબલીહેઠે ચોતરો ત્યાંયે । કોટિશીર્ષા બેઠા છે તે સ્થળે, ત્યારે ભાભી આવ્યાં છે તે પળે ।।૫૩।।
બીજી બાયું ભરાણી છે ઘણી, શોભા જુવે છે શ્રીહરિતણી । અલૌકિક સ્વરૂપ દેખાય, સુવાસિની આદિ હરખાય ।।૫૪।।
તેવે સમે આવ્યા છે ગણેશ, સુધી બુધી સહિત જ એશ । લક્ષ લાભ બેઉ પુત્ર સંગે, નિજવાહન સોત ઉમંગે ।।૫૫।।
આવતા જોયા શ્રી અવિનાશે, ઉભા થૈને મળ્યા અવકાશે । ૧શૈલસુતા સુતે પૂજ્યા હરિ, કરે પ્રારથના ફરી ફરી ।।૫૬।।
દુંદુભીતણા શબ્દ અપાર, થવા લાગ્યા આકાશ મોઝાર । અતિ આનંદ આનંદસાર, થઇ રહ્યો જય જયકાર ।।૫૭।।
પછે આજ્ઞા માગીને ૨ત્રિદશ, થયા આકાશ માર્ગે અદૃશ્ય । શ્રીહરિયે ધર્યું મૂળરૂપ, બેઠા બાળકરૂપે અનુપ ।।૫૮।।
મહા અદ્બુત દેખ્યું ચરિત્ર, સહુ જન થયાં છે પવિત્ર । ગયાં પોતપોતાને ઠેકાણે, પ્રભુના પ્રભુ હરિને જાણે ।।૫૯।।
નારાયણસર છે પરવ, સર્વતીર્થમય જાણો સરવ । વિપ્રબળેવને દિન જાય, એહ સરોવરમાંહિ નાય ।।૬૦।।
બાંધે રાખડીયો શુભ મન, તેપર હરિ થાશે પ્રસન્ન । ધર્મ અર્થ મોક્ષ અને કામ, આપે ચાર પદારથ શ્યામ ।।૬૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે ધર્માદિક ચુડહાવનમાં મેઘઉજાણી કરવા ગયા એ નામે અઠાવનમો તરંગ ।।૫૮।।